ભારતે રતન ટાટા નામનો એક સજીવ કોહિનૂર ડાયમંડ ગુમાવ્યો છે…

બહુ ઓછા ઉદ્યોગપતિઓ લોકોના જીવનને, સીધી કે આડકતરી રીતે, પ્રભાવિત કરી શકે છે. ટાટા એમાંથી એક હતા... અબજોનું સામ્રાજ્ય હોય, છતાં “આ મારું નથી” એવી ભાવના સાથે જીવવું એ કેવી મોટી સમૃદ્ધિ હશે!

Aaj No Awaj Dr Sharad Gandhi Article Diamond City 419-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ઓક્ટોબર મહિનાની 8મી તારીખ અને બુધવારે રાત્રે જ્યારે દેશના લોકો નવરાત્રીના ગરબા રમવામાં વ્યસ્ત હતા ત્યારે દેશનો એક વિરલ અને અણમોલ તારો ખરો પડ્યો. દેશના સન્માનીય ઉદ્યોગપતિ અને દેશના ‘અણમોલ રતન’ રતન ટાટાએ દુનિયામાંથી વિદાય લઇ લીધી અને ગુરુવારે રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિદાય આપવામાં આવી.

રતન ટાટા પોતે એક ઇન્સ્ટિટ્યુશન હતા જે આવનારી પેઢીઓ માટે યાદ રહેશે. ટાટા ગ્રૂપના માનદ અધ્યક્ષ માત્ર બિઝનેસ જગતમાં તેમના યોગદાન માટે જ નહીં પરંતુ તેમની પરોપકારી માટે પણ જાણીતા હતા. જેમ જેમ આપણે તેમના અવસાન પર શોક વ્યક્ત કરીએ છીએ, ત્યારે આપણે તેમના મૂર્ત મૂલ્યો અને સમાજ પર તેમની સકારાત્મક અસરની ઉજવણી કરીએ છીએ.

રતન ટાટાનું એક સૂત્ર છે I am an ordinary man in an extraordinary company. I have not made it what it is today, it has made me what i am today. મતલબ કે હું અસાધારણ કંપનીમાં એક સાધારણ માણસ છું. આજે જે છે તે મેં નથી બનાવ્યું, આજે હું જે છું તે તેણે મને બનાવ્યું છે. આવી મહાન વાત રતન ટાટા જેવા મહાન ઉદ્યોગપતિ જ કરી શકે.

ગુજરાતના જાણીતા પત્રકાર રાજ ગોસ્વામીએ ફેસબુક પર એક પોસ્ટ મુકી છે તેમાં તેમણે લખ્યું છે કે, છઠ્ઠી પેઢીએ પણ જેની સાથે લેવાદેવા નથી, જેને કદી સપનામાં પણ મળ્યા નથી, માત્ર તેમના વિશે વાંચ્યું અને જોયું હોય તેવા રતન ટાટાના જવાથી કેમ ‘કંઈક સારું ન થયું’નો ભાવ લાખો લોકોમાં જોવા મળતો હશે? શું Kindness, ઉદારતા, માનવતા, સાદાઈનો આ પ્રભાવ હશે

રતન ટાટા કેમ અદ્વિતીય ઉદ્યોગપતિ હતા તેના પર આંગળી મૂકી છે. ઉદ્યોગપતિઓ અને અમીરો તો ઘણા છે, પણ ૧૪૦ કરોડ લોકોના દેશમાં, જેમના જવાથી સામાન્ય લોકો વ્યથિત થઈ જાય તેવા કેટલા?

તેમના અવસાનના સમાચાર આવ્યા, ત્યારે મુંબઈ-ગુજરાતના અનેક ગરબા સ્થગિત થઈ ગયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આવું માન કેટલાને? બહુ ઓછા ઉદ્યોગપતિઓ લોકોના જીવનને, સીધી કે આડકતરી રીતે, પ્રભાવિત કરી શકે છે.

ટાટા એમાંથી એક હતા. તેનું કારણ એ હતું કે તે સુદૂર સ્વર્ગમાં બેઠેલાં કોઈ અમીર સેલિબ્રિટી નહોતા, પણ લોકોની વચ્ચે રહેતા અને પોતીકા લાગતા ઇન્સાન હતા. ઉદ્યોગ જનતાનું, જનતા દ્વારા અને જનતા માટેનું સાહસ છે એવું પ્રતીત કરાવનારા રતન ટાટા પહેલા ઉદ્યોગપતિ હતા.

તે “મોટા” માણસ નહોતા, બલ્કે તેમણે લોકોને મોટા હોવાનો અહેસાસ કરાવ્યો હતો. એકવાર તે કોઈને કહ્યા વગર બે વર્ષથી બીમાર કર્મચારીની ખબર જોવા માટે પૂણે પહોંચી ગયા હતા. એકવાર તે નેનો કાર લઈને હોટેલ તાજના એક કાર્યક્રમમાં ગયા હતા.

એકવાર ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ છોડીને ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરી હતી. તેમની અંગત અને વ્યવસાયીક ફિલોસોફી ચાર બાબતો પર ટકેલી હતી : નિષ્ઠા, નૈતિકતા, કરુણા અને સેવા. આ એક જ બાબત તેમને બીજા ઉદ્યોગપતિઓ કરતાં જુદા પાડતી હતી. ટાટા જેવી કેટલી બ્રાન્ડ વિશ્વાસ સાથે જોડાયેલી છે?

મૂડીવાદ ખરાબ છે એવું જે કહે છે (જે મહદ અંશે સાચું પણ છે), તેમણે રતન ટાટાનો અભ્યાસ કરવો જોઈએ. મૂડીવાદનો સમાજવાદી ચહેરો જોવા મળશે. તેમને “પર્સનલ વેલ્થ”માં દિલચસ્પી નહોતી. તેમની 65% કમાણી સમાજ સેવામાં જતી હતી. આ કારણથી જ, તેમનું નામ ક્યારેય “સૌથી અમીર” ઉદ્યોગપતિઓની સૂચિમાં આવ્યું નહોતું.

તેમણે સંપત્તિનું વરવું પ્રદર્શન નહોતું કર્યું. રતન ટાટા પોતાને ટાટા ગ્રુપના માલિક નહીં, ટ્રસ્ટી ગણતા હતા. આ વાત નાની સુની નથી, કારણ કે પૈસા કમાવાનો આપણે એક જ અર્થ કરીએ છે; મને મન થાય તેમ વાપરું, મારા છે. એટલા માટે ટાટા કહેતા ગયા હતા કે મારું અવસાન થાય ત્યારે ગ્રુપ કંપનીઓમાં રજા જાહેર ના કરતા, કારણ કે લાખો પરિવારો કામ પર નભે છે.

અબજોનું સામ્રાજ્ય હોય, છતાં “આ મારું નથી” એવી ભાવના સાથે જીવવું (અથવા કંપનીના હેડક્વાટર “બોમ્બે હાઉસ”માં મુંબઈનાં રખડતાં કુતરાં માટે આશ્રય સ્થાન બનાવવું) એ કેવી મોટી સમૃદ્ધિ હશે!

દુનિયાની સૌથી સસ્તી ટાટા નેનો કાર, ભલે નિષ્ફળ ગઈ, પણ ભારતના સામાન્ય માણસો અને તેમની ભાવનાઓને કેન્દ્રમાં રાખવાની ટાટા ગ્રુપની નીતિનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. તેને લઇને, ટાટાના આ શબ્દમાં એ વાતની પ્રતિતી છે કે કેમ તેમના જવાથી લાખો લોકોને ઉદાસી મહેસૂસ થઈ:

“મને યાદ છે, મેં એકવાર મુંબઈના ભારે વરસતા વરસાદમાં, ૪ લોકોના એક પરિવારને મોટરસાઇકલ પર બેસીને જતો જોયો હતો. ત્યારે મને થયું કે જે પરિવારો વિકલ્પોના અભાવે જીવનનું જોખમ ઉઠાવે છે, તેમના માટે કંઈક કરવું જોઈએ.

અમે નેનો લૉન્ચ કરી, ત્યારે અમારી કોસ્ટ વધી ગઈ હતી, પરંતુ મેં સસ્તી કારનું વચન આપ્યું હતું, અને અમે એ પાળી બતાવ્યું. પાછળ વળીને જોઉ છું તો, મને આજે પણ તે કારનું અને તેને બનાવાના નિર્ણયમાં આગળ વધવાનું ગૌરવ છે.”

તેમના જવાથી ભારતમાં “એથિકલ બિઝનેસ”નો એક યુગ પૂરો થયો છે. ભ્રષ્ટાચાર અને અમીર-ગરીબની વિકરાળ ખાઈમાં જીવતા આ દેશના સામાન્ય લોકોને એ નૈતિકતાની કમી સાલી રહી છે. એટલે સૌ ઉદાસ છે. સાચે જ ભારતે ‘અણમોલ રતન’ ગુમાવ્યો છે.

પારસી પંચાયત અને પારસી સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સુરતમાં દિવંગત ઉદ્યોગપતિ રતન ટાટાની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પારસી પંચાયતના પ્રમુખ ડો. હોમી દુધવાલાએ રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, ભારતે રતન ટાટા નામનો એક સજીવ કોહિનૂર ડાયમંડ ગુમાવ્યો છે. જે ફરી ક્યારેય આપણને નહીં મળે.

રતન ટાટાએ ભારતના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. ભારતમા કર્ણ પછી કોઇ દાનેશ્વરીનું નામ લેવું હોય તો રતન ટાટાનું જ નામ આવે. તેમણે અમીર બનવા માટે નહીં પરંતુ લોકોની સેવા કરવા માટે ઉદ્યોગકાર બન્યા હતા.

રતન ટાટાની દીર્ઘદ્રષ્ટિ હતી કે ઉદ્યોગના વિકાસની સાથે સાથે સમાજ અને દેશનો વિકાસ પણ થવો જોઇએ. પદ્મશ્રી યઝદી કરંજિયાએ કહ્યું હતું કે, રતન ટાટાને સાચી શ્રદ્ધાંજલિ એ હશે કે તેમણે બતાવેલા રસ્તા પર યુવાનો ચાલે.

Aaj No Awaj Dr Sharad Gandhi Article Diamond City 419-2

રતન ટાટાએ 7 કંપનીઓની ઝીરોમાંથી હીરો બનાવી દીધી

કરોડો લોકોના પ્રેરણારૂપ રતન ટાટાને આખો દેશ ક્યારેય ભુલવાનો નથી. તેમણે દેશને ઘણું બધું આપ્યું અને ટાટાને પણ એક નવી ઉંચાઇએ પહોંચાડ્યું. એવી 7 કંપનીઓ છે જેને રતન ટાટાએ ઝીરોમાંથી હીરો બનાવી.

  1. બિગ બાસ્કેટ – રતન ટાટાએ 2021માં 2 અરબ ડોલરના વેલ્યુએશન પર ખરીદી અને ભારતની સૌથી મોટી ગ્રોસરી કંપની બનાવી દીધી
  2. લેંડરોઅર અને જેગુઆર કંપનીને રતન ટાટાએ 2.3 બિલિયન ડોલરમાં ખરીદી લીધી હતી. આની પાછળ પણ એક ઇન્ટરેસ્ટીંગ સ્ટોરી છે. 1999માં જ્યારે ટાટા મોટર્સે પોતાની પહેલી કાર ટાટા ઇન્ડિકા બનાવી એ ફેઈલ ગઇ હતી એટલે રતન ટાટાએ ટાટા મોટર્સને વેચવા નિર્ણય લીધો. તેમણે ફોર્ડ કંપનીના માલિક બિલ ફોર્ડ સાથે મુલાકાત કરી. તે જમાનામાં ફોર્ડના જેગુઆર અને લેંડ રોવર એ લકઝરી સેગમેન્ટ હતા. બિલ ફોર્ડે અહંકારમાં આવીને રતન ટાટાને કહ્યું હતું કે, ઓટોમોબાઈલનો અનુભવ ન હોય તો શું કામ આ બિઝનેસમાં પડ્યા. આ વાતથી રતન ટાટા નારાજ થયા અને તેમણે ટાટા મોટર્સને વેચવાનો નિર્ણય પડતો મૂક્યો અને ટાટા મોટર્સને એક ઊંચાઈએ પહોંચાડી દીધી. વર્ષ 2008માં જ્યારે અમેરિકામાં મંદી આવી ત્યારે ફોર્ડ કંપનીની હાલત કથળી ગઇ અને રતન ટાટાએ જેગુઆર અને લેંડ રોવરનો પ્લાન્ટ ખરીદીને બિલ ફોર્ડના અપામાનનો બદલો લઇ લીધો.
  3. કોરિયાના દેવું કોર્મશિયલ વ્હીકલ કંપનીને રતન ટાટાએ 102 મિલિયન ડોલરમાં ખરીદી હતી.
  4. યુરોપની સૌથી મોટી સ્ટીલ કંપની કોરસને 11.3 અરબ ડોલરમાં ખરીદી હતી.
  5. યુરોપ અને કેનેડાની અગ્રણી ચા કંપની ટેટલી ટીને ટાટાએ 431.3 મિલિયન ડોલરમાં ખરીદેલી.
  6. એર ઇન્ડિયાને 2021માં રતન ટાટાએ ભારત સરકાર પાસેથી ખરીદી લીધેલી
  7. હેલ્થ ક્ષેત્રની 1MG કંપની રતન ટાટાએ ખરીદેલી અને ઓનલાઇન માર્કેટમાં અગ્રણી બનાવી દીધી

રતન ટાટાની લવ સ્ટોરી પણ જાણીતી છે

દેશના સન્માનીય ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના કેરમને એમિરેટ્સ રતન ટાટાએ બુધવારે આ દુનિયામાંથી વિદાય લઇ લીધી. રતન ટાટા આજીવન કુંવારા રહ્યા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી પણ જાણીતી છે. બોલીવૂડ અભિનેત્રી સીમી ગરેવાલના એક ટોક શોમાં રતન ટાટાએ પોતાની લવ સ્ટોરી વિશે વાત કરી હતી.

રતન ટાટા જ્યારે લોસએંજિલસમાં હતા ત્યારે તેમને એક અમેરિકન છોકરી સાથે પ્રેમ થઇ ગયો હતો. ટાટા આ છોકરી સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ એ દરમિયાન ભારતમાં રતન ટાટાના દાદી બિમાર પડ્યા અને તેમણે ભારત આવવું પડ્યું.

એ સમયે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું એટલે રતન ટાટાના માતા-પિતાએ પ્રેમિકાને ભારત લાવવાની ના પાડી. એ પછી રતન ટાટા અને અમેરિકન છોકરી વચ્ચે સંબંધો તૂટી ગયા. આ સિવાય રતન ટાટાને સીમી ગરેવાલ સાથે પણ પ્રેમ હતો. આ વાત સીમીએ એક ઇન્ટરવ્યૂમાં કરી હતી. તેણીએ કહ્યું હતું કે, હું અને રતન પ્રેમમાં હતા અને લગ્ન કરવાના હતા, પરંતુ કોઇક કારણોસર વાત ન બની.

ગુજરાતમાં રતન ટાટાનો એક અનોખો ભક્ત, હવે ટાટાનો મોલ બનાવશે

ઘણો લોકો દેવી-દેવતાની પૂજા કરે, કોઇ હીરો-હિરોઇનના ભક્ત હોય, પરંતુ ઉદ્યોગપતિનો કોઇ ભક્ત હોય તેવું ભાગ્યે જ સાંભળ્યું હશે. ગુજરાતના અમદાવાદમાં રતન ટાટાનો એક અનોખો ભક્ત છે. જેણે ટાટાની ગૅલેરી બનાવી છે અને આરતી પણ કરે છે.

અમદાવાદમાં રહેતા રાકેશ પ્રજાપતિ બિઝનેસમેન છે, બિલ્ડર છે અને તનિષ્ક, ટાઇટન, આઇ પ્લસ અને પાંચેક રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમણે નરોડામાં પોતાની ટાટા ગૅલેરી પણ બનાવી છે, જેમાં રતન ટાટાના પુસ્તકો, તસવીરો, વીડિયો એવું ઘણું બધું છે. ગેલેરીમાં આવનાર લોકોને રાકેશ પ્રજાપતિ રતન ટાટાના પુસ્તકો ભેટમાં આપે છે.

રાકેશ પ્રજાપતિએ કહ્યું કે જ્યારે કોરોના મહામારીના સમયે રતન ટાટાએ કરોડો રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી તેનાથી હું પ્રભાવિત થયો હતો અને એ પછી મેં એમના વિશે ઘણું બધું જાણ્યું, માહિતી મેળવી. હવે મેં સંકલ્પ કર્યો કે અમદાવાદમાં ટાટા મોલ બનાવીશ અને તેમાં ટાટાની તમામ પ્રોડક્ટ હશે.

ટાટા ગ્રુપનું બોસ કોણ છે – ટાટા ટ્રસ્ટ કે ટાટા સન્સ?

રતન ટાટાના નિધન પછી ટાટા ટ્રસ્ટની કમાન નોએલ ટાટાને સોંપવામાં આવી. એ પછી લોકોને એ જાણવામાં રસ છે કે ટાટા ટ્રસ્ટ, ટાટા સન્સ અને ટાટા ગ્રુપ વચ્ચે શું ફરક છે? 1868માં જમશેદજી ટાટાએ ટાટા ગ્રુપની સ્થાપના કરેલી.

આજે ટાટાની 100થી વધારે કંપનીઓ છે અને અનેક દેશોમાં કામ કરે છે. ઓગસ્ટ 2023 સુધીમાં ટાટાની કંપનીઓનું કૂલ માર્કેટ કેપ 34 લાખ કરોડ રૂપિયા હતું. ટાટા ટ્રસ્ટ એ ટાટા ગ્રુપના બધા ટ્રસ્ટોનું એક ગ્રુપ છે. જેમાં સર દોરોબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટ એ બે મુખ્ય ટ્રસ્ટો છે.

આ બંને ટ્રસ્ટોની ટાટા સન્સમાં 52 ટકાની હિસ્સેદારી છે જ્યારે બાકીના જે ટ્રસ્ટો છે તેમની હિસ્સેદારી 14 ટકા છે. કૂલ મળીને ટાટા ટ્રસ્ટની ટાટા સન્સમાં કૂલ હિસ્સેદારી 66 ટકા છે. ટાટા સન્સ એ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે અને ટાટા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખર છે.

ટાટા સન્સની પાસે ટાટા ગ્રુપની કંપનીઓની 25 ટકા થી માંડીને 73 ટકા સુધીની હિસ્સેદારી છે. ટાટાની બધી કંપનીઓનું નિયંત્રણ ટાટા સન્સ પાસે છે અને ટાટા સન્સનું નિયંત્રણ ટાટા ટ્રસ્ટ પાસે છે. એટલે ટાટા ટ્રસ્ટ બધાનો બોસ છે.

રતન ટાટાના દાદા જમશેદજીનું નવસારીનું ઘર મ્યુઝિયમમાં ફેરવાયું છે

પારસીઓ જ્યારે 8મી સદીમાં પર્શિયા છોડીને ભારત આવ્યા ત્યારે ઘણા બધા પારસીઓ ગુજરાતના નવસારીમાં આવીને વસ્યા હતા. ટાટાના પૂર્વજો પારસીઓના એક મોટા જૂથનો ભાગ હતા. નવસારીમાં ટાટા પરિવારની પચીસથી વધારે પેઢી દસ્તૂર તરીકે કામ કરતી હતી.

દસ્તૂર એટલે પૂજા વીધી કરવાનું કામ. ટાટાનો પરિવાર નવસારીના મોટા ફળિયાના દસ્તૂરવાડમાં રહેતો હતો. ટાટા ગ્રુપને ઊંચાઈએ પહોંચાડનાર જમશેદજી ટાટાનો જન્મ 3 માર્ચ 1839માં થયો હતો.

તેમની જન્મ શતાબ્દી પર 3 માર્ચ 1939માં તેમનું નવસારીનું ઘર જે આર ડી ટાટાના ટ્રસ્ટ જે એન હાઉસને સોંપી દેવામાં આવ્યું અને 2014માં આ ઘરને રિનોવેટ કરીને મ્યુઝિયમમાં ફેરવી દેવાયું છે. અહીં જમશેદજી ટાટાના જીવન સાથે સંકળાયેલા ફોટોગ્રાફ્સ, તે વખતે વપરાતા વાસણો એવું બધુ  મ્યુઝિયમમાં રાખવામાં આવેલું છે. જાહેર જનતા માટે મ્યુઝિયમ ખુલ્લું રહે છે.

રતન ટાટાના ડોગ ગોવાએ આખો દિવસ ખાધું નહીં, ટાટાએ એનિમલ હોસ્પિટલ પણ બનાવી છે

ટાટા ગ્રુપના ચૅરમૅન એમિરેટ્સ રતન ટાટાનું બુધવારે નિધન થયું અને રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી. આમ તો રતન ટાટા તેમની અનેક વાતો માટે લોકોના દીલમાં યાદ રહશે, પરંતુ તેમનો પ્રાણી પ્રેમ પણ એટલો જ જાણીતો હતો.

રતન ટાટાનો એક પ્રિય ડોગ છે જેનું નામ ગોવા છે. જ્યારે રતન ટાટા ગોવા ગયા હતા ત્યારે આ શ્વાન તેમની કારની પાછળ પાછળ આવતો હતો એટલે રતન ટાટા તેમને મુંબઈ લઇ આવ્યા. ગોવા ડોગના કેરટેકરે કહ્યું કે, રતન ટાટાના ગયા પછી ડોગે આખો દિવસ ખાધું નથી.

રતન ટાટાએ માર્ચ 2023માં મુંબઇમાં એક આધુનિક એનિમલ હોસ્પિટલ બનાવી છે. જેમાં ICU, સીટી સ્કેન સહિતની તમામ સુવિધા છે. અને પ્રાણીઓની કાળજી રાખવા માટે ટીમ રાખવામાં આવી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS