સોનામાં તેજી અને હીરામાં મંદી, બજારની રમત સમજો

હાલમાં હીરા ઉદ્યોગની સ્થિતિ સારી નથી. રફની ઊંચી કિંમત અને પોલિશ્ડમાં ઓછી માંગ વચ્ચે સુરતના હીરાવાળા ઉત્પાદનનું સંતુલન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.

Aaj No Awaj-Dr Sharad Gandhi-Diamond City 392
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હાલમાં હીરા ઉદ્યોગની સ્થિતિ સારી નથી. રફની ઊંચી કિંમત અને પોલિશ્ડમાં ઓછી માંગ વચ્ચે સુરતના હીરાવાળા ઉત્પાદનનું સંતુલન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. કુદરતી હીરાના ઉત્પાદકોની ચિંતા વધી છે તો લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકો પણ ખુશ નથી. તેઓ પણ પાછલા કેટલાંય સમયથી મંદીનો સામનો કરી રહ્યાં છે, પરંતુ ભારત સરકારના સપોર્ટથી આ દુઃખના દિવસો ટળી જશે અને અચ્છે દિન આયેંગે એવી આશા સુરતના હીરાવાળા રાખી રહ્યાં છે.

છેલ્લાં કેટલાંક સમયથી વૈશ્વિક સ્તરે અર્થતંત્રની હાલત સારી નથી. યુરોપિયન દેશોની આર્થિક અનિશ્ચિતતા સમગ્ર વિશ્વને હેરાન કરી રહી છે. ભારત પણ તેનાથી અળગું રહ્યું નથી. હાલમાં ઉદ્યોગકારોની સ્થિતિ નટબજણીયા જેવી થઈ છે. દોરડામાં પર વજનદાર લાંબો દંડો લઈને ચાલવું સરળ હોતું નથી. જરાક સંતુલન બગડે અને ધડામ દઈને નીચે પડી જવાય. એવી જ હાલત ભારતના દરેક ક્ષેત્રન ઉદ્યોગકારોની થઈ છે.

ભારતીય એમએસએમઈ સેક્ટરની હાલત સૌથી કફોડી છે. આ ક્ષેત્ર તો વર્કિંગ કૅપિટલ માટે પણ ઝઝૂમી રહ્યું છે. આગામી દિવસોમાં સ્થિતિ વધુ બગડશે તેવો ભય નિષ્ણાતો વ્યક્ત કરે છે. હીરા ઉદ્યોગ માટે પણ નિષ્ણાતોનો મત સારો જણાતો નથી. કારણ કે યુએસ અને યુરોપ જ હીરાનું મુખ્ય બજાર છે અને આ બજારો હાલ ઠપ્પ થયા છે. ત્યારે બીજી તરફ સોનું ચમકી રહ્યું છે. પીળી ધાતુની કિંમતો ધડાધડ સીડી પકડી ઊંચે ચઢી રહી છે, પરંતુ શું ઉપર કોઈ સાપ બેઠો છે? જેના ડંખથી સોનું પણ ધડામ દઈ નીચે પડશે એવી ચિંતા પણ લોકોને સતાવે છે. તો ચાલો જાણીએ સોનામાં તેજી અને હીરામાં મંદી ક્યાં સુધી ટકશે…

દિવાળી સુધીમાં સોનાના ભાવ હજુ વધશે

જૂન મહિનામાં સોનાની કિંમતોમાં ૩.૩૦ ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યા બાદ જુલાઈમાં ફરી એકવાર પીળી ધાતુ સોનામાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની ચિંતા હોવા છતાં સોનાની ખરીદીને ટેકો મળ્યો છે. મલ્ટી કોમોડીટ એક્સચેન્જ પર ઓગસ્ટ એક્સપાયરી ગોલ્ડ ફયુચર્સ કોન્ટ્રાક્ટ ૭ જુલાઈના રોજ ૦.૬૫ ટકા એટલે કે પ્રતિ ૧૦ ગ્રામ ૩૯૧ રૂપિયાના વધારા સાથે બંધ થયો હતો. જોકે, આ તેજી એવા સમયે જોવા મળી છે, જ્યારે એમસીએક્સ પર સોનું ત્રણ મહિનામાં સૌથી નીચા સ્તરે એટલે કે ૫૮,૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચ્યું હતું.

અહીં પ્રશ્ન એ થાય છે કે સોનાની કિંમતોમાં આવો ટ્રેન્ડ કેમ જોવા મળી રહ્યો છે. તો આ મામલે ઈન્વેસ્ટમેન્ટ એડવાઝર્સ કહે છે કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની ચિંતાના લીધે લાંબા સમય સુધી સોનું નીચું રહ્યું હતું. જોકે, યુએસ લેબર માર્કેટમાં સુસ્તીના લીધે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાને કારણે નીચલા સ્તરે ખરીદીને કારણે સોનામાં તેજી જોવા મળી હતી.

આ બાબતો સૂચવે છે કે લેબર માર્કેટ મજબૂત રહે છે પરંતુ મંદીના કેટલાંક સંકેતો હોઈ શકે છે. આ બાબતોએ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો થવા અંગેની ચિંતા પણ હળવી કરી છે. તેનાથી સોનાના ભાવોને ટેકો મળ્યો છે. સોનાને ફુગાવાના જોખમ અને ઊંચા વ્યાજદર સામે હેજ ગણવામાં આવે છે.

સોનાના ભાવ જે રીતે વધી રહ્યાં છે તે જોતાં સૌ કોઈને પ્રશ્ન થાય કે સોનું કેટલે ઊંચે જશે? સોનાની કિંમત હજુ કેટલી વધશે? નજીકના ભવિષ્યમાં સોનના ભાવમાં વધારા થવા અંગે સિનિયર કોમોડીટ રિસર્ચ એનાલિસ્ટ નૃપેન્દ્ર યાદવ કહે છે કે, સોનામાં મંદીનો ટ્રેન્ડ હાલ પૂરતો બંધ થઈ ગયો છે. કોમેક્સ ફ્ચુચર્સમાં તે ૧,૯૦૦ ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર છે. એમસીએક્સ સોનું જુલાઈના પહેલાં અઠવાડિયામાં ૦.૫ ટકા વધીને રૂ. ૫૮,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેન્ડ થયું હતું. ચાંદી ગયા અઠવાડિયે ૦.૪ ના ઘટાડા સાથે ૭૦,૩૦૦ પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.

નિષ્ણાતો કહે છે કે જુલાઈના પહેલાં સપ્તાહમાં ટ્રેઝરી યીલ્ડમાં વધારો થયો હોવા છતાં ડોલર દબાણ હેઠળ રહ્યો હતો. ડોલર અને સોનાના ભાવ એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે. ખરેખર તો ક્રુડ ઓઈલની કિંમતોમાં વધારો કરવા માટે સાઉદી અરેબિયા અને રશિયા જેવા વિશ્વના મોટા તેલ નિકાસકારોએ તેલના પુરવઠામાં ઘટાડો કર્યો છે. યુએસમાં નોકરીઓના આંકડા પણ અપેક્ષા કરતા નબળાં રહ્યાં છે. તેમજ વૈશ્વિક શેરબજારોમાં સુસ્તી સોનાને આકર્ષક બનાવી રહી છે.

સોનાના ભાવ અંગે ભવિષ્યવાણી કરતા નિષ્ણાતો કહે છે કે, સોનાનો બેઝ ભાવ ૧,૮૯૦ ડોલર પ્રતિ ઔંસ અને રૂપિયા ૫૭,૫૦૦થી ૫૭,૬૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર રહી શકે છે. ત્યાર બાદ અહીંથી તેજી જોવા મળી શકે છે. જુલાઈમાં તેજી ચાલુ રહી શકે છે. નિષ્ણાતોને આશા છે કે નજીકના ભવિષ્યમાં સોનાનો ભાવ ૫૯,૨૦૦ થી ૫૯,૨૫૦ પ્રતિ ૧૦ ગ્રામની રેન્જમાં રહેશે.

નિષ્ણાતો કહે છે કે હાલના ભાવ પર સોનામાં ખરીદી થઈ શકે છે. દિવાળી સુધી ફરીથી મોટી તેજીના સંકેત છે. દિવાળી સુધીમાં સોનું ૬૨,૫૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ ઓલટાઈમ હાઈની નજીક છે. જો ફેડરલ રિઝર્વનું વલણ થોડું નરમ થાય તો ડોલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો થશે. પરિણામે સોનાના ભાવ ૬૪,૫૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે.

હીરાની મંદી બહુ લાંબી નહીં ટકે, અચ્છે દિન આયેંગે…

યુરોપિયન દેશોની આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનામાં તેજી જોવા મળી છે તો બીજી તરફ આ જ કારણોના લીધે હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંય મહિનાઓથી પોલિશ્ડ હીરામાં ખરીદી નહીં હોવાના લીધે ભારતીય હીરા ઉદ્યોગકારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે.

ઉનાળામાં વૅકેશન આપ્યા બાદ હવે હીરાના કારખાના ફરી શરૂ થયા છે. પરંતુ પુરી તાકાત, ક્ષમતા સાથે ધમધમી રહ્યાં નથી. અનેક રત્નકલાકારોને હજુ પણ કામ મળી રહ્યું નથી. લેબગ્રોનમાં પણ સારી સ્થિતિ નથી. હીરાની માંગ ઘટતા તેની કિંમત પણ ઘટી છે. વૈશ્વિક પ્રદર્શનોના ઓર્ડરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક્ઝિબિશનોમાં ૩૦ થી ૪૦ ટકા ઓર્ડર જ મળી રહ્યાં છે.

Aaj No Awaj-Dr Sharad Gandhi-Diamond City 392-1

રફ ડાયમંડના ભાવ એપ્રિલમાં જ બે ગણા વધી ગયા હતા. તેના લીધે રફની ખરીદીમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એપ્રિલની જ વાત કરીએ તો પોલિશ્ડ ડાયમંડની કિંમતોમાં પ્રતિ કેરેટ ૧૦,૦૦૦ ઘટાડો થયો હતો. પોલિશ્ડના ભાવ ઘટવાની સ્થિતિમાં શું બજારમાં ડાયમંડની માંગ વધશે? આ પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે. પરંતુ એવું નથી હાલ તો પોલિશ્ડ ડાયમંડની માંગમાં ૧૫ ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સુરતની વાત કરવામાં આવે તો વિશ્વના ૯૦ ટકા હીરા સુરતમાં કટ એન્ડ પોલિશ્ડ થાય છે. રશિયામાંથી વાર્ષિક રૂપિયા ૭૫,૦૦૦ કરોડના રફ હીરાની આયાત કરવામાં આવે છે.

સુરતમાં ૫૦૦થી વધુ લેબગ્રોન ડાયમંડ મેન્યુફેક્ચરીંગ યુનિટ છે. ભારતમાં કટ એન્ડ પોલિશ્ડ થયેલા ડાયમંડની યુએસમાં વધુ માંગ છે. તે ઉપરાંત યુએઈ અને હોંગકોંગમાં પણ સારા બજારો છે, પરંતુ યુએસ આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે જ્યારે યુએઈ અને હોંગકોંગમાં ઉત્પાદન સામે ખપત ઓછી છે.

પાછલા વર્ષોના રફ ડાયમંડની આયાત પર નજર કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮માં ૧,૮૯૦ મિલિયન ડોલર, ૨૦૧૯માં ૧,૫૭૦ મિલિયન ડોલર, ૨૦૨૦માં ૧,૨૭૦ મિલિયન ડોલર, ૨૦૨૧માં ૧,૬૯૮ મિલિયન ડોલર અને ૨૦૨૨માં ૧,૩૧૦ મિલિયન ડોલરના રફ ડાયમંડ ભારતમાં આયાત કરવામાં આવ્યા હતા.

રફ ડાયમંડ ઉત્પાદકોમાં રશિયાનો હિસ્સો ૩૩ ટકા છે, ત્યાર બાદ બોત્સવાના ૧૮ ટકા, કેનેડા ૧૩ ટકા, કોંગો ૧૦ ટકા અને ઓસ્ટ્રેલિયા ૧૦ ટકા જ્યારે અન્ય દેશોનો હિસ્સો ૧૬ ટકા છે. હવે લેબગ્રોન ડાયમંડની વાત કરવામાં આવે તો પાછલા એક વર્ષમાં લેબોરેટરીમાં ૩૦ લાખ હીરાનું ઉત્પાદન થયું છે. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૧૫ ટકા બન્યો છે, જ્યારે જાન્યુઆરી ૨૦૨૩માં સરકારે લેબગ્રોન ડાયમંડના બીજ પર ૫ ટકાની ડ્યુટીની રાહત આપી ત્યારબાદ આ ઈન્ડસ્ટ્રીનો ઉત્સાહ વધ્યો છે.

જણાવી દઉં કે યુએસ ભારતીય લેબગ્રોન ડાયમંડનું મોટું આયાતકાર છે. વળી, લેબગ્રોન ડાયમંડ કુદરતી હીરાની સરખામણીએ સસ્તાં હોય છે. તે લગભગ ૬૦ ટકા સુધી સસ્તાં હોય છે. લેબગ્રોમાં ભારતમાં ૧૫,૫૦૦ કરોડનું ટર્નઓવર છે. ૨૦૨૫ સુધીમાં આ બિઝનેસ ૩૧,૦૦૦ કરોડનો થઈ શકે છે. થોડા સમય પહેલાં નિષ્ણાતોએ એવું કહ્યું હતું કે, આગામી સમયમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધશે.

જીજેઈપીસીના ભૂતપૂર્વ ચૅરમૅન કોલિન શાહે પણ કહ્યું હતું કે, મેક્રો ઈકોનોમીના લીધે કુદરતી અને લેબ ડાયમંડની માંગમાં ઘટાડો થયો છે. આગળ જતા લેબગ્રોન અને નેચરલ ડાયમંડની માંગ વધશે.

યુએસ અને યુરોપમાં આર્થિક મંદીના કારણે એમએસએમઈને મુશ્કેલીનો સામનો કરવો પડશે

અર્થતંત્રની સ્થિતિ અંગેના રિસર્ચ રિપોર્ટ જાહેર કરતી ક્રિસીલ સંસ્થાએ તાજેતરમાં એવો અહેવાલ આપ્યો હતો કે યુરોપ અને યુએસની આર્થિક અનિશ્ચિતતા ભારતીય એમએસએમઈ સેક્ટરને મુશ્કેલીમાં મુકી શકે છે. ભારતની નિકાસમાં ૪૦ ટકાનો હિસ્સો ધરાવતા માઈક્રો, સ્મોલ અને મિડિયમ કક્ષાના એકમોએ લિક્વિડીટી અને વર્કિંગ કેપિટલની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે યુએસ અને યુરોપમાં ભારતની એકંદર નિકાસમાં ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે.

ક્રિસિલના રિપોર્ટ અનુસાર મૂલ્યની દ્રષ્ટિએ એમએસએમઈ સેક્ટરના પાંચમા ભાગમાં આ નાણાકીય વર્ષમાં વર્કિંગ કેપિટલની જરૂરિયાતમાં વધારો થવાની ધારણા છે. ભારતીય એમએસએમઈ સેક્ટર પહેલાથી જ વર્કિંગ કેપિટલ માટે ઝઝૂમી રહ્યો છે. તે હજુ વધે તેવી દહેશત છે. ભારતમાં કન્સ્ટ્રક્શન અને જેમ-જ્વેલરી જેવા સેક્ટરમાં વર્કિંગ કેપિટલની ખેંચ આગામી દિવસોમાં જોવા મળે તેવી સંભાવના ક્રિસિલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સના રિસર્ચ ડિરેક્ટર પુશન શર્માના અવલોકન અનુસાર ગુજરાતના ક્લસ્ટરમાં અમદાવાદ અને સુરતમાં નિકાસલક્ષી એમએસએમઈ કોરોના મહામારીના સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં વર્કિંગ કેપિટલના દિવસો વધે તેવી અપેક્ષા રાખે છે.

વર્કિંગ કેપિટલના દિવસો વધવા એટલે ખર્ચને આવકમાં પરિવર્તીત થવાનો ગાળો વધવો. એટલે કે રોકાણ કર્યા બાદ નફો મેળવવામાં લાગતો સમય. હાલમાં અમદાવાદના ક્લસ્ટરમાં વર્કિંગ કેપિટલનો સમયગાળો ૨૫ દિવસ જેટલો વધી ગયો છે. પહેલાં કરતા રોકાણને આવક બનાવવામાં ૨૫ દિવસનો વધુ સમય લાગી રહ્યો છે. ખાસ કરીને ડાયમંડ અને પિગમેન્ટ સેક્ટરની વર્કિંગ કેપિટલની જરૂરિયાતમાં વધારો થયો છે.

સુરત ક્લસ્ટરમાં આ સમયગાળો ૩૫ દિવસ જેટલો વધી ગયો છે. જે ડાયમંડના એક્સપોર્ટમાં વર્કિંગ કેપિટલની વધેલી જરૂરિયાતને લીધે થયું છે. તેની પાછળ વૈશ્વિક કારણો પણ જવાબદાર છે. ચાઈનીઝ ઉત્પાદકો દ્વારા એમએસએમઈના વિવિધ સેક્ટરોમાં ડમ્પિંગને લીધે ઈન્વેન્ટરીનો ઢગલો થયો છે. તુર્કીમાં ભૂકંપ અને યુએસમાં મંદી પણ જવાબદાર છે. જંતુનાશકો અને ફાર્મા સેક્ટરમાં નિકાસમાં ઘટાડો પાછળ આ પરિબળો જવાબદાર છે, કારણ કે તેના લીધે ૨૫ ટકા જેટલી ઈફેક્ટ પડી છે.

સુરતની વાત કરવામાં આવે તો ભારતની ૯૦ ટકા હીરાની નિકાસ સુરત કરે છે. ભારતની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં હીરાનો અડધાથી વધુ હિસ્સો છે. સોથી મોટા નિકાસ બજાર યુએસની માંગમાં ઘટાડાની અસર ડાયમંડના એક્સપોર્ટ પર પડી છે. તેના લીધે વર્કિંગ કેપિટલને પ્રોફિટમાં કન્વર્ટ કરવાના સમયગાળાનો સમયગાળો ૧૪૦ દિવસથી વધીને ૨૦૦ થઈ ગયો છે. કન્સ્ટ્રક્શનમાં આ સમયગાળામાં સીધો ૧૦૦ દિવસનો વધારો થયો છે.

ક્રિસિલના એસોસિયેટ ડિરેક્ટર એલિઝાબેથ માસ્તર કહે છે કે, લિક્વિડીટીના લાભો જેમ કે નાના માઈલસ્ટોન્સની સિદ્ધિ પર પેમેન્ટ, જે બાંધકામ ક્ષેત્રન એમએસએમઈના છેલ્લાં કેટલાંક વર્ષોથી કેન્દ્ર સરકાર પાસે મેળવે છે. આત્મનિર્ભર પેકેજનો એક ભાગ આ નાણાકીય વર્ષમાં મળશે નહીં. તેનાથી કન્સ્ટ્રક્શન ક્ષેત્રના વર્કિંગ કેપિટલના દિવસોમાં વધારો થશે.

આ ઉપરાંત એમએસએમઈ સેક્ટર માટે લોનની જરૂરિયાત ૧૦૦ ટ્રિલિયનથી વધુ હોવાનો અંદાજ ક્રિસિલે મૂક્યો છે. તેમાંથી ૭૦ ટકા રકમ વર્કિંગ કૅપિટલ પાછળ વપરાશે. દેવાનો ચોથો ભાગ ઔપચારિક રીતે વર્કિંગ કેપિટલમાં ખર્ચાશે. આમ દરેક સેક્ટરે વર્કિંગ કેપિટલની જરૂરિયાતને સમજવી ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ક્રિસિલે આ સાથે વર્કિંગ કેપિટલ, પ્રોફિટ વચ્ચેના સમયગાળામાં બૅલેન્સ રાખવા અંગે ભારતના ડાયમંડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી સહિત સમગ્ર એમએસએમઈ સેક્ટરને આડકતરો ઈશારો કરી દીધો છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS