નવા નાણાંકીય વર્ષના આગમન સાથે જ આગાહીઓ, અપેક્ષાઓ અને સંભાવનાઓનો દોર શરૂ થઈ ગયો છે. જ્યારે પ્રગતિની વાત આવે ત્યારે અર્થશાસ્ત્રીઓ-જાણકારો મોટાભાગે આર્થિક વિકાસદરને ધ્યાનમાં રાખતા હોય છે. લોકોના મનમાં એવી છાપ ઉપસી છે કે માત્ર આર્થિક વિકાસ જ મહત્વપૂર્ણ પરિબળ છે. વિકાસ અને પ્રગતિની આ સાંકડી સમજણ આર્થિક વિકાસદરને આધારે આલેખવામાં આવે છે. જેને ભારત સહિત સમગ્ર વિશ્વના લોકો પણ સ્વીકારતા થયા છે. ભારતના પાડોશી દેશ ભૂતાનને બાદ કરતાં વિશ્વના પ્રત્યેક દેશ જીડીપી એટલે કે રાષ્ટ્રીય આવકના આધારે જ દેશની પ્રગતિ કે વિકાસનો માપદંડ કાઢવા લાગ્યા છે. જેમાં લોકોની સુખાકારીને ક્યાંય સ્થાન જ આપવામાં આવ્યું નથી. આ બાબત જરા અજુગતિ લાગી રહી છે.
આર્થિક આવકના આંકડાઓ થકી થતી વિકાસની વ્યાખ્યાએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. એમ કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી લાગતી. વાસ્તવમાં આર્થિક પ્રગતિ અને સુખાકારી વચ્ચે જમીન આસમાનનો ફરક છે. જેમાં વધારે મહત્વ લોકોની સુખાકારીને આપવું જોઇએ. કારણ કે સુખાકારી વગરની પ્રગતિનું કશું જ મૂલ્ય રહેતું નથી. આર્થિક પ્રગતિ સાધવાની દોડમાં લાગેલી દુનિયાને પછી એ પ્રકારના ખોટા અને ખતરનાક નિર્ણયો લેવાની ફરજ પડે છે કે સાંપ્રત સમયના લોકોના સળગતા પ્રશ્નોને હલ કરવાનો પણ સમય મળતો નથી. પરિણામે તેની આડ અસર સ્વરૂપે વધુને વધુ વિકરાળ સમસ્યાઓ પેદા થઈ રહી છે.
તાજેતરમાં જ વિશ્વના દેશોની સુખાકારીને લઈને એક અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. આ અહેવાલમાં આવેલા આંકડાઓ મુજબ ભારતના લોકોની સરખામણીએ પાકિસ્તાનની પ્રજા વધારે આનંદમાં રહે છે. આ અહેવાલમાં એવો સ્પષ્ટ સંદેશ હતો કે શેરબજારના તેજીના ઇન્ડેક્ષને મારો ગોળી, મુશ્કેલીઓ વચ્ચે પણ મસ્ત રહીને મોજ કરી લેજો. આપણે અમેરિકાનો દાખલો પણ લઈ શકીએ તેમ છીએ. આર્થિક વિકાસના મોજા પર સવાર થયેલું અમેરિકા ગરીબી, અસમાનતાને નાથી શક્યું નથી.
તાજેતરના અહેવાલ અનુસાર અમેરિકા છેલ્લાં થોડાં વર્ષોમાં વધુ હિંસક દેશ બન્યો છે. બીજા એક અહેવાલ અનુસાર 12 ટકા અમેરિકનો ગમગીની દૂર કરવાની દવાઓ ખાય છે. દુનિયામાં મોખરાનું સ્થાન ધરાવતું અર્થતંત્ર, વિશાળ ભૂમિ અને અનહદ પ્રાકૃતિક સંપત્તિ ધરાવનાર, વિકાસના મશાલધારી અને દુનિયાના દાદા કહેવાતા દેશ અમેરિકાની આવી હાલત હોય તો ભારત દેશ માટે વિકાસની ગોળી કેટલે અંશે અસરકારક નીવડશે? આ સવાલનો જવાબ શોધવાની કવાયત હાથ ધરવા જેવી છે.
માત્ર અને માત્ર આર્થિક વિકાસની પાછળ દોટ મૂકવાથી દેશની સમસ્યાઓ હલ નહી થાય. આ વિકાસને દોડતો રાખનારા જે પરિબળો છે તે મૂળમાં તો ટૂંકાગાળામાં મહત્તમ ખાનગી નફો પ્રાપ્ત કરવા અને લાંબેગાળે પ્રકૃતિનું મહત્તમ શોષણ કરવું એ બે ઉદ્દેશો પર આધારિત છે. વિકાસથી ગરીબી દૂર નહીં થાય કારણ કે તેના માર્ગમાં પ્રત્યેક પગલે નવા ગરીબો પેદા થશે. આ ગરીબોને વિકાસની યાત્રામાં સામેલ થવાની તક જ નહીં મળે. વિકાસના માર્ગ પરની સરળ સવારી એક ભ્રમ છે.
આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો. વિકાસ પાછળ આંધળી દોટ મૂકવાના બદલે હવે એક નવો ચીલો કંડારવો જોઈએ. જે આર્થિક વિકાસને બદલે સુખાકારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે. એક એવી વ્યવસ્થા જેમાં પ્રત્યેક મનુષ્ય હર પળે- હરક્ષણે આનંદનો અનુભવ કરી શકે. પ્રત્યેક મનુષ્યને આસાનીથી આજીવિકા મળે એ પ્રત્યેક નાગરિકમાં વિવિધ પ્રકારનું કૌશલ્ય નિખરે. જેના થકી જ સમતોલ સમાજનો પાયો મજબૂત બની શકે તેમ છે. અત્યારના કહેવાતા સમૃધ્ધ સમાજની સજાવટ અલ્પગાળાની લાગે છે એવી સ્થિતિ વચ્ચે વિકાસ માટેની દોટ સૌને માટે આપત્તિજનક સાબિત થવાની છે.
વર્તમાન સમયમાં લોકોની મોટાભાગની સમસ્યાઓ તરત સમજાઈ જાય એવી છે. ભલે નેતાઓ વિકાસના નામે મોટા મોટા દાવાઓ કરે. લોકોની સુખાકારી સાથે વિકાસ સાધવો શક્ય છે. પરંતુ તેનાથી વિપરીત લોકોની સુખાકારીના ભોગે વિકાસ સાધવો શક્ય જ નથી. પરિણામે હારેલા-થાકેલા લોકો ક્યારેક ને ક્યારેક તો કહેશે જ કે બસ હવે, બહુ થયું! આવતી કાલના નવા વિશ્વના નેતાઓ એ લોકો હશે જે આજે આ સંદેશને ગંભીરતાથી લઈ અને નવા વિચારો સાથે આગળ આવી ને કામ કરશે.
જેમાં માત્ર આંકડાઓનો જ વિકાસ નહીં હોય પરંતુ જ્ઞાન, સંતોષની અને આનંદની વૃદ્ધિ સાથેનો સર્વાંગી વિકાસ હશે. વિકાસનો ખરો અર્થ અને સાચું અર્થશાસ્ત્ર જ આ છે. આર્થિક વિકાસની વાત કરીએ તો ઈકોનોમી શબ્દ ગ્રીક ધાતુ ઓઈકોસ પરથી આવ્યો છે. જેનો અર્થ ઘર કે પૃથ્વી એવો થાય છે. ઓઈકોનામિયા એટલે ઘર કે પૃથ્વીનું કુશળ સંચાલન કરવું અને ખરા અર્થમાં તે શુભ એટલે કે મંગળનું પ્રતીક છે. પ્રકૃતિની ઈકોનોમી લાખો વર્ષોથી ટકોરાબંધ ચાલે છે.
પણ આર્થિક વિકાસે એક સદીથી ઓછા સમયમાં આપણી આઘાત પચાવવાની આંતરિક ત્રેવડ અને શક્તિ ચૂસી લીધી છે. તેથી ધન આધારિત વિકાસ એ ઈકોનોમીનો ખરો અર્થ નથી. ધનસંપત્તિનો વધારો એટલે આર્થિક વિકાસ એવું સમીકરણ પણ સાચું નથી.
આ સંદેશો સમાજમાં જવો જોઈએ કે પૈસો જ સર્વસ્વ નથી. અર્થશાસ્ત્રીઓએ દુનિયાને કહેવું જોઈએ કે સમૂહભાવના, વહેંચીને ખાવાની વૃત્તિ અને કરૂણાથી સમાજમાં તકો અને વિકાસ પેદા થાય છે. સૌને શાંતિ,સફળતા અને આનંદનો અનુભવ થાય છે.
મનુષ્યો તરીકે સાથે રહીને વિકસવાની તક છે. કેવળ એકમાર્ગી ભૌતિક વિકાસ આપણી પર ઉપભોક્તાવાદનો અને પ્રદૂષણનો બોજ લાદ્યો છે. હવે આવા વિકાસને નકારી કાઢવાનો સમય આવી ગયો છે. આવા કહેવાતા વિકાસના કારણે લોકોના જીવનમાંથી સંતોષ, પ્રેમ અને સુખ હરી લેનારી સમસ્યાઓનું સર્જન થાય છે નહીં કે વિકાસનું…