કોવિડ રોગચાળા બાદ પરિસ્થિતિ અને સમીકરણો બદલાયા છે. વિશ્વની માનવ વસ્તીએ ક્યારેય નહીં જોયેલી હોય તેવી મહામારીનો સામનો કર્યો. સેંકડો લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આ મહામારીએ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ પણ બદલી નાંખી છે, તેથી જ એવું કહી શકાય કે કોવિડ પછીના ઉદ્યોગ જગત માટે આગળનો માર્ગ મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને ઝવેરાત ઉદ્યોગે નવા પડકારો વચ્ચે એ નક્કી કરવું પડશે કે તે કેવી રીતે આ મુશ્કેલીઓ માટે બહાર આવે છે અને આર્થિક મંદીનો સામનો કરી નફો જાળવી રાખે છે એમ સીબ્જોના પ્રમુખ ડો. ગેટેનો કેવેલિયરીએ ગ્લોબલ પર્લ ડેવલપમેન્ટ કોન્ફરન્સમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું. આ કોન્ફરન્સ ગઈ તા. 21મી મેના રોજ ઝુજી, ચાઈનામાં યોજાઈ હતી.
કોવિડ મહામારી દરમિયાન વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન લાગુ કરાયું હતું. ઘણા લાંબા સમય સુધી નિયંત્રણોનો લોકોએ અને ઉદ્યોગજગતે સામનો કરવો પડ્યો હતો. લોકડાઉનના લીધે ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડ્યો હતો તેમ જતાં જ્વેલરી માર્કેટે પોતાની સ્થિતિસ્થાપકતા જાળવી રાખી હતી એમ જણાવતા ડૉ. કેવેલિયરીએ કહ્યું કે, નવા સમય સાથે તાલ મેળવતા તકલીફ પડી હોવાના લીધે ઘરાકીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ લોકડાઉન અને નિયંત્રણો દૂર થતા જ ઝડપથી માર્કેટમાં રીકવરી જોવા મળી હતી, જેના આપને સૌ કોઈ સાક્ષી બન્યા હતા. ઘણીવાર સેલ્સના આંકડા કટોકટીના સ્તરને વટાવી ગયા હતા. ખરેખર તો વર્ષ 2021 માં માર્કેટમાં કોવિડ દરમિયાનના વર્ષ 2020 અને તેના પહેલાંના 2019ના વર્ષથી પણ વધુ સારું પ્રદર્શન કર્યું હતું.
જો કે, ડૉ. કેવેલિયરીએ સ્વીકાર્યું કે રોગચાળા દરમિયાન ઉદ્યોગના નફામાં ઘટાડો થયો છે. તેનું કારણ લાંબા સમય સુધી ઘરોમાં કેદ થયેલા લોકોની પ્રવાસ પ્રત્યે વધેલી રૂચિને ગણાવી શકાય. CIBJOના પ્રમુખે ઉમેર્યું, ઘણા દેશોમાં આર્થિક મંદી છે અને ચીન જેવા બજારોમાં પણ તકલીફમાં છે. હા, સ્થિતિ સુધરી રહી છે પરંતુ આપણે ભૂતકાળમાં જોયેલા બે અંકના વિકાસ દરમાં વળતરની અપેક્ષા રાખી શકાય તેમ નથી.
અનેક પડકારો હોવા છતાં ડૉ. કેવેલિયરીએ ઉદ્યોગના ભાવિ વિશે આશાવાદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, લાગણીને સુંદર દાગીનાના માધ્યમથી દર્શાવવી એ ઉદ્યોગનું મૂળભૂત પાસું છે, જે સદીઓથી યથાવત રહ્યું છે. જો કે, આપણે ગ્રાહકની માંગમાં વધારો કરવા વિશે જાગૃત રહેવું જોઈએ, જે વધુ ને વધુ જવાબદાર સોર્સિંગ અને સામાજિક લાભોને પ્રાથમિકતા આપે છે. જ્વેલરીનું ઉત્પાદન અને પુરવઠા શૃંખલા બંનેમાં અખંડિતતા નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
ડૉ. કેવેલિયરીએ સામાજિક અને પર્યાવરણીય દ્રષ્ટિકોણથી તેમની ટકાઉપણાની નોંધ લેતા, પર્લના ઉચ્ચ બજાર સંભાવના પર પણ ભાર મૂક્યો હતો. મોતી, જ્યારે જવાબદારીપૂર્વક નૈસર્ગિક વાતાવરણમાં ઉગાડવામાં આવે છે, ત્યારે તે જ્વેલરી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે જે ખરેખર ટકાઉ છે. આ અભિગમ માત્ર પર્યાવરણને જ ફાયદો કરતું નથી પરંતુ અંતિમ ઉત્પાદનની ગુણવત્તામાં પણ વધારો કરે છે.
ચીનની તેમની મુલાકાત દરમિયાન ડૉ. કેવેલિયરીએ ચીનના નેશનલ જેમસ્ટોન ટેસ્ટિંગ સેન્ટર (NGTC)ના અધ્યક્ષ યે ઝિબીન અને ચીનના જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને વાઈસ પ્રેસિડેન્ટ બી લિજુન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારે સહકાર, જ્ઞાનની વહેંચણી, સંયુક્ત કાર્યક્રમો અને ચીનની અંદર CIBJO દ્વારા વિકસિત આંતરરાષ્ટ્રીય ધોરણો અને નામકરણને અપનાવવા માટેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM