આફ્રિકન દેશ બોત્સવાનાની ધરતીના પેટાળમાં હીરાનો અખૂટ ભંડાર રહેલો છે. રશિયા, બોત્સવાના એવા દેશો છે જ્યાં હીરાની મોટી ખાણો આવેલી છે. આ ખાણોમાંથી નીકળતા હીરા પર આખાય વિશ્વની નજર રહે છે. બોત્સવામાં આવેલી ડાયમંડની માઈન્સનું મહત્ત્વ એ પરથી આંકી શકાય કે વિશ્વની સૌથી મોટી માઈનીંગ કંપની ડી બિઅર્સ છેલ્લાં 54 વર્ષથી બોત્સવાના સાથે વ્યાપારીક સંબંધો ધરાવે છે.
ડી બિઅર્સ પાંચ દાયકા કરતા વધુ સમયથી બોત્સવાનાના પેટાળમાંથી રફ હીરા મેળવી વિશ્વભરના ડાયમંડ ઉત્પાદકોને વેચે છે. બોત્સવાની ખાણોમાંથી નીકળતા રફના જોર પર જ ડી બિઅર્સે નામ અને દામ બંને કમાયા છે, પરંતુ બીજી તરફ વરવી વાસ્તવિકતા એ પણ રહી કે બોત્સવાનાનો પાછલા પાંચ દાયકામાં વિકાસ થયો નહીં. આજે પણ બોત્સવાના ગરીબીમાં સબડી રહ્યું છે. બોત્સવાનામાંથી બેશકિંમતી હીરા મળતા હોવા છતાં તેની પ્રજા દારૂણ ગરીબીમાં જીવવા મજબૂર છે. આ ગરીબી બોત્સવાનાની પ્રજાની મજબૂરી છે કે પછી તેઓનું ઈરાદાપૂર્વક દાયકાઓથી શોષણ કરાતું હતું તે તો ઈતિહાસકારો જાણે પરંતુ હવે બોત્સવાનાએ ગરીબીની કાળી પડછાઈને ખંખેરવાનું મન બનાવી લીધું હોય તેમ લાગે છે, એટલે જ થોડા સમય પહેલાં જ્યારે ડી બિઅર્સ અને બોત્સવાના વચ્ચેના માઈનીંગ કરાર રિન્યુ કરવાની ઘડી આવી ત્યારે બોત્સવાનાએ મુસદ્દીગીરીથી પોતાની શરતો મુકી અને ડી બિઅર્સે તે માનવી પણ પડી.
ડી બિઅર્સ અને બોત્સવાના વચ્ચે આગામી 10 વર્ષ માટે ફરી કરાર થયા છે પરંતુ હવે બોત્સવાનાને વધુ લાભ મળે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કરાર અંગે બોત્સવાનાના પ્રમુખ મોક્ગ્વેત્સી માસીસીએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું. માસીસીએ કહ્યું કે, ડી બિઅર્સ સાથેનો નવો કરાર દેશને (બોત્સવાના) પહેલી વાર ડાયમંડની વૈશ્વિક રાજધાની તરીકે પ્રસ્થાપિત કરશે.
એક મુલાકાતમાં માસીસીએ ડી બિઅર્સ સાથેના વેચાણ સોદાનું સ્વાગત કરતા કહ્યું કે, બે અઠવાડિયા પહેલાં માઈનીંગના કરાર થઈ ગયા હતા. અમે પરિણામથી ખૂબ જ ખુશ છીએ. ચોક્કસપણે કરારમાં વધુ સારી શરતો ઉમેરી શકાય હોત પરંતુ ભાગીદારીમાં જેટલું મેળવીએ તેટલું આપવું પણ પડે છે. તેથી અંતિમ કરારથી અમે ખુશ છે.
માસીસીએ વધુમાં કહ્યું કે આ નવા કરારના લીધે બોત્સવાનાની પ્રગતિ થશે. બોત્સવાનામાં ટેલેન્ટ ડેવલપ થશે. રોજગારી વધશે અને સૌથી સારી વાત એ બનશે કે બોત્સવાનાની પ્રજાની માથાદીઠ આવકમાં વધારો થશે.
નવા કરાર અનુસાર 10 વર્ષના સમયગાળામાં બોત્સવાના હીરાના હિસ્સાને 25 ટકાથી વધારીને 50 ટકા કરશે. ડી બિઅર્સ આગામી દાયકામાં બોત્સવાનાના હીરા ઉદ્યોગના વિકાસ માટે 750 મિલિયન ડોલર જેટલી માતબર રકમનું રોકાણ કરશે.
જણાવી દઈએ કે બોત્સવાનાના રાષ્ટ્રપતિ માસીસીએ બોત્સવાનાને વધુ હિસ્સો નહીં આપવામાં આવે તો ડી બિઅર્સ સાથેના 54 વર્ષ જૂના વ્યવસાયિક સંબંધો તોડી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ડી બિઅર્સે બોત્સવાનાના વિકાસ માટે વધુ રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી.
નવા કરારમાં શું છે?
ડી બિઅર્સ અને બોત્સવાનાએ હસ્તાક્ષર કરેલા નવા કરાર હેઠળ ડેબ્સવાનની ખાણમાંથી નીકળતા ડાયમંડની સેલ્સ સિસ્ટમ નક્કી કરવા પર ધ્યાન આપવામાં આવશે. આ કરાર હેઠળ 10 વર્ષ સુધી બંને પક્ષે વેપાર ચાલશે. આ સાથે બોત્સવાના 25 વર્ષના માઈનીંગ લાઈસન્સ મામલે પણ સંમત થયું છે. જે ડી બિઅર્સને 2054 સુધી જ્વનેંગ અને દામ્તશાની માઈન્સમાંથી પત્થરો, હીરા કાઢવાનું ચાલુ રાખવા મંજૂરી આપશે. નોંધનીય છે કે હાલનો માઈનીંગ લાઈસન્સનો કરાર 2029માં સમાપ્ત થાય છે.
જૂના કરાર મુજબ ડી બિઅર્સ અને બોત્સવાના ખાસ અને અસાધારણ સ્ટોન મેળવવાનો એક્સેસ ધરાવતું હતું પરંતુ હવે નવા કરાર હેઠળ આ સ્થિતિ વધુ મજબૂત બનશે. પરંતુ ડી બિઅર્સ બોત્સવાના સરકારને વધુ ભાગીદારી ઓફર કરશે. આ ભાગીદારીનું ધ્યાન 5,00,000 ડોલરથી વધુ કિંમતના ઉચ્ચ ગુણવત્તાના ડાયમંડ પર રહેશે. ડી બિઅર્સ તેની સાઈટ હોલ્ડરવાળી સિસ્ટમ જાળવી રાખશે. જોકે ડેબસ્વાનામાંથી નીકળતી રફનો એક ચોક્કસ નાનો હિસ્સો સાઈટ માટે વેચાણથી ફાળવવામાં આવશે. કારણ કે તેમાંથી મોટા ભાગનો હિસ્સો ઓકાવાન્ગોને જાય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM