DIAMOND CITY NEWS, SURAT
(આદરણીય શ્રી મફતકાકાએ તેમના દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી હરીન્દ્ર દવે, શ્રી સુરેશ દલાલ અને શ્રી ગુણવંત શાહે આપેલ વક્તવ્યમાંથી આજે પ્રસ્તુત છે શ્રી સુરેશ દલાલનું મા’ વિશેનું સુંદર વક્તવ્ય.)
પૂ. મોરારિબાપુ, હરીન્દ્ર, ગુણવંતભાઇ, મફતભાઇ, વિનુભાઇ મહેતા અને મિત્રો.
અહીં મંચ ઉપર બધા જ પુરુષો ભેગા થયા છે. કોઇ પણ સ્ત્રી નથી. આમાંના કોઇને અનુભવ નથી કે What it is to be a mother. માનો પ્રેમ જાણવો, માણવો અને વખાણવો એ અલગ વાત છે. અને ‘મા’ હોવું એક અનન્ય અનુભવ છે. મેં તો વિનુભાઇને કહ્યું હતું કે અમારી જોડે એક બહેનને રાખો. એમને થયું કે હું S.N.D.T. માં છું એટલે પક્ષપાત કરું છું. એવું નહોતું, પણ કોઇપણ બહેન અહીં બોલે તો વધારે સારું.
હવે મને મારા પ્રવચનની જે ભૂમિકા છે એ સ્પષ્ટ કરવી છે. અંગત અને બિનાંગતના, તાદાત્મ્ય અને તાટસ્થ્ય, સ્વલક્ષી અને પરલક્ષીતાના સીમાડા ઉપર ઊભા રહીને ઝાઝે ભાગે સાહિત્યમાંથી પ્રગટ થતી ‘મા’ની છબી ઉપસાવવાનો મારો પ્રયત્ન છે. આ જ મારો ટ્યુન છે અને ટોન છે. ‘મા’ સ્વયંગીત છે. એ આપણા જ કાન સાંભળે એમ ગુંજવાનું હોય છે. જાહેરમાં એનું ગીત પણ ના હોય અને એનું કોરસ પણ ના હોય. જીવનની યુનિવર્સિટીમાં ‘મા’ વિશેની ડિગ્રીના સર્ટિફિકેટ ન ફડાય. ‘મા’ એ કોન્વોકેશનનો વિષય નથી. કન્વીકશનનો વિષય છે. મારા આ વ્યાખ્યાનમાં એકસૂત્રતા છે અને નથી. મારું આ વ્યાખ્યાન, વ્યાખ્યાન છે, આખ્યાન પણ છે, ગીત પણ છે, ગદ્ય પણ છે અને કશુંક નામ પાડીને કહી શકીએ એવું કશું નથી અને છતાંય આ બધું જ છે.
મારે સૌથી પહેલા જો ‘મા’ વિશે કોઇ પણ કવિતાની પંક્તિ યાદ કરવાની હોય તો હું રામનારાયણ પાઠકની પંક્તિ યાદ યાદ કરું. બહુ અદભુત કાવ્ય છે. આપણી પ્રજાને નવું એટલા માટે લાગશે કે, કોઇ વાંચતું નથી એટલે નિરાંત છે. અદભુત કાવ્ય છે. એમણે શું કર્યું? પહેલા પંક્તિ સાંભળો. ભજનનો ઢાળ છે. કવિ જાણે છે કે ભજનના ઢાળમાં કોઇ સોફીસ્ટીકેશન ન આવે એટલે ‘પ્રથમ’ નહીં પરથમ’, ‘પ્રણામ’ નહીં પરણામ’. તો એ કહે છે :
“પરથમ પરણામ મારા માતાજીને કહેજો,”
‘મારા’ શબ્દ કેમ મૂક્યો છે?
મારા પરથમ પરણામ તરીકે પણ ચાલે, અને પરથમ પરણામ મારા માતાજીને’ આપણે ‘મા’ કહીએ એમાં કોઇ દહાડો સંતોષ નથી થતો. મારી માતા ‘My Mother.’ એટલે
“પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,
માન્યું જેણે માટીને રતનજી.”
હું આ કાવ્યની કલ્પના એવી રીતે કરું છું કે એક માણસ આ જીવનમાંથી વિદાય લે છે ત્યારે એ ક્ષણે એને એક વિચાર આવે છે કે મારે કોનાં કોનાં ઋણ સ્વીકારવાનાં? આપણે અમથા અહીંયા ઊભા છીએ તો પણ માઇકવાળાનો આભાર માનીએ છીએ. તો આપણે જે વખતે જતા હોઇએ ત્યારે, પહેલું કોણ યાદ આવે છે? જીવનની છેલ્લી ક્ષણ છે ત્યારે પહેલું જેણે જીવનની પહેલી ક્ષણ આપી તે મા યાદ આવે છે.
“પરથમ પરણામ મારાં માતાજીને કહેજો,
માન્યું જેણે માટીને રતનજી.
ભૂખ્યા રહી જમાડ્યા અમને
જાગી ઊંઘાડ્યા એવા
કીધાં? કાયાના જતનજી.”
આમાં ‘ભૂખ્યા રહી જમાડ્યા’ મારી દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો શબ્દ તે ‘જતન’ છે. હું અહીંયા ઊભો છું. તમે અહીંયા બેઠા છો. આપણામાં કોઇ ખોડખાંપણ નથી. તો માએ કેટલું જતન કર્યું હશે? આપણે પડી ન જઇએ, કોઇ સાહસ ન કરી બેસીએ, દાઝી ન જઇએ…. એનો અર્થ એવો નથી કે જેનામાં ખોડખાંપણ છે એની માતાએ દરકાર નથી કરી. પણ “ભૂખ્યા રહીને જમાડ્યા અમને જાગીને ઊંઘાડ્યા એવા કાયાના કીધાં જતનજી.”
આ કાવ્ય જેના મોંઢામાં મુકાય છે તે હું હોઇ શકું, તમે હોઇ શકો. હું એક વિશિષ્ટ પરિસ્થિતિ કહ્યું છું કે કોઇક એક માણસ લગભગ એની છેલ્લી ઘડી છે. આ માણસ નગુણો નથી. મોટા ભાગના માણસો તો પહેલી ઘડીથી છેલ્લી ઘડી સુધી નગુણા જ હોય છે, પણ આ કવિને એમ થાય છે કે હું અહીંથી જાઉં છું ત્યારે હું કોનો કોનો ઋણી છું ! તમે શાંતિથી વિચાર કરો કે આપણે કેટલા બધાના ઋણી છીએ ! જન્મથી માંડીને મરણ સુધી આપણે આટલું જીવ્યા, આટલું જોયું, આટલું માણ્યું, આટલું અનુભવ્યું, આટલું લડ્યા, આટલું ઝગડ્યા એ માટે કોના ઋણી છીએ? પણ મરણ વખતે સૌથી પહેલું ઋણ જેણે જન્મ આપ્યો છે તે જનેતાનું.
પ્રસૂતિની વેદનાને એક બાજુ હડસેલીને જ્યારે માતા હસી પડે છે, તે ઇશ્વરનો સૌથી મોટો ચમત્કાર છે. ચમત્કારની પ્રત્યેક પળ જન્માષ્ટમી છે. મા એટલે ચિત્કાર અને ચમત્કાર.
દેહમાંથી જે દેહ આપે, જીવમાંથી જીવ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે, અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે, જેના પ્રેમનાં લેખાંજોખાં થઇ ન શકે તે મા. ‘મા’નો અર્થ જોડણીકોશમાં જોવાનો નથી હોતો. એ જીવનકોશમાં જોવાનો હોય છે. જીવનકોશમાં પણ જોવા જઇએ તો એનો એક જ અર્થ નથી હોતો. હૃદયથી પ્રત્યેકની મા એક જ હોય છે. સ્વભાવથી પ્રત્યેકના પિતા જુદા હોય છે. માનો એક જ અર્થ હોય છે – અને તે માનો ચહેરો. ભગવાનને પ્રાર્થના કરતા નાના બાળકને પૂછીએ કે ભગવાનનો ચહેરો કેવો છે, તો એ વર્ણન કરશે તે એની માતા જેવો જ હશે. માની આંખમાં આંસુનું તળાવ, હોઠ સ્મિતનાં કમળ અને આસપાસ સુવાસ અને સંગીત હોય છે. મા એટલે સલામતી. ગર્ભમાંથી બાળક પ્રગટે છે એટલે તરત એને વીંટાળીએ લઇએ છીએ, કારણ કે જાણે એમાં એને ગર્ભાશયની હૂંફ મળે છે.
બાળક મોટું થાય પછી ગાભું લઇને ફરતું હોય છે. ગાભું એની સાથે ને સાથે હરતીફરતી મા છે. સ્થૂળ રીતે જનમનાળ કપાય છે પણ સૂક્ષ્મ રીતે કપાતી નથી. એ સમય જતાં સ્મરણનાળ થાય છે. આપણા અસ્તિત્વની આસપાસ મા હંમેશા એક આબોહવારૂપે, કલાઇમૅટરૂપે, જીવનભરના વાતાવરણરૂપે હવાની જેમ હોય છે. રડવું હોય તો પિતાનો ખભો મળે પણ માતાનો તો ખોળો જ મળે.
સામાન્ય રીતે બાળક જેટલો ભરોસો માતામાં મૂકે છે, એટલો પિતામાં મૂકતું નથી. પિતાને કોઇ વાત પહોંચાડવાની હોય તો એ મોટે ભાગે માતા દ્વારા જ પહોંચાડાય છે. પિતાની હાક અને ધાક હોય છે. માતાનો ભય હોતો નથી. ભય વિનાનો સંબંધ એ જ સાચો સંબંધ હોય છે. સૌથી પહેલું, શબ્દો વિના અપાયેલું અભયવચન એ માતાનું હોય છે.
મા જાણે ઇશ્વરની જેમ અંતર્યામી છે. પોતાના સંતાનને શું જોઇએ છે, એ કોઠાસૂઝથી જાણે છે. એક સંવેદનશીલ, બુદ્ધિશાળી અને માની અતિશય લાડકી છોકરીએ કહ્યું કે હું મારી મા સાથે લડું – ઝઘડું – વહાલ કરું, મનફાવે તેમ વર્તે પણ જો બીજી કોઇ વ્યક્તિ, મારી મા સાથે ગમે તે રીતે વર્તે કે ગમે તે બોલે તે સહેજ પણ સહન ન કરી લઉં, પછી ભલે એ મારા પિતા હોય, હું બધું જ જોઇ શકું છું. એક મારી માનાં આંસુ નથી જોઇ શકતી.
મા ક્રિયાપદ છે, નામ નથી. કોઇ પણ માણસનો જગતમાં સૌથી પહેલો શારીરિક, માનસિક ને આધ્યાત્મિક સંબંધ માતાથી શરૂ થાય છે. મા માત્ર ગર્ભ ધારણ નથી કરતી, પોષણ કરે છે, જન્મ આપે છે, ઉછેરે છે અને સામાજિક રચના એવી છે કે બાળકની પાછળ નામ પિતાનું લખાય છે. પિતાનો પ્રેમ સૂર્ય જેવો છે. માતાનો પ્રેમ ચંદ્ર જેવો છે.
“Mother is a verb but a noun.’ નામ તો પિતા ખાટી જાય. આમાં આપણા સમાજની ટ્રેજડી છે. હરીન્દ્ર કે મારે એવી પ્રતિજ્ઞા લેવી જોઇએ કે જો ખરેખર Motherhood નો મહિમા હોય તો અમારા છોકરાના નામ પાછળ અમારી પત્નીનું નામ લખાશે. મિતાલી સુશીલા દલાલ ગણાય. તો એ બધાનો અર્થ છે. બાકી અમથા – અમથા Motherhood નાં ગાણાં ગાઇએ એનો શો અર્થ છે. મિતાલી સુશીલા દલાલ Not સુરેશ દલાલ. માતૃત્વનાં ગાણાં કોણે ગાયાં ખબર છે? ચતુર પુરુષોએ ગાયાં છે, કારણ કે, “They Want more and more સ્ત્રીઓના જે ભાગ પાડ્યા કે સ્ત્રી કેવી હોવી જોઇએ.
કાર્યેષુ મંત્રી ભોજ્વેસુ માતા, શયનેષુ રંભા!
પુરુષ આટલો વહેંચાયો છે ખરો? એના ભાગ પાડ્યા છે? અમૃતા પ્રીતમે બહુ સરસ વાત કરી છે. આ સ્ત્રી માટે ત્રણ ઓરડા છે. એક ઓરડો કિચન, બીજો ઓરડો શયનખંડ અને ત્રીજો ઓરડો ડ્રોઇંગરૂમ જેમાં તેને કઠપૂતળીની જેમ બેસવાનું. એને પોતાને, અવકાશ ક્યાં છે? આમાં સ્ક્વેરફીટની, ઓરડાની વાત નથી. સ્ત્રીનો પોતાનો ઓરડો ક્યાં છે?
“હું જન્મ્યો ત્યારે
મેં રડીને ઇશ્વરનો આભાર માન્યો હતો
અને મારી માતાએ હસીને
આંસુ અને સ્મિતનું
સંયોજન કે પૃથક્કરણ
પરમેશ્વર પણ કરી શકે છે ખરા?
પિતા અને પરમેશ્વરનું કામ તો
સત્યના સાક્ષી થવાનું.”
પિતા સત્ય નથી, સત્યના સાક્ષી છે. માતા સત્ય છે અથવા એમ કહી શકીએ કે માતા જેવું કોઇ સત્ય નથી. માતા ધરતી છે અને પિતા આકાશ છે. જગતનું સૌથી પહેલું ચુંબન માતાનું હોય છે. વિનોબા ભાવેએ કહ્યું’તું કે જગતમાં બધું જ પસંદ કરી શકાય છે, માતા પસંદ કરી શકાતી નથી. માતા સ્વ-ધર્મ જેવી છે. માતા એ જ વિધાતા છે એની જોડે એક જ પ્રાસ મળે છે, શાતા. આમ જરા વિચાર કરો. Mother માંથી ‘M’ ખસેડી લો તો ‘Other’ રહેશે. ‘Other એટલે શું? મા તેમાં બીજા બધા વગડાના વા. મા-માતા-બા-કોઇ પણ નામનો ઉચ્ચાર કરો. મોઢું ખૂલી જાય છે. આ સાંકેતિક છે, કારણ કે મા સાથે જીવન ખૂલી જાય છે. બૃહદ્ ધર્મપુરાણ પૂર્વખંડ: અધ્યાય-૨ માં માતાનાં એકવીસ નામો છે: માતા, ધરિત્રી, જનની, દર્યાદ્રહૃદયા, શિવા, ત્રિભુવનશ્રેષ્ઠા, દેવી, નિર્દોષા, સર્વદુઃખહરા, પરમ આરાધનિયા, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા, ગૌરી, પદ્મા, વિજયા, જયા તથા દુ:ખ્તન્ત્રી. ‘મા’ માટે જુદી જુદી ભાષાઓમાં પહેલો અક્ષર મ’ આવે છે. સંસ્કૃત : માતૃ, ગુજરાતી : માતા, મા, માડી, માવડી, માતુશ્રી, માવલડી, મરાઠી : માઉલી, ચીની : મુચીન, મામા, અંગ્રેજી : મધર, મમ્મી, મૉમ, ફ્રેંચ : માતર, આપણી માતાની વિભાવના દેવી સુધી પહોંચેલી છે. દુર્ગામાતા, અંબામાતા, માતા સરસ્વતી, સંતોષી, કાળકામાતા, કાલીમાતા, સિદ્ધમાતા, મહાલક્ષ્મીમાતા, પાર્વતી, ભવાનીમાતા, અંબાભવાનીમાતા, માતા રન્નાદે, રાંદલમા, શીતળામા, ગૌરીમાતા, ગોરમા, ગૌમાતા. માતાનાં આ 21 નામો છે આપણી માતાની વિભાવના. કાકાસાહેબે નદીને લોકમાતા કહી છે પણ મહાભારતકારે નદીઓ ને વિશ્વસ્ય માતર: કહી છે… વિશ્વની માતા કહી છે. આ સંસાર છે એ પહાડ જેવો કઠોર અને અવિચળ છે, એમાં જો કોઇ વહેતું તત્ત્વ હોય તો નદી જેવો માતાનો પ્રેમ ક્યાંય પણ કશુંક પવિત્ર અને સંસ્કારી કે પૂજનીય દેખાય ત્યારે આપણે તેની સાથે ‘માતા’ શબ્દને જોડ્યો છે.
વધુ આવતા અંકે… (ભાગ-2)
ગોલ્ડન કી
આપણે જો શબ્દ છીએ
‘મા’ સંપૂર્ણ ભાષા છે
માતાની આ જ પરિભાષા છે..!
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel