DIAMOND CITY NEWS, SURAT
જો કોઈ કામ નવું હોય તો તેને પૂરું કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જ્યારે આપણે નવા પડકારો સ્વીકારીએ છીએ, ત્યારે આપણી ક્ષમતાઓ સુધરે છે અને આપણો અનુભવ વધે છે. પડકારોને કારણે જ આપણે મોટા લક્ષ્યો હાંસલ કરવામાં સક્ષમ બનીએ છીએ. આ સુવાક્ય અહીં લખવાનું કારણ એ કે છેલ્લાં કેટલાંય સમયથી સુરત ડાયમંડ બુર્સ અંગે નકારાત્મક ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
સુરત ડાયમંડ બુર્સની સફળતા અંગે શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોક્કસપણે પડકારો છે તેમાં ના નહીં. આ પડકારો, મુશ્કેલીઓનો સામનો કરવો જ રહ્યો. તેને અવગણી ન શકાય. પરંતુ પડકારો, મુશ્કેલી, સ્પર્ધાનો અર્થ એ નથી કે પ્રયાસ કરવા પહેલાં જ હાર માની લેવી.
નકારાત્મકતા ફેલાવનારાઓએ એ સમજી લેવું જોઈએ કે જ્યારે પણ કોઈ કામ નવું હોય તો તેને પૂરું કરવામાં, તેને સફળ બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય છે, તે પડકારો, સ્પર્ધાનો હકારાત્મકતાથી સામનો કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે.
હા, સમય લાગી શકે છે. આમ પણ ઇતિહાસ રાતોરાત બની જતા નથી. ઇતિહાસ રચવા માટે ક્યારેક દાયકાઓ વીતી જતા હોય છે. અને આવો જ એક ઇતિહાસ રચવા ખરેખર કહીએ તો ઇતિહાસ રિપીટ કરવાની દિશામાં સુરત આગળ વધી રહ્યું છે.
સૌ કોઈ જાણે છે કે એક જમાનામાં સુરત વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. તાપીના કિનારે 80 દેશોના વાવટા ફરકતા હતા. વિદેશના વેપારીઓ ભારતમાં વેપાર કરવા માટે આવતા ત્યારે તેમના જહાજો સુરતના બંદર પર લંગારાતા હતા. દેશભરના મુસ્લિમો હજ પઢવા જતા ત્યારે તેઓ સુરતના બંદરેથી જહાજમાં બેસતા. તેથી જ સુરતમાં હજયાત્રીઓ માટે મુગલસરાઈ બની હતી, જેમાં આજે સુરત મનપા કાર્યરત છે. એટલું જ નહીં અંગ્રેજો પણ સુરતના માર્ગે જ દેશમાં પ્રવેશ્યા હતા. તેઓએ સુરતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી.
આમ બે સદી પહેલાં સુરત આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારના કેન્દ્ર તરીકે જાણીતું હતું, પરંતુ કાળક્રમે મુંબઈ, અમદાવાદ જેવા શહેરોનું વર્ચસ્વ વધ્યું અને સુરત હાંસિયામાં ધકેલાતું ગયું. મુંબઈ વેપારનું મુખ્ય કેન્દ્ર બન્યું. તેના પગલે મુંબઈનો વિકાસ થયો અને સુરત ક્યાંક અંધારામાં ખોવાઈ ગયું, પરંતુ સુરત શહેરની શેરીઓમાં જે વેપાર રહેલો છે તે ધોવાઈ શક્યો નહીં. સુરત શહેરના લોકોએ કાપડ અને હીરા ઉદ્યોગમાં કાઠું કાઢ્યું.
શહેરમાં ઉત્તમ કક્ષાનું કાપડ બનતા સુરત ટેક્સટાઈલ સિટી તરીકે વખણાયું. દુનિયાના કોઈ પણ ખૂણામાંથી હીરો મળે પણ તેને ચમકાવવા માટે તો સુરત જ લાવવો પડે તેવું કૌશલ સુરતના રત્નકલાકારોએ બતાવ્યું. રફ પત્થર જેવા હીરાને સુરતના રત્નકલાકારોએ કરોડોની કિંમત મળે તે લાયક બનાવ્યા, પરંતુ તે રત્નકલાકારો અને સુરત શહેરને વિશ્વના નકશામાં માન મળ્યું નહીં. કારણ કે વેપારનું મુખ્ય કેન્દ્ર મુંબઈ હતું.
ભલે સુરતમાં હીરા ચમકે પરંતુ તેની કિંમત તો મુંબઈ, દુબઈ, એન્ટવર્પ જેવા શહેરોમાં જ મળતી હતી. તેથી જ સુરતના હીરાવાળાઓએ ટ્રેન, કારમાં મુંબઈના ધક્કા ખાવા પડતા હતા. વળી, ગમે તેટલી મહેનત કરે પરંતુ કમાણીનો મોટો ભાગ તો મુંબઈમાં જ જતો રહેતો. ના સુરતના હીરાવાળાને કશું મળતું ન સુરત-ગુજરાતની સરકારને. એટલે જ કહેવાતું સુરતની કમાણી મુંબઈમાં સમાણી.
વળી મુંબઈ વેપારનું કેન્દ્ર હોય એટલે મુંબઈનો હાથ હંમેશા ઉપર રહેતો. મુંબઈ નક્કી કરે તે સુરતે માનવું પડતું. મુંબઈના આ શાસનને સુરતના હીરાવાળાઓએ પડકાર્યું. એક દાયકા પહેલાં મુંબઈથી હીરાનો વેપાર સુરતમાં ખસેડવા માટે કેટલાંક કાઠિયાવાડી હીરાના વેપારીઓએ કમર કસી અને કોઈની પાસે ફદિયાની મદદ લીધા વિના સ્વબળે રૂપિયા 3400 કરોડની માતબર રકમ ખર્ચીને સુરતના ખજોદ ખાતે વિશ્વ કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ ઊભું કરી દીધું.
સુરત ડાયમંડ બુર્સની ઈમારતની ખાસિયતો વિશે અનેકોવાર લખાઈ ચૂક્યું છે. એ બાબતનું ચોક્કસપણે પ્રત્યેક સુરતીએ ગૌરવ લેવું જોઈએ કે તેમના શહેરમાં વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ છે. હા વિશ્વનું સૌથી મોટું. જ્યાં 15 માળના 9 ટાવરમાં કરોડો હીરાનો વેપાર શરૂ થઈ ગયો છે.
ગઈ તા. 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સમાં 135 ઓફિસો શરૂ થઈ ગઈ છે. આ ઓફિસોમાં હીરાનો વેપાર શરૂ થઈ ગયો છે. દેશવિદેશથી વેપારી અને દલાલો સુરત ડાયમંડ બુર્સમાં હીરા ખરીદવા, વેચવા આવવા લાગ્યા છે. આ અગાઉ 983 હીરાના વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સમાં દશેરાના દિવસે કુંભઘડો મૂક્યો હતો. આ વેપારીઓ ટૂંક સમયમાં ઓફિસો શરૂ કરશે.
બધું સારું થતું હોય ત્યારે ચોક્કસપણે કેટલાંક પેટ દુ:ખિયાઓને ગમે નહીં. તેથી બજારમાં એવી ગણગણાટ શરૂ થયો છે કે સુરત શહેરમાં ટ્રાન્સપોર્ટેશન સહિતના ઈન્ફ્રાક્ટ્રચરનો અભાવ છે, તેથી સુરત ડાયમંડ બુર્સ નિષ્ફળ થશે.
મહીધરપુરા અને મિનીબજારના દલાલોને સુરત ડાયમંડ બુર્સમાં વેપાર કરવું મુશ્કેલ બનશે, મુંબઈવાળા સુરતના હીરાવાળાને ફાવવા નહીં દે, સુરતમાં વિમાની સેવા નથી, સુરતમાં મુંબઈ જેવી છૂટછાટો નથી તેવી અનેક વાતો થઈ રહી છે.
અરે ભાઈ, રૂપિયા 3400 કરોડની ઈન્ટરનેશનલ કક્ષાની બિલ્ડિંગ બાંધનારને આ બધી વાતો ખબર નહીં હોય. ફ્લાઈટ નથી, છૂટછાટ નથી આ બધી વાતો અંગે કોઈએ વિચાર જ કર્યો નહીં હોય. એમ ને એમ જ કરોડો ખર્ચી બિલ્ડિંગ તાણી દીધું. ભાઈ ચોક્કસપણે પડકારો, સ્પર્ધા અંગે વિચાર થયો હોય.
પડકારોની વાત કરીએ તો સૌથી મોટો પડકાર વિમાની સેવાને માનવામાં આવી રહ્યો છે. ચોક્કસપણે ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક વિમાની સેવાનો અભાવ છે, પરંતુ શું તે કાયમ રહેશે? સુરતમાંથી પેસેન્જર, ગુડ્સનો ટ્રાફિક વધે તો એરલાઈન્સ કંપનીઓ સુરતમાં વિમાની સેવા શરૂ કરવા માટે ના પાડશે? દુબઈ કે દુનિયાના કોઈ અન્ય દેશથી સુરતમાં આવતા પેસેન્જરોની સંખ્યા વધે તો શું એરલાઈન્સ કંપનીઓ ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ નહીં કરે?
પડકારોની વાત કરનારા ભૂલી જાય છે કે થોડા સમય પહેલાં દુબઈના એક શેખ સુરત આવ્યા હતા અને તેમણે દુબઈમાં જઈ સુરતના વખાણ કર્યા હતા એટલું જ નહીં સુરત-દુબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાની હિમાયત કરી હતી. કેટલાંક લોકો સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઇટ નથી તેવી વાતો કરે છે પણ ભાઈ મુંબઈ ફ્લાઇટની જરૂર શું છે? આપણે તો સીધી એન્ટવર્પ, દુબઈ અને હોંગકોંગની જ ફ્લાઇટ શરૂ કરાવવી જોઈએ. મુંબઈ જવું છે શું કામ?
જોકે, કઈ ફ્લાઇટ શરૂ કરવી તે નક્કી કરવાનો અધિકાર એવિએશન ડિપાર્ટમેન્ટનો છે. તે નક્કી કરશે. જોકે, સુરત ડાયમંડ બુર્સની કમિટીએ તો સુરતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની વિમાની સેવા શરૂ થાય તે માટે પ્રયાસો હાથ ધરી જ દીધા છે. તેથી વહેલા મોડા સારા સમાચાર સાંભળવા મળે તો નવાઈ નહીં. વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સુરતમાં સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવા આવી રહ્યાં છે. તે દિવસે તેઓ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલનું પણ લોકાર્પણ કરવા છે. એવી આશા સેવવામાં આવી રહી છે કે વડાપ્રધાન સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ એરકનેક્ટિવિટી અંગે મોટી જાહેરાત કરી શકે છે. જો એવું કંઈ થયું તો સુરતના હીરાવાળાઓનું અડધું ટેન્શન દૂર થઈ જશે અને સુરત ડાયમંડ બુર્સના આડેના સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
વિમાની સેવા ઉપરાંત મુંબઈ સામેની સ્પર્ધાની પણ ચર્ચા થઈ રહી છે. તો અહીં કહેવું રહ્યું કે મુંબઈ સામેની સ્પર્ધા તો સામે ચાલીને સુરતના હીરાવાળાઓએ સ્વીકારી છે. તે પણ આજે નહીં એક દાયકા પૂર્વે આ ચેલેન્જ ઉપાડી હતી.
અરે વિચારો તો ખરા હજારો કરોડોનો વેપાર ધરાવતા હીરાવાળા કાંઈ કશું પણ વિચાર્યા વિના મુંબઈમાંથી વેપાર સંકેલી લેતા હશે? તેમણે બધા પડકારો અંગે વિચાર તો કર્યો હોય જ ને? અહીં ભાડાની ઓફિસ ખસેડવા માટે લોકો લાંબુ વિચારતા હોય છે તો હજારો કરોડોનો વેપાર ધરાવતા હીરાના વેપારી આખુંય શહેર છોડીને બીજા શહેરમાં નવેસરથી વેપાર શરૂ કરવાનું સાહસ ખેડતા હોય તો તેમની હિંમતને દાદ તો આપવી જ પડે ને.
હિંમતને વખાણવા સાથે તેમને સાથ પણ આપવો જ રહ્યો. કિરણ જેમ્સના વલ્લભ લાખાણી જેવા સાહસિક ઉદ્યોગકારોની હિંમતના લીધે જ સુરત આજે વિશ્વના નકશા પર ફરી ચર્ચામાં આવ્યું છે. જો લાખાણી અને તેમની સાથે મોટા હીરા ઉદ્યોગકારોએ ખેલેલો જુગાર સફળ થયો તો સૌથી વધુ ફાયદો સુરત શહેર અને સુરત શહેરના નગરજનોને જ થવાનો છે. વિચારો તો ખરા કે સુરત ડાયમંડ બુર્સ સફળ થાય તો ભારતનો આખોય હીરાનો વેપાર સુરતમાં શિફ્ટ થશે.
અઢી લાખ કરોડનો હીરાનો વેપાર સુરતમાં શિફ્ટ થાય તો સુરતની માથાદીઠ આવકમાં કેટલો મોટો વધારો થશે? સુરતમાં દેશ વિદેશના મોટા મોટા ઉદ્યોગકારોની અવરજવર વધે તો સુરતમાં હૉટલ ઈન્ડસ્ટ્રીને કેટલો મોટો ફાયદો થશે? હવે તમે કહેશો કે મોટા મોટા સપના બતાવીને ગેરમાર્ગે દોરવાનું કામ ન કરો, પરંતુ ભાઈ સપના તેના જ પુરા થાય જે તે જુએ અને તેને પુરા કરવાની હિંમત રાખે.
વળી કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં કાળજીપૂર્વક વિચારવું જોઈએ પરંતુ જ્યારે કામ કરવાનો સમય આવે ત્યારે તમામ વિચારોને બાજુ પર મુકી આગળ વધવું જોઈએ. જે કામો આજે અઘરા લાગે છે કાલે તે કામ પૂરા થયા પછી સરળ લાગશે. મુશ્કેલીઓથી ડરશો નહીં તેનો સામનો કરો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM