નમિતાના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે થયેલા. લગ્ન બાદ પતિનું અને પતિના કુટુંબીઓનું વર્તન નમિતાને માફક આવતું નહોતું. મા–બાપ શરૂઆતમાં થોડું અલગ હોય પછી ધીમે ધીમે અનુકૂળ થવાની શિખામણ આપી ફરજ નિભાવ્યાનો સંતોષ માનતાં રહ્યાં.
મૂંઝાયેલી નમિતા અનુકૂળતા સાધવાના પ્રયત્ન કરતી રહી અને એક પુત્રની મા બની ગઈ, પણ ઘરના વાતાવરણમાં કે પતિના સ્વભાવમાં કોઈ જ ફેરફાર નહોતો જણાતો. એકવાર નમિતાના પિતાની હાજરીમાં જ ઝઘડો થયો અને નમિતાના પિતા તેને પોતાના ઘરે લઈ આવ્યા.
પછી પણ સમજાવટના પ્રયાસો કર્યા, પણ સામે પક્ષેથી કોઈ જ હકારાત્મક પ્રતિભાવ પ્રાપ્ત થયો નહીં. નમિતા પોતે શિક્ષિત હતી. તે એક શાળામાં શિક્ષિકા તરીકે કામ સંભાળવા લાગી અને પુત્રને તેનાં મા-બાપ સાચવવા લાગ્યાં. કોર્ટમાં પણ પતિ વિરૂદ્ધ પુત્રના ભરણપોષણ માટે અરજી દાખલ કરવામાં આવી.
કેસ ચાલતાં દરમિયાન પતિ તરફથી કયારેય પણ પોતાના પુત્ર માટેની કોઈ જ સારસંભાળ કે એમને મળવાના પ્રયત્ન સુદ્ધાં થયા નહીં. આમ જ પુત્ર મોટો થતો ગયો. શિક્ષણ અને ઈત્તર પ્રવૃત્તિનો ખર્ચ વધતો રહ્યો, પણ એક યા બીજા બહાના હેઠળ કેસ લંબાતો ચાલ્યો.
દરમિયાન નમિતાની મોટી બહેન જે યુ.એસ.માં રહેતી હતી, એમણે નમિતા અને એના પુત્રને અમેરિકા ફરવા બોલાવ્યા. વિઝાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. કાયદેસરના માતા-પિતાની સહી અનિવાર્ય બની. આ અંગેના ચોક્કસ નિયમો હોય છે.
કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાના કારણે પિતા તરફથી સહી કરવા અંગે કોઈ જ પ્રતિભાવ મળતો ન હતો અને જ્યાં સુધી કાયદેસરના વાલી સહી ન કરે ત્યાં સુધી વિઝા મેળવામાં તકલીફ પડે એ સ્વાભાવિક હતું. નમિતાનો પતિ પોતાના પુત્ર અંગે કોઈ દરકાર તો લેતો જ ન હતો, પણ એને મળતા આનંદ અને સુખમાં પણ અડચપણરૂપ બનવા લાગ્યો.
આ માટે નમિતાએ સલાહ મળ્યા પ્રમાણે “ગાર્ડિયન એન્ડ વોર્ડસ એકટ હેઠળ” વાલીપણાની નિમણૂંક અરજી કરી. આ કલમ હેઠળ સગીરના જાત અને મિલકત અથવા બંનેના વાલી નીમવામાં કોર્ટને ખાતરી થાય કે, આમાં સગીરનું હિત સમાયેલું છે તો તે વ્યક્તિને કોર્ટ વાલી જાહેર કરે છે.
આ અરજી અંગે જો પહેલાં કોઈ વાલી નિમાયેલ હોય તો આ હુકમ પ્રમાણે એ દૂર થાય છે અને આમ કોર્ટને ખાતરી થતાં નમિતાએ તેના પુત્રના વાલી હોવાનો હુકમ મેળવ્યો. ત્રિગુણ સેન રેડ્ડી વી. જ્યોતિના કેસ એ.આઈ.આર. ૨૦૧૦માં કોર્ટે જણાવ્યું કે, મધર યુ.એસ.એ.માં રહેતી હતી અને બાળકો એની સાથે સેટ હતાં.
એના ગ્રાન્ડ પેરેન્ટસ સાથે એ લોકો ખૂબ જ અનુકૂળતાથી રહેતાં હતાં. કોર્ટ બાળકનું હિત જૂએ એને ડિસ્ટર્બ ન કરી શકાય. રવીન્દ્રકુમાર વી. આશાદેવીના કેસમાં પણ કોર્ટે નોંધ કરેલી છે કે, કેસ ચાલતા દરમિયાન તેણે પોતાના બાળકની કોઈ જ દરકાર કરેલી નહીં.
મળવા સુદ્ધાંની કોશિશ કરેલી નહીં. આવા સંજોગોમાં તેની તેના ફાધર કોણ છે એ પણ જાણતી નથી ત્યારે બાળકનું કમ્ફર્ટ અને વેલ્ફેર જોતાં માતાની સાથે રહે છે એ બરાબર છે. આમ, કોર્ટે પૂરેપૂરી રીતે બાળકની સુવિધા, બાળકનું હિત જોઈ ઓર્ડર કરે છે.
આપણે ત્યાં લગ્નજીવનની તકરારો ચાલતી હોય ત્યારે બાળકનાં ઉછેરમાં સ્ત્રી લાગણીથી બાળકને પાળતી હોય છે, પણ એને પરેશાન કરવા બાળકના કબજા માટે કોર્ટ કાર્યવાહી કરતા હોય છે, પણ સુનાવણી દરમિયાન બાળકના પિતાની વર્તણૂંકનો કોર્ટ અભ્યાસ કરે જ છે અને એ પ્રમાણે વાલીની નિમણૂંકનો હુકમ કરે છે.