‘ડાયમંડ ઈઝ ફોરએવર’ તો છે પરંતુ ‘જ્વેલરી ઈઝ ફોરએવર’ પણ છે…

સૌંદર્યનો પોતાનો એક જાદુ છે, નશો છે, એ એટલે સુધી કે તેની પાસે ચમત્કાર સર્જવાની પણ ક્ષમતા રહેલી છે. એવા સૌંદર્ય પર સ્ત્રીને અધિકાર ન જોઈતો હોય તો જ નવાઈ...

Adhi Akshar Kalpna Gandhi Article Diamond City 414
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

આભૂષણ, અલંકાર, ઘરેણું, દાગીના, જ્વેલરી કે જુવેલરી.. આ શબ્દો નથી આ અભિલાષાની વેલ પર બેઠેલું પારેવું છે, અગર ઈચ્છા પૂરી થાય તો એ આનંદથી ઝૂમી ઊઠે છે અને ન થાય તો ઉદાસીમાં સરી પડે છે.

આ અંત વગરની એક એવી અભિલાષા છે, જેને અનુભવવા માટે માત્ર અને માત્ર સ્ત્રીનું હૃદય જોઈએ! સ્ત્રી ઘરેણાં નથી પહેરતી, એ પહેરે છે તમારો પ્રેમ! એ શોભે છે, તમારા પ્રેમ જેવા શાશ્વત હીરાથી! એ ઝગમગે છે, તમારા હ્રદય જેવી ૨૪ કેરેટની સુવર્ણની અને હીરાની ચમકથી! એ ખીલે છે, તમારી લાગણી જેવી અલૌકિક પ્લૅટિનમની ખૂબસૂરતીથી…!

ઝૂલ્ફો સાથે ગમ્મત કરતા એ કાનના ઝૂમખા નથી એ તો નજાકતથી ઝૂલતા કોઈ તાજા ફૂલની સુંગધનું સરનામું છે, જે પતંગિયાને નિમંત્રણ આપ્યા વગર તેને શરારત કરવા બોલાવી શકે છે! વીંધાયેલ નાકથી લઈ ગાલ પર શોભતી એ લાલ-લીલા રત્નોથી ઝગમગીત નથણી નથી, એ તો પાંદડા સાથે રમતી લાલ કળીઓ છે, જેની હાલક-ડોલકથી ગાલ પર થતો ઝીણો-ઝીણો સ્પર્શ ચહેરા પર કંકુની ઢગલીઓ પાથરતો રહે છે!

મસ્તક પર ઝળહળતો એ કોઈ માંગ-ટીકો નથી, એ તો શિયાળાના સૂરજનો છડીદાર છે, જેમાંથી પ્રગટતી કિરણો તમને હૂંફનો અહેસાસ કરાવી શકે છે! ના, એ કોઈ પાણીદાર મોતીની માળા નથી, એ તો છાતી પર હિલોળા લેતું ઝરણાંઓનું ગીત છે, જ્યારે એ ગીત ગવાતું હોય ત્યારે સંગીતને વિનવવા જવું પડતું નથી! તમે જેને અંગુઠી કહો છો, વાસ્તવમાં એ કોઈનું અરમાનભર્યું દિલ છે, જેને કોઈ હોંશથી પહેરાવે છે, ને જેને કોઈ ઉમંગથી પહેરે છે. આજીવન એ સંભારણું દંપતિની આંગળી ૫૨ ૨મતું રહે છે.

વૈભવ અને એશ્વર્યની પાલખી પર સવાર આ ગળામાં ઝૂલતું ડાયમંડનું મંગળસૂત્ર કોઈ હીરાનો હાર નથી એ તો ઊંડા પ્રેમનો એકરાર છે, જ્યારે એનું મૌન બોલે છે, ત્યારે શબ્દો માટે દરવાજા બંધ થઈ જાય છે! આ જે હાથમાં ઝગમગજા હીરાના ખનકે છે એ કંગન નથી, એ તો પીઘળેલી ચાંદનીનું નર્તન છે. જેનો રણકા૨ ભાન ભૂલાવી દે છે ને નાદ જગાવી દે છે. પડખું બદલતા જે રાત્રિના સન્નાટામાં છમ્..છમ્…ની સૂરીલી તરંગ છેડી દે છે, તેને પાયલ સમજવાની ભૂલ ન કરશો, એ તો ઉંઘરેટી આંખો એ ખુલ્લા પરબીડિયામાં મોકલાવેલું સૂરમય ઈજન છે, જેમાં જાગરણનું નિમંત્રણ છે!

સ્ત્રી અને સૃષ્ટિ એકસરખા રહસ્યમય છે અને જે રહસ્યમય હોય છે, એ પોતાના રહસ્યને અકબંધ રાખવા શણગારનો પરદો રાખે છે. સૃષ્ટિ પ્રકૃતિથી સજે છે, એ જ પ્રકૃતિથી સ્ત્રી શરીર સજાવે છે.

તમને મોર ગમતો હોય તો એ એના કર્ણફૂલ આવી ચડે છે ને તમને પુષ્પો પસંદ હોય તો એ એને હારલા બનાવી લે છે. તમને સિતારા પ્રિય હોય તો એને માંગમાં સજાવી લે છે ને તમને ઝાંકળની ચાહત હોય તો એ એના ઝાંઝરમાં ગૂંથાવી લે છે અને વાત હીરાની હોય તો સ્ત્રીઓ જેટલા શોખથી પહેરે છે, એવા જ લગાવથી પુરૂષ પણ પહેરે છે.

સૃષ્ટિમાં જે કંઈ સુંદર છે, એ સુંદરતાને પોતાની કરી લેતા સ્ત્રીને બખૂબીથી આવડે છે અને એટલે જ સ્ત્રી પોતાના સૌદર્ય વિશે બોલવા-કહેવા માટે આભૂષણોને ચૂંટે છે ને તેને પોતાના હૃદયની ભાષા આપે છે અને કહેવું જ પડશે કે આ આભૂષણો સ્ત્રીની નજાકત, કોમળતા, સૌમ્યતા અને સૂરમયતા વિશે એટલું અને એવું બોલે છે કે ભાગ્યે જ કોઈ પુરૂષ એ નિઃશબ્દ અવાજ પ્રત્યે બેધ્યાન રહી શકે છે! ઘરેણાં શો રૂમની મખમલની સુંવાળી સેજ ૫૨ આરામ ફરમાવતા હોય ત્યારે પણ એ સ્ત્રી પ્રત્યેનો તલસાટ વ્યક્ત કરતા રહે છે, એટલે જ તો આપોઆપ પુરૂષ એ સ્ત્રીને પહેરાવવા થનગને છે!

સ્ત્રી હંમેશાથી આભૂષણ-પ્રેમી રહી છે, ચાહે એ સ્ત્રી પ્રાચીન હોય કે અર્વાચીન, એ દેશી ગર્લ હોય કે વિદેશી છોરી, ભલે સીધીસાદી હોય કે ફેશન પરસ્ત, પછી તે ગૃહિણી હોય કે કરિયર વુમન, એ ગામડાંની હોય કે શહેરની, ચાહે આધુનિક વિચારસરણીવાળી હોય કે પરંપરાગત ધારા ધોરણ ધરાવનારી, ભલે એ સેલિબ્રિટી હોય કે અન્ય, કે બાળકી હોય, યુવતી હોય, પ્રૌઢા હોય અથવા વૃદ્ધા સ્ત્રી માત્રને કોઈ નિર્જીવ તત્ત્વ એક સૂત્રે બાંધી શકતું હોય તો એ છે તેનો, આભૂષણ-પ્રેમ!

જેમ કોયલને ટહુકવાનું, સુગરીને માળો બાંધવાનું, ચકલીને ઉડવાનું કે માછલીને તરવાનું શીખવવું FINANCIAL PROJECTIONપડતું નથી, તેમ સ્ત્રી માત્રને જ્વેલરી સાથે ‘લવ અફેર’ રાખવાનું શીખવવું પડતું તથી. જ્વેલરીને ચાહવાનું વારસા કે વાતાવરણમાંથી તેને આપોઆપ મળી રહે છે.

સ્ત્રીના આભૂષણ-પ્રેમ વિશે વાત કરનારાઓ એ જણાવતા નથી કે આટલા ઊંડા, અકળ અને રહસ્યમય જણાતા આ આભૂષણપ્રેમનું મૂળ કારણ શું ? વાસ્તવિકતા એ છે કે સુંદર દેખાવું એ સ્ત્રીની પ્રાથમિક જરૂરિયાત છે, ઘેલછા ગણી શકાય તેવી મહેચ્છા છે. આપણે ઈશ્વરને સર્વથા સુંદર માન્યો છે એટલે કે સુંદરતા ઈશ્વરીય ગુણ હોવાનું સામર્થ્ય ધરાવે છે, સૌંદર્યની પોતાની શક્તિ છે માટે જ સૌંદર્ય આગ્રહ કરે ત્યારે ઝટ નકાર થઈ શકતો નથી. સૌંદર્યનો પોતાનો એક જાદુ છે, નશો છે, એ એટલે સુધી કે તેની પાસે ચમત્કાર સર્જવાની પણ ક્ષમતા રહેલી છે.

એવા સૌદર્ય પર સ્ત્રીને અધિકાર ન જોઈતો હોય તો જ નવાઈ… માટે જ સ્ત્રી સૌંદર્ય પર સ્વામિત્વ પામવા માટે લાલાયિત રહેતી હોય છે અને ઘરેણાં એક કાંકરે ઘણાં ફળ પાડે છે. ઘરેણાં સ્ત્રીના દેખાવ અને સૌંદર્યમાં ઈજાફો કરે છે, ગરિમા અને ભવ્યતા દર્શાવે છે. એ ધાર્મિક અને સામાજિક વિચારસરણીને માન્યતા આપે છે અને જો ખરેખર સુરૂચિપૂર્ણ રીતે ધારણ કરવાનું આવડે તો ઘરેણાં સ્ત્રીને પ્રેમ, પ્રશંસા અને પ્રસિદ્ધિની હકદાર બનાવે છે. હીરાના દાગીના, સ્ત્રી જ નહિ, પુરૂષની પણ અલગ ઓળખ સર્જે છે.

સ્ત્રીને ઘરેણાં પોતાની અસ્મિતા અને અસ્તિત્વના પૂરક લાગે છે, ઘરેણાંમાં એ સદાકાળ ટકી રહેતું અનંત સૌંદર્ય હોય છે. એ ૨મણીયતા અને નયનરમ્યતા હોય છે, એ વિશ્વાસ અને લાગણી હોય છે. જે સ્ત્રીની ઈચ્છાને તેના મનગમતા અંદાઝમાં સેટીફાઈડ કરી શકે છે, અને પુરૂષના ઘરેણાં તેના વ્યક્તિત્વ વિશે કહેતા હોય છે.

ઘરેણાંમાં જે શાસ્વતી છે, અમરત્વ છે, ચિરંજીવીતા છે, સૌંદર્ય છે, અપનત્વ છે એ જ તેના આપનારમાં હશે તેવું માનવા સ્ત્રી પ્રેરાતી રહે છે, માટે પ્રિયજને આપેલ જુવેલરી સ્ત્રી માટે અમૂલ્ય હોય છે ! એ પહેરીને સ્ત્રી મધુર સંવેદનાનું મજબૂત જોડાણ અનુભવતી રહે છે એટલે જ પ્રેમોત્સવની ઉજવણી સમયે એકમેકને ભેટમાં અપાતા ઘરેણાં હંમેશા મિરેકલ સર્જતા રહ્યાં છે.

આભૂષણો ધારણ કરવા, તેમાંથી આનંદ મેળવવો અને સંસ્કાર તેમજ સભ્યતાથી સભર દેખાવું એ મૂળ ભારતીય કન્સેપ્ટ છે. ભારતીયો માટે ઘરેણાં હંમેશા રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિના પ્રતીકો રહ્યા છે. આપણા રાજા-મહારાજાઓ ઘરેણાંને શક્તિ, સત્તા, સમૃદ્ધિ અને સૌંદર્યનું પ્રતીક માનતા. કદાચ આપણે એવા કોઈ દેવી-દેવતાના ચિત્રો જોયા નથી, જેમાં તેમણે મૂડ અને મિજાજને અનુરૂપ આભૂષણો ધારણ ન કર્યા, માટે ઘરેણાંને પારંપારિક ધર્મ થકી માન્યતા પ્રાપ્ત થઈ. યજુર્વેદમાં તો ઘરેણાં અપશુકનથી બચવા માટેનું પરીબળ ગણવામાં આવ્યાં છે.

આપણે પ્રાચીન કાળથી સોનાને શુભ અને પવિત્ર તત્વ માનતા આવ્યા છીએ. ઘરેણાંને મળેલી આજની અધધ લોકપ્રિયતામાં ધર્મે આપેલા ટેકાને પણ અગત્યની કડી ગણવો જોઈએ. તેથી જ આજે પણ આપણે સામાજિક અવસરો, ઉત્સવો, પર્વો અને પ્રસંગોમાં ઘરેણાંની ખરીદીને કલ્યાણકારી માનીએ છીએ, ગુરૂપૂષ્યામૃત યોગ અને ધનતેરસ જેવા પર્વોમાં તો તેનું વિશેષ મહત્ત્વ ગણાય છે.

ઉપરાંત રત્નો અને ધાતુઓથી નિર્મિત અંગૂઠીઓ તથા અન્ય આભૂષણોને જ્યોતિષનું સમર્થન પ્રાપ્ત છે. વિઘ્નકારી ગ્રહો માટે વિશેષ રત્નો અમૂક-તમૂક ધાતુમાં પહેરવા સૂચન અપાતું રહ્યું છે. એમાંય ડાયમંડ જ્વેલરીએ તો અનન્યતા મેળવી છે.

ઘરેણાં અને સ્ત્રી એકમેકના પૂરક હોય તેવા ઉદાહરણો સાહિત્યમાં અનેક ઠેકાણે જડી આવે છે. ભારતીય જનમાનસમાં જેને સ્ત્રીઓના સર્વોચ્ચ આદર્શ તરીકે સ્થાપવામાં આવ્યા છે, તે માતા સીતા પણ રામજીને સુવર્ણ મૃગ લઈ આવવા માટે વિનવે તેવું ‘રામચરિત્ર માનસ’ માં વર્ણન છે તો બીજી બાજુ અશોક વાટિકામાં હનુમાનજી રામજીની મુદ્રિકા દ્વારા જ પોતાનું દૂતપણું સિદ્ધ કરે છે ને !

શુદ્રક લિખિત ‘મૃચ્છકટિકમ્’ માં પણ ઘરેણાં કેન્દ્ર સ્થાને છે, જ્યાં નાયિકા વસંતસેના પોતાના બધા ઘરેણાં પોતાના પ્રેમી ચારૂદત્તના દિકરાની માટીની ગાડીમાં સજાવા આપે છે. બીજો એક ઉલ્લેખ શકુંતલા અને દુષ્યંતની પ્રેમ કથામાં છે, જ્યાં સંજોગવશ દુષ્યંતે શકુંતલાને આપેલી વીંટી માછલી ગળી જાય છે ને શકુંતલાએ સંઘર્ષપૂર્ણ જીવન પસાર કરવું પડે છે. સિરીયલો, વાર્તાઓ, ફિલ્મ, ચિત્રો વગેરેમાં બધે જ સ્ત્રીની આભૂષણ પ્રત્યેની લલક દર્શાવવામાં આવી છે. જોકે કૌટુંબિક, સામાજિક કે જરૂરિયાત વખતે સ્ત્રીએ કરેલા ઘરેણાંના ત્યાગની વાત મોટેભાગે કોઈ સાહિત્યમાં કે અન્ય કશે કરવામાં આવતી નથી.

તમે કોસ્મેટીક સાધનો નહીં વાપરતી ઘણી જોઈ હશે, પરંતુ ઘરેણાં ન પહેરનારી કે ન ગમાડનારી સ્ત્રીને ભાગ્યે જ મળ્યા હશો ! સ્ત્રી માટે ભોગવવાની કે ત્યાગવાની બંને છેડાની વસ્તુ તેનો દાગીનો જ છે. ભારતીય સ્ત્રી ઘરેણાંમાં પોતાનો ભૂતકાળ પણ જૂએ, છે ભવિષ્યકાળ પણ, માટે તે પોતાનો વર્તમાન ઘરેણાંથી ભરપૂર રાખવા માંગતી હોય છે. કારણ કે ઘરેણાંની એક કડી સ્ત્રીને ઈતિહાસના એ પાનાંઓ સુધી લઈ જાય છે, ભવિષ્ય સુધી લઈ જાય છે, જ્યાં એ ઘરેણાં તેને સામાજિક પ્રતિષ્ઠા સાથે આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.

સૌથી અગત્યનું તો એ છે કે આજે પહેરેલા ઘરેણાં તેને આજે ગમતી વ્યક્તિ બનાવે છે, તે આજે પ્રશંસા પામે છે, એ આજે આકર્ષણનું કેન્દ્ર બને છે. આજે લોકોની આંખો તેના પ્રત્યે આદરભાવ જૂએ છે, આજે તે વિશેષ પ્રેમને પાત્ર બને છે માટે જ સ્ત્રીને લાખ રૂપિયાના સેલફોન કરતા દાગીનામાં વિશેષ રસ પડતો હોય છે.

અલબત્ત અલંકાર એ સૌદય-શાસ્ત્રનો એક વિભાગ છે પરંતુ હવે તેની એક આખી અલાયદી દુનિયા છે. એક આખો અનોખો સંસાર છે.

પોતાના શોખને પોષવા, પ્રિયજનની આંખોમાં પ્રેમનું નવું અંજન આંજવા, પોતાની રૂચિને ઉજાગર કરવા, પોતાની ઈમેજને ઉન્નત કરવા, પોતાના સૌંદર્ય નિખારવા, પોતાની કલ્પનાને સજીવ કરવા, ઉત્સવોમાં મહાલવા, પોતાની ભાવનાઓ દર્શાવવા, કુંટુંબનું પોતીકાપણું મેળવવા, રક્ષણ મેળવવા, શારીરિક-માનસિક રોગોને દૂર રાખવા એવા અનેક કારણોસર સ્ત્રી ઘરેણાં ધારણ કરતી રહે છે, છતાં માનો કે એ એક પણ કારણ ન હોય, ઘરેણાં પહેરવાથી સ્ત્રીનો બીજો કોઈપણ હેતુ સિદ્ધ ન થતો હોય તો શું સ્ત્રી ઘરેણાં ન પહેરે ? !

બીજું કંઈ મળે કે ન મળે ઘરેણાં પહેરવાથી જે ઊંડો સંતોષ અને અનેરા આનંદના અનુભવનું સુખ મળે છે, પોતે કંઈક સ્પેશ્યલ છે, એવો ભાવ મળે છે. માત્ર ને માત્ર એ બાબત પણ સ્ત્રી માટે ઘરેણાં પહેરવાનું નિમિત્ત બની શકે કારણ કે પુરૂષો ભલે ‘ડાયમંડ ઈઝ ફોરએવર’ કહેતા, સ્ત્રીને મન તો હંમેશા ‘જ્વેલરી ઈઝ ફોરએવર’ સૂત્ર મનગમતું હતું, છે અને રહેશે.

ડાયમંડનો ઉપયોગ મુખ્યત્વે ઘરેણાં માટે થાય છે અને આજના સમયમાં તો હીરા જેટલા સ્ત્રીઓને ગમે છે તેટલાં જ પુરૂષોને પણ પસંદ છે અને અટલે જ સુરતના આંગણે આયોજિત થનાર ડાયમંડ જ્વેલરી શો “કેરેટ્સ – સુરત ડાયમંડ એક્સો” સ્ત્રીઓ અને તેમના પ્રિયજનોને સહર્ષ નિમત્રંણ પાઠવતા કહે છે કે, ‘ડાયમંડ ઈઝ ફોરેવર’ તો છે પરંતુ ‘જ્વેલરી ઈઝ ફોરએવર’ પણ છે..!

ગોલ્ડન કી

વેપારી મેળાઓમાં ઘરેણાંનું પ્રદર્શન ભાવ એ વ્યવસાય માટે ઉત્તમ બાબત છે,
પરંતુ સ્ત્રીની કુશળતા એમાં રહેલી છે કે દાગીના ધારણ કર્યા પછી
તે પ્રદર્શનનો નહીં, દર્શનનો વિષય બની રહે !

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS