હીરા ઉદ્યોગમાં છેલ્લાં કેટલાંય સમયથી મંદીનું વાતાવરણ છે. યુરોપિયન દેશોમાં બેન્કિંગ કટોકટીના લીધે હીરા ઝવેરાત ઉદ્યોગમાં વેચાણ ઘટ્યું છે, જેની માઠી અસર સુરતના હીરાવાળાના વેપારને પડી છે. સુરતના હીરાના કારખાનાઓમાં પોલિશ્ડ ડાયમંડ બનીને તૈયાર છે પરંતુ યુરોપિયન દેશોમાં ડિમાન્ડ નહીં હોવાના લીધે માલનો ભરાવો થઈ રહ્યો છે, જેના પગલે સુરતના હીરાવાળાઓએ કારખાનાઓમાં લાંબા વેકેશનોની જાહેરાત કરી છે. પ્રોડક્શન કાપ મુકવાની નીતિ અપનાવી છે.
આ હીરાના કારખાનેદારોની એક એવી પણ ફરિયાદ છે કે રફની કિંમતો ઊંચી છે તેની સામે પોલિશ્ડની કિંમત મળી રહી નથી, તેથી મોટા ભાગના વેપારીઓ રફ ખરીદવા પણ ઉત્સુક નથી. હીરા ઉદ્યોગને આ કપરી સ્થિતિમાંથી બહાર લાવવા માટે દેશ વિદેશના વિવિધ હીરા ઝવેરાત ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનો અવનવા પ્રયાસ કરીને ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા પ્રયાસ કરી રહ્યાં છે. તે જ પ્રયત્નના ભાગરૂપે સુરતમાં આગામી જૂન મહિનાના પહેલાં સપ્તાહમાં ખાણ કંપની રિયો ટિન્ટો દ્વારા રફ ડાયમંડના વ્યૂઈંગનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા ઈચ્છાપોર જ્વેલરી પાર્ક ખાતે બનાવવામાં આવેલા સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરમાં વિખ્યાત ડાયમંડ માઈનિંગ કંપની રિયો ટિન્ટો સુરતમાં 600 કરોડના રફ ડાયમંડનું વ્યુઇંગ કરશે. હીરા ઉદ્યોગની વર્તમાન મંદીમાં 2 લાખ કેરેટ રફ સુરતમાં જોઈ શકાશે. ત્યાર બાદ ઓનલાઇન ઓક્શનમાં વિદેશથી ખરીદી શકાશે. ડીટીસી પછી રિયો ટિન્ટો ડાયટ્રેડ સેન્ટરમાં સુરતનું અત્યાર સુધીનું સૌથી મોટું હીરાની નીલામીની પૂર્વ પ્રોસેસ કરવા જઈ રહ્યું છે.
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનાં ચૅરમૅન અને અગ્રણી હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, રિયો ટિન્ટો સુરતમાં પ્રથમવાર 3 થી 5 જૂન સુધી ડાયમંડ કંપનીઓ અને નોંધાયેલા વેપારીઓ માટે રફ ડાયમંડનું વ્યુઇંગ કરવા જઈ રહી છે. સુરતમાં રફનો લોટ નિહાળી બાયરો ઓનલાઇન બીડમાં ભાગ લઈ હીરાની ખરીદી કરી શકશે.
ઈચ્છાપોર ખાતે જીજેઈપીસી દ્વારા ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર 2 વર્ષ પૂર્વે કાર્યરત કરવામાં આવ્યું છે. જોકે, ત્યાં ડાયમંડ વ્યુઇંગ હાલ થઈ શકે છે. જ્યારે રફ કે પોલિડ ડાયમંડ સહિત ગોલ્ડ – સિલ્વરની જ્વેલરીઓનું પણ નેશનલ – ઈન્ટરનેશનલ કંપનીઓ દ્વારા પ્રિ-ઓક્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા શહેરમાં ઊભી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યાં મુજબ રિયો ટિન્ટો 37 વર્ષથી પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી પ્રદેશમાં વિખ્યાત આર્ગાઈલ હીરાની ખાણ ધરાવે છે.
સફેદ અને રંગીન હીરાની વિશ્વમાં સૌથી વધુ ડિમાન્ડ રહેતી આવી છે. રિયોટિન્ટો વ્હાઇટ, શેફાયર, વાયોલેટ, કોગ્નેક, વાયોલેટ અને દુર્લભ પિંક અને રેડ ડાયમંડનું વેચાણ કરનાર વિશ્વની ટોપ-3 કંપની પૈકીની એક છે.
નોંધનીય છે કે, અગાઉ ડિ બિયર્સ 3 વાર રફ વ્યુઇંગ રાખી ચૂક્યું છે. ઈચ્છાપોરમાં જીજેઈપીસીના ડાયટ્રેડ સેન્ટરમાં ડિ બિયર્સ ગ્રુપ અગાઉ ત્રણ વાર 300-300 કરોડની રફ ડાયમંડનું પ્રદર્શન યોજી ચૂક્યું છે. આ વ્યુઇંગથી સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગકારોને દુબઇ, બોત્સવાનાને બદલે ઓક્શનના હીરા સુરતમાં ઘર આંગણે નિહાળવાની ફરી તક મળે છે, જોકે ટેક્સ ભારણને લીધી વિદેશી માઈનિંગ કંપનીઓ હીરાની ઓનલાઈન હરાજી વિદેશથી કરે છે. ઇચ્છાપોરના ડાયટ્રેડ સેન્ટરમાં ચાર દિવસ સુધી ચાલનારા વ્યુઇંગ પ્રદર્શનમાં માત્ર રજીસ્ટર્ડ કંપનીઓને જ પ્રવેશ આપવામાં આવે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM