DIAMOND CITY NEWS, SURAT
કેવો જોગાનુજોગ. ગઈ તા. 17મી ડિસેમ્બરે રવિવાર હતો. રવિ એટલે કે સૂર્ય અને તે રવિવારના દિવસે જ સુરતમાં નવો સૂર્યોદય થયો. લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કર્યું. આ સાથે જ એક દાયકા પહેલાં સુરતના હીરાવાળાઓએ જોયેલું સપનું ચરિતાર્થ થયું.
ખરેખર તો આ બુર્સના નિર્માણ સાથે જોડાયેલા હીરા ઉદ્યોગના કસબીઓનો પુરુષાર્થ લેખે લાગ્યો છે. મુંબઈથી અલગ થઈ સુરતમાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાનું સપનું એક દાયકા પહેલાં મુઠ્ઠીભર હીરાના વેપારીઓએ જોયું હતું. આ સપનું વિચાર બનીને પહેલી વાર જ્યારે જાહેરમાં મુકાયો ત્યારે હસવાનું થયું હતું. બધા ત્યારે એવું જ માનતા અને એવું જ કહેતા હોતું હશે… સુરતમાં તો કાંઈ ડાયમંડ બુર્સ બનતું હશે.
મુંબઈ સિવાય હીરાનો વેપાર ક્યાંય કરવો શક્ય જ નથી. વળી, જો બુર્સ બની પણ જાય તો તે સફળ નહીં થાય. સુરતમાં કોઈ સુવિધા જ નથી. મુંબઈની જેમ સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ નથી. ઈન્ટરનેશનલ ફ્લાઇટ નથી. હીરાનો વેપાર વિદેશીઓ પર નિર્ભર છે. ગમે તેટલાં ઘસી ઘસીને હીરા ચમકાવો પણ આખરે તે ખરીદે તો ગોરી પ્રજા અને આ ગોરી પ્રજા મુંબઈમાં હીરા ખરીદવા આવે ત કાંઈ ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં ન આવે. ઘણા લોકોએ તો બુર્સના વિચારની મજા પણ લીધી હતી. આ બુર્સ બને જ નહીં તેવી વાતો કરી હતી, પરંતુ વલ્લભ લાખાણી અને મથુર સવાણીની ટીમે ન ભૂતો ન ભવિષ્યતિ એવું કામ કરી દેખાડ્યું.
શહેર, રાજ્ય કે દેશ નહીં પરંતુ આખુંય વિશ્વ જોતું રહી જાય તેવું વિરાટ, આલિશાન ઓફિસ બિલ્ડિંગ બનાવ્યું. આ બિલ્ડિંગના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યાં છે. બિલ્ડિંગની એટલી બધી ખાસિયતો છે કે તે બોલતાં બોલતાં થાકી જવાય. અને એવું નહીં કે માત્ર ઓફિસ બિલ્ડિંગ બનાવી. સુરતના હીરા ઉદ્યોગની પ્રગતિમાં કશું અવરોધ રૂપ નહીં બને તેની ખાતરી પણ સુરતના હીરાવાળાઓ કરી છે. એટલે જ તો સુરત ડાયમંડ બુર્સમાં કસ્ટમ હાઉસ, એસએનઝેડ જેવી કંઈ કેટલીય સુવિધાઓ બનાવી છે.
એકવાર જે વિદેશી સુરતના ડાયમંડ બુર્સમાં હીરા ખરીદવા આવે તે નિશ્ચિંત થઈને ઓર્ડર આપી શકે. સરકારી હોય કે બિન સરકારી બધી વહીવટી પ્રક્રિયાઓ બુર્સની અંદર જ પૂરી થઈ જાય. રફ વેચવી હોય તો પણ બુર્સમાં આવીને વિદેશીઓ વેંચી શકે. બુર્સની અંદર જ મોટી સંખ્યામાં રફ ખરીદનારા સુરતના વેપારીઓ મળી રહે. અને એ તો જગજાહેર છે કે રફ ખરીદનાર તો સુરતના જ વેપારીઓ છે. છેલ્લે રફ પોલિશ્ડ તો સુરતમાં જ થાય છે, પરંતુ હવે તો રફ અને પોલિશ્ડ બંને સુરતમાં જ ખરીદાશે અને વેચાશે.
હા સુરત ડાયમંડ બુર્સની સફળતા આડે એક અવરોધ હતો, પરંતુ સુરતના હીરાવાળાઓએ કેન્દ્ર સરકાર સુધી છેડા અડાડીને સુરતના કસ્ટમ એરપોર્ટને સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો અપાવી જ દીધો. એટલું જ નહીં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યું તેના 48 કલાકમાં જ સુરત દુબઈ વચ્ચે ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ પણ કરાવી દીધી.
સૌ કોઈ જાણે છે કે હવે હીરાનું વર્લ્ડ ટ્રેડિંગ હબ એન્ટવર્પને બદલે દુબઈ થયું છે. હીરાના વેપારનું કેન્દ્ર હવે દુબઈ છે. ત્યારે સુરત-દુબઈ વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ ગેમ ચેન્જર સાબિત થશે. એ દિવસો દૂર નથી જ્યારે વિદેશી વેપારીઓ રફ વેચવા દુબઈથી ફ્લાઇટમાં બેસી સુરત આવે.
સુરત ડાયમંડ બુર્સની ઓફિસમાં જાય. રફનું પ્રદર્શન કરે અને રફ વેચે. ત્યાર બાદ યુરોપના વેપારી વાયા દુબઈ ફ્લાઇટમાં સુરત આવે અને બુર્સની ઓફિસમાં ફરીને જોઈ ચકાસીને પોલિશ્ડનો ઓર્ડર આપી જાય.
જોકે, હવે ખરી કસોટી છે. સુરતનો હીરાનો વેપાર ઓટલાથી આલિશાન ઓફિસમાં શિફ્ટ થયો છે. પરંતુ તેનો અર્થ એ નથી કે હવે એસીની ઠંડકમાં આરામ કરવાનો સમય છે. ના, ખરેખર તો હવે દોડવાનો સમય આવ્યો છે. જીવનમાં સફળતા મેળવવી જેટલી અઘરી છે તેના કરતા વધુ તેને ટકાવી રાખવી મુશ્કેલ છે. 20મી સદીમાં મહીધરપુરાના મકાનોમાં હીરાનો વેપાર ચાલતો હતો. મહીધરપુરાના જ કારખાનાઓમાં ઘંટી પર હીરા ઘસાતા હતા. ત્યારે પાલનપુરી જૈનોનું હીરાના વેપાર પર પ્રભુત્વ હતું.
સમયાંતરે સૌરાષ્ટ્રવાસીઓ સુરત આવ્યા. હીરાની ઘંટીઓ પર હીરા ઘસતા થયા. ધીમે ધીમે સૌરાષ્ટ્રવાસીઓેએ પોતાના કારખાના શરૂ કર્યા. મહીધરપુરાથી વરાછા, કતારગામમાં હીરાનો વેપાર વિસ્તર્યો. ત્યારે અને હજુ આજે પણ કારખાનેદારો અને વેપારીઓ દલાલોની મદદથી મહીધરપુરા, ચોક્સીબજાર, મીનીબજારમાાં દલાલોની મદદથી ઓટલાઓ પર રફ અને પોલિશ્ડની લે-વેચ થાય છે. પોલિશ્ડ વેચવા મુંબઈ જવું પડતું. પરંતુ હવે ઘર આંગણે જ વિશ્વનું સૌથી મોટું ઓફિસ બન્યું છે. તેથી કહેવાય કે ઓટલા પરથી આલિશાન ઓફિસમાં પહોંચ્યા છે. પરંતુ આરામ કરવાનો સમય નથી.
પહેલાં ઓળખીતા વેપારી, કારખાનેદારો, દલાલો વચ્ચે કામ થતું હતું. લોકો સીમિત હતા, વેપાર સીમિત હતો. તેથી ઓછી આવડતમાં પણ કામ થઈ જતું હતું, પરંતુ હવે બુર્સમાં દેશ વિદેશથી વેપારીઓ આવશે. તેથી સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામે પોતાની સ્કીલમાં વધારો કરવો પડશે. વધુ લોકો મળશે. તેઓ સાથે વેપાર કરવો પડશે. તેથી તેઓની ભાષા પણ શીખવી પડશે. એટલે જ દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકારને સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં દેશ દુનિયાની ભાષા શીખવતા કોર્સ શરૂ કરવા ટકોર કરી.
સરકારે પણ વડાપ્રધાનના સૂચનને શિરોમાન્ય ગણી તાત્કાલિક અમલ કરી દીધો. સોમવારે જ એજ્યુકેશન મિનિસ્ટર નર્મદ યુનિવર્સિટીમાં પહોંચી ગયા અને કોર્સ શરૂ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ તો ભાષાની વાત થઈ. પરંતુ બીજી પણ અનેક તકલીફોનો, પડકારોનો સામનો કરવો પડશે. તેના માટે કમર કસીને તૈયાર થઈ જવું પડશે. બિલ્ડિંગ બની ગયું છે પરંતુ તેમાં વેપાર કરી સુરતનું નામ વિશ્વભરમાં રોશન કરવા માટે મહેનત કરવી પડશે. ખરી કસોટી તો હવે જ છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM