Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 413
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

આ ઘર તારું મારું સપનું છે, આ ઘરને આપણે બનાવ્યું છે,
આ ઘરમાં ઉમ્મીદો વસે, એવું તો આપણે સજાવ્યું છે.
આપણા આ ઘરને જોવાને, આંખ્યું પણ આપણી જોઇશે,
હર ખૂણે વસાવી ચાંદની,  આપણે આને દિપાવ્યું છે.
સૌ દવલાંને વહાલાં કર્યા ને પ્રીતના વાવેતર કીધાં
આ ઘરના દરવાજા વાસીને, આપણે બહુ દર્દ છુપાવ્યું છે.
આપણી અનોખી દુનિયા છે, સંસાર આપણો નોખો છે,
જો આંખે આંસુ આવ્યા તો, લઈ દુખણા નિભાવ્યું છે.
જે કોઈ મે’માન આવે છે, સૌને ઉતારા ઓરડા,
જો ધરી શક્યા ના લાપસી, તો સાદું ભાણું જમાડ્યું છે.
આવતા જાતા આનંદથી, સહુ પ્રેમથી હળે ને મળે
નાનકડું જાણે સ્વર્ગ એક, આપણે આ ઘરમાં ઉતાર્યું છે..!
#kalpna_gandhi

સુખ અને શાંતિ, નિરાંત અને હાશકારાનું સરનામું એટલે ઘર! સંબંધોની પહેલા પાઠશાળા એટલે ઘર! હયાતીનું શાસ્ત્ર એટલે ઘર! ઘર એટલે આબરુના રખોપા કરતી ઢાળ! માતાએ રેલાવેલી ખૂશ્બૂ અને પિતાએ સ્પેશલ સુરક્ષા કવચ એટલે ઘર! ઘર એટલે બહેનની આશાનું કિરણ અને ભાઈની પાઘડીનો સોનેરી તાર! ઘર એટલે સૂર્યનું અજવાળું, ચંદ્રની શીતળતા અને તારાઓનું સૌંદર્ય! ઘર એટલે ફૂલની લહરાતી ધ્વજા! ઘર એટલે જુદી-જુદી વૃત્તિ-પ્રવૃત્તિના માનવીઓનો માળો!

ઘર એટલે મૃત્યુ લોકના માનવી માટે પરલોકનું પ્રતિબિંબ! ઘર એટલે સંસારના ખાટા-તૂરા વેણ વચ્ચે મધમીઠો સત્યનારાયણની કથાનો પ્રસાદ! ઘર એટલે ધોમધમતી ધરા પર વડલાંનો મનગમતો છાંયડો! ઘર એટલે પૃથ્વી અને ગગન વચ્ચે મંડાયેલી મહેફિલ! ઘર એટલે સંસ્કૃતિનું પગથિયું! ઘર એટલે સભ્યતાનો શિલાલેખ! ઘર એટલે માનવતા શીખવાનો શુભારંભ! ઘર એટલે જ્યાં રામ તત્વની દીક્ષા મળે તે કલ્યાણનો જય ઘોષ! ઘર એટલે વ્યાપાય ભર્યા બજારમાં પ્યારભરી પુકાર! ઘર એટલે મૂલવણી કરનારી આ દુનિયામાં પ્રાઈસ ટેગ ચોંટાડ્યા વગર વેલકમ કરતી જગ્યા! ઘર એટલે સમગ્ર ભૂમંડળ પરની જુદા-જુદા માનવીઓ રૂપી આંગળીનો અંગૂઠો, જ્યાં પરિવાર એક મજબૂત મુઠ્ઠી બની શકે! ઘર એટલે વડવાઓના આર્શીવાદ, ગુરૂની કૃપા અને પરમાત્માની મહેર! ઘર એટલે પરિવારને બાંધી રાખનાર એકતાનું સૂત્ર! ઘર એટલે કલ્પનાની ઉડાન! ઘર એટલે લાગણીનો દરિયો! ઘર એટલે અપનત્વની ખાણ એટલે કે કોઈપણ સમસ્યા માટે રામબાણ!

ઘર માણસની જીવતી ગર્ભનાળ છે! ગૃહસ્થનું તપ છે! ગૃહસ્થીનું તીર્થ છે! કુદરતની મહેર છે! સંસારરૂપી મધદરિયોનો કિનારો છે! જિજીવિષા માટે રેશમની દોર છે! જિંદગીના વ્યાકરણનું પૂર્ણ વિરામ છે! નક્શામાં ન હોય એવી મિરાત છે! પ્રભુએ અર્પેલી સૌગાત છે! સંસ્કારોનો બગીચો છે! શતરંગી શમણું છે! જ્યાં દુનિયા પાંદડું નથી આપતું ત્યાં એ આખી વસંત છે! જ્યાં હૃદયદલ ખીલે એ સરોવર છે! જ્યાં મનમયૂર નાચે એ નંદનવન છે! જીવન-મૃત્યુની સંતાકૂકડી વચ્ચે મધમીઠો વિસામો છે! માણસે મેળવેલું વરદાન છે!

ઘર એ વિશેષ જગ્યા હોય છે જેમાં વસનારાઓને તે એક હોંકારો આપે છે. માણસ ગમે તેવી સ્થિતિમાં હોય, સફળ હોય કે નિષ્ફળ, ગંદો ગોબરો હોય કે પાવન પવિત્ર, તેનામાં કોઈ સ્પેશ્યલ ટેલેન્ટ હોય કે ગાંડો-ઘેલો હોય, પ્રતિષ્ઠિત હોય કે બદનામ, ઘર હંમેશા તેમાં વસનારાને આવકારો આપે છે જાકારો આપતું નથી. પછી ઘરને દરવાજે ‘ભલે પધાર્યા’ લખ્યું હોય તોય ભલે ને ન લખ્યું હોય તોય ભલે…

ઘર મહેલ હોય કે ઝૂંપડી હોય, શહેરની વચ્ચો-વચ્ચ હોય કે ગામને સીમાડે, નદી કિનારે હોય કે રણમાં, જંગલમાં હોય કે ઈમારતોની ભીડ વચ્ચે એ માણસ ભાગ્યશાળી છે, જેને માથે ઘર છે. ઘરમાં સાવ એકલીયો માણસ રહેતો હોય કે પાંચ-સાત સભ્યો સાથે રહેતા હોય ઘરની દિવાલોએ માની વિશાળ બાંહો બની જાય છે ને છત પિનાનું સુરક્ષા કવચ! ઘર એ ઘરના દરેક વ્યક્તિને પોતાનો એક અલાયદો ખૂણો, એક સ્પેસ આપે છે, ચાહે ઘરમાં પાંચ ઓરડા હોય કે એક ઓરડીવાળી ઝૂંપડી…જ્યાં તે વ્યક્તિ તદ્ન અનૌપચારિકપણે જીવી શકે છે.

માણસ ગમે તે ઠેકાણે જાય, ત્યાં ભલે ને ઉચ્ચતમ સાધન-સગવડ હોય, ખૂબ ઊંચા ગજાની મહેમાનગતિ હોય, એ સ્થાન દરિયા કિનારા પાસે હોય કે ડુંગરાઓની વચ્ચે કે ફાઈવ સ્ટાર-સેવન સ્ટાર રિસોર્ટ હોય માણસને થોડા સમય પછી પોતાનું ઘર સાંભરે છે. યાત્રા ગમે તેવી સુખપૂર્ણ હોય એને ઘરઝુરાપો થાય છે.

માણસ ઘરની બહાર હોય ત્યારે તેને ઘરની એક-એક ઘટનાનું સ્મરણ થતું હોય છે. ઘરના સભ્યોનો જ નહિ, તેને તો તેના ઘરનો પણ વિરહ સાલતો હોય છે.

પોતાના ઘરની થાળી ને વાટકા, ટેબલ ને ખુરશી, પલંગ ને ગાદલાં, ચાદર ને ઓશિકા, બારી ને પરદા, બારણાં ને બારસાખ, સોફા ને કવર, કુંડા ને છોડવા બધું જ યાદ આવે, કારણ કે નિર્જીવ જણાતી ચીજો સાથે પણ માણસે એકાંતમાં વાતો કરી હોય છે. એમાંય ઘરનું ભોજન તો સૌથી વધુ ‘મિસ’ થાય. શહેરોમાં મોટેભાગે ફળિયા રહ્યાં નથી પણ સોસાયટીના પરિસર ને તેમાં હમઉભ્ર સાથે થતી વાતો, છોકરાંઓની રમતો, વાહનોના ચીર-પરિચિત અવાજો બધું જ સ્મૃતિમાં કંડારાય છે. અને જેમના નસીબે આંગણું ને અગાસી લખાયા છે એમને તો જાણે સોનાની લગડી મળી ગઈ, આકાંક્ષાઓના માણસે પેન્ટ હાઉસ બનાવ્યા છે, જ્યાં આંગણું અને અગાસી બંને એક થઈ જાય છે.

ઘર તો મીઠડું લાગે જ પણ ઘરની સાથોસાથ આવેલા અન્ય ઘરના પરિવારજનો પણ ગમે. આપણામાં કહેવત છે, ‘પહેલો સગો તે પાડોશી’ પાડોશી સાથે જેટલા સુમેળભર્યા સંબંધો હોય તેટલી સુગમતા રહે.

માણસને હૂંફ અને સુરક્ષાની ઝંખના થઈ હશે, ત્યારે તેણે ઘરની રચના કરવાનું સ્વપ્ન સેવ્યું હશે. એક ઘર ઈંટ, ચૂના, માટી, લોખંડ, લાકડાથી જ બનતું હશે એ માનવું ભૂલ ભરેલું છે. દુન્વયી પદાર્થોથી મકાન બની શકે પણ મકાનને ઘર બનાવવું હોય તો એકબીજા માટે સમપર્ણનો ભાવ જોઈએ, એક બીજાની સુરક્ષા માટે મનમાં સાહસ જોઈએ અને એકબીજાની દરકાર લેવા માટે સંવેદનશીલતા જોઈએ. એમ સમર્પણ, સાહસ અને સંવેદનશીલતાનો જ્યાં ત્રિવેણિ સંગમ બને ત્યારે એક મકાન ઘર બની શકે!

ઘર એ બીજી ગોદ છે, પહેલો ખોળો માણસને માતાનો મળે છે, જ્યાં તે ઈચ્છા પ્રમાણે ખૂંદી શકે ને બીજો ખોળો તે ઘર, જ્યાં માણસ મરજી મુજબ નાચી ગાઈ શકે. વિચાર કરો કે નાકમાં, કાનમાં, દાતમાં એમ આંગળી કરવી હોય તે એ ઘરમાં જ શક્ય છે પણ બહાર એ સાહજિક બાબતો પણ અસભ્ય લાગે. શરીરના અમુક ભાગોમાં ખંજવાળ ઉપડે ને ઘરની બાહર હોઈએ તો ક્યાંક એકાંત શોધવું પડે બાકી ઘરમાં વિચાર ન કરવો પડે. ઘર એ જીવવનો આધાર છે. ઘરના સભ્યોનું તો એક ચારિત્ર્ય હોય જ છે પણ ઘર પોતેય એક કિરદાર છે! એવું કિરદાર જે આપણા અસ્તિત્વનું કેન્દ્રબિંદુ છે.

વ્યક્તિગત, ભાવનાત્મક, બૌદ્ધિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિ કે અધોગતિ બંને માટે ઘર કારણભૂત છે. કેવા ઘરમાં બાળકનો ઉછેર થાય છે, ઝાઝા ભાગે તેના પર આધાર રાખે છે કે એ બાળકની જીવન દિશા તેને ક્યાં લઈ જશે.

ઉપરોક્ત ગઝલ જણાવે છે કે ઘર એ કોઈકનું ખ્વાબ છે, જ્યાં ઉમ્મીદો વસે છે. આશાઓ, ઉમંગો, રંગછોળો, સપનાઓ, ચાહતો, હસરતો, ઈચ્છાઓ એ સઘળું ઘરની સજાવટ પણ છે ને બુનિયાદ પણ… પણ કોઈના ઘરની શું ખાસિયત છે, એ જોવા માટે તો એ ઘરધણીની આંખો જ ઉધાર જોઈએ. તેની નજરથી નિહાળો તો જ એ ઘરની હકીકતને જાણી શકો કે એ ઘર કેવા અરમાનોથી સજાવાયેલું છે. તમને જ્યાં અંધારું દેખાતું હોય ત્યાં પણ એ ઘરના લોકોએ ખૂણે ખૂણે ચાંદની વસાવી હોય છે, ને એમ ઘરને દિપાવ્યું હોય છે.

ઘર એવી જગ્યા છે જ્યાં શત્રુને પણ મિત્ર કરી શકાય છે. દવલાંને પણ વહાલાં કરી શકાય છે. અણગમતાને પણ ગમતા કરી શકાય છે. જેના ઘરના દરવાજો સૌ માટે ખુલ્લાં હોય છે, તેનું હૃદય પરમતત્વથી પરિપૂર્ણ ગણાય, કારણ કે અહીં પ્રીતના વાવેતર હોય છે, જ્યાં સૌને માટે સ્વાગત છે! અન્યો સાથે હસતાં-રમતાં આ માણસ જ્યારે પોતાના દર્દને રડે છે તો ઘડીભર બારણામાં વાસી લે છે, જેથી માત્ર અંગત સ્વજન જ આંસુ જોઈ શકે. પોતાના સંસાર અનોખો બનાવવો હોય તો, ઘરની મહિમા અનોખી કરવી હોય તો આંખોમાં આંસુ તગતગે તોય તેના દુખણાં લઈ લેવા પડે છે, ત્યારે ક્યાંક હરખ હિલોળે ચઢે છે.

આ ઘરના સંસ્કાર, પરંપરા અને ખાનદાની એવા હોય છે કે આંગણે આવનારને ભલે લાડુ લાપસીના જમણમાં ન પીરસી શકાય પણ જે રોટલો આપણે રાંધ્યો છે તે મીઠો કરી જમાડી શકાય.

ગઝલ કહે છે કે અહીં આવનારા-જનારા એવા પ્રેમથી હળે-મળે છે કે જાણે ઘરના રૂપે નાનકડું સ્વર્ગ જ જાણે ધરતી પર ઉતારી દીધું હોય છે!

ગોલ્ડન કી

પૂરો થયો પ્રવાસ, હવે ઘર તરફ વળો
કાયમ નથી નિવાસ, હવે ઘર તરફ વળો…
નીકળ્યા અને પાછા ફર્યા ખોટા સ્થળે સતત,
ભૂલા પડેલ શ્વાસ! હવે ઘર તરફ વળો…
પાદર, તળાવ, પીપળો ને સાંજનો પ્રહર,
વર્ષોથી છે ઉદાસ, હવે ઘર તરફ વળો…
સંવેદના ઉત્તેજના અચરજ કાં ગુમ થયાં?
પડતી મૂકો તપાસ, હવે ઘર તરફ વળો…
આ તો નગરનો સૂર્ય છે એ આગ ઓકશે,
એમાં નથી પ્રકાશ, હવે ઘર તરફ વળો…
– રિષભ મહેતા

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH