સુરત ડાયમંડ બુર્સમાં વેપારનો ધમધમાટ શરૂ થયો, પહેલાં જ દિવસે કરોડોના હીરા વેચાયા

સુરત ડાયમંડ બુર્સમાં વેપારીઓએ પોતાના ધંધા વેપારની શરૂઆત કરી છે, તે તમામ વેપારી ખુશ છે. વલ્લભ લાખાણી - ચૅરમૅન, સુરત ડાયમંડ બુર્સ

Cover Story Diamond City Issue 401-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

સુરત ડાયમંડ બુર્સમાં તા. 21મી નવેમ્બરના રોજથી હીરાનો વેપાર શરૂ થયો છે. મુંબઈ અને સુરતના 135 હીરાના વેપારીઓએ વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શ્રીગણેશ કર્યા: પહેલાં દિવસે દેશના અલગ અલગ રાજ્યોમાંથી 150 અને અમેરિકા, દુબઈ, તુર્કી, હોંગકોંગ સહિતના દેશોમાંથી 25 વિદેશી ખરીદદારો સુરત ડાયમંડ બુર્સમાં હીરાની ખરીદી કરવા માટે આવ્યા હતાં. પહેલાં દિવસે અંદાજીત 20 હજારથી વધારે લોકોએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી

DIAMOND CITY NEWS, SURAT

જે ઘડીની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આખરે તા. 21મી નવેમ્બર 2023ના રોજ આવી ગઈ. સુરત ડાયમંડ બુર્સમાં હીરાનો વેપાર શરૂ થયો. એક દાયકા પહેલાં સુરત ડાયમંડ બુર્સનું સપનું જોયું હતું, જે પાછલા છ-સાત વર્ષની મહેનતને અંતે સાકાર થયું છે. કોરોનાના વિકટ દિવસોમાં પણ સુરત ડાયમંડ બુર્સનું નિર્માણકાર્ય ચાલુ રાખીને આ વિશ્વ કક્ષાનું ભવ્ય ઈમારત સુરતના હીરાવાળાઓએ ઊભું કર્યું છે.

અતિ આલિશાન આ બિલ્ડિંગમાં મંગળવારે તા. 21મી નવેમ્બરે 135 ઓફિસો શરૂ થઈ, જેમાં સૌથી મોટી ઓફિસ સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન વલ્લભ લાખાણીની કિરણ જેમ્સની હતી. વલ્લભ લાખાણીએ મુંબઈનો પોતાનો વેપાર આટોપી લઈ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી છે. તેમની જેમ અન્ય 26 હીરાના વેપારીઓએ મુંબઈની ઓફિસોને તાળાં મારી સુરતમાં સ્થળાંતર કર્યું છે. આ વેપારીઓ સુરતમાં વેપાર શરૂ કરી આનંદિત છે. પહેલાં જ દિવસે બુર્સમાં વિદેશી ખરીદારો પણ ખરીદી કરવા આવ્યા હતા.

Cover Story Diamond City Issue 401-2

વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં તા. 21મી નવેમ્બરના રોજથી હીરાનો વેપાર શરૂ થયો છે. મુંબઈ અને સુરતના 135 હીરાના વેપારીઓએ વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સમાં વેપારના શ્રીગણેશ કર્યા છે. સુખદ વાત એ છે કે આજે બુર્સમાં પહેલાં દિવસે જ વિદેશીઓએ સુરત ડાયમંડ બુર્સમાં આવી હીરાની ખરીદી કરી હતી. પહેલાં દિવસે 10 કરોડથી વધુનો વેપાર થયો હોવાનો અંદાજ છે.

દશેરાના શુભ દિવસે 983 વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સમાં કુંભ ઘડાની સ્થાપના કરી હતી. ત્યાર બાદ તા. 21મી નવેમ્બરે 135થી વધુ હીરાના વેપારીઓએ વિધિવત રીતે બુર્સમાં હીરાની ઓફિસો શરૂ કરી હતી. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણીની કંપની કિરણ જેમ્સે મુંબઈમાંથી પોતાનો હીરાનો વેપાર આટોપી લીધો છે અને બુર્સમાં સૌથી પહેલી ઓફિસ કિરણ જેમ્સની જ શરૂ થઈ હતી. બુર્સના 15માં માળે કિરણ જેમ્સ ગ્લોબલ કંપનીના માલિક દિનેશ લાખાણી દ્વારા વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. સ્ટાફ સાથે દિનેશ લાખાણીએ બુર્સની નવી ઓફિસમાં વિધ્નહર્તાની પૂજા કરી હતી. ડાયમંડ બુર્સના ચૅરમૅન વલ્લભ લાખાણી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

વલ્લભ લાખાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, “સુરત ડાયમંડ બુર્સમાં વેપારીઓએ પોતાના ધંધા વેપારની શરૂઆત કરી છે, તે તમામ વેપારી ખુશ છે. હવે ડાયમંડ સિટી સુરતની ઓળખ સુરત ડાયમંડ બુર્સ બનશે. સાત વર્ષની મહેનત બાદ આ સપનું સાકાર થયું તેનો આનંદ છે. ધીરે ધીરે ડાયમંડ બુર્સમાં હીરાની ઓફિસો ધમધમતી થશે. આગામી એક વર્ષમાં 4000 જેટલી ઓફિસો કાર્યરત થઈ જશે.”

સુરત ડાયમંડ બુર્સની મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડીયાએ કહ્યું કે, છ વર્ષની અંદર સુરત ડાયમંડ બુર્સ કાર્યરત થઈ રહ્યું છે. દેશના વડાપ્રધાને ટ્વીટ કરીને સુરત ડાયમંડ બુર્સને વિશ્વનું સૌથી મોટું બિઝનેસ બિલ્ડિંગ ઘોષિત કર્યા બાદ સુરત ડાયમંડ બુર્સ વિશ્વભરમાં જાણીતું થયું છે. 135 વેપારીઓએ અહીં ઓફિસો શરૂ કરી છે. આનંદની વાત એ છે કે મુંબઈના 26 હીરાના વેપારીઓએ મુંબઈમાંથી પોતાનો વેપાર આટોપી લઈ સુરતમાં ઓફિસો શરૂ કરી છે.

દરમિયાન પહેલાં જ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં વિદેશીઓ ખરીદી કરવા આવ્યા હતા. ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરને મંગળવારથી 135 હીરા વેપારીઓએ ઓફિસ શરૂ કરી અને પહેલાં દિવસે અમેરિકા, દુબઈ સહિતના દેશોમાંથી 25 બાયરો હીરા ખરીદવા માટે આવ્યા. બુર્સમાં ઓફિસ શરૂ કરનાર વેપારીઓ દ્વારા ભારતના અલગ અલગ રાજ્યો અને વિશ્વના અલગ અલગ દેશોના બાયરોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી 150 અને અમેરિકા, દુબઈ, તુર્કી, હોંગકોંગ સહિતના દેશોમાંથી 25 બાયરો પહેલાં દિવસે સુરત ડાયમંડ બુર્સમાં હીરાની ખરીદી કરવા માટે આવ્યા હતાં. પહેલાં દિવસે વેપારીઓને સારો પ્રતિસાદ મળ્યો હતો. પહેલાં દિવસે અંદાજીત 20 હજારથી વધારે લોકોએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી.

તુર્કીથી કિરણ જેમ્સ સાથે વેપાર કરતા હીરાના વેપારી ઈલોરોઝિય ખાસ આવ્યા હતા. તેઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસોની ઓપનિંગ સેરેમનીનો આનંદ માણ્યો હતો. તેમજ પહેલાં જ દિવસે તેઓએ હીરાની ખરીદી કરી વેપારની શરૂઆત કરાવી હતી.

ઈલોરોઝિયએ કહ્યું કે, હું પહેલી જ વાર સુરત આવ્યો છે. લાંબા સમયથી કિરણ જેમ્સ સાથે વેપાર કરું છું. અત્યાર સુધી હું મુંબઈથી હીરા ખરીદતો હતો. જોકે, આજે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધા બાદ મને લાગે છે કે અહીંથી જ સરળતાથી વેપાર થશે. સુરતમાં ડાયમંડ મેન્યુફેક્ચરીંગ યુનિટ છે, તેથી અહીં ડાયમંડની ખરીદીના વધુ વિકલ્પ મળશે. મારો પહેલાં દિવસનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. આવનારા દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ ખાતે વેપાર કરવાનો આનંદ રહેશે.

વિદેશી ખરીદદારોને સુરત આકર્ષવા માટે રણનીતિ તૈયાર : સુરત-મુંબઈની ફ્લાઇટ ફરી શરૂ કરાશે

સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ તો થઈ ગયું પરંતુ મોટો પડકાર વિદેશી ખરીદદારોને મુંબઈના બદલે સુરત ખેંચી લાવવાનો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઈન્ટરનેશનલ એર કનેક્ટિવિટી, લીકરની છૂટ સહિત તમામ સગવડો છે, જે વિદેશી બાયર્સને આકર્ષે છે, જ્યારે સુરતમાં કોઈ ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઇટ નથી. અહીં લીકરની છૂટ નથી. આવા સંજોગોમાં વિદેશી ખરીદદારોને મુંબઈના બદલે સુરતમાં ખેંચી લાવવા પડકાર સમાન છે. આ પડકારનો સામનો કરવા માટે સુરત ડાયમંડ બુર્સની કમિટીએ રણનીતિ બનાવી છે.

સુરતથી ડાયરેક્ટ ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરાવવા માટે પ્રયાસો ચાલી રહ્યાં છે તેની વચ્ચે સુરત ડાયમંડ બુર્સની કમિટીએ સુરત-મુંબઈ વચ્ચે પણ ડે ટુ ડે ફ્લાઇટ શરૂ થાય તેને માટે પ્રયત્નો હાથ ધર્યા છે. ડાયમંડ બુર્સ શરૂ થયા બાદ વિશ્વના 170 દેશમાંથી ખરીદદારો સુરતમાં હીરા ખરીદી કરવા આવે તેવી ધારણા છે. આ ખરીદદારો સુરત અને મુંબઈ એમ બંને શહેરોની મુલાકાત લઈ શકે છે. આવા સંજોગોમાં સુરત-મુંબઈ વચ્ચે ફ્લાઇટ હોવી આવશ્યક છે. તેથી મુંબઈ અને સુરતની ફ્લાઇટ શરૂ થાય તે માટે હીરાના વેપારીઓ દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે.

આગામી દિવસોમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા બે એરલાઈન્સ કંપનીઓ સાથે મિટીંગનું આયોજન કરાશે. જેમાં પ્લેનની 50 ટકા જેટલી ઓછી સિટો ભરાઈ તો તેનો ખર્ચ સુરત ડાયમંડ બુર્સ ભોગવે તેવો પ્રસ્તાવ રજૂ કરાશે.  આ મામલે બે એરલાઈન્સ કંપની સાથે કરાર થાય તેવી શક્યતા છે. આગામી સમયમાં એરલાઈન્સ કંપની સાથે મિટીંગ કરાશે. ત્યાર બાદ નવી ફ્લાઇટ શરૂ થાય તેવી સંભાવના છે.

સુરત ડાયમંડ બુર્સમાં આંગડીયા સેવાનો પણ પ્રારંભ

સુરત ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરે 135 ઓફિસો શરૂ થવા સાથે જ આ ઉદ્યોગ માટે અતિ આવશ્યક એવી આંગડીયા સર્વિસ પણ શરૂ થઈ ગઈ છે. સુરત ડાયમંડ બુર્સથી ગુજરાત તેમજ મુંબઈના તમામ ઠેકાણા પર પાર્સલ કુરિયર સરળતાથી મોકલી શકાશે.

કિરણ જેમ્સની ડિસ્કાઉન્ટ અને દલાલીની ઓફર ગેમચેન્જર સાબિત થશે…

  • વલ્લભ લાખાણીએ સુરત ડાયમંડ બુર્સમાં વેપાર લાવનાર હીરા દલાલને ત્રણ ગણી વધુ 1 ટકો દલાલી આપવાની જાહેરાત કરી છે. તેમજ ડાયરેક્ટ ખરીદી કરનાર વેપારીને બે ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી
  • કિરણ જેમ્સની આ ઓફરના મુંબઈના હીરા ઉદ્યોગમાં ઘેરા પડઘાં પડ્યાં છે. બજારમાં એવી ચર્ચા છે કે વલ્લભ લાખાણીના આ માસ્ટર સ્ટ્રોકને લીધે સુરતમાં તૈયાર હીરાના વેપારને પ્રોત્સાહન મળશે જ પણ તેની સાથે મુંબઈના હીરા વેપારીઓ અને હીરા દલાલો સુરતમાં વેપાર કરવા પ્રેરાશે. ખાસ કરીને બ્રોકરને વધુ દલાલીની લાલચ સુરત ખેંચી લાવશે

સુરત ડાયમંડ બુર્સ સુરત સહિત ભારતીય હીરા ઉદ્યોગ માટે આગામી દિવસોમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. 17,000 કરોડનું ટર્ન ઓવર ધરાવતા કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણી મુંબઈથી પોતાનો વેપાર આટોપી લઈ સુરતમાં શિફ્ટ થયા છે. કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણી સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન પણ છે.

વલ્લભ લાખાણીએ સુરત ડાયમંડ બુર્સમાં હીરાના વેપારને પ્રોત્સાહન મળે તે માટે હીરા ઉદ્યોગની સૌથી મોટી ઓફર જાહેર કરી છે. મુંબઈમાં હીરાના વેપાર માટે વેપારીઓ દ્વારા હીરા દલાલને 0.15 ટકા થી 0.25 ટકા દલાલી ચૂકવવામાં આવે છે, ત્યારે વલ્લભ લાખાણીએ સુરત ડાયમંડ બુર્સમાં વેપાર લાવનાર હીરા દલાલને ત્રણ ગણી વધુ 1 ટકો દલાલી આપવાની જાહેરાત કરી છે.

તેમજ ડાયરેક્ટ ખરીદી કરનાર વેપારીને બે ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ જાહેરાત કરી છે. કિરણ જેમ્સમાંથી નોન સર્ટિફાઈડ પોલિશ્ડ ડાયમંડની ખરીદી કરનાર વેપારીઓને 1.50 ટકા થી 2 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે. એટલું જ નહીં જે ડાયમંડ બ્રોકર સોદો પાર પડાવશે તેને માર્કેટના 0.15 ટકા થી 0.25 ટકાના ધારાથી વધુ 1 ટકા જેટલી દલાલી આપવામાં આવશે.

તા. 21મી નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સમાં શરૂ થયેલા વેપાર સાથે જ કિરણ જેમ્સ દ્વારા આ ઓફર લાગુ કરી દેવાઈ છે. કિરણ જેમ્સની આ ઓફરના મુંબઈના હીરા ઉદ્યોગમાં ઘેરા પડઘાં પડ્યાં છે. બજારમાં એવી ચર્ચા છે કે વલ્લભ લાખાણીના આ માસ્ટર સ્ટ્રોકને લીધે સુરતમાં તૈયાર હીરાના વેપારને પ્રોત્સાહન મળશે જ પણ તેની સાથે મુંબઈના હીરા વેપારીઓ અને હીરા દલાલો સુરતમાં વેપાર કરવા પ્રેરાશે. ખાસ કરીને બ્રોકરને વધુ દલાલીની લાલચ સુરત ખેંચી લાવશે.

આ પગલાંને સ્ટ્રેટજીકલ સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. જે સંભવિતપણે મુંબઈના હીરાના વેપારને ભારે નુકસાન પહોંચાડી શકે છે. દેશની આર્થિક નગરી મુંબઈમાં હીરાની ખરીદી પર હીરા દલાલોને 0.15 ટકા થી 0.25 ટકા દલાલી આપવામાં આવતી હોવા છતાં બ્રોકરો ભારે નફા સાથે વેપાર કરે છે. જ્યારે મુંબઈની સરખામણીમાં સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થયેલા કિરણ જેમ્સના માલિક દ્વારા ત્રણ ગણા સાથે 1 ટકા દલાલી ચૂકવવાની ઓફર સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડિંગને પ્રોત્સાહન આપશે, તે આ વલ્લભ લાખાણીના આ નિર્ણયને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યો છે.

વલ્લભ લાખાણીએ આ નિર્ણય અંગે કહ્યું કે, “દરેક કંપની પોતાનો વેપાર વધારવા સ્ટ્રેટજી બનાવતી હોય છે. કિરણ જેમ્સે આ નિર્ણય કરી ઇતિહાસ રચવાનો પ્રયાસ કર્યો છે. જે વેપારી કિરણ જેમ્સની સુરત ડાયમંડ બુર્સ ખાતેની ઓફિસેથી હીરાની ખરીદી કરશે તેને કિરણ જેમ્સ તરફથી 2 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને જે બ્રોકર સોદો પાક્કો કરાવશે તેને કિરણ જેમ્સ 1 ટકો દલાલી આપશે. આ દરેક માટે ખૂબ સારી ઓફર છે. તમામ ખરીદદારોને અહીં સુરત ડાયમંડ બુર્સમાં ખેંચી લાવવા માટે કિરણ જેમ્સ દ્વારા આ નિર્ણય લેવાયો છે. “

નોંધનીય છે કે કિરણ જેમ્સ કંપનીનું વાર્ષિક ટર્ન ઓવર 17,000 કરોડ છે. આ કંપની નાના કદના પાતળા હીરા માટે જાણીતી છે. આ કંપનીમાં 45,000નો સ્ટાફ છે.

મુંબઈ થી સુરત શિફ્ટ થયેલા હીરાના વેપારીઓએ આનંદ વ્યક્ત કર્યો

સુરતના ખજોદ ખાતે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સમાં મુંબઈથી 26 હીરાના વેપારીઓ કાયમ માટે શિફ્ટ થયા છે. આ 26 વેપારીઓએ મુંબઈમાં પોતાની ઓફિસોમાં તાળાં મારી દીધા છે. આ વેપારીઓએ તા. 21 નવેમ્બરે સુરત ડાયમંડ બુર્સમાં નવી ઓફિસો શરૂ કરી હીરાના વેપારના શ્રીગણેશ કર્યા હતા.  મુંબઈથી સુરત શિફ્ટ થયેલા હીરાના વેપારીઓએ કહ્યું કે, અમારી ઈચ્છા છે કે સુરત ડાયમંડ ટ્રેડિંગનું મોટું હબ બને. સુરત ડાયમંડ મેન્યુફેક્ચરીંગ હબ છે.

અહીં જ વેપાર થાય તેવી અમારી ઈચ્છા છે. મુંબઈ છોડીને સુરત આવવાનો એક મોટો ફાયદો સુરક્ષાનો છે. અત્યાર સુધી સુરતથી પોલિશ્ડ ડાયમંડ વેચવા માટે સુરત મોકલાતા હતા. અમે સુરતના જ હીરા મુંબઈમાં વેચતા હતા. હવે ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષાનો પ્રશ્ન રહેશે નહીં. સુરતના હીરા સુરતમાં જ વેચાતા થાય તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચે તેમજ સુરક્ષા પણ મળી રહે.

વળી, તે ઉપરાંત હીરાના વેપારીઓને પોતાના પરિવાર સાથે સુરતમાં જ રહેવાનો આનંદ છે. એક વેપારીએ કહ્યું કે, મુંબઈમાં ટ્રેડિંગ ઓફિસ હોવાના લીધે પરિવારથી દૂર મુંબઈમાં એકલાં રહેવું પડતું હતું. અઠવાડિયે એકવાર સુરત આવતા હતા. પરંતુ હવે સુરતમાં પરિવાર પાસે જ રહેવાનો લાભ મળશે.

બુર્જ ખલીફાની જેમ સુરત ડાયમંડ બુર્સને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે – ટિકિટ લઈ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લઈ શકાશે…

સુરતના ખજોદ ખાતે ડ્રીમ સિટીમાં બનેલા વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગમાં 21મી નવેમ્બરથી હીરાનો વેપાર વિધિવત્ રીતે શરૂ થયો છે. હવે આગામી 17મી ડિસેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બુર્સનું ઉદ્દઘાટન કરશે.

આ બિઝનેસ બિલ્ડિંગમાં હીરાનો વેપાર તો થશે જ પરંતુ તે માત્ર હીરાના વેપાર સુધી સીમિત રહેશે નહીં. આ આઈકોનિક બિલ્ડિંગને માત્ર વેપારનું કેન્દ્ર નહીં પરંતુ ટુરીસ્ટ સ્પૉટ તરીકે પણ વિકસાવવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુર્ઝ ખલીફાની જેમ પ્રવાસીઓ વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની પણ મુલાકાત લઈ શકશે.

સુરત ડાયમંડ બુર્સની કમિટી પાસેથી મળતી માહિતી અનુસાર ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન બાદ 6 મહિના પછી બુર્સની મુલાકાત માટે ટિકિટના દર નક્કી કરવામાં આવશે અને જે કોઈ પ્રવાસીઓ બુર્સને અંદરથી જોવા માંગતા હોય તેઓ ટિકિટ ખરીદી અંદર પ્રવેશી શકશે.

ખજોદ ડ્રીમ સિટી ખાતે 35 એકરમાં ફેલાયેલા સુરત ડાયમંડ બુર્સમાં 15 માળના 9 ટાવર આવેલા છે. અહીં 67 લાખ સ્ક્વેર ફૂટ બાંધકામ કરાયું છે, જેમાં 300 થી માંડી 1.25 લાખ સ્ક્વેર ફૂટ સાઈઝની કુલ 4500 ઓફિસો છે. આ 9 ટાવર એકબીજા સાથે જોડાયેલા છે. ગ્રાઉન્ડ ફ્લોર, 15 માળ, બે બેઝમેન્ટ સાથે આ 9 માળનું બિલ્ડિંગ દુનિયાનું સૌથી મોટું સિંગલ બિઝનેસ બિલ્ડિંગ છે. અહીં એક સમયે 67000 લોકો કામ કરશે.

સુરત ડાયમંડ બુર્સ માત્ર સુરત નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર દેશ માટે એક નજરાણું બની રહેશે. સ્કૂલના વિદ્યાર્થી, પ્રવાસી કે કોઈએ પણ તેની મુલાકાત લેવી હોય તો તેઓ ટિકિટ ખરીદી અંદર પ્રવેશી શકશે. શરૂઆતના તબક્કામાં ટિકિટ રાખવામાં આવશે નહીં પરંતુ 6 મહિના બાદ તે વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.

સુરત ડાયમંડ બુર્સમાં આ સુવિધાઓ મળશે

  • ડાયમંડ બુર્સ દેશ-વિદેશના હીરાના વેપારીઓ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનશે.
  • કસ્ટમ ઓફિસ શરૂ થવાથી એક્સપોર્ટ સરળ બનશે.
  • ડાયમંડ બુર્સની અંદર કમર્શિયલ કોમ્પ્લેક્સ છે.
  • ડાયમંડ બુર્સની અંદર જ એન્ટરટેઈનમેન્ટ ઝોન છે.
  • બુર્સની અંદર જ આંગડીયાની સર્વિસ મળી રહેશે.
  • વિશાળ પાર્કિંગ સ્પેસ છે.
  • 65,000થી વધુ વેપારીઓ એક છત નીચે વેપાર કરી શકશે.
  • સુરતમાં હીરાના નિકાસની સુવિધા શરૂ થશે.
  • ડાયમંડ બુર્સમાં જ રફ હીરા પણ વેચવામાં આવશે.
  • ડાયમંડ બુર્સમાં જ સેફ ડિપોઝીટ વૉલ્ટ અને બેન્કિંગ સર્વિસ મળશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS