BDW તરીકે હીરા ઉદ્યોગમાં પ્રચલિત ભારત ડાયમંડ વીકની ફોર્થ એડિશન તા. 6 થી 8 એપ્રિલ 2023 દરમિયાન મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કોમ્પલેક્સ ખાતે યોજાનારા છે. કોરોના સંબંધિત પ્રવાસના પ્રતિબંધો દૂર થયા બાદ હવે મુક્ત વેપાર માટે ભારત ડાયમંડ બુર્સે ભારત ડાયમંડ વીકની ફોર્થ એડિશનનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. ઓનલી ડાયમંડ શીર્ષક હેઠળ યોજાનાર આ વર્ષના શોમાં 125થી વધુ પ્રદર્શકો ભાગ લેનાર છે, જેમાં નાના, મધ્યમ અને મોટા એમ તમામ કદના હીરા ઉત્પાદકો તેમજ ડાયમંડ જ્વેલરી કંપનીઓ સામેલ છે. વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં યોજાનારા BDW 2023માં ટેકનોલોજી તેમજ લેબગ્રોન ડાયમંડ કંપનીઓ પણ ભાગ લઈ રહી છે.
આ પ્રદર્શન અંગે માહિતી આપતા BDW 2023ના આયોજકોએ જણાવ્યું હતું કે, “અગાઉના વર્ષોના પ્રદર્શન કરતા આ વર્ષનું પ્રદર્શન અલગ હશે. કારણ કે ભારત માટે એક જવાબદારી છે. ડાયમંડ બુર્સમાં એક એવો શો રજૂ કરવામાં આવશે જે માત્ર વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ઉત્પાદકોનું પ્રદર્શન કરતું પરંતુ તેમાં કંપનીઓ તેમજ ખરીદદારોને તેમના ખર્ચનું પૂરતું વળતર આપે છે. તેથી જ દેશવિદેશમાંથી આ શોમાં ઉત્પાદકો અને ખરીદદારો ખાસ હાજરી આપવા માટે આવશે.”
ભારત ડાયમંડ બુર્સના પ્રમુખ અનૂપ મહેતાએ કહ્યું કે, “હાલમાં હીરા ઉદ્યોગ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વિવિધ ક્ષેત્રે પ્રવર્તેલી આર્થિક અસ્થિરતાની અસર હીરા ઉદ્યોગ પર પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આવા વિકટ સમયમાં BDW 2023 હીરા ઉત્પાદકો અને વેપારીઓને મજબૂત અને તટસ્થ પ્લેટફોર્મ પૂરું પાડવા નિષ્ઠાવાન પ્રયાસ કરે છે. આ શોમાં પ્રદર્શકો તેમજ આંતરરાષ્ટ્રીય ખરીદદારોને ભેગા કરી તેઓને વેપાર મળે તેવા અમારા પ્રયત્નો છે. અમને લાગે છે કે ખરીદદારો અમારા વિક્રેતાઓ સાથે જે સંબંધ બનાવશે તે આગળ જતા વધુ મજબૂત બનશે અને હીરા ઉદ્યોગને વિકટ સ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થશે. હાલમાં હીરા ઉદ્યોગમાં જે ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ છે તે પણ પૂરવામાં આ શો રૂપ મદદરૂપ થશે.”
ભારત ડાયમંડ બુર્સના ઉપપ્રમુખ મેહુલ શાહે પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું કે, “કોરોનાના લીધે પ્રવાસ સહિતના અન્ય પ્રતિબંધના લીધે ત્રણ વર્ષ બાદ ભારત ડાયમંડ વીકનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વમાં પ્રતિબંધો હોવાના લીધે આ શો ત્રણ વર્ષથી યોજવામાં આવ્યો નહોતો, પરંતુ હવે વિશ્વ કક્ષાની સુરક્ષા સાથે વિશ્વના સૌથી મોટા ડાયમંડ એક્સચેન્જ BDBમાં આ શોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ શોમાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ સિક્યુરિટી સિસ્ટમ મૂકવામાં આવી છે જે BDBને ઝીરો ક્રાઇમ એક્સ્ચેન્જ બનાવે છે. BDB 2023માં વેચનાર અને ખરીદનાર એક સાથે આવી શકે છે. ખરેખર ભારત ડાયમંડ બુર્સનો પ્રયાસ ખરીદદાર વર્ગને શ્રેષ્ઠ કટ અને પોલિશ્ડ ડાયમંડ તેમજ ડાયમંડ જ્વેલરી ઉપલબ્ધ કરાવવાનું છે, જ્યારે ઉત્પાદકોને યોગ્ય ખરીદદાર સાથે મુલાકાત કરવાનો છે. જ્યારે વેપારની વાત આવે છે ત્યારે ભારત અને મુંબઈ ખરેખર વિશ્વ માટે ઉત્તમ પ્રવેશદ્વાર છે અને શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક સપોર્ટ ધરાવતું BDB તેના માટે શ્રેષ્ઠ છે. હું ડોમેસ્ટીક તથા ઈન્ટરનેશનલ ડાયમંડ બાયર્સને આ અનોખા ભારત ડાયમંડ વીક 2023 માં આવકારું છું.”
આ શોના આકર્ષણ :
- ઉત્કૃષ્ટ ઉત્પાદનોનું પ્રદર્શન કરતા વૈશ્વિક સ્તરના પ્રખ્યાત ઉત્પાદકો.
- નોલેજ સૅમિનાર
- રફ ડાયમંડના ટેન્ડર
- બાયર ગ્રુપ માટે ભારત ડાયમંડ બુર્સની ટૂર
- મુંબઈ તથા સુરતની ડાયમંડ ફેક્ટરીઓની વિઝિટ.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM