DIAMOND CITY NEWS, SURAT
ક્રિસ્ટીઝ દ્વારા જીનીવા ખાતે આયોજિત ઓક્શનમાં ફૅન્સી વિવિડ બ્લુ ડાયમંડ હરાજીમાં મુકવામાં આવનાર છે. આ દુર્લભ હીરાની અંદાજીત કિંમત 50 મિલિયન ડોલર જેટલી ઊંચી આંકવામાં આવી છે. તે જીનીવાના જ્વેલરી સ્ટોરમાં પ્રદર્શન માટે મૂકવામાં આવશે.
પિઅર આકારનો 17.61 કેરેટનો બ્લુ રોયલ હીરો અત્યાર સુધીનો સૌથી મોટો ફ્લોલેસ જેમ સ્ટોન છે, જે હરાજીમાં મુકવામાં આવી રહ્યો છે. ક્રિસ્ટીઝ દ્વારા આ વિશિષ્ટ હીરાને 7 નવેમ્બરના રોજ મેગ્નિફિસન્ટ જ્વેલ્સ સેલમાં મુકવામાં આવશે. આ ડાયમંડની વિશિષ્ટતાની વાત કરીએ તો તે છેલ્લાં 50 વર્ષથી ખાનગી કલેક્શનમાં રાખવામાં આવ્યો હતો. તે હવે રિંગમાં સેટ થઈને પહેલી વાર ઓક્શન માર્કેટમાં મૂકવામાં આવી રહ્યો છે.
ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝે કહ્યું કે, ફૅન્સી વિવિડ બ્લુ ડાયમંડ દુર્લભ છે. અત્યાર સુધી હરાજી ગૃહે 10 કેરેટથી વધુ વજન ધરાવતા આવા ત્રણ જ હીરા વેચ્યા છે. જેમાં એક 10.95 કેરેટનો બલ્ગેરી બ્લુ હતો, જે 2010માં ન્યુયોર્કમાં 15.8 મિલિયન ડોલરમાં વેચાયો હતો. ત્યાર બાદ 2014માં જીનીવા ખાતે 23.8 મિલિયન ડોલરમાં 13.22 કેરેટનો વિન્સ્ટન બ્લુ ડાયમંડ વેચવામાં આવ્યો હતો. આ ઉપરાંત છેલ્લે 2016માં જીનીવામાં 14.62 કેરેટનો ઓપનહેમર બ્લુ ડાયમંડ સૌથી વધુ 57.5 મિલિયન ડોલરમાં વેચાયો હતો.
ઓક્શન હાઉસના ગ્લોબલ પ્રેસિડેન્ટ રાહુલ કડકિયાએ કહ્યું કે, આ કુદરતનો સાચો ચમત્કાર છે. 257 વર્ષના લાંબા ઈતિહાસમાં ક્રિસ્ટીઝને આવા દુર્લભ રત્નો વેચવાનો વિશેષ અધિકાર મળ્યો છે. બ્લુ રોયલ ડાયમંડ તે પરંપરાને આગળ વધારી રહ્યું છે. આ દુર્લભ ડાયમંડને ક્રિસ્ટીઝ જીનીવામાં લાવતા પહેલાં હોંગકોંગ પછી બૈજિંગ, શાંઘાઈ, ચીન અને ત્યાર બાદ તાઈપેઈ, તાઈવાન અને છેલ્લે ન્યુયોર્કમાં લઈ જશે. ત્યાં ડાયમંડનું અવલોકન કરાશે. ત્યાર બાદ અંતે તે હરાજીમાં પ્રસ્તુત કરવામાં આવશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM