DIAMOND CITY NEWS, SURAT
આજે DIY (Do It Your Self) અર્થાત્ તમારી જાતે તમારું કામ કરો નો જમાનો છે. આપણે ઉપકરણો પણ ઓનલાઇન આજે મંગાવિયે છીએ અને તેને ઇન્સ્ટોલ કરવા સાથે મેન્યુઅલ મોકલવામાં આવે છે.
જેમ ઉપકરણોના મેન્યુઅલ હોય તેમ બ્રાન્ડનું પણ મેન્યુઅલ હોય છે જે બ્રાન્ડ માટે ગાઇડ્લાઇન્સ પુરી પાડે છે. આપણને લાગશે કે બ્રાન્ડનો લોગો કે આઇડેન્ટીટી છે જે જરૂરી છે તે બનાવ્યા પછી આની શું જરૂર!
દુનિયાની કોઈપણ મોટી બ્રાન્ડ જોઈ લો, તે બધાની પોતાની બ્રાન્ડ માટેની એક ગાઇડ્લાઇન્સ હશે. તમે તમારી બ્રાન્ડનો લોગો બનાવવા માટે, માર્કેટીંગ મટેરીયલ, ટેગલાઇન બનાવવા માટે ઘણો સમય ફાળવ્યો હશે, જે તમારા મતે તમારી બ્રાન્ડ માટે ઉત્કૃષ્ટ ક્રિએશન હશે.
પણ આ બધી વાતો નકામી હશે અને લાંબા ગાળે બ્રાન્ડને કોઈ દિશા બતાવી નહી શકે જો તમારી બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ તમે નક્કી કરી નહી હોય તો. બ્રાન્ડ ગાઇડ્લાઇન્સમાં બ્રાન્ડને કેવી રીતે લોકો સમક્ષ મૂકવી અને તેના માટે શું કરવું, શું ના કરવું આ બધી વાતોની વિગતે જાણકારી આપવામાં આવી હોય છે.
જેવી રીતે કોઈપણ બે બ્રાન્ડ સરખી નથી હોતી તેવી રીતે ગાઇડ્લાઇન્સ બધી જ બ્રાન્ડ માટે સમાન ના હોઈ શકે તેથી હરેક વ્યક્તિગત બ્રાન્ડ પોતાની અલગ ગાઇડ્લાઇન્સ બનાવે છે જેનાથકી બ્રાન્ડની પોતાની એક આગવી ઓળખ ઊભી થાય. સૌથી મહત્વનું તે કે બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ કંપનીના વિઝનને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે.
બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ મોટાભાગે નીચેના મુદ્દાઓને આવરી લે છે. પહેલું, બ્રાન્ડ લોગો કે આઇડેન્ટીટી. તમારો લોગો તમે બનાવ્યો હશે પણ તેનો ઉપયોગ કેવીરીતે કરવો તે મહત્વનું છે. તમારા લોગોને વિવિધ માધ્યમોમાં અને ફૉર્મૅટમાં કેવીરીતે ડિસપ્લે કરશો;
ઉદાહરણ તરીકે તમારા બ્રાન્ડ લોગોનું પ્લેસમેંટ પ્રિન્ટ મિડીયા, ટીવી, પોસ્ટર, વેબસાઇટ વગેરે કોઈપણ માધ્યમ હશે, હંમેશા ટોપ રાઇટ કૉર્નર પર પ્લેસ કરશો. લોગો પ્લેસમેંટ કાયમ માટે નક્કી કરી રાખશો. આ ઉપરાંત ક્યારે કલરમાં અને ક્યારે બ્લૅક એન્ડ વાઇટમાં કે પછી રિવર્સમાં ડિસપ્લે કરશો. લોગોની સાઈઝ શું રાખશો?
ઉદાહરણ તરીકે; કોઈપણ માધ્યમમાં લોગો યુનિટ માટે 20% જેટલી જગ્યા ફાળવવી જ પડશે. આવીરીતે લોગોને કેવીરીતે ઉપયોગમાં લેવો અને ન લેવોની માહિતી આ ગાઇડ્લાઇન્સમાં હશે. ફક્ત પ્રિન્ટ નહી પણ ટીવી એડમાં પણ લોગો કેટલી સેકેંડ સુધી રાખવો તેની માહિતી ગાઇડ્લાઇન્સમાં આપવામાં આવી હોય છે.
બીજું, ટાઈપોગ્રાફી; કયા પ્રકારના ફોન્ટ / ટાઇપ ફેસનો ઉપયોગ કરવો બ્રાન્ડના માર્કેટીંગ કોલેટ્રલ્સમાં. એક પ્રકાર નક્કી કરવામાં આવે પછી તે ફોન્ટ કે ટાઇપ ફેસનો જ ઉપયોગ કરવો બીજો કોઈ નહી. ફક્ત ફોન્ટ નહી ફોન્ટની સાઈઝ, ફોન્ટ ફૅમિલી પણ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે બ્રાન્ડ માર્કેટીંગ માટે હેલવેટિકા ફોન્ટ જ વાપરવામાં આવશે.
ત્રીજું, કલર પેલેટ; તમારી બ્રાન્ડ માટે તમે કયો કલર પેલેટ કે કયું કલર ફૅમિલી પસંદ કરો છો. ઘણા બધા કલર નક્કી કરશો તો નહી ચાલે. બ્રાન્ડ માટે એક કે બે કલર નક્કી કરી તે કલરના CMYK અને RGB કોડ્સ આ ગાઇડ્લાઇન્સમાં મૂકવામાં આવે છે જેથી કોઈપણ માધ્યમ હોય તેની સાતત્યતા જળવાઈ રહે.
ચોથું, ઇમેજરી; કયા પ્રકારની ઈમેજીસ / પિક્ચર્સ બ્રાન્ડ ઉપયોગમાં લેશે. હ્યુમન ઈમેજીસ, ઇલ્યુસ્ટ્રેશન્સ, ગ્રાફિક્સ, કેવા પ્રકારની ફોટોગ્રાફી હશે, કયા પ્રકારનો મૂડ તે કેપ્ચર કરશે વગેરે. જો કોઈ બ્રાન્ડ નક્કી કરે કે આપણી બ્રાન્ડ માટે ગ્રાફિક્સ જ ઉપયોગમાં લેવા તો તેઓના બધાજ કમ્યૂનિકેશનમાં ગ્રાફિક્સ સિવાય બીજી એકે ઇમેજરીનો ઉપયોગ થવો ન જોઈયે.
પાંચમું, બ્રાન્ડ ટોન; આ ઘણું મહત્વનું છે કારણ આ બ્રાન્ડની પર્સનાલીટી ડિફાઈન કરે છે. કેવા શબ્દો વાપરવા જેથી બ્રાન્ડની વૅલ્યુ અને પર્સનાલીટી બિલ્ડ થાય. ઉદાહરણ તરીકે, કોઈ બ્રાન્ડ હંમેશા ઉશ્કેરણી જનક ટોન વાપરશે કે પછી પ્રશ્નો પૂછી તમને વિચારતા કરી મૂકશે, કોઈ બ્રાન્ડ હ્યૂમર વાપરી તમને હળવા કરશે તો કોઈ સીધો મેસેજ આપી આડી અવળી વાતોને બાજુ પર રાખશે.
આ ઉપરાંત આવા બીજા અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખી બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ બનાવવામાં આવે છે. જેને કંપની બ્રાન્ડની બાઇબલ ગણે છે. આનો ઉપયોગ મોટેભાગે બ્રાન્ડ અને માર્કેટીંગ ટીમ કે ડિપાર્ટમેંટ કરે છે.
પણ કંપનીઓ આગ્રહ રાખે છે કે હરેક એમ્પલૉયી આ બ્રાન્ડ ગાઇડ્લાઇન્સથી વાકેફ હોય કારણ તે કોઈ ને કોઈ કારણસર કન્ઝ્યુમરના સંપર્કમાં આવશે ત્યારે તેનો ટોન બ્રાન્ડને ડિફાઈન કરશે. બ્રાન્ડ ગાઇડ્લાઇન્સની આવશ્યકતા તેટલા માટે છે કે તે બ્રાન્ડને સાતત્યતા પુરી પાડે છે.
કોઈપણ બ્રાન્ડને જો યથાયોગ્ય માર્કેટમાં પ્રસ્થાપિત થવું હશે તો સાતત્યતા જરૂરી છે. સાતત્યતા લોગો પ્લેસમેંટની, ફોન્ટની, કલર્સની, ટોનની વગેરે. એક્વાર નક્કી કર્યા મુજબની ડિઝાઈન બની જાય, સ્ટાન્ડર્ડ ટેંપલેટ રેડી થઈ જાય પછી તેને અનુસરતા રહેવું જોઈયે.
આ વાત બ્રાન્ડને સાતત્યતા આપશે અને કન્ઝ્યુમર ફક્ત ડિઝાઈન જોઈને જાણી જશે કે કઈ બ્રાન્ડ છે. એકવાર નિશ્ચિત થયા પછી કોઈપણ વ્યક્તિ તે બ્રાન્ડનું માર્કેટીંગ કોલેટ્રલ્સ બનાવશે તે ગાઇડ્લાઇન્સને અનુસરીને બનાવશે.
તેનું કામ પણ આસાન થઈ જશે કારણ લેઆઉટમાં લોગો ક્યાં રાખવાનો છે, કલર્સ કયા ઉપયોગમાં લેવાના છે, ઈમેજીસ કેવી વાપરવી બધુ નક્કી હોવાથી કામ આસાન થાય છે અને જડપ વધે છે.
ગાઇડ્લાઇન્સ ટીમમાં નવી આવનાર વ્યક્તિ માટે પણ કામ આસાન કરશે, ગાઇડ્લાઇન્સને સમજી તે પ્રકારે કોમ્યુનિકેશન તે ડેવલપ કરશે. ગાઇડ્લાઇન્સને ઉદાહરણ તરીકે સમજવું હોય તો, શોપર્સ સ્ટોપની એડ હંમેશા બ્લેક એન્ડ વાઈટમાં હશે.
તમે આ બ્રાન્ડ ગાઇડ્લાઇન્સને રૂલ બુક કે બ્લુ પ્રિન્ટ પણ કહી શકો જે તમને શું કરવું અને શું ન કરવુંની માહિતી પુરી પાડશે.
બ્રાન્ડ ગાઇડ્લાઇન્સ નક્કી કરી હોય અને તેની સાતત્યતા જો મેસેજમાં, ફોન્ટમાં, ટોનમાં, બ્રાંડિંગમાં ઈમેજિસમાં જાળવવામાં આવે તો ચોક્કસ પણે કન્ઝ્યુમર માટે બ્રાન્ડને યાદ રાખવું આસાન થશે અને પોતાના મગજમાં બ્રાન્ડની એક ઇમેજરી અને પર્સેપ્ષન ઊભું કરશે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel