ફરી સુરતના સચિન સેઝનું નામ કૌભાંડમાં ઉછળ્યું

નેચરલ રૂબી સ્ટોનના નામે કૃત્રિમ રૂબીનાં પેન્ડન્ટ વિદેશ મોકલી ઓવર વેલ્યુએશન કરી અંદાજે રૂપિયા 1000 કરોડથી વધુનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું.

Again the name of Sachin SEZ of Surat rose in the scandal
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

લાંબા સમય બાદ ફરી એકવાર સુરતના સચિન સેઝનું નામ કૌભાંડ ઉછળ્યું છે. આ અગાઉ નિરવ મોદીના કેસમાં સુરતના સચિન સેઝનું નામ બહાર આવ્યું હતું ત્યાર બાદ હવે રૂપિયા 1000 કરોડના સ્કેમમાં સચિન સેઝની ત્રણ કંપનીઓ અને ઉદ્યોગકારનું નામ સામે આવ્યું છે. ઈડી અને ડીઆરઆઈની ટીમ દ્વારા સચિન સેઝ સહિત દેશભરમાં 14 ઠેકાણે તપાસ કરીને અસલી રૂબીના બહાને નકલી રૂબીના એક્સપોર્ટનો બોગસ વ્યવહારો દર્શાવીને બ્લેક મનીને વ્હાઈટમાં કન્વર્ટ કરવા માટે હવાલા કૌભાંડ આચર્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં વૈભવ શાહ સહિત ત્રણની ધરપકડ કરાઈ છે.

સચિન જીઆઇડીસીને અડીને આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સુરત સેઝ)માં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) અને ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) સુરત યુનિટે 3 માર્ચના રોજ એક જોઈન્ટ સર્ચ ઓપરેશન કરી અંદાજે રૂપિયા 1000 કરોડનું હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં સુરત સેઝની ત્રણ કંપનીઓ સાગર ડાયમંડ, સાગર એન્ટપ્રાઇઝ અને RHC ગ્લોબલ એક્સપોર્ટ લિમિટેડના નામ બહાર આવ્યા છે. સર્ચ દરમિયાન અધિકારીઓએ રૂપિયા 10 કરોડની કિંમતના હીરા અને સોનું તેમજ 25 લાખની રોકડ જપ્ત કરી હતી. આ સમગ્ર સ્કેમ અસલીના બહાને નકલી રૂબીનું એક્સપોર્ટ કરી કરાયું હોવાની વિગતો જાણવા મળી છે.

નેચરલ રૂબી સ્ટોનના નામે કૃત્રિમ રૂબીનાં પેન્ડન્ટ વિદેશ મોકલી ઓવર વેલ્યુએશન કરી અંદાજે રૂપિયા 1000 કરોડથી વધુની રકમનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું છે. નેચરલ રુબી ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કરી વેલ્યુ એડિશનના નામે સિન્થેટિક રુબી સેઝમાં લાવી એને નેચરલ રુબી વેલ્યુએશન વર્ક તરીકે બીલિંગમાં અનેક ગણું દર્શાવી મોટું હવાલા કૌભાંડ કરવામાં આવ્યું છે. હવાલા કાંડમાં ત્રણ કંપનીઓ સામેલ છે. ઇડી, ડીઆરઆઈ સાથે રાતે સ્ટેટ જીએસટીની ટીમ પણ તપાસમાં જોડાઈ

સેઝમાં સિન્થેટિક રુબી સ્ટોન કઈ રીતે આવ્યાં કોણે સેઝ બહાર બિલ બનાવ્યાં, બિલ બોગસ હોવાની આશંકાને પગલે SGST વિભાગને તપાસમાં પાછળથી જોડવામાં આવી હતી. નેચરલ રુબી સ્ટોન અને તેની પ્રોડક્ટને બદલે હલકી કક્ષાના સ્ટોન વિદેશ મોકલી તેની આડમાં હવાલા મારફત રૂપિયા મોકલાતા હતા. ત્રણેય કંપનીઓનો માલિક વૈભવ શાહ હોવાનું જાણવા મળ્યું છે.

ઇડીની ટીમ ગુજરાતમાં સુરત, અમદાવાદ અને મુંબઈમાં એકસાથે 14 ઠેકાણે તપાસ કરી હતી. આ ઓવરવેલ્યુએશન અને હવાલા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સુરતની BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડ અને RHC ગ્લોબલ એક્સપોર્ટનો ડિરેક્ટર વૈભવ દિપક શાહ હોવાની વિગતો અધિકારીઓને મળી હતી. આ કૌભાંડમાં કેટલાક ચીનના વતની વેપારીઓ પણ સામેલ હોવાની વિગતો સાંપડી છે. પાવર બેંક એપ્લિકેશન ફ્રોડ કેસ અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સુરતની BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડમાં સર્ચ કરી હતી.

આ કેસમાં એવો પ્રશ્ન ઉઠ્યો કે આ સમગ્ર કૌભાંડ આચરવામાં કેવી રીતે આવ્યું હતું. તે અંગે મળેલી વિગતો અનુસાર સુરત સેઝમાં આવેલી કંપનીઓ સાગર ડાયમંડ, સાગર એન્ટપ્રાઇઝ અને આર.એચ.સી.ગ્લોબલમાં પહેલાં ઇડીએ તપાસ કરી હતી અને પછી ડીઆરઆઇએ આરોપીઓની પૂછપરછ કરી હતી. આ કેસમાં હોંગકોંગથી નેચરલ પ્રિસિયસ સ્ટોનનો ઇમ્પોર્ટ કાગળ પર દર્શાવવામાં આવતો હતો પણ હકીકતમાં હલકી ગુણવત્તાના સિન્થેટિક સ્ટોન જ ઇમ્પોર્ટ થતાં હતાં. ડોક્યુમેન્ટમાં અસલ રુબી સ્ટોન કે પ્રિસિયસ સ્ટોન દર્શાવવામાં આવતું હતું પણ ખરેખર કૃત્રિમ સિન્થેટિક સ્ટોન મંગાવવામાં આવતાં હતાં. એમાં વેલ્યુએડિશનનાં નામે પેન્ડન્ટ બનાવી અને વધુ કિંમત લગાવી તેને એક્સપોર્ટ કરવામાં આવતા હતા. કાગળ પર ઓરિજિનલ રૂબી હોય તેની કિંમત સિન્થેટિક કરતા અનેક ગણી વધારે હોય છે. ઇમ્પોર્ટ માલનું પેમેન્ટ હોંગકોંગ કરી દેવામાં આવતું હતું. બાદમાં જે રૂબી સ્ટોનનું પેન્ડન્ટ બનાવી તેને વિદેશમાં મોકલાતું હતું.

જોકે, આ સમગ્ર ખેલ હવાલા માટે થયો હોવાનું જાણવા મળ્યું હતું. સુરત સેઝની ફેક્ટરીમાંથી જ વૈભવ દિપક શાહ અને એના સાગરિતો લાંબા સમયથી હવાલાનો ખેલ ઓપરેટ કરતાં હતાં. કોઈએ વિદેશમાં રૂપિયા મોકલવા હોય તો આ ધંધાનો સહારો લેતા હતા. સિન્થેટિક રૂબીની આયાત કરાતી હતી પરંતુ પેમેન્ટ તો ઓરિજિનલ રૂબીનું બતાવાતું હતું. એટલે જેમણે વિદેશ રૂપિયા મોકલવા હોય તેનું પેમેન્ટ અસલ રૂબીના પેંડેન્ટના નામે વિદેશ મોકલી દેવામાં આવતું હતું. આ મામલામાં ઇડીએ વૈભવ શાહ સહિત 3ની ઇડીએ ધરપકડ કરી હતી. પાવર બેંક ઍપ્લિકેશન ફ્રોડ કેસ અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) સુરતની BSE લિસ્ટેડ કંપની સાગર ડાયમંડ લિમિટેડ રડારમાં આવી હતી. 

દરમિયાન આ સમગ્ર કૌભાંડમાં ચીની ઓપરેટર પણ સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. કૌભાંડમાં 1000 કરોડનો સ્ટોક રેકોર્ડ મળ્યો, ચીની ઓપરેટર પણ હવાલામાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ચાઈનીઝ કન્ટ્રોલ મની લોન્ડરિંગ એપ અને પાવર બૅન્ક મોબાઇલ એપની તપાસ ચાલતી હતી એમાં ઇડીએ આ કૌભાંડ પકડી પાડ્યું હતું.

____________________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS