DIAMOND CITY NEWS, SURAT
To win in the marketplace you must first win in the workplace.” જેનો અર્થ એવો થાય કે બજાર જીતવું હોય તો પહેલાં તમારા કાર્યના સ્થળ પર વિજય મેળવો. તમારા કર્મચારીઓના દિલ જીતો. જો કર્મચારી ખુશ રહેશે તો તમારી પ્રગતિ નિશ્ચિત છે. કહેવાય છે કે જ્યાં સંપ ત્યાં જંપ. સફળતા ક્યારેય એકલા હાંસલ કરી શકાતી નથી. જેમ સેના વિના કોઈ યુદ્ધ જીતી ન શકાય તેમ બિઝનેસના રણક્ષેત્રમાં સફળતાની જીત હાંસલ કરવા માટે સારી ટીમ હોવી આવશ્યક છે અને સારી ટીમ સારું વળતર ચૂકવવાથી નહીં પરંતુ સારા સંબંધો સ્થાપવાથી મળે છે.
દુનિયાની મોટા ભાગની કંપનીઓની સફળતા પાછળ તેમના વર્ષો જૂના વફાદાર કર્મચારીઓની મહેનત જ કારણભૂત હોય છે. કોઈ એવી કંપની નહીં હોય જેના કર્મચારી બદલાતા રહે છતાં તે કંપની સફળતા પ્રાપ્ત કરતી હોય. એટલે જ કહેવાય છે કે તમારો પહેલો ગ્રાહક તમારો કર્મચારી છે. તમે તેને માન આપો, તેની જરૂરિયાતો સાચવો, તેના મુશ્કેલ સમયમાં તેને મદદરૂપ થાવ તો તમારી સક્સેસની રેસમાં તમારા વતી તે બમણી ઝડપે દોડશે.
આ વિચારો મારા નથી. આ ઉત્તમ વિચારો સુરતના એક ઝવેરીના છે. કોસંબા જેવા નાનકડા ગામડામાં સોના-ચાંદીના ઝવેરાત વેચીને દક્ષિણ ગુજરાતમાં મોટું નામ બનાવનાર કલામંદિર જ્વેલર્સ કંપનીના માલિક મિલન શાહના આ વિચારો છે. તેઓ પોતાના 700 કર્મચારીઓને માત્ર પગારદાર નોકર નહીં પરંતુ પરિવાર માને છે. અને એટલે જ ટૂંકા સમયમાં કોસંબાથી સુરત, વાપી થઈ આખાય ગુજરાતમાં તેઓ કલામંદિર જ્વેલરીના મોટા મોટા ભવ્ય શો રૂમ સફળતાપૂર્વક ચલાવી શક્યા છે. કરોડો રૂપિયાની જ્વેલરીનું વેચાણ કરવા કરતા વધુ મિલન શાહને મન ગ્રાહકોનો વિશ્વાસ અને પરિવાર સમાન કર્મચારીઓ સાથેનો સંબંધ વધુ કિંમતી છે. અને એટલે જ કલામંદિર જ્વેલર્સે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે કંપનીમાં એક એવી પોલિસી ઘડી છે જેના લીધે તેમની ચારેકોર વાહવાહી થઈ રહી છે.
કલામંદિર જ્વેલર્સે કર્મચારીઓના એપ્રિસિએશન માટે યોજના બનાવી છે. આ યોજના હેઠળ દર વર્ષે સારું પરર્ફોમન્સ કરનારા કર્મચારીઓને રોકડ ઈનામો આપવામાં આવે છે. આ વર્ષે અમદાવાદમાં યોજાયેલા એક વાર્ષિક સમારોહમાં કલામંદિર જ્વેલર્સ દ્વારા કંપનીના 200 કર્મચારીઓને 4-4 લાખની માતબર રકમના રોકડ ઈનામો આપવામાં આવ્યા છે. આ રીતે કંપનીએ કુલ 8 કરોડની રોકડ રકમ ઈનામ પેટે કર્મચારીઓ વચ્ચે વહેંચી છે. તે ઉપરાંત ટોપ 50 એમ્પલોઈને દુબઈની ટ્રીપ સ્પોન્સર કરવામાં આવી છે. કલામંદિર જ્વેલર્સ દ્વારા એક બે નહીં પુરા 8 કરોડના રોકડ ઈનામો આપીને નવો રેકોર્ડ કરવામાં આવ્યો છે. આટલી મોટી રકમ પોતાના કર્મચારીઓને પ્રોત્સાહન સ્વરૂપે આપનાર કલામંદિર જ્વેલર્સ પહેલી કંપની બની છે.
રૂપિયા તો બધા કમાતા હોય છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ ખૂબ ઓછા લોકો કરી જાણતા હોય છે. સુરતના કલામંદિર જ્વેલર્સે પોતાના કર્મચારીઓને કરોડોના રોકડ ઈનામ આપીને કંપનીની પ્રગતિમાં યોગદાન આપનાર કર્મચારીઓનું સન્માન કર્યું છે. ખરેખર તો કલામંદિર જ્વેલર્સ ગુજરાતની સૌથી ઝડપથી પ્રગતિ કરતી જ્વેલરી બ્રાન્ડ પૈકી એક છે. આ કંપનીએ પોતાની બ્રાન્ડને એક સ્ટેપ આગળ લઈ જવા તેમજ ટેલેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુથી એક આધુનિક દ્રષ્ટિકોણ અપનાવતા પોતાના કર્મચારીઓને પ્રોત્સાહક ઈનામો આપ્યા છે. જૂન મહિનામાં અમદાવાદ ખાતે યોજાયેલી કર્મચારી રેકેગ્નાઈઝેશન સેરેમનીની ચોથો સમારોહ યોજાયો હતો તેમાં કંપનીના માલિકો દ્વારા રૂપિયા 8 કરોડના રોકડ ઈનામોની વહેંચણી કરવામાં આવી હતી.
કલામંદિર જ્વેલર્સે બ્રાન્ડની વિકાસમાં કંપનીના 700 કર્મચારીઓના યોગદાનને સ્વીકારવાની અને તેમની શ્રેષ્ઠ કામગીરીને સન્માનિત કરવા પુરસ્કાર આપવાનો નવતર વિચાર અમલમાં મુક્યો છે. તે અંતર્ગત જૂન મહિનામાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ બે દિવસીય ભવ્ય કાર્યક્રમમાં કલામંદિર જ્વેલર્સે કર્મચારીઓની સાથે સફળતાની ઉજવણી કરી હતી.
આ ઈવેન્ટમાં કલામંદિર જ્વેલર્સમાં કામ કરતા 200 કર્મચારીને રોકડ ઈનામો અપાયા હતા. પ્રત્યેક કર્મચારીને 4 લાખ રોકડ એટલે કુલ 8 કરોડના રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા.
ઈવેન્ટના પહેલાં દિવસે ક્રિટીકલ સપોર્ટ ફંક્શન્સનું સંચાલન કરતા સ્ટાફ અને પ્લેટિનમ કેટેગરીમાં સેલ્સમાં ફાળો આપતા ટોચના કર્મચારીઓની સિદ્ધીઓને વર્ણવવામાં આવી હતી. જે કર્મચારીઓ સીધી રીતે ગ્રાહકોના સંપર્કમાં નથી આવતા પરંતુ બિઝનેસ ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેમને અનસંગ હીરોઝ, વન પર્સન આર્મી, ટ્રાન્સફોર્મર, બેસ્ટ લેબલીંગ ટીમ અને હેડ ઓફિસ એપ્રિસિયેશન સર્ટિફિકેટ જેવી કેટેગરીમાં ઈનામો આપવામાં આવે છે.
કલામંદિર પ્લેટિનમ ચેમ્પિયન્સ એવોર્ડની શ્રેણી હેઠળ આ ઈનામો આપવામાં આવ્યા હતા, ખાસ કરીને પ્લેટિનમ કેટેગરીમાં સિદ્ધિઓનું મુલ્યાંકન કરવા અને તેમને માન્યતા આપવા માટે ડિઝાઈન કરવામાં આવેલી આ શ્રેણી હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા કલામંદિર જ્વેલર્સની બ્રાન્ડને વિસ્તારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સિરિઝ વિશિષ્ટ માન્યતાની ત્રીજી આવૃત્તિ હતી. પ્લેટિનમ ગિલ્ડ ઈન્ટરનેશનલની ટીમના મુખ્ય સભ્યો જેમાં વૈશાલી બેનર્જી (કન્ટ્રી મેનેજર, ઈન્ડિયા), પલ્લવી શર્મા (બિઝનેસ ડિરેક્ટર, ઈન્ડિયા) એ પ્લેટિનમ કેટેગરીમાં પુરસ્કારો પ્રદાન કર્યા હતા.
ઇવેન્ટના બીજા દિવસે ધ ગોલ્ડન એવોર્ડ્સની ચોથી આવૃત્તિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉત્કૃષ્ટ યોગદાનથી સારું વેચાણ પ્રાપ્ત કરનારા કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. કંપની દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર, ગેમ ચેન્જર ટીમ, એવરીડે હીરોઝ, અર્લી રોકસ્ટાર્સ અને પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ જેવા આકર્ષક એવોર્ડ કંપનીના વિવિધ આઉટલેટમાં માસ્ટર અચીવર્સ, ડિવિઝનમાં માસ્ટર અચીવર્સ વગેરે કર્મચારીઓને એનાયત કરાયા હતા.
કલામંદિર જ્વેલર્સના ડાયરેક્ટર મિલન શાહ કહે છે, એવોર્ડ ટીમના સભ્યોમાં સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપે છે, કર્મચારીના મનોબળને હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે, અન્ય કર્મચારીઓને સારું કામ કરવા પ્રેરણા આપે છે અને સંસ્થાના ઉત્પાદનમાં અનેકગણો વધારો કરે છે.”
આ બ્રાન્ડ માત્ર સિદ્ધિઓને સન્માનિત કરતી નથી, તે ઉદારતાથી તેમના સેલ્સ ટાર્ગેટને અનુરૂપ રોકડ પુરસ્કારો આપે છે. બ્રાન્ડે નવીનતમ એવોર્ડ એડિશન માટે રૂ. 8 કરોડ રોકડ પુરસ્કાર જાહેર કર્યા છે.
શાહ કહે છે, “આખરે, જે કર્મચારીઓ કંપનીના ટાર્ગેટને હાંસલ કરવા માટે વધુ મહેનત કરે તેમની સાથે નફો વહેંચવો એ સારું કાર્ય છે. એવોર્ડ એ કર્મચારીઓ પ્રત્યે આદર દર્શાવવાનો તેમજ કલામંદિરની પ્રગતિની સ્ટોરીમાં કર્મચારીઓ અમારા ભાગીદાર છીએ તે મેસેજ તેઓ સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે.
આ બ્રાંડે આ કર્મચારી ઓળખ કાર્યક્રમમાંથી ઉત્તમ પરિણામ જોયું છે, જેમાં કામ માટે શ્રેષ્ઠ પ્રતિભાને આકર્ષિત કરવી, કર્મચારીનું મનોબળ વધારવું, કર્મચારીઓને જોડવા, કાર્યસ્થળના સંબંધોને મજબૂત બનાવવો અને ઉચ્ચ કર્મચારીની જાળવણીનો સમાવેશ થાય છે. એવોર્ડ આપવા ઉપરાંત, બે દિવસ આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ, એવોર્ડ પછીની થીમ પાર્ટીઓ જેમ કે પંજાબી નાઇટ અને પૂલ પાર્ટીઓમાં કર્મચારીઓએ ફૂલ એન્જોય કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કલામંદિર જ્વેલર્સની શરૂઆત 1986માં સુરત નજીકના નાનકડા શહેર કોસંબામાં થઈ હતી અને છેલ્લા એક દાયકામાં તે મજબૂતીથી આગળ વધી રહી છે. ગુજરાતમાં ચાર આઉટલેટ્સ અને સુરત અને લખનૌ એરપોર્ટ પર બે કિઓસ્ક સાથે, બ્રાન્ડ હવે અમદાવાદ અને મુંબઈમાં મોટા ફોર્મેટ આઉટલેટ્સ સાથે રાજ્યની બહાર વિસ્તરણ કરવા માટે તૈયાર છે.
મારું સપનું છે કે મારા કર્મચારીના માથે કોઈ દેવું ન હોય : મિલન શાહ
અમારી કલામંદિર જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ 700 કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓ અમારો પરિવાર છે. અમારી કંપનીમાં નિયમ છે કે નોકરી પર રાખતી વખતે એચ.આર. ઈન્ટરવ્યૂ લે પરંતુ જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડે તો હું વ્યક્તિગત રીતે તેમને મળું છું. તેઓ કયા કારણોસર નોકરી છોડી રહ્યાં છે તે જાણવાનો હું પ્રયાસ કરું છું. જો કોઈ વાજબી ભૂલ જણાય તો તે સુધારવાના પ્રયાસ શરૂ કરી દઉં છું, જેથી ભવિષ્યમાં કોઈ કર્મચારીને તે ખામી કે ભૂલના લીધે અમારી કંપની છોડવી નહીં પડે. હું માનું છું કે કર્મચારીની પ્રગતિમાં તમારી સફળતા છુપાયેલી છે. જો તમારો કર્મચારી ખુશ હશે તો જ તે તમારા માટે સારું કામ કરશે. તેથી જ અમે કંપનીમાં એચઆરની એક ટીમ બનાવી છે, જે કર્મચારીઓ સાથે વ્યક્તિગત સંપર્ક રાખે છે. કંપનીમાં મેડિકલ, એજ્યુકેશન જેવા અલગ અલગ ફંડ બનાવાયા છે. કોઈ કર્મચારીના સંતાનો રૂપિયાના અભાવે ભણી ન શકતા હોય તો 25 લાખ સુધીની વગર વ્યાજની અમે લોન આપીએ છીએ. હું ઇચ્છું કે મારા કર્મચારી કોઈ ક્રેડિટ કાર્ડ ન રાખે. કોઈ લોન નહીં લે. નો ક્રેડિટ, નો લોન પોલિસી બનાવી છે. લોન વિના જ કર્મચારી પોતાનું મકાન ખરીદે. દરેક કર્મચારી પાસે પોતાનું મકાન હોય. આ લક્ષ્ય 2030 સુધીમાં એચિવ કરવા છે.
IIBX તરફથી પહેલાં ક્વાલિફાઈડ જ્વેલર્સનું સર્ટીફિકેટ મેળવનાર મિલન શાહ પહેલાં ઝવેરી
સકારાત્મક અભિગમ રાખીને ઝવેરાત ક્ષેત્રમાં સતત ઉત્તરોત્તર પ્રગતિ કરનાર કલામંદિર જ્વેલર્સ લિમિટેડના ડિરેક્ટર મિલન શાહ પહેલાં ક્વાલિફાઈડ જ્વેલર છે. ઈન્ડિયન ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા વર્ષ 2022માં સર્ટીફિકેટ આપી તેમનું સન્માન કરાયું હતું. ક્વાલિફાઈડ જ્વેલરનું સન્માન મેળવવું એ ખૂબ મોટી સિદ્ધિ છે. ભારતીય બુલિયન અને જ્વેલર્સ ઈન્ડસ્ટ્રીમાં આ સર્ટીફિકેશન ખૂબ મહત્વ ધરાવે છે. આ ઉપરાંત કલામંદિર જ્વેલર્સે સફળતાપૂર્વક IIBX મારફતે પહેલીવાર ટ્રાન્ઝેક્શન કરવાની ગ્રાઉન્ડબ્રેકિંગ સિદ્ધિ પણ મેળવી છે. જે ભારતના બુલિયન એક્સચેન્જ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM