DIAMOND CITY NEWS, SURAT
જ્યારથી રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી જ રશિયા સામે યુરોપીય દેશો નારાજ થયા છે. અમેરિકાએ અનેક પ્રતિબંધો લાદી દીધા છે અને યુરોપિયન દેશોનું સંગઠન પણ તે દિશામાં આગળ વધી રહ્યું છે. બીજી તરફ અમેરિકા સહિત યુરોપિયન દેશોમાં બેન્કિંગ કટોકટી બાદ સર્જાયેલી આર્થિક અનિશ્ચતતાને પગલે બજાર નરમ થયા છે. ખાસ કરીને હીરા ઝવેરાતના માર્કેટમાં મંદીનું મોજું ફરી વળ્યું છે. ગયા જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાથી બજારની સ્થિતિ કફોડી છે.
નેચરલ અને લેબગ્રોન બંને કેટેગરીના ડાયમંડ જ્વેલરીમાં વેચાણ ઉત્સાહજનક રહ્યું નથી. યુરોપિયન દેશોમાં માંગ નબળી પડતા તેની અસર સુરતના હીરા ઉત્પાદકો પર પડી છે. ઉત્પાદન પ્રક્રિયા ધીમી કરવાની ફરજ પડી છે. તેમ છતાં હીરાના ઉત્પાદકો પાસે મોટો સ્ટોક ભેગો થયો છે.
કારખાના ચાલુ રાખવા અને રત્નકલાકારોની રોજગારી જાળવી રાખવા મજબૂરીવશ હીરના કારખાનેદારો ઉત્પાદકોએ પોલિશ્ડનું ઉત્પાદન જાળવી રાખવું પડતું હોય સ્ટૉક વધતો જાય છે, તેના લીધે ઉત્પાદકોની ચિંતા પણ વધી રહી છે. વળી બીજી મોટી મોકાણ એ છે કે અમેરિકા અને યુરોપિયન દેશો રશિયા સામેના પ્રતિબંધને વળગી રહીને અલરોસાની ખાણમાંથી નીકળેલા હીરા ખરીદતાં નથી.
વળી, જે કોઈ અલરોસાના હીરા વેચે તેને બ્લેકલિસ્ટ કરે છે, તેની સાથે વ્યવહાર કે વેપાર કરતા નથી. તેના લીધે સુરતના હીરા ઉત્પાદકોની મુશ્કેલી વધી હોય જીજેઈપીસી દ્વારા અલરોસાને સાઈટના રફ ડાયમંડની ફાળવણી સ્થગિત કરવા વિનંતી કરી હતી, જે માઈન કંપનીએ સ્વીકારી લીધી છે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ની વિનંતીને પગલે વિશ્વની બીજા ક્રમાંકની સૌથી મોટી રશિયન ડાયમંડ માઇનિંગ કંપની અલરોસાએ GJEPC ની વિનંતીને પગલે સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસ માટેની સાઈટના રફ ડાયમંડની ફાળવણી સ્થગિત કરી છે.
સોલિટેર ઇન્ટરનેશનલનાં એક અહેવાલ મુજબ વૈશ્વિક હીરા ઉદ્યોગ સામેના વર્તમાન અવરોધોનો સામનો કરવા માટે ભારતીય હીરા ઉદ્યોગના અગ્રણી વેપારીઓની બેઠક બાદ અલરોસાએ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના માટે રફ ડાયમંડની ફાળવણીને કામચલાઉ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
આ નિર્ણય આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની ઘટતી જતી માંગ અંગેની ચિંતાઓ વચ્ચે આવ્યો છે, જેના કારણે મેન્યુફેક્ચરિંગની કામગીરીમાં વિક્ષેપ આવે છે અને સંસાધનોની ફાળવણીમાં ઘટાડો થાય છે.
રફ હીરાની ફાળવણીને રોકવાનું પગલું બજારના પુરવઠા અને માંગ સંતુલનને સ્થિર કરવા માટે અલરોસાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અલરોસાનું કહેવું છે કે, આ નિર્ણય ઓવર સ્ટોકિંગને રોકવામાં મદદ કરશે, ખાસ કરીને જ્યારે ઉદ્યોગમાં દિવાળીની સિઝન નજીક આવે છે ત્યારે ઘણા ઉત્પાદકો પરંપરાગત રીતે બંધ થઈ જાય છે.
આ મહિનાની શરૂઆતમાં GJEPCના ચેરમેન વિપુલ શાહે હીરાના વેપારને અસર કરતા અનેક મુખ્ય મુદ્દાઓ પર ભારતીય હીરા ઉદ્યોગની ચિંતા વ્યક્ત કરીને વૈશ્વિક માઇનિંગ કંપનીઓ સુધી સંદેશા પહોંચાડ્યા હતા. જેમાં નેચરલ ડાયમંડની ઘટી રહેલી માંગ, લેબ-ગ્રોન હીરા (LGDs) ની અસર, પોલિશ્ડ ઈન્વેન્ટરી અને ઉત્પાદન પડકારો, યુએસએ અને ચીનમાં આર્થિક મંદી, ભૌગોલિક રાજકીય અસ્થિરતા, ગ્રાહકોની પસંદગીઓ બદલવી અને કુદરતી હીરામાં ઘટાડાનો વિશ્વાસ સામેલ છે.
શાહનું એમ પણ માનવું હતું કે, “માઇનર્સ વચ્ચેના સહયોગ દ્વારા કુદરતી હીરાના પુરવઠા અને કિંમતોનું સંચાલન કરવા માટેની પદ્ધતિઓની શોધખોળ બજારમાં સંતુલન લાવવા માટે નિમિત્ત બની શકે છે. વર્તમાન માંગ સાથે વધુ સારી રીતે સંરેખિત થવા માટે રફ હીરાના પુરવઠાને અસ્થાયી રૂપે સમાયોજિત કરવા માટે અમે કૃપા કરીને તમારા (માઇનિંગ કંપનીઓના) સમર્થનની વિનંતી કરીએ છીએ, જે ઉદ્યોગને સ્થિર કરવામાં અને તેના ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે. અલરોસાએ હીરાની માઇનિંગ કંપનીઓ, કટીંગ સવલતો અને જ્વેલરી રિટેલરો સહિત તમામ ઉદ્યોગ ભાગીદારોને રફ ડાયમંડની ખરીદી અને વેચાણ પ્રત્યે સમાન જવાબદાર વલણ અપનાવવા આહ્વાન કર્યું છે. આ સામૂહિક પ્રયાસનો હેતુ ઉદ્યોગમાં વિશ્વાસ વધારવા અને તમામ હિસ્સેદારો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે.”
અલરોસાએ પત્રમાં જણાવ્યું હતું કે તેને ખાતરી છે કે આ વ્યૂહાત્મક પગલું હીરાની સપ્લાય ચેઇનમાં દરેક લિંકની સ્થિરતામાં સુધારો કરીને હીરા બજારને પુનર્જીવિત કરવામાં મદદરૂપ બનશે. તાજેતરના પુરવઠા-માગની અસંગતતાએ ઉદ્યોગમાં ચિંતાઓ ઊભી કરી છે, અને અલરોસાને વિશ્વાસ છે કે વૈશ્વિક હીરા ઉદ્યોગ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો દ્વારા જ બજાર અને તેના તમામ સહભાગીઓને, માંગ અને પુરવઠા બંને બાજુઓને લાભ આપવા માટે જરૂરી અસર ઊભી કરી શકાય છે.
બજારની સાથે રત્નકલાકારોની સ્થિતિ સુધરે તેવી આશા
એક અંદાજ અનુસાર સુરતના હીરા ઉદ્યોગમાં 3 લાખ કરોડ રૂપિયાનો વાર્ષિક વેપાર થાય છે, જે દેશના જીડીપીમાં મોટું યોગદાન આપે છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી 15 લાખ લોકોને રોજગારી આપે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના વોરના લીધે આ ઈન્ડસ્ટ્રી પર મુસીબતના વાદળો ઘેરાયા હતા. અમેરિકાએ રશિયાની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેતાં તેની અસર હેઠળ સુરતનો હીરા ઉદ્યોગ પણ આવી ગયો હતો. વિશ્વની સૌથી મોટી ખાણ પૈકીની એક રશિયામાં આવેલી છે.
રશિયાની અલરોસા ખાણમાં મોટા પાયે રફ ડાયમંડ મળી આવે છે. બીજી તરફ વિશ્વનો સૌથી મોટો પોલિશ્ડ ઉત્પાદક ભારત દેશ છે. ભારતના સુરત શહેરમાં વિશ્વના 11 પૈકી 9 રફ હીરા પોલિશ્ડ થતા હોય છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપિયન દેશોના બદલાયેલા વલણના લીધે સુરતની ડાયમંડ પોલિશ્ડ ઇન્ડસ્ટ્રી પર ગંભીર અસરો પડી હતી. સુરતમાં આયાત થતા રફ હીરા પૈકી 30 ટકા રફ ડાયમંડ રશિયાની અલરોસા ખાણ સપ્લાય કરે છે.
જોકે, યુદ્ધ બાદ તબક્કાવાર પાછલા બે વર્ષમાં સુરતના હીરાવાળાઓએ અલરોસા પાસેથી રફ ખરીદવાનું બંધ કર્યું હતું. બીજી તરફ અમેરિકાએ રશિયાના ડાયમંડ પર મુકેલા પ્રતિબંધના લીધે સુરતના હીરાવાળાના પોલિશ્ડ ડાયમંડની માંગ ઘટી હતી. કારણ કે અમેરિકાએ ડાયમંડ પર વોચ ગોઠવી દીધી હતી. જો ડાયમંડ કે ડાયમંડ જ્વેલરીમાં રશિયાનો હીરો મળી આવે તો તેવા વેપારીઓ સાથે કામ બંધ કરી દેવાતું હતું.
પરિણામે સ્ટૉક વધ્યો હતો અને છેવટે હીરાવાળાઓએ રત્નકલાકારોને છૂટા કરવાની નોબત આવી હતી. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાત ડાયમંડ વર્કર્સ એસોસિએશન અનુસાર ચાલુ વર્ષમાં 10,000થી વધુ રત્નકલાકારોને નોકરી પરથી છૂટા કરી દેવાયા છે. હીરાવાળા રજાઓ આપી રત્નકલાકારોને ઓછું કામ આપી રહ્યાં છે, તેથી રત્નકલાકારો આર્થિક સંકટમાં મુકાયા હતા. જોકે, હવે અલરોસાએ બે મહિના માટે રફ ડાયમંડ સપ્લાય સ્થગિત કરતા ચોક્કસપણે બજારની સાથે રત્નકલાકારોની સ્થિતિ સુધરે તેવી આશા રાખી શકાય.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM