DIAMOND CITY NEWS, SURAT
લોકશાહીમાં ચૂંટણીનું અનેરું મહત્વ છે. ચુંટણીની આ વસંતમાં ફૂલ ઉઘડે છે વચનોના! વળી, વચનો જેટલા વધુ બનાવટી હોય, પોલાં હોય ને ઉડાઉ હોય તેટલા તેના નગારા વધુ પિટાય છે. કાન પાકી ને સૂંપડા થઈ જાય ને આંખો સૂઝીને ગોળો થઈ જાય એટલી હદે જાહેરાતોનો મારો ચલાવવામાં આવે છે પણ ગુજરાતી જેનું નામ તેને તો બધી પાર્ટીની જાહેરાત રસપ્રદ લાગે, ગમે તે ગવાય ત્યારે તે તેમાંય સૂર પૂરાવી લે! જોકે, આ મૂંછમાં મલકતો ગુજરાતી જાણે છે કે તેના પેટમાં ઘરની કહાણીની લહાણી કરનાર પંજો છે કે વિકાસની વાસ્તવિકતા વિખેરતું કમળ!
ચૂંટણીની મોસમ હવે પૂરબહારમાં ખીલી છે. નોંધનીય છે કે ચૂંટણીમાં ઊભા રહેવું અને એ કોઈ અલ્લડ છોકરી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકવા જેવું અઘરું કામ છે! હારનારો ઉમેદવાર જાણી જ શકતો નથી કે અપાઈ ગયેલા અધધધ વચનો વધારે પડતા થઈ ગયાં કે હજુ ઓછા પડ્યા! લગ્નોત્સુક છોકરી અને મતદાતા બંનેનું મન કોના નામનો એકડો ઘૂંટી રહ્યાં છે, તે સમજવામાં ભલભલા ચમરબંધી થાપ ખાઈ જતાં હોય છે.
દરેક ઉમેદવાર વિદ્યાર્થી બની મતદાતા નામના શિક્ષકને રીઝવે છે કે રિઝલ્ટ સારું આપજો બાપલા! જોકે એવો વિચાર તેમનો નવ-નિરાંત વખતે ભાગ્યે જ આવતો હોય છે! મતદારની મુશ્કેલી એ હોય છે કે ચુનાવ જંગ ક્યારેય કૌરવો અને પાંડવો વચ્ચે હોય તેવો સુસ્પષ્ટ નથી હોતો! જોકે, કોઈ જંગ ક્યાં સાવ ચોખ્ખોચણાંક હોય છે? દરેક દુર્યોધનને પક્ષે કોઈક ભીષ્મ, કોઈક દ્રોણાચાર્ય, કોઈક કૃપાચાર્ય હોય જ છે.
આપણે નક્કી કરવાનું છે કે કેવી રીતે પક્ષોની ઓળખ કરવી ને પછી કોની સાથે ઊભા રહેવું! આ રાજકારણ છે. અહીં લોકો માનતા હોય છે કે કોઈને તમે કાયમ માટે ભલે મૂર્ખ ન બનાવી શકો પરંતુ કમ સે ક્રમ પાંચ વર્ષ માટે તો મુર્ખ બનાવી જ શકો છો! ને એવા જ લોકો ઇચ્છતા હોય છે કે મતદાન બુધ્ધિપૂર્વક, હોશપૂર્વક મતદાન ન કરે. એવા લોકો વચનોનું ઘેન ચિક્કાર માત્રામાં જનતાને પીવડાવી જાણે છે.
આ ચૂંટણીનું વરસ જ એવું હોય છે, જાણે લાગે છે કે ઉમેદવારોના દેશપ્રેમ અને પ્રજાપ્રેમમાં અચાનક જ જબરદસ્ત ભરતી આવી ગઈ છે, અરે…ક્યારેક તો ભરતીનું જાણે ઘોડાપૂર આવી જાય છે! કેટલાક દિવાના કહે છે કે અહીં કોણ દૂધે ધોયેલું છે? કોને ચૂંટીએ? આપણો મત આવા સ્વાર્થી લોકો માટે શાને વેડફીએ?
જોકે, કેટલાક શાણા હોય છે તેઓ જાણે છે કે કેરીની ટોપલીમાંથી કેટલીક સાવ સડી ગઈ હોય તો પણ કેટલીક બચાવી લેવા જેવી હોય છે, ને તેઓ તેને બચાવી લે છે, પોતાના આગલા પાંચ વર્ષની સુ:ખ, શાંતિ અને સમૃદ્ધિ માટે! અહીં મુદ્દો એ પણ છે કે બની ગયેલી સરકારમાં કેટલી ખોડખાંપણ છે? એ કેટલી અપંગ છે, લૂલી, લંગડી, આંધળી, બહેરી, મૂંગી, છે, તેના વિશે તેઓ બેકામ બકી જાણે છે પરંતુ ટાણે જ્યારે મતદાન કરવા જવાનું હતું ત્યારે જ તેમને હેડકી ઉપડી જાય છે, પેટમાં દુઃખી જાય છે.
પાડોશીનાં પપ્પાને તાવ આવી જાય છે! વપરાયેલા મત પરિણામકારક હોય છે પરંતુ નહિ વપરાયેલા મત તો જોખમકારક બની રહે છે! મત નહીં આપવાનો અર્થ છે કે કોશિશ કર્યા વગર હાર કબૂલી લેવી. એવામાં એ શક્ય છે કે આપણે એવા પક્ષને જીતાડવામાંથી ચૂકી જઈએ, જે આપણી જ રાહમાં હતાં.
જિંદગીની એવી હજારો બાબતો છે, જ્યાં આપણને મન હોવા છતાં મત આપવાની સ્વતંત્રતા નથી! કોઈ ચૂંટીને મા-બાપ પસંદ કરી શકતું નથી. સહાધ્યાયીઓ, સહકર્મચારીઓ ચૂંટીને જાહેર કરી શકાતા નથી. એવા કેટલાય છેઃ કાકા-મામા-ફઈ-માસી, નાની-દાદી ત્યાં ચૂનાવને અવકાશ જ નથી. ભારતમાં તો પત્નીય પપ્પા-મમ્મા ચૂંટી આપે! આપણે ત્યાં સ્વતંત્રતાની ઝાઝી કિંમત નહીં!
એવામાં આપણને સરકાર જેવી સરકાર ચૂંટવાનો અધિકાર! વાહ રે તારણહાર! મનગમતા કપડાં પહેરવામાંય આપણી જીદ ન ચાલતી હોય ત્યાં સરકારને નીમવામાં આપણા મતની કોઈ દરકાર લે છે, એમ જાણીને વટ પાડી લેવો જોઈએ! નૈ! જેમ પતિને એક દિ’ ‘વરરાજા’ થવાનું સૌભાગ્ય મળે છે, તેમ આપણને એક દિ’ ‘મતદાતા’ થવાનું સૌભાગ્ય સાંપડે છે. સામાન્યથી અતિ સામાન્ય માણસ પણ સરકાર રચવા ટાણે દાન આપી શકે છે, એ છે મતદાન!
પછી ભલે એ જ સરકારનો વિરોધ કરવા સરઘસ કાઢવા પડે કે નારા લગાવવા પડે પરંતુ એટલી તો ધરપત રહેશે ને કે અધિકારી વ્યક્તિ અથવા પક્ષ સમક્ષ માંગણી મૂકાશે! અયોગ્ય વ્યક્તિ સમક્ષ રજૂઆત કરવા કરતાં યોગ્ય વ્યક્તિ સમક્ષ કરેલી ફરિયાદ લાખ ટકે વધુ કારગર નીવડવાની સંભાવના છે. માન્યું કે ચૂંટણી પાછળ એટલાં નાણાં ખર્ચાય છે કે તેટલામાં તો અડધો અડધ સમસ્યા ઉકલી જાય, પરંતુ એ નાણાંનો વ્યય એટલા માટે થતો હોય છે કે નકામો માણસ સત્તા પર આવી જાય તો એવા તો કેટકેટલાં નાણાં સ્વીસ બેંક ભેગા કરી શકે!
જૂની ચૂંટણીના પરિણામો અને વિજેતા પક્ષના કરાયેલા તથા ણ કરાયેલા કાર્યો પરથી મતદાતાએ શીખવાનું છે કે કોને સત્તા આપવી ને કોને તેનું યોગ્ય સ્થાન બતાવી દેવું! કોઈ નેતાને અનુસરો તે પહેલાં એ પાકું કરી લેજો કે તે પોતે કોનાથી દોરવાય છે. એ નેતાનું મૂલ્ય જાણવા માટે જાણો કે કેવા લોકો તેને ‘ફોલો’ કરે છે! પતંગ ચગાવનારો વ્યસ્ત હોય, ત્યારે ફિરકી પકડનારાએ મસ્ત ન રહેવાય, જાગૃત રહેવું પડે!
તમારો પ્રિય નેતા એવો તો નથી ને જેને ઘેટાંઓની નેતાગીરીમાં રસ હોય, તમારા પ્રિય નેતાને તો જીવતા-જાગતા માનવોની નેતાગીરીમાં રસ હોવો જોઈએ. એ તમારું મૂલ્ય સમજતો હોવો જોઈએ. તેની વાર્તા સત્ય અને તથ્યની કરીબ હોવી જોઈએ. (કારણ કે સાવ સાચું તો અહીં કોણ બોલે છે) તમારી ગઈકાલ કરતાં આજકાલ કેટલી બદલાઈ છે, એ કોને પ્રતાપે છે? કોની પાસે દિશા ને દશા બદલવાની વાતો છે ને કોની પાસે નકશો અને રસ્તો છે?
એ તો મતદાતાએ ‘જાત-મહેનત ઝિંદાબાદ’થી નક્કી કરવાનું. તેને માટે સ્વર્ગથી દાદા કે પરદાદા ન આવે (જોકે, ધરતી પર હોય તોય એ એમનું નક્કી કરે, આપણે આપણી સ્વતંત્રતા ભોગવી લેવાની!) કોઈપણ જાતના પ્રયાસ કર્યા વગર તો ‘નિષ્ફળતા’ પણ સિદ્ધ કરી શકાય છે. તમે ધાર્યું ને તે કરી દેખાડયું તે ‘સફળતા’ હાંસલ કરવા તો પ્રયત્નો જ ઉપાય છે ને એ મન મૂકીને કરી લેવા જોઈએ.
જીવનમાં બીજું કોઈ દાન આપણે કદાચ ગુપ્ત નથી રાખી શકતા. તેના ઢોલ પીટીને જ ચેન પામીએ છીએ. જ્યારે અહીં તો અનુકૂળતા છે, અવકાશ છે, આડશ છે, ગુપચૂપ ચૂંટી લો… સતેજ બુદ્ધિથી, ધારદાર સમજથી અને વિચક્ષણ જાગૃતિથી… ક્યાંક ‘બેફામના શબ્દોનાં ગાવું ન પડે’
“ઘોર અંધાર છે આખી અવનિ ઉપર, તો જરા દોષ એમાં અમારો ય છે,
એક તો કંઈ સિતારા જ ન્હોતા ઉગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.’’
તો બરાબર સરખામણી કરી લેજો ને જેઓ ઊતરતા નીવડે તેને ઊતરતા જ રાખજો. આ ચૂંટણીનો વરસાદ છે, આંગણામાં વરસો- વરસ પડવાનો નથી! પાંચ વર્ષે પડ્યો છે, એવો ‘માણસ’ ચૂંટજો જે તમારી માટીને મહેંકાવી શકે! ક્યાંક મતદાન કરવાનો વરસાદ વ્યર્થ ન ચાલ્યો જાય અને તે સાર્થક થાય તો મનગમતો પ્રસાદ મળે. બોલો! ચૂંટણી દેવી કી જય!
ગોલ્ડન કી
માણસ કઈ રીતે જીતે છે
તેના પરથી તો માત્ર ચારિત્ર્યના
કેટલાંક અંશો પ્રગટ થાય છે,
પરંતુ તે હારી જાય ત્યારે
પૂરેપૂરા લક્ષણ પ્રગટે છે!
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel