ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?

જિંદગીની ગણતરીપૂર્વકની કોઈ સીધી-સાફ મંઝિલ જ મોટેભાગે હોતી નથી અને જયાં દેખાય કે કોઇ મુકામ છે, ત્યાં રસ્તાઓના નકશાઓ પલટાઈ જાય છે.

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 412
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે?
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!
હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું
જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે
જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે
ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે
થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે
ન જાણ્યું ધર્મ રાજાએ સવારે શું થવાનું છે
અરે થઈ નારી શલ્યા તે કહો શું વાત છાની છે
જણાયું તે ન ગૌતમથી સવારે શું થવાનું છે
સ્વરૂપે મોહિની દેખી સહુ જન દોડતા ભાસે
ભૂલ્યા યોગી થઈ ભોળા સવારે શું થવાનું છે
હજારો હાય નાખે છે હજારો મોજમાં મશગૂલ
હજારો શોચમાં છે કે અમારું શું થવાનું છે
થવાનું તે થવા દેજે બાલ મનમસ્ત થઈ રહેજે
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે

– બાલાશંકર કંથારિયા

પ્રારબ્ધથી માંડી પુરૂષાર્થ સુધીની અનંત સંભાવનાઓ ઝળકાવતા આ કાવ્યમાં કન્ફ્યુઝ દશાનું ભારોભાર ચિત્રણ છે. આ અસમંજમા પણ ‘લક’ નો મોટો હાથ છે. જ્યાં અપાર શક્યતાઓ હોય ત્યાં કિસ્મત કનેક્શન પણ અપરંપાર હોવાનું…

માણસ શેને માટે જીવે છે? શેને માટે ભણે છે? શેને માટે મિત્રો બનાવે છે? શેને માટે પરણે છે? શેને માટે સંતાનોને જન્મ આપે છે? શેને માટે તમને પરણાવે છે? શેને માટે સંતાનોના સંતાનો ઉછેરે છે? શેને માટે કમાય છે? શેને માટે ખર્ચે છે? જિંદગી વધારવા જાત જાતના ઉપાયો અને અખતરા શા માટે કરે છે? માણસ શા માટે કિંમતી ગણાતી જિંદગીને વેડફે છે? માણસ કોના માટે જીવે છે? માણસની જિંદગીનો કોઇ હેતુ છે?

પૃથ્વી પર કરોડો-કરોડો મનુષ્યો થઈ ગયા અને હજુ અબજો મનુષ્યો થશે પણ તેમાંના કેટલા જાણ છે કે સૌભાગ્ય કે બદકિસ્મતીમાંથી તેમને લમણે શું લખાયું છે તે સવાલોના જવાબો કોના પાસે છે? જૂજ માણસો જિંદગીની કિતાબ પર પોતાના હસ્તાક્ષર કરી શકે છે. મોટાભાગે તો માણસ આખી જિંદગી જાત-જાતના કન્ફ્યુઝનમાં વિતાવી દે છે. કારણ કે નસીબની અટપટી રમત સમજવી એ સૌથી અઘરો ખેલ છે. ને છતાં પદ, પ્રતિષ્ઠા અને પાવરની કેવી મારામારી!

માણસ સામે પ્રશ્નો, સમસ્યાઓ અને વિડંબણાઓનો કાફલો છે. દરેક વ્યક્તિ પોતાના પ્રતિભા અને પ્રકૃતિ પ્રમાણે પોતાના કોયડા ઉકેલવામાં મથે છે પણ જિંદગી બહુ જ છેતરામણી છે. લાગે કે તાળો હાથવેતમાં છે, ત્યાં જિંદગી ગણિત બદલી નાખે છે. જિંદગીની ગણતરીપૂર્વકની કોઈ સીધી-સાફ મંઝિલ જ મોટેભાગે હોતી નથી અને જયાં દેખાય કે કોઇ મુકામ છે, ત્યાં રસ્તાઓના નકશાઓ પલટાઈ જાય છે. ભાગ્ય બદલાઈ જાય છે.

સૈંકડો બાબતો છે, જે જિંદગીને પ્રભાવિત કરે છે. માણસની સમજણ, શિક્ષણ, મનોવલણ, દ્રષ્ટિકોણ, માઇન્ડ સેટ, સ્ટ્રેંથ અને વિકનેસ, સ્વાસ્થ્ય-બિમારીઓ, શારીરિક-માનસિક બિમારીઓ, અનુભવો, સિધ્ધાંતો, મૂલ્યો, રુચિઓ, ત્રૃટિઓ, વિચારધારાઓ, વ્યવસાયગત વિલક્ષણતાઓ, આદર્શો, ક્ષમતાઓ, નિર્ણયો, ગુણો- અવગુણો, સંગતિઓ, જરુરિયાતો, સ્વભાવગત ખામીઓ અને ખૂબીઓ, આવક જાવકના સ્રોતો, લોકો સાથે વ્યવહાર કરવાના તરીકાઓ, કામ પાર પાડવાની રીતો, જીવન પરત્વેની અવધારણાઓ-વ્યાખ્યાઓ, પોતાના વંશ અને વાતાવરણ વિશે રુઝાન, સારી નરસી ચીજોમાંથી ગ્રહણ કરવાની આવડતો, જિંદગીને મળી જતા કે ઊભા કરાતા અવસરો/તકો.

મનની સકારાત્મક-નકારાત્મક લાગણીઓ, બુધ્ધિગત ખયાલો, ધારેલા ધારા ધોરણો, પોતાની આદતો, અપેક્ષાઓ, કૌશલ્યો, વિચારો, ભાવનાઓ, સપનાઓ, કલ્પનાઓ, ભયસ્થાનો, માન્યતાઓ, વિશ્વાસો, મહત્વકાંક્ષાઓ, ખેવનાઓ, આશાઓ, હસરતો એ ઉપરાંત માણસનો ઈતિહાસ, તેના રૂપરંગ, તેના જન્મ સમયની નાની નાની ઘટનાઓ, તેના ભવિષ્યની યોજનાઓ તેના અનેકવિધ જાતના સંબધોના અવળચંડા આટાપાટા, દેશ-સમાજ કુટુંબની લાક્ષણિકતાઓ, પર્યાવરણ, સામાજિક માળખું ને બંધારણ… વિગતો અધધ છે!

જેમાં આમ જોઇએ તો બ્રહ્માંડ અનંત છે, જેમાં અગણિત આકાશગંગાઓ છે, જેમાંથી એકનું નામ ‘મિલ્કી વે’ છે, જેના એક તારાનું નામ સૂર્ય છે, જેના સૌર મંડળમાં પૃથ્વી એક ગ્રહ છે! જેમાં લગભગ 195 રાષ્ટ્ર છે, એ રાષ્ટ્રોમાંના એશિયા ખંડમાં એક ભારત છે, જેના એક રાજ્યના કોઈ ગામ કે શહેરની હજારો/લાખોની વસ્તીમાં એક માણસની એક જિંદગી છે ને આ બધાની વચ્ચે એ પણ યાદ રહે કે પૃથ્વીની ઉંમર લગભગ 4.54 અરબ વર્ષ છે! એમાં કોણ જાણે છે કે આપણે એક જીવ આશરે 70 કે 80 વર્ષ માટે પૃથ્વી ગ્રહની મુલાકાતે ક્યારે આવીશું? જેમાંથી એક તૃતીયાંશ વર્ષ તો માત્ર સુવામાં પસાર કરી દેવાનો છે, તો એવી જિંદગીની બહ્માંડની દ્રષ્ટિએ કિંમત કેટલી?! ને છતાં માણસ જોબ પરથી એક દિવસ રજા પાડે તો કેટલું નુકસાન જાય? બાળક એક દિવસ સ્કૂલે ન જાય તો કેટલું લેસન ભેગું થાય? ગૃહિણી બે-ચાર દિવસ હડતાલ પર ઊતરે તો કેટલું કામ અટકી પડે? ડૉક્ટર એક દિવસ હોસ્પિટલ ન જાય તો કેટલાં મરીઝ રઝળી પડે?

…ને છતાંય માણસ શા માટે જીવે છે, શા માટે જીવવું જોઇએ એ વિશે માણસ પૂરેપૂરો કે સાચા અર્થમાં માહિતીગાર છે?

આ માણસનો ઉમરભર વ્યવહાર ચાલે છે. શબ્દોથી, ઇશારાથી, ભાવભંગિમાંથી શબ્દોની વાત કરી તો એ વાણીમાં એ કેવું બોલ્યો? શું બોલ્યો? કેટલું બોલ્યો? કયાં કયાં બોલ્યો? જે બોલ્યો તે શા માટે બોલ્યો? બોલ્યા જેવું બોલ્યો કે ન બોલ્યા જેવું પણ બોલી બેઠો? જે બોલ્યો, એ જ શા માટે બોલ્યો? જે શબ્દો કે ટોન પસંદ કર્યા તે જ શા માટે પસંદ કર્યા? નોંધનીય છે કે એક સામાન્ય માણસ પોતાની આખી જિંદગીમાં લગભગ દસથી બાર કરોડ શબ્દ બોલે છે. આ અનુમાન વ્યક્તિની ઉંમર, તેના સામાજિક વ્યવહાર, આદતો અને જીવનશૈલીને આધારે કરવામાં આવે છે એટલે શબ્દોમાં ફેરફાર શક્ય છે. સરેરાશ ગણતરી મુજબ માણસ પાંચ હજાર જેટલા શબ્દો બોલે છે. જો માણસ સિત્તેર વર્ષ જીવે તો ઊપરોક્ત સંખ્યાનું અનુમાન થઈ શકે.

એક એક શબ્દ, એક એક વર્તન, એક એક કર્મનો સામા માણસ પાસે હિસાબ છે, એક એક શબ્દની મારામારી છે, જ્યાં અરબો-ખર્બો શબ્દો જ નહીં એ શબ્દો બોલનારાઓ કાળની ગર્તામાં વહી ગયા છે! શું જન્મ મરણ પણ તકદીરનો હિસ્સો નથી?

કેટલાક મુઠ્ઠીભર મનુષ્યો છે જે જાણી ગયા છે કે જન્મ કે જીવનનું કારણ શું છે? તારણ શું છે? વિવરણ શું છે? એવા માણસો હોય છે અર્જુન જેવા જેમને માત્ર પંખી આખ દેયાય છે. જેના પર નિશાન સાધવાનું હોય છે, એ જ લક્ષ્ય હોય છે, એ જ ઉદ્દેશ્ય. એવું જ એક સફળ જીવન જીવવાની ઈચ્છા તો દરેક જણ સેવે છે પણ… ‘પણ’ પછી સૈંકડો વાતો ને બાબતો છે જે અનિવાર્ય બની જાય છે ને છતાંય એ સઘળાં ‘પુરૂષાર્થ’ની વચ્ચે એક શબ્દ ‘પ્રારબ્ધ’ છુપાયેલો રહે છે, જેની માયાજાળ ભલભલા ચરમબંધીઓ સમજી શકતા નથી. કોને, ક્યાં, કોણ નડે છે? શા માટે? કેટલા સમય માટે? એના જવાબો બસ અટકળો છે. 100% સફળ ભવિષ્યવાણી કરનારા પણ ગોથું ખાઈ જાય એ શક્યતા નિવારી શકાય નહિ. જો એમ ન હોત તો રામને રાજ્ય મળવાને બદલે વનવાસ થયો હોત? નિયતી કોને ભાગે ક્યાં, શું, શા માટે, કેવી રીતે લખે છે, તે જાનકીનાથ પણ જાણતા નથી… કહેવાયું છે ને ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?’

ગોલ્ડન કી

આ કેવી ગણશો બોલો
નસીબની બલિહારી ક્ષણની
ખબર નથી ને
વર્ષોની છે તૈયારી..!

@કલ્પના ગાંધી

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS