વ્યક્તિના જીવન સંગ્રામમાં મોટામાં મોટી કોઈ લાયકાત હોય તો તે છે નિષ્ઠા. કોઇ વ્યક્તિમાં જો કામ કે પછી વેપાર પ્રત્યે નિષ્ઠા જ ન હોય તો વ્યક્તિની મોટામાં મોટી ગેરલાયકાત છે. નિષ્ઠા વગર માણસનું ઊર્ધ્વીકરણ-પ્રગતિ શક્ય જ નથી. અનુભવના આધારે એવું દાવા સાથે કહી શકાય કે સમગ્ર જીવન સંગ્રામમાં માત્ર એક વસ્તુ જ મોટામાં મોટું વિઘ્ન રૂપ બને છે તે છે અસત્ય, અનીતિ, અપ્રમાણિકતા સહિતના દુર્ગુણો. વ્યક્તિમાં જો નિષ્ઠા નામનો સદગુણ હોય તો પછી ગરીબાઈ કે અધોગતિનું નિર્મૂલન થઈ શકે છે. પણ આ માટે આપણી તૈયારી હોવી જ જોઈએ અને નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની જરૂરિયાત પડે છે.
જે માણસ મનથી બરાબર સંકલ્પ કરીને નિષ્ઠા સાથે કામ કરવા નીકળી પડે છે અને નિષ્ઠાનો સંકલ્પ કરે છે ત્યારે તેમનામાં એક પ્રકારની ચેતનાનો પ્રકાશ પ્રગટે છે. પછી એનામાં પ્રપંચ, દગા, લોભ, મોહ, આસક્તિ, અહંકાર, રાગ-દ્વેષ વગેરેનું ઝાળું ભેદાય જાય છે અને શુદ્ધતા, સાત્વિકતા, સરળતા, સહજતાનો આવિર્ભાવ પ્રકાશિત થાય છે અને અંતરતત્ત્વ આનંદથી ભરાઈ જાય છે. નિષ્ઠાનું ફળ કે જે અમૃત સમાન છે એવું કહેવાના બદલે એમ કહી શકાય કે તે અમૃત જ છે. આ સૃષ્ટિમાં જે જે માણસોની પ્રગતિ થઈ છે તેનો અભ્યાસ કરીએ તો માલૂમ પડે છે કે સાચી પ્રગતિ નિષ્ઠાના આધારે જ શક્ય બની છે.આજના સમાજની સામે દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે કાળા બજારિયાઓ, ભ્રષ્ટાચારીઓ, અપ્રમાણિકતા આચરનારાઓ માનસિક રીતે સ્વસ્થ હોતા જ નથી. જયાં સુધી અસત્યની લડાઈનો અંત ન આવે ત્યાં સુધી અંધકાર દેખાય છે ખરું ને? પણ અંતે તો વિજય તો સત્યનો જ થાય છે. જે માણસે સત્યમય ગતિથી જે પ્રગતિ સાધી હોય છે તે પ્રગતિ સત્ય વિરુદ્ધની ગતિથી કદી પણ સાધી શકાતી જ નથી.
માણસ જીવનમાં કદી પણ દુષ્ટતાનું સેવન કરી કોઈ પણ રીતે શાંતિ-સુખનો અનુભવ કરી શકતો જ નથી, કદાચ અજ્ઞાનમય જીવનમાં આપણે મન મનાવી લઈ શકીએ છીએ પણ અંતઃકરણથી એ સાચું હોતું જ નથી, હોઈ શકે જ નહિં અને આવો માણસ સ્વસ્થ પણ હોતો જ નથી, સ્વસ્થ રહી શકે જ નહિં. અસત્યનો તાપ તેને લાગતો જ હોય છે. અસત્યના રસ્તે ચાલતો માણસ કદાચ શાંત, આનંદિત, સુખી, પ્રસન્ન, સ્વસ્થ હોવાનો ઢોંગ કરીને પોતાની જાતને તેમજ બીજાને છેતરતો માલૂમ પડે છે પણ ખરેખર તે પ્રસન્ન હોતો જ નથી… તે ચિંતાગ્રસ્ત જ હોય છે. જ્યાં સુધી માણસમાં નિષ્ઠા હોય છે ત્યાં સુધી જ પ્રગતિ થતી હોય છે. જ્યારે અસત્યનું આચરણ શરૂ થાય છે તે જ ક્ષણે પ્રગતિ, વિશાળતા, પ્રકાશ, આનંદ, સુખ, પ્રસન્નતા, વગેરેના બારણા બંધ જ થઈ જાય છે, તે હકીકત છે.
નિષ્ઠા એ સોના-ચાંદીના સિક્કાનો રણકાર અને જલતા દીપક જેવી છે. દીપક પ્રગટે અને બુજાય અને પાછો પ્રગટે એવી સ્થિતિમાંથી જ આપણે સૌએ આગળ વધવાનું હોય છે. નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાથી ક્યારેય નિષ્ફળ જવાનો ભય રહેતો નથી કે તેની પ્રગતિ કે સિધ્ધીને આંચ આવવાની જ નથી. નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર વ્યક્તિ આત્મ વિશ્વાસપૂર્વક આગળને આગળ જ વધે છે.
એટલું નિષ્ઠા તમને ચોકક્સ સફળતા અપાવશે. કાર્ય પ્રત્યે નિષ્ઠા હોય તો કાર્ય ટૂંક સમયમાં અને ઉત્કૃષ્ટતા સાથે પૂર્ણ થાય છે. જ્યારે પણ કોઈ કામ હાથમાં લઈએ તો તેને પૂરી નિષ્ઠા સાથે પૂર્ણ કરવું જોઈએ. આપણે જે છીએ તેના માટે આપણે જ જવાબદાર છીએ, અને જે થવાની ઈચ્છા હોય તે થવાની શક્તિ આપણામાં જ રહેલી છે. યાદ રાખો કે કામની શક્તિ મનમાં જ પડેલી છે; તે બહાર લાવવી તેનુ નામ કાર્ય.
ઉદ્યોગનો મુખ્ય ધ્યેય પણ નિષ્ઠા જ હોવો જોઈએ જ્યારે નાણાકીય વળતર સેકન્ડરી હોવું જોઈએ, જો તમે ફક્ત વળતર પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે મહાન નહીં બની શકો, નિષ્ફળતા જ સફળતાની પ્રથમ સીડી હોય છે. દરેક નિષ્ફળતા તમને સફળતા તરફ એક ડગલું આગળ લઈ જાય છે. નિષ્ફળતાથી ક્યારેય નાસીપાસ થવું જોઈએ નહીં. ક્યારેય પણ હાર સ્વીકારીને બેસી જવું જોઈએ નહીં. દરેક ઉદ્યોગ સાહસિકના જીવનમાં કેટલીક બાબતોનો બીજો તોડ નથી હોતો. દરમિયાન ટીમ વર્કનુ પણ આગવું મહત્વ રહેલું છે કારણ કે યોગ્ય ટીમની મદદ વગર કશુંજ શક્ય નથી. તમારા જુસ્સાની સમકક્ષ સમગ્ર ટીમનો ઉત્સાહ લાવવો ઘણો મહત્વપૂર્ણ હોય છે. એક ઉદ્યોગસાહસિક હંમેશા આશાવાદી હોય છે. કેટલા લોકો શંકાશીલ હોય છે જે નકારાત્મક વિચારશૈલી ધરાવે છે. પરંતુ એક ઉદ્યમી હંમેશા સકારાત્મક ઉર્જા ફેલાવે છે.