DIAMOND CITY NEWS, SURAT
આ જ વર્ષે એક અમેરિકન ફિલ્મ આવેલી, નામ ‘ફેયર પ્લે’. ફિલ્મનો હીરો લ્યૂક અને હિરોઇન એમિલી એક કંપનીમાં જોબ કરે છે. તેઓ રીલેશનશિપમાં છે પણ ઓફિસની પોલિસી મુજબ તેમનું આ અફેર એક સિક્રેટ છે, એટલે કે ઓફિસમાં તે વિશે કોઈને જાણ નથી. લ્યૂકને એક ઊંચી પોસ્ટ મળવાની એક ખબર આવે છે. ને બંને તેનાથી ખૂબ ખુશ છે પણ બને છે કે એવું કે લ્યૂકને બદલે તે પોસ્ટ એમિલીને મળી જાય છે એટલે કે યુગલમાં પુરુષને બદલે સ્ત્રીને બઢોતરી મળી છે.
અત્યાર સુધી લ્યૂક જે પ્રેમ પ્યાર દર્શાવતો હતો લગ્ન માટે ઉત્સુક હતો, આ ન્યૂઝથી તે અપસેટ થઈ જાય છે ને તેના વર્તન વ્યવહાર બદલાઈ જાય છે. હવે તે વાતે વાતે ચીડાય છે, ગુસ્સે ભરાય છે. ત્યાં સુધી કે એ એમિલીને કામકાજી જિંદગીમાં અને વ્યાવસાયિક જીવનમાં પણ નુકસાન પહોંચાડવાના બધા જ પ્રયત્નો કરવા લાગે છે. હદ તો ત્યારે થાય છે જ્યારે તે બંને એક જગ્યાએ હોટલના બાથરૂમમાં મળે ત્યારે લ્યૂક તેના સાથે સેક્શુઅલ વાયલન્સને પણ અંજામ આપે છે! (એટલે કે રેપ કરે છે!)
એમિલીની જિંદગી લ્યૂકે તબાહ કરી નાખી છે, અને સંબંધ પાયમાલ થઈ ગયો છે ત્યારે ફિલ્મના અંત ભાગમાં એમિલી જીવ પર આવીને લ્યૂકને આ બધી હરકતો માટે માફી માંગવાનું કહે છે અને કહે છે ને કે માણસ જેવા સાથે તેવો થઈ જાય છે, તે મુજબ એમિલી ચપ્પુ ઉઠાવી લે છે ને એ લ્યૂકની ઉપરવટ જઈને કહે છે,
“હું તને રડાવી તો નથી શકતી પણ, તારું ખૂન વહાવી શકું છું.”
તે પછી ફિલ્મનું આખરી દૃશ્ય છે જેમાં લ્યૂક સાંબલેધાર રડે છે ને એમિલીની માફી માંગતા માંગતા કહે છે, “મેં બધુ બરબાદ કરી નાખ્યું.’
આ ફિલ્મ પુરૂષની એ સાઈકને રજૂ કરે છે જેને આપણે ‘ટોક્સિક મૈસક્યૂલિટી’ કહી શકીએ. અહીં પ્રસ્તુત છે, એવો નેગેટીવ પૌરુષભર્યો અહંકાર કે પોતાના કરતાં પોતાની સ્ત્રી આગળ વધે, વધારે કમાણી કરે, વધારે પ્રતિષ્ઠા મેળવે ત્યારે તેના કેરેક્ટર પર શક કરનારો, તેને ગમે તે રીતે તુચ્છ ફીલ કરવાનારો કે તેનું અપમાન કરનારો વ્યક્તિ છે. આ માણસ એટલી હલકી કક્ષાએ ઊતરી આવે છે કે પોતાની ગર્લફ્રેન્ડને જણાવે છે કે તને પ્રમોશન એટલે મળ્યું છે કે તે બોસ સાથે શયન કર્યું છે!
શું કોઈ યુવતી કે કોઈ સ્ત્રી એવા પુરૂષને પ્રેમ કરી શકે છે જેવો લ્યૂક? પણ મનોવિજ્ઞાન પૂછશે કે લ્યૂક આવું શા માટે કરે છે? કારણો છે, તેની આશાઓ અને અપેક્ષાઓ તૂટી છે, તે દેખીતું છે. જે તેણે પોતાના માટે ઈચ્છ્યું તે તેના બદલે તેની સાથીને મળ્યું, તેનાથી તે ડઘાયો છે એટલે સુધી વાત માનવીય છે પણ આટલી બધી ક્રૂર કહી શકાય તેટલી ઘૃણા!? તેને વ્યાજબી કંઈ રીતે ઠેરવી શકાય?!
વળી, લ્યૂક જેવા પુરૂષ પોતાના સપના, અરમાન કે મહત્વકાંક્ષાને ચકનાચૂર થતા જુએ ત્યારે તેનો અફસોસ કે દુ:ખ નથી વ્યક્ત કરતા. એ જાહેર કરે છે તો આક્રમક્તા, ગુસ્સો, હિંસા. આવા પુરૂષો સ્ત્રીઓનું દિલ તૂટી જાય, તેને હર્ટ થાય તેવું કરે છે અને વાતોને મૈન્યુપ્લેટ કરે છે. અર્થના અનર્થો કરે છે . પોતાની સંગિનીને નુક્સાન પહુચાડે છે. શારીરિક-માનસિક અને અહીં તો આર્થિક કક્ષાએ પણ હેરાનગતિ કરે છે. બીજી બાજુ એમિલી એ યુવતી છે જે આખોય વખત લ્યૂકની ખુશીમાં ખુશ થવાની કોશિશ કરતી રહે છે. તેને પ્રેમ કરવા, તેને સંભાળવા, તેની કદર કરવા, તેને પ્રોત્સાહિત કરી તેનો સાથ આપવા, તેની સંભાળ રાખવા મથતી રહે છે.
…પણ લ્યૂક પાસે એમિલી માટે હવે શું છે, ઘૃણા અને હિંસા.
ફિલ્મ કહેવા માંગે છે કે જે પુરુષ રડી નથી શકતો, પોતાનું દુ:ખ કહી નથી શકતો, એ પોતાની એ જ લાગણીને ક્રોધ રૂપે પ્રગટ કરે છે! રડનાર માણસ થોડોક નબળો પડે છે, તેનામાં મનુષ્યપણું છલકે છે. જ્યારે તે મદદ માટે પોંકારે છે, જ્યારે તે નાઉમ્મીદ થાય, સહયોગ માટે હાથ પસારે છે, ત્યારે કંઈ એ હારી ગયેલો જણાતો નથી પણ એક સામાન્ય માનવી જણાય છે.
પુરૂષોની આખીય દુનિયા માને છે કે રડવું એ મર્દાનગીની ખિલાફ છે, એમાંય મોટાભાગની સ્ત્રીઓ પણ સૂર પૂરાવે છે. રડનાર પુરૂષને ભય હોય છે કે લોકો તેને ‘બાયલો’ કહેશે ‘રોલતો’ કહેશે…
…પણ એ ક્યા શાસ્ત્રમાં લખ્યું છે કે પુરૂષ રડી ન શકે?! અને કદાચ લખ્યું પણ હોય તો મનુષ્ય હોવા પણું, સહજ મનુષ્ય હોવું એ કોઈપણ શાસ્ત્ર કરતાં ઊંચી બાબત છે.
બાળપણમાં દરેક બાળક રડે છે એ છોકરો હોય કે છોકરી પણ જેમ જેમ પુરૂષ બાળક મોટું થતું જાય તેને ચારે બાજુથી એવી સલાહ મળવા લાગે છે કે પુરૂષથી રડી શકાય નહી. આંસુ વહાવવા એ તો વેવલાપણું છે! ને આ સાંભળતા સાંભળતા મોટું થતું બાળક, પુરૂષ એક દિવસ રડવામાં લજ્જા અનુભવવા લાગે છે ને પછી રડવાના અવસાર આવે તોય એ બાકી બધુ કરે છે પણ રડતો નથી.!
તેને સંવેદનશીલ ભાવુક અને નાજુક બનવાનો ડર સતાવે છે. એ દુ:ખી થાય ત્યારે પરેશાન થાય છે પણ દુઃખ, વ્યક્ત કરવાની રીતે દુઃખ વ્યક્ત કરતો નથી! તેની પાસે આ ભાવને શેર કરવા માટે કોઈ હોતું જ નથી. ફિલ્મમાં લ્યૂક ન એકલામાં, ન એમિલી સામે ક્યારેય રડ્યો નથી, કારણ કે સામાજિક દબાવ એવો છે કે રડવું એ પુરૂષ માટે શર્મિન્દગી છે.
આંસુઓ પર સ્ત્રીઓનો એકાધિકાર છે જાણે! પુરૂષ લડી શકે, ઝગડી શકે, મારી-ઝૂડી શકે, ભાગી શકે, રોષે ભરાઈ શકે, કોઈને નારાજ કરી શકે, તારાજ કરી શકે, રાડો પાડી શકે, હુકુમ ચલાવી શકે, ભડકી શકે, રીતસર મા-બેનની કાનમાંથી કીડા ખરી પડે તેવી ગાળો કોઈનીયે સામે, કોઈનેય દઈ શકે! (પાછી એ તો મર્દાનાવાત ગણાય, હદ છે!) પણ દુઃખ આંસૂમાં વહાવી ન શકે, હિબકા ભરી ભરીને મનનો ઊભરો ઠાલવી ન શકે. દબાવણી બતાવી શકે, બસ વલનરેબલ ન થઈ શકે…કેટલી વિસંગતતા! પુરૂષનું શું જાય છે, એ કહેવામાં કે મારુ દિલ તૂટ્યું છે?! હું પણ માણસ છું ને હું પણ રડી શકું છું! તેનું કોઈને આશ્ચર્ય ન હોવું જોઈએ, ન કોઈએ મને શર્મ ફીલ કરાવવી જોઈએ. ‘દુ: ખ’, એ દુ: ખ છે જેમ સ્ત્રીને માથે પડે છે, એમ પુરૂષની છાતી પર પણ બોજો નાખે જ ને! સ્ત્રીઓ રડી શકે છે એના સેંકડો સકારાત્મક પરિણામ આવે છે પણ એક જે બધાયે નોંધ્યું હશે કે બહુ ઓછી સ્ત્રીઓને હાર્ટ અટૈક આવે છે. બાકી તો પુરૂષોને જ્યારે હૃદય પર હુમલો થાય ત્યારે જ વિચાર આવે છે કે, હાયલા! ફલાણા ભાઈને પણ હૃદય છે!? હાર્ટ અટેક થકી એ પુરવાર થાય કે આપણે હૃદય છે, તે પહેલાં જ આપણે સાબિત ન કરી શકીએ, એટલીસ્ટ પોતાના માટે અહીં લ્યૂક જેટલી તકલીફ એમિલીને આપતો હતો તેનાથી વધારે તકલીફમાં એ પોતે હતો! પણ તેને એ શીખવાડવામાં જ ન્હોતું આવ્યું કે મદદ કઈ રીતે માંગવામાં આવે છે! કારણ કે પુરૂષ તો શ્રેષ્ઠ છે ને સ્ત્રી કરતાં, તો પછીએ સ્ત્રી પાસે મદદ કરી રીતે માંગી શકે અને પાછું પુરૂષ પર પૌરૂષત્વનો એટલો બધો બોજો નાખવામાં આવ્યો છે કે તેના પાસેથી તેનું માનવ હોવાપણું છીનવી લેવામાં આવ્યું છે. બાકી છોકરાઓ પણ હૃદયથી એટલા જ કોમળ હોઈ શકે, જેટલી સ્ત્રી છે. પણ દુર્ભાગ્ય છે આ જગતનું કે પુરૂષ ન કમજોરી વ્યક્ત શકી શકે છે, ન ભય, ન ઋજુતા, ન ભીની-ઝીણી લાગણીઓ.
લ્યૂક જેવા પુરૂષને આવા થવું જ છે, એવું પણ નથી. ગાંધીજી, બુદ્ધ, મહાવીર જેવા પુરૂષો પણ હોઈ શકે છે જેમનામાં જેટલું પૌરૂષત્વ ભર્યું છે એથી ક્યાંય વધુ સ્ત્રૈણ ભાવો પણ ભર્યા છે. ક્યાંય આપણે જ તો ભૂલ ભરેલી આ થિયરી નથી આપીને કે કરુણા, વાત્સલ્ય, પ્રેમભાવ, સમર્પણ, ઋજુતા, નાજુકાઈ વગેરે સ્ત્રૈણગુણો સ્ત્રીમાં હોવા જોઈએ! ને પૌરુષ એટલે માત્ર શૌર્ય, સાહસ, સત્તા, સંઘર્ષ ને પરાક્રમનો સરવાળો?! ભીના સ્પંદનો એટલે જાણે ભાટાઈ!
એવું લાગે છે કે સ્ત્રી અને પુરૂષની બાબતમાં આપણે જ બે વિભાગ કરી નાખ્યા છે, એક પુરૂષોના આધિપત્ય વાળી દુનિયા છે, ને એક સ્ત્રીઓનો સરેન્ડરવાળો સંસાર…
***
એક સાથે બે મુવી આવી, સામ બહાદુર અને એનિમલ, ખૂબ લખાયું, ગવાયુ પણ ને એક વગોવાયું પણ…
એક બાજુ અસલ જિંદગીનો ખરો અને ખરેખરો નાયક ને એક બાજુ કાલ્પનિક નાયક કે જેનામાં ખલનાયકની બધી લાક્ષણિકતા. સફળતાના વાવટા બાંધવાથી કે કમાણીનો રેકોર્ડ બ્રેક કરવાથી કે અયોગ્ય બાબતોનું મહિમામંડન કરવાથી જે ખોટું, ખરાબ છે, ત્યાજ્ય છે તે સાચું, સારુ અને અપનાવવા યોગ્ય બની જતું નથી.
જેમણે ‘એનિમલ’ સહન કરી, અને તેની સરાહના કરી તેમને પૂછવું જોઈએ, રીઅલ લાઈફમાં આવો પુરૂષ દિકરા તરીકે, પતિ તરીકે, પિતા તરીકે, પાડોશી તરીકે, મિત્ર તરીકે કે અન્ય કોઈ વહાલસોયા સંબંધ તરીકે કોને વહાલો લાગે?!
બીજી બાજુ સામ માણેક શો 90,000 પાકિસ્તાની સૈનિકોને ઝુકાવ્યા. છતાં માનવતાની મિસાલ બની ગયા. યુદ્ધ કેદી પણ એક મનુષ્ય છે ને તેની સાથે માણસને છાજે તેવો વ્યવહાર થવો જ જોઈએ એવી કરુણા જેના હૃદયમાં હોય એવો બાહોશ યોદ્ધા જાણે રામ, એ કોને પ્રેમાળ ન લાગે?!
સામ એ માણસ હતા જેઓએ યુદ્ધ કેદીઓને એ મળતા જાણે કે પોતાના પરિવારજનો હોય. એ પાકિસ્તાની સૈનિકો સામને કહેતા કે તમે એટલા બધા સજ્જન ને માયાળુ સેનાની છો કે અમે જાણ્યે-અજાણ્યે જ્યારે તમારી સરખામણી અમારા સેના-અધિકારીઓ સાથે કરીએ છીએ, ત્યારે અમને સમજાય છે કે તમે કેટલા સૌમ્ય, ઉદાર અને નીતિવાન માણસો જ્યારે અમારું તો પાક સેનામાં ક્યારે પણ અપમાન થઈ જાય, ઉપરી તોછડો થઈ તાડુકતો થઈ જાય તે સામાન્ય બાબત છે. આવો મહાન યોદ્ધો ક્યા દેશનું ગૌરવ ન હોય?! આ એક વીરનાયક છે જેણે છાતી પર સાત-સાત ગોળીઓ ઝીલીને પણ જીવતા રહી, પરાક્રમો દાખવ્યા છે! પાંચ-પાંચ યુદ્ધોમાં અણનમ રહ્યા છે! તેમની મહાનતા સિદ્ધ કરવા માટે સૈંકડો બાબતો છે જે ફિલ્મમાં દર્શાવવામાં આવી નથી પણ તેમણે ભરેલું એક નાનકડું પણ અત્યંત મહત્વપૂર્ણ પગલું શું હતું, જાણીએ…
દિલ્હી મિલેટરી હોસ્પિટલમાં માણેકશો યુદ્ધ કેદીઓની ખબર લેવા પહોંચ્યા ત્યાં તેમણે એક કર્નલને જોયા જેઓ જિંદગીના અંતિમ પડાવની લગોલગ હતા. માણેકશૉ તેમની પાસે ગયા, પ્રેમથી ખબર-અંતર પૂછીને કહ્યું, ‘હું તમારા માટે વિશેષ શું કરી શકું??’ કર્નલે જવાબ આપ્યો કે મારે કુરાનનું પઠન કરવું છે. એક યુદ્ધ કેદી,વળી વિધર્મી ને છતાં સામે તત્કાલ વ્યવસ્થા કરી આપવાનો નિર્ધાર કર્યો. તેમને યાદ આવ્યું રાજપૂતાના રેજિમેન્ટમાં કેટલાક મુસ્લિમ સૈનિકો છે. તેમની પાસેથી કુરાન મળી જશે. કર્નલ સૂકૂનથી મરવા માંગતા હતા ને એ જ ઉદેશ્યને પૂરો કરવા માણેકશૉ એ શક્ય તેટલી ઉતાવળે તેમ કરી આપ્યું… આવા સેમ પાકિસ્તાની યુદ્ધ સૈનિકોમાં હીરો હતા, ને કેમ ન હોય! પાક.માં જઈને આ યુદ્ધ સૈનિકોએ પોતાના સગાં-વહાલાંઓને માણેકશાની માણસાઈની વાતો કરી હતી ને દુશ્મન દેશમાં લોકચાહના મેળવી હતી. જો આપણો સમાજ ‘સામ બહાદુર’ કરતાં ‘એનિમલ’ને વધારે વખાણે તો આપણે બહુ ચિંતન કરવાની જરૂર છે કે આપણે આપણો ખરો નાયક કોઈને માનીએ છીએ. આપણે જેની ઉપાસના કરીએ, આદર્શ ગણીએ, તેના ગુણ કે દુર્ગુણ અપનાવવા ગમે ને? લ્યૂકની જેમ એનિમલનો રણવિજય પણ ફિલ્મને અંતે રડે છે, જ્યારે બધુ પાયમાલ કરી નાખ્યું છે ત્યારે… અને સામ જીવતા પણ હીરો ને મરણોપરાંત પણ હીરો!
ગોલ્ડન કી
સામ માણક શૉ વો ઈન્સાન થે,
જો દુશ્મનોંસે ભી તહજીબ સે પેશ આતે થે
ઔર એક ‘એનિમલ‘ કા રણવિજય હૈ,
જિસે અપની ખુદ કી પત્નિ કી ભી ઈજ્જત કરના નહીં આયા…
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM