DIAMOND CITY NEWS, SURAT
સૌથી પહેલા ધર્મે માણસના અલગ-અલગ વર્ગીકરણ કર્યા, પછી એ જ કાર્ય મનોવિજ્ઞાને પણ કર્યું. જુદા-જુદા કાળખંડમાં જુદા-જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા જુદા-જુદા માપદંડો સ્થાપીને માણસને વર્ગીકૃત કરવામાં આવ્યો.
આજે પણ આપણે એક એવા વર્ગીકરણને થકી માણસને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ, જેનું વર્ગીકરણ સ્વયં ભગવાન બુદ્ધે કરેલું. છેવટે કોઈપણ વર્ગીકરણનો હેતુ માણસ વિશે સમજ વધારવાનો અને માણસનો વિકાસ કરવાનો હોવો જોઈએ, અહીં પણ તે માપદંડો પરિપૂર્ણ થાય છે.
ભગવાન બુદ્ધના જણાવ્યાનુસાર માણસના ચાર પ્રકાર છે, જે આ મુજબ છે…
1. જેઓ પ્રકાશમાં છે અને પ્રકાશ તરફ ગતિ કરી રહ્યા છે.
2. જેઓ અંધકારમાં છે પણ પ્રકાશ તરફ ગતિ કરી રહ્યા છે.
3. જેઓ પ્રકાશમાં છે પણ અંધકાર તરફ ગતિ કરી રહ્યા છે.
4. જેઓ અંધકારમાં છે અને અંધકાર તરફ જ ગતિ કરી રહ્યા છે.
હવે જરા વિસ્તૃતમાં સમજીએ
1. જેઓ પ્રકાશમાં છે અને પ્રકાશ તરફ ગતિ કરી રહ્યા છે.
જાણે આકાશથી તારાઓ અને નક્ષત્રો ધરતી પર પ્રવાસ કરવા આવ્યા હોય એમ ઝળહળાટ જ ઝળહળાટ… નદીઓ પર તરતા દીવાઓનો ઝગઝગાટ અને ગંગા તટે થતી આરતીનો દીપોત્સવ… જેમને માટે નિત્ય દિવાળી છે, એવા આ માણસો કોઈપણ પરિવાર, સમાજ કે દેશ માટે સંસારનું શુભ તત્વ હોય છે… જાણે આ લોકોને કારણે દીવામાં ઘી ખૂટતું જ નથી, ને પ્રકાશ પારાવાર પ્રગટતો રહે છે. આ પ્રકાશ એટલે? નિષ્કપટતા, નિષ્છલતા, સરલતા, સહજતા, સજ્જનતા, કરુણા, કોમળતા, ઋજુતા, શુભતા, વાત્સલ્યપૂર્ણતા, નમ્રતા, આત્મીયતા, સચ્ચાઈ, સદભક્તિ…જાણે અહિલ્યા જેવા પત્થરના દેહમાં ચેતનાની વાટ ટમટમી રહી હોય એવા આ માણસો… ચાહે જિંદગીમાં અંધકારના બીંબાઢાળ માણસો મળે તો પણ પોતે પ્રકાશના ધ્રુવતારાનો સાથ ન છોડે એવા માણસો…જ્યારે બીજાઓની જિંદગીમાં અંધકાર હકડેઠઠ જામી ગયો હોય ને ઓગળવાનું નામ જ ન લેતો હોય ત્યારે નાનકડી લૌ જેમ પ્રગટનાર માણસો…
આંસુઓને શમાવી સ્મિતને પ્રગટાવે એવા માણસો…કાંટાઓની કેડીઓ મિટાવી, ફૂલોનો રાજપથ સજાવે એવા માણસો…જેમને માથે બદનામીનું કલંક લાગ્યું હોય અથવા જેઓ અન્યોને બદનામ કરવા ષડયંત્ર કરતા હોય તેમનો બચાવ કરવા જાણે મશાલના વંશઘર હોય એવા માણસો…બેડીઓમાં જકડાયેલા માણસોને મુક્ત કરવા મેદાને પડ્યા હોય એવા ધારદાર માણસો…પહાડ જેવા અસંવેદનશીલ વ્યક્તિઓને ફૂલ જેવી સંવેદનાના વાહક બનાવી શકે એવા વસંતમય માણસો…મરશિયા ગવાતા હોય ત્યાં ઝાંઝર રણકાવી દીપડા પેટાવે એવા માણસો…ભાવિ સફરમાં આવનારા અંધકારના પડાવો માટે તપ-જપ રૂપી જુગનુઓનો સંગ્રહ કરી ચાલનારા અપરગ્રહીઓ…અને અંધકારથી ડરી જનારાઓને પોતાના પ્રકાશ થકી સાંત્વન આપનારા હોય છે આ જુગ્નુઓ…
ગીતાના સોળમાં અધ્યાયમાં દેવાસુર સંપત્તિ વિભાગમાં જે દેવતાઓની સંપત્તિ ગણાવાઈ એમાં જેટલી દેવતાઓની સંપત્તિ છે, એ બધી ‘પ્રકાશથી પ્રકાશ તરફ ગતિ કરનારાઓની સંપત્તિ છે.’ જેમાં આ લક્ષણોને લક્ષમાં લેવામાં આવે છે. ભયનો સર્વથા અભાવ, અંત:કરણની અત્યંત શુદ્ધિ, સાત્વિક, દાન, ઈન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ, યજ્ઞ (ગીતામાં અનેક પ્રકારના યજ્ઞોનું વર્ણન છે.) સ્વાધ્યાયના, કર્તવ્ય પાલન માટે કષ્ટ પણ સહેવું પડે તો સહેવું, શરીર-મન-વાણીની એકરૂપતા તથા સરળતા, અહિંસા, સત્યભાષણ, ક્રોધનો ત્યાગ, સાંસારિક કામવાસનાઓનો ત્યાગ, અંત:કરણમાં રાગદ્વૈષનું હલનચલન પણ ન હોવું. સંસારના સમગ્ર પ્રાણીયો પ્રત્યે દયાનો-સહાનુભૂતિનો ભાવ, સ્વભાવની કોમળતા, ખોટું-ખરાબ કરવામાં લજ્જાનો અનુભવ, છેતરપીંડીનો અભાવ, તેજસ્વીતા, ક્ષમા, ધૈર્ય, શરીરની શુદ્ધિ, વેરભાવનું ન હોવું અને માનની ચાહતનો અભાવ, વાણી-વચન અને વર્તનની એકરૂપતા આ અને આ કુળના સદગુણો પ્રકાશથી પ્રકાશ તરફ ગતિ કરનારા મનુષ્યોના લક્ષણો છે.
આ પ્રકાશના પથિકો ન કેવળ પોતાના કલ્યાણની ભાવના સેવે છે પરંતુ તેઓના અંત:કરણમાં સર્વ માટે મંગલભાવના રહેલી હોય છે, ચાહે તેઓમાં પ્રકાશના ઓછા ગુણ કે લક્ષણ હોય પણ તેઓ આ જ માર્ગ પર ગતિ કરીને જિંદગીનું અંતિમ લક્ષ્ય હાંસલ કરી લે છે.
આ શ્રેણી એ માણસની સર્વશ્રેષ્ઠ શ્રેણી છે. ભાગ્યે જ તેનું પતન થાય છે. આવા લોકોના સંપર્કમાં આવનારાઓ પણ ભાગ્યશાળીઓ બની રહે છે ને જીવન-ઉત્થાનના કાર્યમાં લાગી જાય છે. જેઓ સાચા અર્થમાં સાધુઓ, સંતો, મહંતો, ભગવંતો, અરિહંતો છે, તેઓ પ્રકાશના પૂજારી છે અને તેઓ એ સત્ય જાણે પણ છે કે અમારો રાહ પ્રકાશનો છે; તેઓ પ્રકાશનો માર્ગ કોઈપણ સંજોગોમાં છોડતા નથી. તેમની સાધના માટે તેમનું સાધન હોય પોતાના પર અને પોતાના ઈષ્ટ પર પરમ શ્રદ્ધા છે. જેટલી વધારે શ્રદ્ધા તેટલો તેજપૂંજ વિશાળ…તમને મળ્યા છે આવા માણસો? તમે જાણા છો આમના વિશે? શું વિચારો છો આવા લોકો માટે? આપણી કથા-ધર્મકથાઓમાં તેઓ નાયક રૂપે પૂજનીય છે, જે આપણા આદર્શ છે…
હવે જોઈએ બીજો પ્રકાર,
2. જેઓ અંધકારમાં છે પણ પ્રકાશ તરફ ગતિ કરી રહ્યા છે.
આ સંસારમાં અંધકારમાં કોણ નથી? અને અંધકારના પણ ઘણા બધા રંગરૂપ છે. અંધકાર કાળો, પીળો, વાદળી વગેરે રંગ લઈ પથરાયો છે. માણસના મનની ગલીઓમાં જ્યાં કામવાસનાઓનું જંગલ દહકે છે, જ્યાં પીડાઓ સણસણે છે, ત્યાં છે અંધકાર! પણ આ લોકો સજાગ છે, જાગૃત છે અને થનગને છે કે કોઈ હાથ ઝાલીને અમને આ અંધારી કોટડીઓમાંથી બહાર કાઢે, પ્રકાશનો ચહેરો દેખાડે. આ ભૂખ સારી છે. આ અતૃપ્તિનો ટળવળાટ એ ગંગા માટે છટપરાહટ છે. આ લોકોને આશા છે કે પાણી મળશે ને પુષ્કળ મળશે તેઓ પોતે પણ પ્રયાસમાં રહે છે કે પ્રકાશનો કોઈ દોર પકડી લેવો ને પછી શ્વાસમાં પરોવી તેનું ગાયન ગાવું.
આપણા ભજનોમાં, સંતવાણીમાં, લોક-ડાયરામાં આ પ્રકારની વાતો ખૂબ વહે છે. મારું માનીતુ છે, ‘રંગાઈ જાને રંગમાં, સીતા રામ તણા સત્સંગમાં’, જેસલ-તોરલનું ભજન પણ અત્રે યાદ આવે છે, ‘પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભળાજો…’ સૌથી નજીક છે સ્તુતિ ‘વિશ્વંભરી અખીલ વિશ્વતણી જનેતા‘ (રચનાકાર – કેશવલાલ દ્વિવેદી, છંદ વસંતિલકા) એક એક શબ્દ ભાવ સૂચક… જેને ખબર પડી ગઈ કે પોતે અંધકારમાં છે ને પ્રકાશ તરફ જવું છે, તેની ભીતરી યાત્રા શરૂ થઈ ગઈ. કમ સે કમ આંખ તો ઉઘડી ગઈ. એ પડશે, ઊભો થશે, પછડાશે, પાછો ટેકો લેશે, બેસશે, ઊભો થશે, દોડશે ને એક દિવસ ઉડશે પણ ખરો. જેણે નક્કી કરી નાખ્યું મારું કલ્યાણ મારે કરવું જ છે એને કોઈક મળશે જ તે માટે… જેમ અંગુલિમાલને ભગવાન બુદ્ધ મળ્યા, જેમ વાલિયા લૂંટારાને નારદ ઋષિ મળ્યા અને જેમ તુલસીદાસને પત્નિનો ઠપકો મળ્યો. આમ કોઈને કોઈ વ્યક્તિ કે પ્રસંગ નિમિત્ત બની જશે કે અંધકારમાં ફફોસતા માણસને પ્રકાશ જેવા તત્વના દર્શન થવાના. આવા લોકોને પણ એક દિવસ પોતાનું અંતિમ લક્ષ્ય મળી રહે છે. એમને એમની મંઝિલ મળી રહેશે, તેવી બાહેંધરી મળી જાય છે…
હવે જોઈએ, ત્રીજા પ્રકારના લોકો…
3. જેઓ પ્રકાશમાં છે પણ અંધકારમાં તરફ ગતિ કરી રહ્યા છે.
એવો સવાલ તમારા મનમાં ઘણીવાર થતો હશે કે ફલાણો વ્યક્તિ કુકર્મી છે, કુધર્મી છે, નાલાયક છે, સમાજનો કચરો છે ને તેમ છતાં એ સુખી છે. તેના જીવનમાં ક્યાંય દુ:ખનું નિશાન નથી. આવા લોકો કોણ છે? કોઈ ને કોઈ જન્મના પૂણ્ય કર્મોને પ્રતાપે તેઓ આજે આ સુખ-સગવડો ભોગવે છે. જ્યારે તેઓ પ્રકાશમાં હતાં. ત્યારે ઉજાસની કિરણો તેમની બાહર-ભીતર છલકતી હતી પણ આજે દુનિયાભરના કાળા કામા આવા લોકો કરે છે, હવે પ્રકાશથી તેમનો નાતો ટૂટી ગયા છતાં તેઓ ઐય્યાશ જીવન વીતાવે છે. લોકો જાણે છે તેમના વિશે પણ તેમના ભયને કારણે કોઈ કંઈ બોલતું નથી કારણ કે આજે તેમનું પુણ્ય સુતું છે, પાપ જાગે છે.
અત્યારે તેઓ પ્રકાશથી અંધકાર તરફ ગમે તેવી આંધળી દોટ મૂકે તેમનું કંઈ બગડવાનું નથી, બલ્કે જેઓ તેમને પ્રકાશનો માર્ગ ચીંધવા જશે, તે જ અડફેટે ચડી જશે. પણ સમય ચક્ર એક જગ્યાએ સ્થિર રહેતું નથી ને સમયનો ફટકો પડે ત્યારે ગમે તે જન્મે એક માતાના બે દિકરા હોય તોય બંનેના જીવનમાં લાખ ગાડાના ફરક પડી જાય છે.
પેલું ભજન છે ને,
‘કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી…
એક રે માતાના બે-બે દિકરા,
લખ્યા એના જુદાં-જુદાં લેખ,
એકને માથે રે છત્તર બિરાજે,
એક ભારા વેચી ખાય,
હે જી કર્મર્નો સંગાથી રાણા મારું કોઈ નથી…’
હવે જોઈએ ચોથો વર્ગ,
4. જેઓ અંધકારમાં છે અને અંધકાર તરફ ગતિ કરી રહ્યા છે.
જેમને ન રસ્તાની ખબર છે, ન મંઝિલની, એવા છે આ માણસો…સાવ રાક્ષસી કક્ષાનો લોકો…એવા જેઓને આપણે રોજ અખબારને પાને વાંચીએ છીએ, ટી.વી.માં જોઈએ છીએ. જેઓ સ્ત્રીઓ ઈવન બાળકીઓની સાથે દુષ્કર્મ કરે છે. કોઈની સ્ત્રીને ફસાવે છે, લલચાવે છે. કોઈની સંપત્તિનું અપહરણ કરે છે, ગીતા જેને ‘વિકર્મ’ (દુષિતકર્મ) કહે છે એવા હલકી કક્ષાના કર્મોના કરનારા સાવ ઘોર અંધકારમાં છે.
ગીતાના સોળમાં અધ્યાયમાં જે આસુરી સંપત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે તે આ અંધકારથી અંધકાર તરફ ગતિ કરનારા લક્ષણો છે. જેવા કે દંભ, ક્રોધ અને ઘમંડ કરવો, સાથે અભિમાની બનવું, ખૂબ કઠોર હોવું, અવિવેકીપણું રાખવું આ અંધકારથી અંધકાર તરફ જનારા લોકોના લક્ષણો છે જેઓ અત્યંત લોભિયા હોય છે જેમનું જીવન જીવતે જીવત નર્ક સમાન હોય છે. આ લોકો પાપ કૃત્ય આચરતા ડરતા તો નથી જ પણ વિકૃત આનંદ મેળવે છે. મોટે ભાગે કોઈ પણ હસે ત્યારે વધારે સહજ, કોમળ, હકારાત્મક લાગે છે પણ આ લોકો હસે ત્યારે ડર લાગતો હોય છે કે હવે ક્યું નીચ કામ કરવા તેઓ જઈ રહ્યાં છે. આપણા ધાર્મિક સાહિત્યમાં એવા પાત્રો થયા છે. દા.ત. રાવણ, શૂપર્ણખા, મરીચી, કંસ, બકાસુર, ભીમાસુર વગેરે વગેરે રાક્ષસો જેમને આતાયાતીઓ પણ કહેવાય. તો સ્ટાલીન, તૈમૂર, ચંગેઝખાન, હિટલર વગેરે પણ આ જ મૂળના છે.
એમાં સૌથી વધુ શૈતાની તો રાવણે કરી કહેવાય કારણ કે તેણે વેશ સાધુનો લીધો હતો પણ કૃત્ય રાશસનું કર્યું હતું. આવા લોકોનો અંત અત્યંત ભયંકર હોય છે. ન કેવળ તેમનો બલ્કે તેમનું સમગ્ર ખાનદાન ભયાનક ગતિને પામે છે.
દરેક માણસે પોતાનું વિશ્લેષણ તટસ્થ રહીને કરવું જોઈએ કે હું ક્યાં છું? મારે ક્યાં સુધારો-વધારો કરવાની જરૂર છે? મારા ક્યા કર્મથી મારા કૂળની ભીતરી યાત્રામાં હાનિ થશે કે લાભ થશે?
તમે વિશ્લેષણ કરશો તો પામશો કે સંસારના મોટાભાગના સામાન્ય માણસો અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરી રહ્યા હોય છે. આ રેશિયો વિશ્વમાં સૌથી મોટો છે એટલે હજુ જગત જીવવા લાયક સ્થળ છે. જો એમ ન હોત તો રસ્તા પર ચાલવું અસંભવ થઈ જાત…
આ પ્રકાશના પર્વ દિપાવલીએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણી પ્રકાશ તરફ ગતિ વધારે જેથી એક દિવસ આપણે પ્રકાશથી પ્રકાશ તરફ ગતિ કરનારાઓની કોટિમાં આવી જઈને અંતે આપણા જીવન લક્ષ્યને હસતા-હસતા ભેટીએ.
ગોલ્ડન કી
પ્રકાશ પ્રતીક છે – શાંતિનું, સહજ-સાત્વિકતાનું, અહિંસા, સત્ય, પ્રેમ અને કરુણાનું…
અંધકાર પ્રતીક છે – અશાંતિ, ઘોર તમસ, હિંસા, નફરત અને અન્યાય-અત્યાચારનું…
આપણને આપણું પ્રતીક ચૂંટવાનો અધિકાર ગીતાકાર આપે છે…
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM