સુરત અને અહીંના હીરાઉદ્યોગ માટે આગામી દિવસો ગેમ ચેન્જિંગ બની રહેનારા છે. સુરતના હીરા ઉદ્યોગકારોનો અતિમહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુરત ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂરું થઈ ગયું છે, હવે બસ તે ખુલ્લું મુકાય તેની ઘડીઓ ગણાઈ રહી છે.
બુર્સમાં ઓફિસ ખરીદનારા 4200 હીરાના વેપારીઓ 5મી જૂને ભેગા થઈ પૂજા કરનાર છે, ત્યાર બાદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સમય આપે તે દિવસે ડાયમંડ બુર્સનું ભવ્યતાપૂર્વક ઉદ્દઘાટન કરવામાં આવશે અને તે દિવસ સુરત અને સુરતના હીરા ઉદ્યોગકારો માટે એક નવા સૂર્યનો ઉદય લઈને આવશે તેમાં કોઈ શંકા નથી.
સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે પરંતુ સુરત ડાયમંડ બુર્સમાં હીરાનો વેપાર શરૂ થયા બાદ ખરા અર્થમાં સુરત વૈશ્વિક સ્તર પર ચમકશે તેમાં કોઈ શંકા નથી.
તમને થતું હશે કે સુરત ડાયમંડ બુર્સની આટલી ચર્ચા કેમ?
દેશ-વિદેશમાં આવી અનેક વ્યવસાયિક ઈમારતો આવેલી જ છે. સુરતમાં બુર્સ બન્યું તેમાં વળી આટલી નવાઈ શા માટે? ભારતની જ વાત કરીએ તો મુંબઈમાં બીડીબી એટલે કે ભારત ડાયમંડ બુર્સ આવેલું છે.
ત્યાં દેશવિદેશના હીરા ઉદ્યોગકારો રોજ કરોડો-અબજોનો વેપાર કરે છે. સુરતના જ કેટલાંય હીરાના વેપારીઓની બીડીબીમાં ઓફિસ આવેલી છે.
એ જ રીતે એન્ટવર્પ, ન્યૂયોર્ક, દુબઈ, સિંગાપોર, હોંગકોંગ વિશ્વના અનેક દેશોમાં વર્લ્ડક્લાસ કોર્પોરેટ ઈમારતો આવેલી જ છે અને ત્યાં બિઝનેસમેન કરોડો અરબોના વેપાર કરે જ છે. તો સુરત ડાયમંડ બુર્સ માટે આટલો હરખ કેમ?
તો તેનો જવાબ છે જીદ. હા, વિકાસની જીદ. વિશ્વના ફલક પર ચમકવાની જીદ. કંઈ કરી દેખાડવાની જીદ. બીજાથી બહેતર સાબિત થવાની જીદ.
વાત એમ છે કે સુરત ભલે વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હોય પરંતુ તે પોતાના મનને ખુશ કરવાની જ વાત હતી. ખરેખર સુરતમાં છેલ્લાં ચાર-પાંચ દાયકાથી લેબર વર્ક જ થતું હતું.
રશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા કે પછી વિશ્વના કોઈ પણ દેશની ખાણમાંથી રફ હીરો નીકળે તે ખરીદવા સુરતના હીરાના ઉત્પાદકોએ એન્ટવર્પ કે પછી મુંબઈ જવું પડે. તે હીરો સુરત લાવી ફેક્ટરીઓમાં ઘસી, ચમકાવી પછી વેચવા માટે પણ ફરી મુંબઈ કે એન્ટવર્પ જ જવું પડે.
સુરતમાં તેનો કોઈ લેવાલ નહીં. એક રીતે સુરતના વેપારીઓ મુંબઈ-એન્ટવર્પ પર આશ્રિત. અને એટલે જ સુરતના મોટા હીરા ઉદ્યોગકારોને મુંબઈ અને એન્ટવર્પમાં ઓફિસ રાખવાની ફરજ પડે. આજે પણ સુરતના મોટા હીરાઉદ્યોગકારોની ઓફિસ મુંબઈમાં છે.
પોતે રફ ખરીદી, તેને ચમકાવી ને વેચવી હોય તો લઈને મુંબઈ જવું પડે. કોઈ સુરતમાં ખરીદવા નહીં આવે. આવી મોનોપોલી. આ મોનોપોલીથી એક રીતે સુરતના હીરાઉદ્યોગકારો થાક્યા હતા અને ત્યાંથી મારો હીરો – મારી કિંમત, માઈન્સ થી માર્કેટ જેવા વિચારોના બીજ ફૂટ્યા.
સુરતના હીરાઉદ્યોગકારોએ ફરી એકવાર સાબિત કરી દીધું કે કશું જ અશક્ય નથી : માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં 2600 કરોડના ખર્ચે વર્લ્ડક્લાસ 9 બિલ્ડિંગો ઉભી કરી દીધી.
કેમ મુંબઈમાં હીરા વેચવા જવું પડે? સુરતમાં કેમ વેચી નહીં શકાય? આંતરરાષ્ટ્રીય વેપારીઓ સુરતમાં કેમ નહીં આવે? આ સવાલો સુરતના સૌરાષ્ટ્રવાસી મોટી હીરાઉદ્યોગકારોના મનમાં સળવળ્યો અને સુરત ડાયમંડ બુર્સનો વિચાર સ્ફૂર્યો.
વર્ષ 2012-13માં આ વિચાર સાર્વજનિક થયો હતો. અને ત્યારે સુરતના હીરા ઉદ્યોગકારોને ગુજરાતની સરકારનો સાથ મળ્યો. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે આરૂઢ થયા અને ગુજરાતમાં આનંદી પટેલે ધૂરા સંભાળી અને બસ સુરત ડાયમંડ બુર્સના વિચારને પાંખ મળી.
આનંદીબહેન પટેલે ખજોદમાં ડ્રીમ સિટી પ્રોજેક્ટ માટે જમીન ફાળવી અને તેમાં એક ટૂકડો સુરત ડાયમંડ બુર્સ માટે સુરતના હીરાઉદ્યોગકારોને સોંપ્યો. હીરાઉદ્યોગકારોએ આ તકને ઝડપી લીધી.
તાબડતોબ કમિટી બનાવી. નિર્માણની જવાબદારી પદ્મશ્રી મથુર સવાણીને સોંપાઈ. કિરણ હોસ્પિટલને સાકાર કરી ચૂકેલા મથુરભાઈએ ડાયમંડ બુર્સની કામગીરીને પણ ખૂબ જ ચીવટતાથી શરૂ કરાવી.
તેનું જ પરિણામ છે કે 2017માં કામ શરૂ થયું અને કોરોનાના વિધ્ન વચ્ચે પણ 2022માં પાંચ વર્ષના ટૂંકા સમયમાં સુરત ડાયમંડ બુર્સનું 100 ટકા કામ પૂરું થઈ ગયું છે. સુરત ડાયમંડ બુર્સનું કામ શરૂ થયું ત્યારે કહેવાતું કે આ બુર્સ 10 વર્ષ પહેલાં નહીં બને.
કારણ કે મુંબઈના બુર્સને પણ બનતા દાયકો વીતી ગયો હતો અને ત્યાર બાદ કાર્યરત થતાં પણ ઘણો સમય નીકળી ગયો હતો, તેથી સુરત ડાયમંડ બુર્સના પણ બુરા હાલ થશે તેવી ચર્ચા હતી, પરંતુ સુરતના હીરા ઉદ્યોગકારોએ પેટ દુ:ખિયાઓની વાતોને ખોટી સાબિત કરી છે.
પાંચ જ વર્ષમાં 2600 કરોડના ખર્ચે વર્લ્ડક્લાસ સુરત ડાયમંડ બુર્સ તૈયાર થઈ ગયું છે. આ બુર્સની ખાસિયતો જોઈ-સાંભળી વિશ્વના લોકો અચંબામાં પડી ગયા છે.
અમેરિકાની સિક્યુરીટી સંસ્થા પેન્ટાગોન કરતાં પણ મોટા વિસ્તારમાં તૈયાર થઈ રહેલો ડાયમંડ બુર્સ સુરત માટે સૌથી મોટી આશા છે. કુલ 66 લાખ ચો. ફૂટમાં 11 માળના કુલ 9 ટાવરમાં 4200 જેટલી હીરા ઉદ્યોગકારોની ઓફિસ અહીં ટૂંક સમયમાં કાર્યરત થશે.
ડાયમંડ બુર્સના ગેટ થી કોઈ પણ વ્યક્તિ પોતાની ઓફિસમાં 3 થી 3.50 મિનિટમાં પહોંચી જાય તેવું ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ડેવલોપ કરવામાં આવ્યું છે. બુર્સનું નિર્માણ 2600 કરોડથી વધુના ખર્ચે થયું છે. અહીં 15 માળના 9 બિલ્ડિંગમાં 4200 ઓફિસ બનાવવામાં આવી છે.
ડાયમંડ બુર્સ કાર્યરત થતાંની સાથે જ સુરતના હીરાઉદ્યોગની સાથે સુરતના વિકાસને પાંખો મળશે: આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો ઉડતી થશે, દેશ-વિદેશથી વેપારીઓ સુરત આવતા થશે, હોટલ-ટુરીઝમ ડેવલપ થશે.
ડાયમંડ બુર્સમાં પંચતત્વના સિદ્ધાંત પર ગાર્ડન બનાવાયો
સુરતમાં સાકાર થયેલા હીરા બુર્સના 8 બિલ્ડિંગની થીમ પંચતત્વ આધારિત રાખવામાં આવી છે. દરેક બિલ્ડિંગ નીચે એક ગાર્ડન બનાવવામાં આવ્યો છે. બ્રહ્માંડનું ચક્ર પંચતત્વમાં ફરે છે.
પ્રકૃતિના આ 5 તત્વો હવા, પાણી, અગ્નિ, પૃથ્વી, આકાશનું જ્યારે સંતુલન હોય ત્યારે શાંતિ, સમૃદ્ધિ, સુખ અને સફળતા પ્રાપ્ત થાય છે. આવા જ શુભ આશયથી ડાયમંડ બુર્સના ગાર્ડનની થીમ પંચ તત્વની રાખવામાં આવી છે.
હીરા બુર્સ પ્રોજેક્ટ નજીકના સમયમાં શરૂ થઈ જવા રહ્યો છે.
આ પંચતત્વો ગાર્ડનમાં સાકાર કરાયા
હવા : પહેલાં ગાર્ડનને ‘વાયુ’તત્વનો આકાર આપવામાં આવ્યો છે, જેમાં કલાત્મક વિન્ડ સ્પિનર્સ, લીલા લેન્ડસ્કેપથી ઘેરાયેલા છે, જે આરામ કરવા માટે આનંદી વાતાવરણને સક્ષમ કરે છે.
પાણી : સૌથી મૂળભૂત તત્વ જે વ્યક્તિના મનને પ્રભાવિત કરે છે, શાંતિ અને સર્જનાત્મકતાને ઉત્તેજન આપે છે, તે પંચતત્વ રચનાઓની જળચર પાંખ છે. આ વિસ્તાર પાણીના શરીરમાં નાના ફુવારાઓના છંટકાવ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં ચમકદાર સ્ટીલના ગોળા છે, જે પાણીના પ્રતિબિંબના સારને પ્રકાશિત કરે છે, ‘જલ’, તત્વ.
અગ્નિ : કલાત્મક વૃક્ષારોપણથી ઘેરાયેલા, ખીલેલા ફુવારાની વચ્ચે, અગ્નિથી પ્રકાશિત મનોહર ઝાડવા આ વિસ્તારમાં અગ્નિ, ‘અગ્નિ’, તત્વનું સૌંદર્ય શાસ્ત્ર બનાવે છે.
પૃથ્વી : વૃક્ષોની હાજરીથી શાખાઓ ઉપાડવામાં આવે છે જે મનને કલ્પનાની ઊંચાઈઓ પર જવા માટે પ્રેરણા આપે છે, આમ એક સુખદ આનંદ લાવે છે અને પૃથ્વી, ‘પૃથ્વી’, તત્વ દ્વારા સ્વયંને ફરીથી ઉત્સાહિત કરે છે.
આકાશ : ગ્લેઝિંગ જીઓડેસિક પોલિહેડ્રોન ડોમ કુદરતી આકાશના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, જે આ ગોળામાં વિશાળ શેડની હાજરી સૂચવે છે. સ્થિરતા અને શક્તિની ભાવનાને પણ પ્રોત્સાહન આપવું જે આકાશના ભાગો, ‘આકાશ’, તત્વને પ્રતિબિંબિત કરે છે.
સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો
• બુર્સનું નિર્માણ ૨૬૦૦ કરોડથી વધુના ખર્ચે થયું છે.
• અહીં ૧૫ માળના ૯ બિલ્ડિંગમાં ૪૨૦૦ ઓફિસ બનાવવામાં આવી છે
• કુલ 66 લાખ ચો. ફૂટમાં 11 માળના કુલ 9 ટાવરમાં 4200 જેટલી હીરા ઉદ્યોગકારોની ઓફિસ કાર્યરત થશે
• ટાવરના કેમ્પસની અંદર જ ફરવામાં આવે તો 22 કિમીનું અંતર થઇ જાય છે
• મુંબઈ હીરા બુર્સમાં 2500 ઓફિસ છે, જેમાંથી અડધી સુરતના વેપારીઓની છે.
• 175 દેશોના વિદેશી બાયરો સુરત આવીને ડાયમંડની ખરીદી કરી શકે તે માટે આયોજન
• સુરતનો 1.50 લાખ કરોડનો જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધીને સીધો 2.50 લાખ કરોડ પર પહોંચશે