માતાના ઋણ સ્વીકારનો ઉત્સવ (ભાગ-2)

માતૃદિન, મધર્સ-ડે. અમેરિકનો તો એક દિવસ પણ ઊજવે છે, તેનો આપણે શું કામ વિરોધ કરીએ. એક દિવસ તો ઊજવવા દો.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 411
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

(ગતાંકથી ચાલુ…)

પૂ.મોરારિબાપુ, હરીન્દ્ર, ગુણવંતભાઇ, મફતભાઇ, વિનુભાઇ મહેતા અને મિત્રો.

આ સંસાર છે એ પહાડ જેવો કઠોર અને અવિચળ છે, એમાં જો કોઇ વહેતું તત્ત્વ હોય તો નદી જેવો માતાનો પ્રેમ ક્યાંય પણ કશુંક પવિત્ર અને સંસ્કારી કે પૂજનીય દેખાય ત્યારે આપણે તેની સાથે ‘માતા’ શબ્દને જોડ્યો છે. એમાં કેટલું બધુ ઔચિત્ય છે: પ્રકૃતિમૈયા, ધરતીમાતા, ભારતમાતા, માતૃભાષા, માતૃભૂમિ, માભોમ, માદરે વતન,

માતૃદિન, મધર્સ-ડે. અમેરિકનો તો એક દિવસ પણ ઊજવે છે, તેનો આપણે શું કામ વિરોધ કરીએ. એક દિવસ તો ઊજવવા દો. એટલું તો યાદ કરે, એ લોકો નહીં તો સાવ નકામા થઇ જશે. આમેય તે કામના રહ્યા નથી. તો આપણે કંઇ બધા દિવસ ઉપવાસ ન કરીએ, પણ એક દિવસ અગિયારસ કરવી સારી એટલે એમાં કશું ખોટું નથી.

કવિ પ્લેસીમીર હોલનનું ‘માતા’ વિશે કાવ્ય છે જેનો અનુવાદ હર્ષિદા પંડિત કર્યો છે:

માતા
તમે કદી તમારી માને
તમારા માટે
પથારી પાથરતી જોઇ છે ખરી?
કેવી રીતે ચાદરને ખેંચે છે,
સીધી કરે છે,
સુંવાળી સુંવાળી બનાવીને ખોસે છે કે જેથી તમને
એની એકાદ કરચલી પણ ખૂંચે નહીં.
એના શ્વાસ,
હાથ અને હથેળીની ગતિ
બધું વહાલું વહાલું લાગે છે
જાણે હજીયે હાથ પરસી પોલીસમાંની
વિગતની આગ ઠારતા ન હોય એમ અબ ઘડીએ જ
દૂર ચીની દરિયાકાંઠાના કે
અજાણ્યા સાગરના અનાગત તોફાનને શાંત પાડી પંપાળતા ન હોય !

માનવેતર સૃષ્ટિ, જેમાં પશુઓ-પંખીઓ જીવ ને જંતુઓ પણ આવી જાય. એમાં પણ માતૃભાવ તો હોય જ છે. આ બહુ સહજ અને સ્વાભાવિક છે. વર્તનમાં પણ જોઇ શકો. બિલાડી બચ્ચાને પોતાના મોઢાંમાં એવી રીતે ઊંચકે છે કે બચ્ચું પડી ન જાય, તેમ જ બચ્ચાને દાંતથી ઈજા પણ ન થાય.

મનુષ્ય પાસે વાણી છે, ભાષા છે એટલે માતાના પ્રેમની ઉષ્મા અને સુષ્માને પ્રગટ કરી શકે છે, એ એનું સદ્દભાગ્ય છે. મારી માતાને અમે ભાભી કહેતાં. અનેક પ્રસંગોમાંથી બે પ્રસંગ મારી આંખ સમક્ષ સતત તરવર્યા કરે છે. હું સાતેક વર્ષનો હોઈશ. વિશ્વયુદ્ધનો સમય હતો. મુંબઈ ખાલી થતું હતું . શહેરની સડક પર માણસો કરતાં ‘To be let’ નાં પાટિયા વધારે દેખાતાં હતાં. અમારું બધું જ મુંબઈમાં. તે વખતે અમારા ઘરધણીએ મારાં માબાપને સમજાવ્યાં ને કહ્યું કે અમે ખંભાત જઈએ છીએ અને મુંબઈમાં ગમે ત્યારે બૉમ્બમારો થશે, કોણ રહેશે, કોણ નહીં રહે, એની કાંઇ ખબર નથી. તો તમે નાના દીકરા લલિતને તમારી પાસે અહીં મુંબઈ રાખો અને અરવિંદ ને સુરેશને અમારી જોડે ખંભાત મોકલો. એમણે આનાકાની કરતાં સંમતિ આપી. કદાચ સાંજની ટ્રેન હશે. મારા પિતા, જેમને અમે “ભાઇ’ કહેતા, એ ઑફિસે ગયા હતા અને મારી માતા અમને નીચે સુધી મૂકવા આવ્યાં. એ એવી રીતે અમારી સામે જોતાં હતાં, જાણે અમને એ છેલ્લી વાર આંખ ભરીભરીને ન જોતાં હોય ! એમનો એ ચહેરો આજે પણ મારી આંખ સામે એવો ને એવો ઊપસી આવે છે. ખંભાતના વિશાળ ઘરમાં એ ઉદાસ ચહેરાને મેં અનેક વાર યાદ કર્યો છે અને એ વખતે ઘરઝુરાપો-માઝુરાપો અનુભવ્યો છે.

મારી માતાની અંતિમ ઘડી હતી. મારાં માસી કહે, કે તું એમને કાનમાં કંઇક છેલ્લી ઘડીએ કહે. મેં માત્ર એટલું જ કહ્યું કે ભાભી, તમે જેમ રોજ સાંજે મંદિરે જતાં હતાં એમ જ અહીંથી જાઓ.’ જે માતાએ જીવનમાં આપણને આવકાર આપ્યો હોય, એને “જાઓ” કહેતા કેમ જીવ ચાલે? અને છતાંય, માનો જીવ- શાંતિથી જતો હોય તો આમ કર્યા વિના પણ છૂટકો નહોતો. એણે સાંભળ્યું કે નહીં એની આપણને કંઇ ખબર નથી. કદાચ નહીં જ સાંભળ્યું હોય પણ આ વાક્ય બોલતાં બહુ મુશ્કેલી પડેલી.

બરકત વિરાણીની પંક્તિ મને યાદ આવે છે કે, જેણે મારાં હાલરડાં ગાયાં એનાં મરશિયા આજે અમારે ગાવાનાં? મારે માટે માનો એક બૃહદ અર્થ છે. મારી એક વ્યાખ્યા છે કે, જે જતન કરે તે મા.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 411-2

ઉમાશંકર ચુનીલાલ મડિયાને મધર મડિયા કહેતા. અને જતન એટલે શું? બહુ સ્થૂળ દાખલો આપું છું કે આપણને છીંક આવે એ પહેલાં એ રૂમાલ આપી દે એ જતન. માને એટલે તો અંતર્યામી કહી છે. આપણને શું જોઇએ? એ એને પહેલાં ખબર પડે એટલે જ જતન કરે તે મા અને આમ મને મારી માતામાં તો માતાનો અનુભવ થયો હતો, પણ ઘણી વાર મારા મોટાભાઈ અરવિંદ અને આશામાં અને માધુરીબહેન શાહમાં મને એટલો બધો અનુભવ થયો હતો કે’ ‘It is my secret. It is my happiness. I just want to share with myself.’ અને એટલે કહીશ નહીં. માનો પ્રેમ એટલો અંગત છે કે એની જાહેરમાં વાત કરવી મુશ્કેલ છે.

સિદ્ધિ અને પ્રસિદ્ધિ પામેલા તેમ જ બદનામી પામેલા સો એક સ્ત્રી પુરુષની માતા વિશેનું એક પુસ્તક હાથમાં આવ્યું. એમાં રાજકારણના માણસો, સૈનિકો, લેખકો, વૈજ્ઞાનિકો, સંગીતકારો, ગુનેગારો, સંતો ઇત્યાદિની માતા વિશે સચિત્ર રૂપરેખા છે.

હેલન કેલર માતા વિશે કહે છે, “માના વિષયમાં હું શું, કેવી રીતે લખું કે બોલું? તે મારી એટલી નિકટ છે એટલે તો એના વિશે કંઇ પણ બોલવું વિકટ છે અને મને એમાં અસંસ્કારિતા લાગે છે. જ્યોર્જ વૉશિંગ્ટનની માતા યુદ્ધ દરમિયાન એવું કહે છે કે મારો જ્યોર્જ ઘરે પાછો આવે અને બાગબગીચા સંભાળે તોય ઘણું. સ્ટેલીનની માતાની ઝંખના હતી કે એ પાદરી થાય તો સારું. હિટલર જેવો હિટલર, પોતાના ખાનગી ખંડમાં માત્ર બે જ છબી રાખતો. એક પોતાના મરી ગયેલા શૉફરની અને એક છબી પોતાની માતાની. જ્યારે હિટલરની માતા મૃત્યુ પામ્યાં ત્યારે ફૅમિલી ડૉકટરે કહ્યું કે મેં કોઇ જુવાન માણસને આટલું ધોધમાર રડતો જોયો નથી.

અબ્રાહમ લિંકને એવો એકરાર કર્યો છે કે જે કંઇ છું કે જે કંઇ થવા માગું છું એનો બધો જ જશ દેવદૂત જેવી મારી માને ફાળે જાય છે. મને યાદ છે મારી માતાની પ્રાર્થનાઓ અને એ પ્રાર્થનાઓ સતત મારી સાથે જ રહે છે, મારી જિંદગી સાથે જડાયેલી છે.

વિક્ટર હ્યુગો કહે છે, માતાના હાથ એટલી બધી નજાકતથી હર્યાભર્યા હોય છે કે બાળક એમાં ગાઢ નિદ્રા માણી શકે છે. હેંરી બિયર કહે છે, ઇશ્વરને પહેલી વાર માતાનો વિચાર આવ્યો હશે ત્યારે ખુદ ખુદાના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફરક્યું હશે અને તરત જ એણે માનું સર્જન કર્યું હશે. મા વિશે ઇશ્વરની કલ્પના આવી હશે. ચિક્કાર સમૃદ્ધ, હૃદયના ઊંડાણથી ભરી ભરી, અત્યંત દિવ્ય, આત્મશક્તિ અને સૌંદર્યથી સભર સભર.

ઇન્ગ્રીડ બર્ગમૅનને એના જન્મદિવસે કોઈએ ફૂલ આપ્યા, તો પહેલું કામ એણે એ ફૂલ પોતાની માતાની કબર પાસે મૂકવાનું કર્યું. ખલિલ જિબ્રાનની માતાનો એમના જીવન પર એટલો બધો પ્રભાવ હતો કે હતો કે ક્યારેક એમ જ લાગે કે આ કવિ માતાના શાણપણનો અઢળક વારસો ભોગવી રહ્યા છે. માતા સ્વરૂપવાન અને નમ્ર. તેઓ બહુ જ સરસ ગાતાં. જિબ્રાન કહેતા કે મારી માતા અખૂટ કવિતા જીવ્યાં છે. ભલે એમણે એકે પંક્તિ લખી ન હોય. માતાના હૃદયના આ મૂંગા ગીતને દીકરાએ જ જાણે વાચા આપી. એક રીતે જોઇએ તો જિબ્રાનની પ્રગટ કવિતા એ જિબ્રાનનાં માતા કમિલાની કવિતા. જાણે કે જિબ્રાન પોતે જ એની માતાનું મહાકાવ્ય છે. પોતાની માતાને નિમિત્તે એમણે જગતની તમામ માતાઓને અંજલિ આપી છે.

પૃથ્વીએ એ વૃક્ષો અને ફૂલોની માતા છે, એ જન્મ આપે છે અને જતન કરે છે. વૃક્ષો અને ફૂલો એ ફળ અને બીજની માતા છે. માતૃત્ત્વ એ પ્રકૃતિની નિયતિ છે, સૌંદર્ય અને પ્રેમથી સભર એનો આત્મા સનાતન છે. જિબ્રાનના હૃદયમાં ‘માત્રાવાસ્યે ઇદમ્ સર્વમ્ની ભાવના જાણે કે સમુદ્ર થઇને ઘૂઘવતી હતી. ખલિલ જિબ્રાન કહે છે કે આખા વિશ્વમાં જો એક વૃક્ષ હોય તો જગતમાં તમામ રાષ્ટ્રો એની યાત્રાએ નીકળે અને એને ચરણે પડી એની પૂજા કરે. વૃક્ષને એ વહાલ કરતા, પોતાની માતાને કરતા હોય એમ. માતા સાથે, કહો કે એમને મૈત્રીનો સંબંધ હતો. એમણે જિબ્રાન વિશે એક વાર કહ્યું હતું, ‘મારો દીકરો માનસશાસ્ત્રની સરહદો ઓળંગી ગયો છે-અતિક્રમી ગયો છે, એ માનસશાસ્ત્રથી પર છે.’ માતાના આ ઉદ્ગાર જ્ઞાનના નહીં, કોઠાસૂઝના હતાં. માતા દીકરાની બાબતમાં તટસ્થ નહોતાં, એવું રખે કોઇ માને. પ્રારંભમાં અરેબિક ભાષામાં લખાયેલી · The Prophet જ્યારે જિબ્રાને માતાને વાંચી સંભળાવી ત્યારે માએ કહ્યું, ‘હમણાં રહેવા દે, પરિપક્વ થવા દે.’

માતા પુત્ર વચ્ચેનો એક યાદગાર પ્રસંગ. એક વાર માએ દીકરાને કહ્યું, જો તું સંન્યાસી થયો હોત અને મઠમાં હોત તો તારે અને લોકોને બંનેને માટે સારું હતું.’ દીકરાએ જવાબ આપ્યો, ‘હા, એ સાચું છે, પણ હું આ વિશ્વમાં આવ્યો એ પહેલાં જ મેં તને માતા તરીકે સ્વીકારી હતી.’ માએ જવાબ આપ્યો, ‘તું આવ્યો ન હોત તો તું દેવદૂત હોત.’ ખલીલે ખુમારી સાથે કહ્યું · હજી આજે પણ હું દેવદૂત છું!’ માએ કહ્યું પણ તને પાંખો ક્યાં છે? ખલીલે માના હાથ ફેલાવીને પોતાને ખભે જાણે કે લગાડ્યા ને કહ્યું, “ જો મારી પાંખો આ રહી.’ માએ માત્ર નિસાસો નાખી કહ્યું, · એ પાંખો તૂટેલી છે.’ મા સાથેનો આ સંવાદ એમના ભીતરમાં એટલી હદે ઘર કરી ગયો કે પછી એમણે એ કથાકૃતિ રચી, એનું નામ “The Broken wings” આપ્યું.

માતા એ શાશ્વતીનું બીજું નામ છે.

આપણે ત્યાં અનેક વિશેષણોથી માતાને નવાજી છે. ગુણગાન-કીર્તન ગાયાં છે. માતૃદેવો ભવથી માંડીને પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જનનીની જોડ સખી નહીં જ્ડ રે લોલ.’ ઇત્યાદિ. અહીં આપેલાં વિશેષણો માતાના ગુણનું વર્ણન કરે છે. માતા: પ્રેરણામૂર્તિ, વાત્સ્યલમૂર્તિ, જયોતિર્મયી જનની, પ્રેમમૂર્તિ, કરુણામૂર્તિ, ત્યાગમૂર્તિ, સમર્પિતા, દયાળું, માયાળુ, પ્રેમાળ, સહનશીલતાની મૂર્તિ, અન્નપૂર્ણા, વહાલસોયી, મમતામયી, આદરણીય, પૂજનીય, સ્નેહમયી, મમતાળુ, ભલીભોળી, સ્નેહાળ, સૌજન્યમૂર્તિ, સંવેદનામૂર્તિ, પ્રેમસ્વરૂપ, તીર્થોત્તમ, પુણ્યશ્લોક, વાત્સલ્યસિધું ઇત્યાદિ.

ધેર કેન બી ધ અધર સાઈડ ઑફ ધ મધર. દુનિયામાં એવાય ઘણા માણસો છે કે જેમને સગી મા હોવા છતાંય માતાનો પ્રેમ મળ્યો નથી. અહીં કોઇ નિંદાનો સવાલ નથી, પણ વિચારવાની વાત છે. આપણે સમજવું જોઇએ કે એ મા છે, છતાં પણ એ માણસ છે, તો માણસમાત્રમાં રહેલા સ્વાર્થ, છળકપટ, પ્રપંચ- આ બધું પણ કેટલીક માતાઓમાં હોય છે એનાં માઠાં પરિણામ સંતાનોને ભોગવવાં પડે છે.

મા એ મા તો છે જ પણ એક ક્ષણ એવો વિચાર કરવાનું મન પણ થાય છે કે આજથી પચાસ-પંચોતેર વર્ષ પહેલાંની મા અને આજની મમ્મીમાં કોઇ ફેર હોય ખરો? શહેરના ભદ્ર વર્ગની સ્ત્રીઓ શિક્ષણ પામેલી છે, એટલે કદાચ બાળકની કેળવણીમાં વધુ રસ લેતી હોય. પહેલાંની માતાઓ સંયુક્ત કુટુંબમાં રહીને સમગ્ર સમય કુટુંબને જ આપતી હતી અને એ વખતે સંયુક્ત કુટુંબમાં બાળકો ઝાઝાં હોવાથી બાળકો જાણે કે આપમેળે જ ઊછરતાં હોય એવું લગે. કુટુંબનું સૌથી મોટું બાળક હોય એ જ જાણે કે બાકીનાંને ઉછેરે. આજે કુટુંબ વિભક્ત થયાં છે. મોટાં ભાગનાં કુટુંબોમાં એક કે બેથી વધારે બાળકો નથી હોતા. પ્રારંભમાં બધી જ એકાગ્રતા બાળક પ્રત્યે હોય છે. જોકે બાળકની તમામ જવાબદારી સામાન્ય રીતે કેવળ માતા પર નથી હોતી. બાઈ અને આયાઓ વચ્ચે પણ વહેંચાય છે. પ્લે-ગ્રૂપ ! એ એક પ્રકારની આયા જ છે. શ્રીમંતની સ્ત્રીઓ મોટે ભાગે પોતાનો સમય મંડળોમાં, સામાજિક પ્રવૃત્તિઓમાં, ક્લબમાં અને પત્તાં રમવામાં વીતાવે છે. બાળકને જે કાંઇ ભૌતિક સુખ જોઈતું હોય તે પૂરું પાડે છે. ઘણી વાર માબાપ હરવા-ફરવામાં એટલાં રચ્યાં-પચ્યાં હોય છે કે હઠે ભરાયેલા બાળકને શાંત કરવા માટે મોંઘાદાટ રમકડાં આપે અને તાત્કાલિક પ્રશ્ન ઉકેલી નાખે. આવાં એક માબાપને મેં કહ્યું હતું કે છોકરાને તમારી તરસ છે, એને પાણી જોઇએ છે અને તમે સોડા આપો છો. આ છોકરો ભવિષ્યમાં તમારા માથા પર છાણું થાપશે. ત્યારે મને એવો જ જવાબ મળ્યો કે આઈ બાય પીસ. હું કેવી રીતે સમજાવું કે શાંતિ એ તો મનની વસ્તુ છે, એ બજારમાંથી ખરીદી ન શકાય. જે સ્ત્રીઓ નોકરી કરે છે અથવા પોતાની કારકિર્દી બનાવવામાં રચીપચી હોય છે, એમનાં સંતાનોને પણ સમયનો તો અભાવ જ રહે છે. જોકે આમાં કેટલો સમય આપો છો એ મહત્ત્વનું નથી પણ કેવી રીતે આપો છો એ મહત્ત્વનું છે. તમે સંપૂર્ણપણે એ સમયમાં એકાગ્ર રહો છો કે ડિવાઇડ જ રહો છો ?

પ્રેમ આંધળો છે પણ માતૃપ્રેમ, માતાનો બાળક પ્રત્યેનો, સંતાન પ્રત્યેનો પ્રેમ સવિશેષ આંધળો છે. ઉત્સાહી અને હરખપદુડાં માબાપને સંતાનો વિશે વાત કરતાં સાંભળો, તરત ખ્યાલ આવશે કે કેવી કેવી અતિશયોક્તિ કરે છે. હજી છોકરું જન્મ્યું નથી ત્યાં તો પૂછવા લાગે છે કે કોના જેવું છે? જ્યોતીન્દ્ર દવે આના અનુસંધાનમાં એક વાત કહી હતી કે મને ભલે માંસના લોચા જેવું લાગતું હોય, છતાં પણ હું કહું કે બહુ રૂપાળું છે, આંખ માની છે, નાક બાપનું છે. બંને રાજી રહે. છોકરાને માથે વાળ વધારે હશે તો કહેશે વાળ એટલા સારા છે કે આમાંથી વિગ બનાવી શકાય અને ટાલ હશે તો કહેશે કે નસીબદાર છે. આ પ્રેમ કેટલી હદે આંધળો છે કે ત્રણ જ દિવસનું છોકરું હોય અને જરાક હલચલ કરે તો તરત કહે, કેટલી સરસ રીતે આળસ મરડે છે. છોકરું થોડું મોટું થાય અને ભૂલેચૂકે દીવાલ પર એકાદ લીટો કરે તો કહેશે કે કનુ દેસાઈ કે હુસેન થશે. સંતાનો એ આપણા અહંનો વિસ્તાર છે. ઘણા માણસો પોતાનો વંશ રહે એટલા માટે જ પુત્રની ઝંખના કરે છે. આ કંઇ નિરામય દૃષ્ટિ નથી.. મને એવાં માબાપ પણ નથી ગમતાં કે જે કહે આ તો ઘડપણની લાકડી છે. સંતાનોનો પ્રાસ કંતાનો જોડે ન મળવો જોઇએ. એમનું સ્વતંત્ર અસ્તિત્વ છે. સ્વતંત્ર વ્યક્તિત્વ છે. આપણા ઘડપણનાં પગલૂછણિયાં નથી.

આપણે જોરશોરથી માતૃત્વનો મહિમા ગાઇએ છીએ, પણ માતા સિવાય પણ સ્ત્રી એ સ્ત્રી છે એ વાતને સગવડપૂર્વક ભૂલી જઇએ છીએ. સંતાનના લગ્નની મહત્ત્વની વિધિમાં માતા બાજુમાં બેઠી હોય એટલું જ પણ એને ભાગે છેવટે પોતાના પતિની કોણીએ હાથ લગાડ્યા સિવાય કાંઇ કરવાનું નથી હોતું.

માણસના ભાગ્યમાં જે હોય એ તો એણે વેઠવાનું જ છે, પણ પાઠકસાહેબ વિધાતાને, ઇશ્વરને કહે છે કે, ગુંજાશથી વધુ દુઃખ કોઈને ન આપવું, હજી જે બાળક માતાની વેલથી છૂટું નથી પડ્યું, હજી જગત દેખતાં શીખ્યું નથી, હજી લાડથી રડ્યું નથી, હસ્યું નથી, હજી હઠ કરીને કશું માગી પણ શક્યું નથી, હજી એને માતાની પૂરેપૂરી પહેચાન પણ નથી થઇ ત્યારે હે ઇશ્વર! એને નમાયું અને ઓશિયાળું કરીને જગતના જંગલમાં મૂકવાની ભૂલ ન કરતો.

મહાભારતના શાંતિપર્વમાં સરસ વાત કરવામાં આવી છે. માણસ ખરેખર વૃદ્ધ ક્યારે થાય છે? કહ્યું કે માતાનો વિયોગ થાય ત્યારે માણસને પોતાની ઉંમર વધી ગયાનું ભાન થાય છે. કોઈને ત્યાં દીકરાના દીકરા રમતાં હોય પણ જો એની મા જીવતી હોય તો 99 વર્ષે પણ એને પોતે નાનો બાળક હોય એમ લાગે છે અને મા પાસે એ રીતે લાડ પણ કરે છે. શાંતિપર્વ જાણે કે માનો મહિમા ગાતું પર્વ હોય એમ વ્યાસજી કહે છે, “મા જેવો છાંયડો ક્યાંય હોય નહીં, માતા જેવી કોઇ ગતિ નહીં, માતા સમું બીજું કોઇ છત્ર નહીં અને મા જેવું પ્રિય કોઇ હોય જ નહીં.”

માતાપિતા માટે જગતની મોટામાં મોટી કરુણ ઘટના કઇ? માતાપિતાની હયાતીમાં સંતાનનું મૃત્યુ, તે વંશજ પૂર્વજ બની જાય ત્યારે ઈશ્વરને પણ ગુનેગાર ગણવાનું મન થાય.

ઉમાશંકર જોશી માતા વિષે કહે છે કે,માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણ કોણ ચૂકવી શક્યું છે? ખરું જોતાં એ ઋણ નથી. ઋણ ગણીને એનો રોપિયા-પૈસામાં હિસાબ માંડવામાં અને જગતની માતાઓનાં ઋણ ચૂકવવાનો સ્વયં ભગવાન હવાલો લે તો ભગવાનનું પણ દેવાળું નીકળે.’

ગોલ્ડન કી

દરેક માતા માટે
તેનું બાળક સ્પેશિયલ હોય છે
પણ શું દરેક સંતાન માટે
તેની મા સવિશેષ હોય છે?

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS