DIAMOND CITY NEWS, SURAT
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા મુંબઈ ખાતે એક ગ્લોબલ બાયર્સ સેલર્સ મીટનું આયોજન કરાયું હતું. ભારતીય હીરા ઝવેરાતની નિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી આ બાયર્સ સેલર્સ મીટનું ગઈ તા. 29મી મુંબઈના અંધેરી ખાતે આવેલી આઈટીસી ગ્રાન્ડ મરાઠા હોટલમાં આયોજન કરાયું હતું. આ મીટમાં ખાસ કરીને યુએસ, યુએઈ, ઈજિપ્ત, જર્મીન, લેબનોન, પનામા અને સાઉદી અરેબિયાથી 30 જેટલાં આંતરરાષ્ટ્રીય બાયર્સ આવ્યા હતા.
ભારતના ડાયમંડ અને જ્વેલરીના મેન્યુફેક્ચરર્સે આ મીટમાં સ્પેશિયલ ઓફરોનું પ્રદર્શન કર્યું હતું, જેમાં ફિનિશ્ડ ડાયમંડ જ્વેલરી અને અન્ય ઉત્પાદનોની સાથે લુઝ હીરાનો પણ સમાવેશ થાય છે.
બાયર્સ સેલર્સ મીટમાં વિશ્વભરના ટોચના માર્ક્વિસ, મોટા ચેઈન રિટેલર્સ, હોલસેલર્સ, ઈમ્પોટર્સ, ટોચના ડિઝાઈનર્સ, ડિલર્સ અને રિટેલ જ્વેલર્સ સહિત વિવિધ જૂથ માટે મિટીંગનું આયોજન કરાયું હતું. આ ઈવેન્ટમાં ભારતીય જ્વેલરી ઉદ્યોગનો વ્યાપક દ્રષ્ટિકોણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં ઉત્પાદન અને પુરવઠાનું પાસું તેમજ કન્ઝ્યુમર રિટેલ ટ્રે બંનેને આવરી લેવામાં આવ્યા હતા.
જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે બાયર્સ સેલર્સ મીટની મુલાકાત વખતે ગ્લોબલ બાયર્સનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ ઈવેન્ટમાં ગ્લોબલ બાયર્સની હાજરી અમારા ઉદ્યોગની સ્થિતિ સ્થાપકતામાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. આવનારા દિવસો ઉજ્જવળ હશે તેવી આપણી માન્યતાને વધુ મજબૂત બનાવે છે. જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને તાજેતરના સમયમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. મુખ્યત્વે વૈશ્વિક આર્થિક મંદી અને ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે ડિમાન્ડ ઘટી તેની માઠી અસર ઉદ્યોગ પર પડી છે. તેમ છતાં અમે નવા બજારો શોધવાનું ચાલુ રાખી નિકાસને વધારવાના પ્રયાસો કરતા રહ્યાં છીએ. આવી ઈવેન્ટ્સનું આયોજન કરવથી અમને બાયર્સ સાથે જોડાવા, તેમની પસંદગીઓ સમજવામાં મદદ મળે છે. તેમના બજારોમાં જેમ્સ એન્ડ જ્વેલરીના ટ્રેન્ડ વિશે વધુ સમજ કેળવવાની તક મળે છે.
જીજેઈપીસીના પ્રમોશન્સ એન્ડ માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના કન્વીનર મિલન ચોક્સીએ કહ્યું કે, ભારતના હીરા ઝવેરાતની નિકાસ માટે યુએસ, યુરોપ અને મધ્ય પૂર્વ ત્રણ મુખ્ય બજારો છે. મુંબઈમાં બાયર્સ સેલર્સ મીટ નોંધપાત્ર છે. કારણ કે રફ હીરા અને જ્વેલરીના ઉત્પાદન, મૂલ્ય વૃદ્ધિ અને વેપારના સંદર્ભમાં ભારત વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી બિઝનેસના કેન્દ્રમાં છે. ભારતીય વેપાર વૈશ્વિક સ્ટોન અને જ્વેલરીની ચેઈનના તમામ પાસાંઓમાં સર્વવ્યાપી છે.
ચોક્સીએ વધુમાં ઉમેર્યું કે બાયર્સ સેલર્સ મીટ ભારતમાં ઉત્પાદિત ડાયમંડ જ્વેલરી અને લુઝ ડાયમંડ સહિત ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવા માટે એક અનોખું પ્લેટફોર્મ પુરું પાડે છે. તે ટ્રેન્ડી, ફેશન ફોરવર્ડ અને માર્જિન ફ્રેન્ડલી જ્વેલરી માટેના અગ્રણી સ્ત્રોત તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.
બાયર્સ સેલર્સ મીટના પહેલાં બે દિવસ દરમિયાન બાયર્સ અને સેલર્સ વચ્ચે લગભગ 30 થી 40 મિનીટ સુધી પૂર્વ નિર્ધારિત વન-ટુ-વન મિટિંગો ચાલી હતી. ત્રીજા દિવસે ઈવેન્ટમાં ઉપસ્થિતોને મેન્યુફેક્ચરીંગ ફેસિલિટીની મુલાકાત લેવાની તક આપવામાં આવી હતી.
યુનાઈટેડ સ્ટેટ્સ ભારતીય હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. જે ભારતની કુલ હીરા અને ઝવેરાતની નિકાસના 33 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. નોંધનીય રીતે આ નિકાસમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનો નોંધપાત્ર હિસ્સો છે, જેની કિંમત 7984.61 મિલિયન છે. આ સાથે હીરા જડિત સોનાના દાગીના કુલ 2406.52 મિલિયન ડોલરની નિકાસ છે. આ આંકડાઓ વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરીની સપ્લાય ચેઈનમાં ભારતની મહત્ત્વની ભૂમિકા દર્શાવે છે. તેમજ બંને રાષ્ટ્રો વચ્ચેના ઊંડા સંબંધોને પ્રકાશિત કરે છે. બાયર્સ સેલર્સ મીટમાં યુએસએમાંથી 17 ખરીદદારો હાજર રહ્યાં હતાં.
આ બાયર્સ સેલર્સ મીટમાં ન્યુયોર્કથી પધારેલા એવોર્ડ વિનર ડિઝાઈનર શાહલા કરીમીએ કહ્યું કે, અમેરિકન બજાર ખૂબ જ અલગ છે. તે નવા ટ્રેન્ડને આગળ લઈ જાય છે. એન્ગેજમેન્ટ રિંગ્સ એ એક મોટો ટ્રેન્ડ છે. અત્યારે અમેરિકન મહિલાઓ હીરા ખરીદી શકતા પુરુષોને પ્રપોઝ કરી રહી છે. ગ્રાહકો 4 થી 5 કેરેટ લેબ ડાયમંડ પસંદ કરે છે. અન્ય કોઈ પાસે ન હોય તેવા જટિલ ડિઝાઈનવાળા પીસ અમરેકિન ગ્રાહકો ઇચ્છે છે. પાતળી બેન્ડવાળા અનોખા પ્રકારના ભારે હીરાની હાલ અમેરિકામાં ખૂબ ડિમાન્ડ છે.
યુએસના એવોર્ડ વિનર ગ્લોબલ ડિઝાઈનર ડલ્લાસ પ્રિન્સ જર્મની અને ઓસ્ટ્રિયામાં મોડલ અને ટીવી શોના હોસ્ટ પણ રહી ચૂક્યા છે. પ્રિન્સ કહે છે કે ભારતના મહેમાન બનવું અદ્દભૂત અનુભવ છે. હું ભારતીય જ્વેલરી બ્રાન્ડ્સ સાથે કામ કરવા આતુર છું. અહીં જ્વેલરીનો ધંધો આકર્ષક છે. આ બિઝનેસને ભારતમાં તમામ પરિમાણોથી વિકસીત થતો જોયા પછી મને લાગે છે કે ભારતને વિશ્વમાં લઈ જવાનો આ યોગ્ય સમય છે.
અમેરિકાના જાણીતા ડિઝાઈનર પીટર સ્ટોર્મે કહ્યું કે મોટા આકારના ડાયમંડ પ્રત્યે આકર્ષણ હજુ પણ અકબંધ છે. પરંતુ અમેરિકી ગ્રાહકો હવે સ્કિની બેન્ડ પસંદ કરતા થયા છે. ભારતીય નિકાસકારો અને ડિઝાઈનરોએ ગ્રાહકોના સોશિયલ ડિજિટલ પ્રોફાઈલ અને પસંદગીઓનો અભ્યાસ કરવાની જરૂર છે. પછી તેઓ માટે વૈશ્વિક બજારોના ગ્રાહકો માટે પ્રખ્યાત જ્વેલરીનું ક્યુરેટ કરવાનું સરળ બનાવશે. જ્વેલર્સમાર્કેટર.કોમના એવોર્ડ વિનર ડિઝાઈનર મિયા કેટરિને કહ્યું કે આ એક શાનદાર શો હતો. માઈકલ શ્રેયરે કહ્યું, આ જ્વેલરી સોર્સિંગ બિઝનેસમાં મારું 46મું વર્ષ છે. મેસેચ્યુસેટ્સમાં મારી પાસે એમેઝોન સ્ટોરફ્રન્ટ છે અને CAD-CAM પર ભારતીય ડિઝાઈન જોવી એ સૌથી રોમાંચક હતું. ભારતમાં પરિવર્તન જોવાનું અને અહીં ડિઝાઈનર્સને રૂબરૂ મળવું એ અદ્દભૂત અનુભવ રહ્યો.
રોક હાઉસના ટોની ગોલ્ડસબેરીએ કહ્યું કે હું હોંગકોંગ જ્વેલરી ફેરમાં હતો પરંતુ હું મુંબઈ બાયર્સ સેલર્સ મીટના ઘનિષ્ઠ વાતાવરણને પસંદ કરું છું, જ્યાં ભારતીય જ્વેલર્સ અને ડિઝાઈનર્સ સાથે ખાનગી બેઠક કરવાની તક મળી શકે છે. બાયર્સ યોગ્ય પ્રશ્નો પૂછીને અને તેમની ડિઝાઈન ફિલોસોફી વિશે શીખીને રિટેલર્સને પડકાર આપી શકે છે. અમેરિકન બજાર મધ્ય પૂર્વ અથવા દૂર પૂર્વથી ઘણું અલગ છે. પરંતુ તેમાં ઘણી તકો રહેલી છે. ભારતીય ડિઝાઈનરો અને રિટેલરોએ અમેરિકન ગ્રાહકો માટે સ્પેશિયલ અનન્ય ડિઝાઈન તૈયાર કરવાનું શીખવાની જરૂર છે.
GJEPC એ ભારતીય જેમ્સ અને જ્વેલરી ઉત્પાદકોને નજીકના ભવિષ્યમાં વૈશ્વિક એક્સપોઝર પ્રદાન કરવાના હેતુથી વધુ ઇવેન્ટ્સ ગોઠવી છે. આ એજન્ડામાં IGJS દુબઈ, સ્પેનમાં સિલ્વર જ્વેલરી BSM, જયપુરમાં IGJS, ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકનું આયોજન સામેલ છે. આ સિવાય ઈન્ડિયા પેવેલિયન તમામ મોટા જેમ અને જ્વેલરી ઈન્ટરનેશનલ શોનો ભાગ હશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM