ડાયમંડ સિટી ગણાતા સુરતના હીરા ઉદ્યોગકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જીએસટી કાઉન્સિલે સુરત ડાયમંડ ઉદ્યોગકારોની માંગણોની સ્વીકાર કર્યો. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર જીએસટી દર વધારવામાં આવ્યો છે.
કાઉન્સિલ દ્વારા જીએસટી દરમાં 1.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 0.25 ટકા દર હોવાથી વેપારીઓની જીએસટી બ્લોક થતી હતી. જ્યારે ડાયમંડ ઉદ્યોગમાં અન્ય જગ્યાએ 3થી 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો છે.
GST કાઉન્સિલની 47મી બેઠક
મહત્વનું છે કે ચંદીગઢમાં GST કાઉન્સિલની બેઠક યોજાઇ. બેઠકમાં જીવનજરૂરી વસ્તુઓ પર જીએસટી વસૂલવાનો નિર્ણય લેવાયો છે.
GST કાઉન્સિલની બેઠકમાં, દહીં, ચીઝ, મધ, માંસ અને માછલી જેવી કેન્ડ અને લેબલવાળી બ્રાન્ડેડ વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સિવાય બેંકો દ્વારા ચેક જાહેર કરવાના બદલામાં લેવામાં આવતી ફી પર પણ GST ચૂકવવો પડશે. મહત્વનું છે કે GST કાઉન્સિલની 47મી બેઠકનો આજે અંતિમ દિવસ છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. કાઉન્સિલની બેઠક છ મહિના બાદ મળી છે.
છુટછાટ પાછી ખેંચવાની ભલામણ સ્વીકારાઈ
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યોના નાણા મંત્રીઓના જૂથની મોટાભાગની ભલામણો સ્વીકારવામાં આવી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત મુદ્દાઓ પર દરોને તર્કસંગત બનાવવા માટે મુક્તિ પાછી ખેંચવા માટેની ભલામણો આવી હતી.
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બનેલી કાઉન્સિલમાં રાજ્યોના નાણામંત્રી સામેલ છે.
ઉદ્યોગકારોએ કાઉન્સિલના નિર્ણયને આવકાર્યો
ડાયમંડ ઉદ્યોગકારોની લાંબા સમયની માગણીને જીએસટી કાઉન્સિલે સ્વીકારી લેતા ડાયમંડ ઉદ્યોગકારોમાં આનંદની લાગણી ફેલાઇ છે. જીએસટી કાઉન્સિલ દ્વારા કટ અને પોલિશ્ડ ડાયમંડ ઉપર જીએસટીનો દર વધારીને દોઢ ટકા કરવામાં આવ્યો છે.
ડાયમંડ પર જીએસટી વધારવામાં આવતા આ અંગે જીજેઇપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જીએસટીનો કાયદા અમલમાં આવ્યા બાદ ડાયમંડના ઉદ્યોગકારો દ્વારા કટ અને પોલિશ્ડ હીરા ઉપર જીએસટી 0.25 ટકા વધારવા માટેની માંગ કરવામાં આવી હતી.
ડાયમંડ ઉપર જીએસટીનો દર 0.25 ટકા હોવાથી ડાયમંડ ઉદ્યોગકારોની જીએસટી બ્લોક થઇ જતી હતી. ડાયમંડ ઉદ્યોગમાં સર્ટીફીકેશન થી લઈને તમામ ખરીદી અને ખર્ચાઓ પર 3 ટકાથી લઈને 18 ટકા સુધી જીએસટી છે.
જેથી ઉદ્યોગકારોને જીએસટી સેટ ઓફનો લાભ મળી શકતો ન હતો.આ બાબતને ધ્યાને લઇને ઉદ્યોગકારોએ જીએસટી દર 1.50 ટકા જેટલો વધારવાની માંગણી કરવામાં આવી હતી એ સ્વીકારવામાં આવ્યો છે.