ગુજરાતમાં રાજકીય ક્ષેત્ર હોય, શિક્ષણનું ક્ષેત્ર હોય, ધર્મની વાત હોય કે સમાજની વાત હોય હંમેશા અગ્રેસર રહેતો પાટીદાર સમાજ હવે ક્રિકેટમાં ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. ક્રિકેટની પ્રિમિયર લીગ ગુજરાતના 5 શહેરોમાં શરૂ થઇ ગઇ છે અને કૂલ 4800 ખેલાડીઓ ભાગ લેવાનાં છે. આ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોધાવવાનો છે. ફાઇનલ મેચ 1લી ફેબ્રુઆરીએ દુબઇના શારજહાં સ્ટેડિયમમાં રમાવવાની છે.
વિશ્વ ઉમિયાધામ યુવા સંગઠન દ્વારા વિશ્વ ઉમિયાધામ પ્રિમિયર લીગ શરૂ કરવામાં આવી છે જેને VPL-3 નામ આપવામાં આવ્યું છે. જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે.
વિશ્વઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ, કલ્ચરલ, ઉપરાંત બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થકી સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે.
આયોજકોએ કહ્યું કે, ક્રિકેટના મહાસંગ્રામનું આયોજન એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે પાટીદાર સમાજના યુવાનોમાં ખેલદીલીની ભાવના પેદા થાય, એક સારા સમાજનું નિર્માણ થાય, યુવાનોમાં આરોગ્ય પ્રત્યે સભાનતા વધે અને આવી ઇવેન્ટને કારણે સમાજમાં એકતા ઊભી થાય.
આ ટૂર્નામેન્ટનો વર્લ્ડ રેકોર્ડ બને તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં કોઇ એક ગેમ માટે 5 સેન્ટર પર 64-64 મળીને કૂલ 320 ટીમો ટકરાશે અને 4800 ખેલાડીઓ રમશે. આટલા બધા ખેલાડીઓ ભાગ લેતા હોય તેવું પહેલીવાર બનશે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, હિંમતનગરમાં મેચ શરૂ થઇ ગઇ છે. સેમી ફાઇનલ અમદાવાદમાં રમાશે જ્યારે ફાઇનલ મેચ દુબઇના શારજહાં સ્ટેડિયમમાં 1લી ફેબ્રુઆરી 2025ના દિવસે રમાશે. વિજેતા ટીમને 5 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે.
દુબઇમાં ફાઇનલ મેચનું આયોજન કેમ? એવા અમારા સવાલના જવાબમાં આયોજકોએ કહ્યું કે, ખેલાડીઓ જો શારજહાંના ક્રિકેટ મેદાન પર રમશે તો તેમના પણ સચીન તેડુંલકર, ધોની, વિરાટ કે રોહિત બનવાની ભાવના પેદા થશે. ક્રિકેટ રમવાનો તેમનો ઉત્સાહ વધશે એટલે અમે ફાઇનલ મેચ શારજહાંના સ્ટેડિયમમાં રાખી છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube