છેલ્લાં કેટલાંક સમયથી સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. નાના મોટા હીરાના કારખાના, ફેક્ટરીઓમાં વીકએન્ડ પર બે રજા અને લાંબા વેકેશનની જાહેરાતો કરવામાં આવી છે. પોલિશ્ડમાં ડિમાન્ડનો અભાવ, રફની ઊંચી કિંમતોના પગલે માલ વેચાતો નહીં હોય કારખાનેદારોએ ઉત્પાદન કાપની નીતિ અપનાવી છે.
આ સમસ્યાઓ વચ્ચે હવે વધુ એક આફત સુરતના હીરા ઉદ્યોગના માથે આવી છે. અમેરિકા બાદ બ્રિટન સરકારે રશિયાના ડાયમંડ પર પ્રતિબંધ જાહેર કર્યો છે, જેની ઘેરી અસરો ભારતીય હીરા ઉદ્યોગ પર પડે તેવી દહેશત ઉભી થઈ છે.
યુરોપિયન યુનિયનના દેશો રશિયન પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આગળ વધ્યા છે. અમેરિકા પછી હવે બ્રિટને રશિયાથી આયાત થતા હીરા અને મેટલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે રશિયન ડાયમંડ અને એની જ્વેલરી પ્રોડક્ટના બ્રિટન પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
બ્રિટન સરકારે રશિયાથી કે એના અન્ય મિત્ર રાષ્ટ્રોથી આવતા હીરા અને ડાયમંડ જ્વેલરીની સાથે તાંબા, ઍલ્યુમિનિયમ, નિકલ જેવી મેટલ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. ભારત યુનાઇટેડ કિંગડમમાં મોતી, કીમતી પથ્થરો, ધાતુઓ, સિક્કાઓની નિકાસ કરે છે.
યુનાઇટેડ નેશન્સ કોમટ્રેડ ડેટાબેઝ ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ અનુસાર, 2022 દરમિયાન ભારતે યુનાઇટેડ કિંગડમમાં હીરા, મોતી, કીમતી પથ્થરો, ધાતુઓ, સિક્કાઓની 700.51 મિલિયન અમેરિકન ડોલરની નિકાસ કરી હતી. વર્ષ-2021માં ભારતે 4 બિલિયન યુએસ ડોલરની કિંમતના રશિયન રફ ડાયમંડની ખરીદી કરી હતી. ભારત 35 % જેટલી સૌથી વધુ રફ રશિયા પાસેથી ખરીદી કરે છે.
યુકેએ રશિયા-યુક્રેન યુદ્ધ પછી 86 અને કંપનીઓ ઉપર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. એમાં રશિયન માઈનિંગ કંપની અલરોસાનો પણ સમાવેશ થાય છે. જી-7 શિખર કોન્ફરન્સમાં ભાગ લેવા ગયેલા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આ જાહેરાત કરી રશિયાની સાથે ભારતના હીરા ઉદ્યોગને આંચકો આપ્યો છે. નવી ઘોષણાઓની રશિયા, ચીન, ભારત, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ જેવા દેશો પર પણ અસર થશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM