DIAMOND CITY NEWS, SURAT
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે રફની અછત અને મોંઘા ભાવને લીધે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું ઉત્પાદન 20% ઘટ્યું : કારખાનાઓમાં સપ્તાહમાં બે દિવસ રજા જાહેર કરાઈ: રત્નકલાકારોના માથે બેરોજગારીનું જોખમ વધ્યું: સુરતમાં 10,000 રત્નકલાકારોએ નોકરી ગુમાવી: 1 મહિલા સહિત 4 રત્નકલાકારોએ આપઘાત કર્યા
કોરોનાની વૈશ્વિક મહામારીની જેટલી માઠી અસર હીરા ઉદ્યોગ પર નહીં પડી તેના કરતા વધુ ગંભીર સ્થિતિ રશિયા યુક્રેનના યુદ્ધ બાદ રશિયાની હીરા પર યુરોપીયન દેશો દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધોની પડી છે. રશિયાના હીરા યુરોપીયન દેશોમાં વેચી નહીં શકાતા સુરતના હીરા ઉદ્યોગ પર રફની અછત, મોંઘવારી સહિતના અનેક પડકારો ઉભા થયા છે, જેની સીધી અસર ઉત્પાદન કાપ પર પડી છે.
કારખાનેદારો બજારમાં ટકી રહેવા માટે ઉત્પાદન પર કાપ મુકે એટલે તરત જ રત્નકલાકારોની રોજગારીનો પ્રશ્ન વિકટ બની જાય છે. આ બધા પડકારો અને મુશ્કેલીઓના લીધે છેલ્લાં થોડા સમયમાં સુરતમાં 10,000 રત્નકલાકારો બેરોજગાર બન્યા હોવાનો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે સુરતના હીરા ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે. સુરતના હીરા ઉદ્યોગની કંપનીઓ દ્વારા તૈયાર હીરાના ઉત્પાદનમાં 20 % નો કાપ મુકવો પડ્યો છે.
રશિયા- યુક્રેન યુદ્ધને એક વર્ષ બે મહિના થયાની વિપરીત અસર દેખાઈ રહી છે. રશિયાથી કાચા હીરાની આયાત પર અસર પડી છે. મંદીને લીધે અમેરિકા, યુરોપ અને ચીનથી માંગ પણ ઘટી છે. ઉત્પાદનમાં ઘટાડો કર્યા પછી પણ તેની કિંમતમાં કોઈ વધારો થયો નથી. એને લીધે સુરતના હીરાઉદ્યોગમાં વધુ લોકોની રોજગારી જતી રહેવાનું જોખમ વધી ગયું છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલી ઘણી કંપનીઓએ કામના કલાકોમાં ઘટાડો કર્યો છે. એટલું જ નહીં સપ્તાહમાં એક દિવસ રજા રાખવાને બદલે હવે ૨ દિવસની રજા જાહેર કરી છે.
રશિયા પર અમેરિકા સહિત યુરોપિયન યુનિયનના દેશોએ આર્થિક પ્રતિબંધો લાદતા કાચા હીરાની આયાત પર પ્રતિકૂળ અસર પડી છે. કાચા માલની અછતને કારણે હીરા ઉદ્યોગને મોટું નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકના દાવા મુજબ સુરતનાં હીરા ઉદ્યોગમાં મંદીથી 10,000 રત્ન કલાકારોએ રોજગારી ગુમાવી છે. સુરતમાં આર્થિક તંગીને લીધે એક મહિલા સહિત કુલ 4 રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે, અને બેરોજગારી, આર્થિક સંકટના કારણે રત્નકલાકારો આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યાંના બનાવો વધી રહ્યા છે.
રત્નકલાકારોની સમસ્યાઓ ઉકેલવામા નહીં આવે તો હજી પરિસ્થિતિ ખરાબ થવાની શક્યતા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતએ હીરા ઉદ્યોગના રત્નકલાકારોની સમસ્યાઓ ઉકેલવા માટે છેલ્લા ઘણા સમયથી સરકારના વિવિધ વિભાગોમાં રજુઆત કરવા છતાં રત્નકલાકારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું નથી જેના કારણે આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
હાલ મોંઘવારી વધી રહી છે ત્યારે કારીગરોનાં પગાર વધવાને બદલે ઘટે છે. ઉત્પાદન કાપના કારણે અઠવાડિયામાં બે રજા રાખવા તથા ટાઈમ ઘટાડવામાં આવે છે જેની સીધી અસર કારીગરોના પગાર પર પડે છે. પગાર ઘટાડાને લીધે કારીગરો આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યાં છે. કેટલાક કારખાનામાં વેકેશન જાહેર કરવાની પણ શક્યતા છે. તો કેટલાક કારખાના બંધ થવાની અણી પર છે. ઘણા કારખાનામાંથી કારીગરોને છુટા કરવાનાં બનાવો પણ વધી રહ્યા છે
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે રત્નકલાકારો માટે આર્થિક પૅકેજ જાહેર કરવા તથા બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવા તથા આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ કરવાની માંગણી કરી છે. હાલ મોંઘવારી વધી રહી છે ત્યારે કારીગરોનાં પગાર વધવાને બદલે ઘટે છે. ઉત્પાદન કાપના કારણે અઠવાડિયામાં બે રજા રાખવા તથા ટાઈમ ઘટાડવામાં આવે છે જેની સીધી અસર કારીગરોના પગાર પર પડે છે. પગાર ઘટાડાને લીધે કારીગરો આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યાં છે. કેટલાક કારખાનામાં વેકેશન જાહેર કરવાની પણ શક્યતા છે. તો કેટલાક કારખાના બંધ થવાની અણી પર છે. ઘણા કારખાનામાંથી કારીગરોને છુટા કરવાનાં બનાવો પણ વધી રહ્યા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM