DIAMOND CITY NEWS, SURAT
કેવો પૈસો પરમેશ્વર છે? વાંચો “શ્રી સૂક્તમ્”
પૈસો ઋતુઓ ખરીદી શકતો નથી પણ ઠંડીમાં ગરમી અને ગરમીમાં ઠંડક પૈસા થકી મેળવી શકાય છે! પૈસો ખુશી ખરીદી શકતો નથી પણ એનાથી મનગમતી સ્મૃતિઓ ચોક્કસ કમાઈ શકાય છે! પૈસો સ્વાસ્થ્ય ખરીદી શકતો નથી પણ એ સાજા થવાના માટેના સર્વશ્રેષ્ઠ વિકલ્પો જરૂ૨ હાજ૨ કરે છે! પૈસો પ્રતિષ્ઠા ખરીદી શકતો નથી, પણ આબરૂને લાગેલો ધબ્બો ભૂંસવા માટે એ બેસ્ટ ક્લીનર પુરવાર થાય છે! પૈસો સુખ ખરીદી શકતો નથી પણ દુઃખનાં કારણો જાણવા માટે નિષ્ણાતોને પેમેન્ટ તો ચૂકવી જ શકે છે! પૈસો ‘માંહ્યાલાજી મોજ’ ખરીદી શકતો નથી પણ તે મુશ્કેલીઓ સહેવા માટે બેટર એન્વાયરનમેન્ટ પુરૂં પાડી શકે છે. પૈસો ‘છઠ્ઠી ઈન્દ્રિય’ ખરીદી શકતો નથી, પણ પહેલી પાંચ ઈન્દ્રિયોને વિકસિત અને પ્રશિક્ષિત કરી શકે છે. (જેથી છઠ્ઠી ઈન્દ્રિય વગર પણ મજાનું જીવન જીવી શકાય.) પૈસો પ્રેમ ખરીદી શકતો નથી, પણ પરણવા માટે આબોહવા જરૂર રચી શકે છે! પૈસા પાસે વાણી નથી છતાં પણ જ્યારે એ બોલે છે, સૌ ચૂપ થઈ જાય છે! પૈસો ‘માણસ’ સર્જી શકતો નથી પણ ઈશ્વર-સર્જિત માનવને આખરી ઓપ આપવાનું કામ પૈસા થકી કરી શકાય છે! પૈસો મૃત્યુ અટકાવી શકતો નથી, પણ સ્વજનોની જિંદગી સ્મૂધ બનાવી શકે છે! પૈસો શ્વાસો ખરીદી શકતો નથી, પણ એ તો ગરીબીય ક્યાં ખરીદી શકે છે?!
પૈસા એ ખરેખર અત્યંત ખરાબ વસ્તુ બની જાય છે, જ્યારે એ પોતાના નહીં બીજાના એકાઉન્ટમાં હાજર હોય…
પરમેશ્વર, પ્રેમ અને પૈસો એક સંપૂર્ણ વર્તુળ છે. ત્રણેય સદા તાજા રહેનારા વિષયો છે. ત્રણેય સદાય ડિમાન્ડમાં રહે છે અને નવાઈની વાત એ છે કે ત્રણેય વિશેનાં વક્તવ્યો એકબીજાથી તો વિરોધી છે જ, ઉપરાંત એ દરેક વિષયનાં મંતવ્યો પણ વ્યક્તિ, સમાજ અને દેશ-કાળ મુજબ એટલાં ભિન્ન હોઈ શકે છે કે બે માન્યતા વચ્ચે ક્યાંય સ્નાનસૂતકનો પણ સંબંધ ન દેખાય! પરમેશ્વર વિશે હજ્જારો દંતકથાઓ અને ફિલોસોફીઓ છે, તો પ્રેમ વિશેના ખ્યાલો પણ બે છેવાડે ઊભા રહી જાય છે અને પૈસો. એની તો વાત જ ન્યારી. ગજવે-ગજવે ‘ધન-ગીતા’ના સૂર બદલાય !
દિવાળી નજીક છે, ત્યારે વાત પૈસાની કરીએ. કોઈ માને કે ન માને, વાત જ્યારે પૈસાની આવે ત્યારે લગભગ સૌનો ધર્મ એક જ બની જાય છે.
‘પૈસો મારો પરમેશ્વર’ ગાવું પડતું નથી, વગર ગાયે પણ દરેકનો લય એ જ રહે છે. અને કેમ નહીં?! પૈસો છે જ એટલો પાવરફૂલ, પ્રતિષ્ઠિત અને અપરંપાર મહિમામંડિત કે તેના વગર ડગલુંય મંડાતું નથી.
માન્યામાં ન આવતું હોય તો સવારે ઉઠો ત્યારથી માંડીને દરેક ક્રિયા વખતે જેનો ઉપયોગ થાય છે, એ તમામની યાદી બનાવી જુઓ. એ બધાની કોઈ ને કોઈ ‘માર્કેટ વૅલ્યુ’ છે. જેને માટે ખણખણિયાં ખરચવાં પડે છે. ઔ૨ તો ઔર, ઘરમાં મંદિરે બેસો ત્યારે જરા જોજો : મંદિર, દેવી-દેવતાઓની મૂર્તિઓ, અગરબત્તી, બાકસ, ઘી, વાટ, ધૂપ-દીપ, કંકુ-ચોખા, ફૂલ-હાર, માળા, પ્રસાદ, શ્રીફળ, આસન, ધર્મગ્રંથો વગેરે એ બધું કંઈ આસમાનથી ટપકતું નથી, ખરીદવું પડે છે ને તેને માટે પૈસા – ધનને રન કહેવું પડે છે!
પૈસાની શક્તિનો પરચો અને પરિચય એ કોઈને આપવાની બાબત નથી, સ્વાનુભવે સૌ જાણે છે, છતાં જો કોઈને હજુ પૈસો હાથનો મેલ લાગતો હોય તો એણે પૈસાથી શક્તિનું પ્રદર્શન ન થાય એવા લિબાસ સાથે રૂપિયા ઉછીના માગવા જવું જોઈએ, કારણ કે ત્યારે ભલભલા લોન દેનારા પોતાના વકીલની સલાહ લે છે…ને જો કદાચ ભૂલેચૂકે પોતાનો વકીલ ‘હા’ પાડી દે, તો એ જરાય શરમ ભર્યા વગર બીજા વકીલને પૂછી લે છે!
પૈસા બાબતે સલાહ આપનારા એમ કહેતા હોય છે કે એવા બે લોકો સાથે પૈસા બાબતે ચર્ચા ન કરવી – એક કે જે તમારા કરતાં વધારે રૂપિયો ધરાવે છે અને બીજા એવા લોકો જેમની પાસે તમારા કરતાં ઓછા રૂપિયા છે!
એમ તો એવુંય કહેવાય છે કે સ્ત્રીને ઉંમર ને પુરુષને કમાણી પૂછાતાં નથી, કારણ કે બંને સુપર સેન્સીટીવ મુદ્દા છે. વાત માંડો ક્યાંથી અને પતે ક્યાં, કહેવું સંભવિત નથી ને જે કહેવાઈ ગયું હોય છે, એ સ્ત્રીથી કે પુરૂષથી સહેવાતું નથી ને વળી રહેવાતું પણ નથી, જ્યાં સુધી માણસ ‘ઈનફ મની’ ધરાવે છે.
(જોકે, એના જેવો કોઈ કોન્સેપ્ટ જ નથી, કારણ કે મની ક્યારેય ‘ઈનફ’ હોતા જ નથી) જ્યાં સુધી તે અમીર છે કે ગરીબ ‘હૂ કૅયર્સ’? કહેવાનો અર્થ એ કે, મોટી આવક એ મોટા માણસ બનવા માટેની સરસ ચાવી છે. ‘પૈસો’ ને પછી માણસ અંદરથી અમીર છે કે ગરીબ કોઈ પૂછતું જ નથી!
ભારતીયોની શોમૅનશીપ લાજવાબ છે. છાશ જોઈએ છે ને દોણી સંતાડવી છે. પૈસાનું ગાંડપણ સરાજાહેર છે પણ કબૂલાત તો અંગત વાતોમાંય નથી. તો કારણ શું છે?! એ દેશ કે જેણે કૌટિલ્યને જન્મ આપ્યો, દાદાભાઈ નવરોજી આપ્યા, ધીરૂભાઈ અંબાણી પેદા કર્યા, તાતા, બિરલા ને ભામાશા જેવા નામનો પ્રકાશ વેર્યો, એ દેશ પૈસાને સરેઆમ હડધૂત કરનારો કેમ બન્યો? જે દેશ રીતસર લક્ષ્મીનો પૂજક ને ઉપાસક છે, એ દેશમાં લક્ષ્મીની અવહેલના શા માટે? શા માટે ભારતીય સંસ્કૃતિને માથે ‘અભૌતિક’ હોવાની ટીલી લાગી ગઈ? શા માટે ભારતીયોને ભોગ કરતાં ‘ત્યાગ’ અને ‘આ લોક’ કરતા ‘પરલોક’ વધુ વહાલા છે, તેવી ‘છાપ’ પડી ગઈ?
ભારતીય અર્થવિચારનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ આ માન્યતાઓને પુષ્ટિ આપતો નથી. ભારતે તો સમાજવિકાસ, ઉન્નત જીવનશૈલી અને માનવતાના સંરક્ષણાર્થે અર્થશાસ્ત્રને હંમેશાં ઊંચો દરજ્જો અને ગરિમા આપ્યાં છે, પણ ભારત પર થયેલા વિદેશીઓના આક્રમણ પછી લાચાર અને મજબૂર ભારત દીન અને હીન બનતું ગયું ને પરિણામે (પૈસાની) ‘શક્તિ’ની ઉપાસના ને આરાધના કરનારો સમાજ ‘ભક્તિ’માં સરી પડ્યો, જે કાળક્રમે વેવલાઈ સુધી પહોંચી ગયો ને પૈસાથી દૂર થતો ગયો. ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં ‘અર્થવિચા૨’ જ્ઞાનનો એક સોર્સ ગણાતો હતો. પણ ગાડરિયા પ્રવાહે સમાજની મતિ એક જ દિશામાં વાળી દીધી. ભારતીય કાળખંડનો એ કદાચ સૌથી અંધારિયો યુગ હતો જ્યારે ઝળહળતી, કાંતિવાન લક્ષ્મીને લોકો એ ‘હાથનો મેલ’ કહી ઉતારી પાડી. બાકી હતું તે અમીરોનાં દંભ અને શોષણવૃત્તિએ પૂરૂં કર્યું. ગરીબાઈનાં ગુણગાન થવા લાગ્યાં, તે છેક ત્યાં સુધી કે ગરીબો ‘દરિદ્રનારાયણ’ની ઉપાધિ પામવા લાગ્યા!
આટલી લાંબી પૂર્વભૂમિકા હકીકતમાં તો એ દર્શાવવા માટે છે કે ધનની શક્તિ અનન્ય છે, તેની અવેજીમાં વાપરી શકાય તેવું આપણા પાસે હાલ સુધી કંઈ ઉપલબ્ધ નથી. સંસ્કૃતના એક શ્લોકમાં કહેવાયું છે કે, ‘કામ’ને ભગવાન શંકરે ભસ્મીભૂત કરી નાખ્યો. સારાં અને ઉત્તમ વૃક્ષોથી સજ્જ ખાંડવવન અર્જુને બાળી નાખ્યું. સુવર્ણની લંકા હનુમાને બાળી નાખી. પણ હજુ સુધી સૃષ્ટિમાં એવો કોઈ પારકી છઠ્ઠીનો જાણતલ પાક્યો નથી, જેણે કંગાલિયત સળગાવી નાખી હોય. જગતમાં કંઈક નેસ્તનાબૂદ કરી નાખવા જેવું છે, તો સર્વ પ્રથમ કંગાલિયત છે, પણ એ કામ કોઈએ કર્યું નથી! છે ને ચૅલેન્જંગ?
ગરીબીવિષયક બીજી એક કથા મહાભારતમાં છે. દ્રોણાચાર્યને તેમના દીકરાને પાવા માટે દૂધ નથી મળતું ત્યારે તેમની પત્ની દીકરાને લોટમાં પાણી નાખી પીવા આપે છે ને ત્યારે દ્રોણાચાર્ય ટળવળીને બોલી ઉઠે છે, ‘ધિક્કાર છે મારી વિદ્વત્તાને અને ધિક્કાર છે મારી બુદ્ધિમત્તાને. ધિક્કાર છે મારા જ્ઞાનને, અને ધિક્કાર છે મારી બ્રહ્મનિષ્ઠાને કે, હું મારા સંતાનને સાદું દૂધ પણ પીવા આપી શકતો નથી. લોટમાં પાણી ભેળવી એનું મન મનાવવું પડે છે.’’
દ્રોણના જૂતામાં પગ નાખવાની આપણી પાત્રતા નથી. એવા ધુરંધર ધનુવિદ્યાધારી દ્રોણ પણ જો કંગાલિયત સામે ઘૂંટણ ટેકવી ગયા હોય ત્યાં આપણું શું ગજું?! વેદવ્યાસ લખે છે કે જીવતા છતાં મરેલા એવા પ્રકારના માણસો પૈકી એક છે કંગાલ! (બાકીના નિરંતર રોગી, મૂર્ખ, અવિરત પ્રવાસી અને નિત્ય સેવક!)
વેદવ્યાસની દૃષ્ટિથી આ બધા મૃતવત્ છે, જીવતા હોવા છતાં મરેલા જેવા. તેમના જીવનનો કોઈ અર્થ નહીં.
ગરીબી ક્યારેય વરદાન નથી હોતી, સિવાય કે ડૉક્ટરો ગરીબને સાજા જાહેર કરવામાં ઉતાવળ કરે. ગરીબને એક વાતનું સુખ છે કે તેની ગરીબાઈની કોઈ ઈર્ષા કરતું નથી. ગરીબીથી કશું કમાઈ શકાતું નથી, સિવાય કે ઉઘરાણીનાં બીલ. ગરીબીથી કોઈ વસ્તુ મળતી નથી, સિવાય કે લોકોની દયા. ગરીબીથી કંઈ ઊપજતું નથી, સિવાય કે ભૂખમરો. ગરીબીના સમર્થનમાં કહેવા માટે બસ એટલું જ છે કે તે અપરાધ નથી. ‘ગરીબી એ તો કેવળ માનસિક અવસ્થા છે.’ એવું કહેવા માટે પણ અમીર હોવું જરૂરી છે. ‘ગરીબી સ્વર્ગમાં પ્રવેશવાનો પરવાનો આપે છે.’ એ ગરીબીના બચાવમાં કહેવાયેલું આખરી અર્ધ-સત્ય છે!
પૈસો હરેક સવાલનો છેલ્લો અને પરિપૂર્ણ જવાબ નથી. પણ ગરીબીનું નિદાન થયા બાદ પૈસો જ તેનો ઈલાજ છે. ગરીબાઈનાં સુખ અને શાંતિનાં ગુણગાન ગાવા માટે પણ પૈસાદાર થવાનું ફરજિયાત છે. લોકો કહે છે કફનને ગજવું નથી હોતું, પણ કફન પહેરીને આજીવન જિવાતું નથી, એ કેમ ભૂલી જવાય ?! ગરીબીનો આશ્વાસન-રાગ એટલું જ ગાતો રહી જાય છે, ‘મિલે ન ફૂલ તો કાંટોં સે દોસ્તી કર લી…’ માટે ફક્ત એ જ દરિદ્રને હવે ‘દરિદ્રનારાયણ’ કહેવો જોઈએ, જે સામાજિક જવાબદારી અને પરિવેશની બહાર નીકળી જઈ શકે ને તેમ છતાં, પોતાની મેળે ઍટ લીસ્ટ, પોતાનો જીવનવ્યવહાર ચલાવી શકે.
આપણે લક્ષ્મીનો જયજયકાર કરનારી પ્રજા હતા ને છીએ. દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે ને તે દિવસે આપણે સૌ લક્ષ્મીપૂજા કરીએ છીએ. આ લક્ષ્મી આપણી પોષક અને રક્ષક અને સંવર્ધક હોવાથી એ માતૃસ્વરૂપ છે.
એવાં માતૃસ્વરૂપા લક્ષ્મીને શી રીતે નિમંત્રણ પાઠવવું? તેમને કયા ભાવે આવવા જણાવવું? એ આવે તે માટે શું કરવું? આવે પછી નિરંતર સ્થાયી થાય તે માટે કેવું જીવન જીવવું? શા માટે લક્ષ્મી સન્માનનીય છે? શા માટે લક્ષ્મીને પ્રસન્ન કરવાં જોઈએ અને શા ઉપયોગ અર્થે તેમનું આવાહન કરવું જોઈએ ? લક્ષ્મી અને અલક્ષ્મી વચ્ચે ભેદ શું? શા માટે લક્ષ્મી રિસાઈ જાય છે? એમને ફરી મનાવવાં શી રીતે? મૂળે લક્ષ્મી એટલે કોણ અને શું? – એવા અઢળક સવાલોના જવાબ મેળવવા માટે એક એડ્રેસ છે ‘શ્રી સુક્તમ્’. દાદા શ્રી પાંડુરંગ આઠવલે દ્વારા વિવરણ કરાયેલા આ પુસ્તકમાં તેનું સુમધુર આલેખન છે. દિવાળી તો દિવાળી, જીવતર સુધરી જાય એ માટે આ ગ્રંથનું નામ શુભેચ્છક તરીકે પાઠવું છું. અભ્યાસ કરો, તેવી ઈચ્છા સાથે, બાકી જેવી લક્ષ્મીની ઈચ્છા. તમે ‘લક્ષ્મીપુત્ર’ બની રહો ને એ નામે સદાકાળ તમારી નામના ટકો, એવી શુભેચ્છા સાથે હૅપ્પી દિવાળી…
ગોલ્ડન કી
જૂનો વિચાર
માણસ પૈસા પાછળ પડે તો લોભિયો, જાળવી રાખે તો કંજૂસ, વાપરી નાખે તો ઉડાઉ, ન મેળવે તો કડકો, મેળવવાની ઉત્સુકતા ન હોય તો મહત્ત્વાકાંક્ષા વિનાનો, વિના પરિશ્રમે પૈસો મેળવી લે તો સમાજદ્રોહી અને અતિ પરિશ્રમ કરી રૂપિયો ભેગો કરે તો જીવનનો આનંદ ન માણી શકનાર મૂરખ ગણાય છે.
નવો વિચાર
દુનિયાભરનું સુખ ખરીદી શકાય તેટલા રૂપિયા હોવા છતાં એવાં તમામ સુખ ભોગવી શકાશે નહીં તેવી જાણકારી હોવી તે એક વાત, છતાં રૂપિયા માટે વલખવું એ બીજી વાત, યેનકેન પ્રકારે એ મેળવવા મથવું એ ત્રીજી વાત, મેળવીને જંપવું એ ચોથી વાત, એનાથી સુખ ખરીદવા નીકળવું એ પાંચમી વાત, ખરેખર જે જાણ્યું’તું એ સુખ ન માણ્યું તે છઠ્ઠી વાત ને અંતે ગરીબીમાં કેટલું સુખ હતું તેની કથા કહેતા ફરવું તે સાતમી વાત… તમારી પાસે કોઈ આઠમી, દસમી, વીસમી, સોમી વાત છે?!
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel