Cultivate marketing mindset in 2025 sameer joshi diamond city 423
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

એક મહિના પહેલા આપણે 2025માં પ્રવેશ કર્યો. વ્યક્તિગત અને વ્યવસાયીક જીવન માટે નવા સંકલ્પો પણ લીધા હશે. વેપારીઓ માર્કેટિંગની વાત આવતા તેને ગિમિક તરીકે ગણે છે.

જ્યારે ડિજીટલની વાતો ચાલતી હતી તેવામાં AI ની વાતો થવા લાગી. આના સહારે લોકો માર્કેટિંગ કરવા લાગી ગયા છે અને વિચારે છે કે AI એટલે માર્કેટિંગ, હવે માર્કેટિંગ ટીમની જરૂર નથી, માર્કેટિંગ વ્યૂહરચનાની જરૂર નથી વગેરે.

આ સામાન્ય માણસની વિચારધારા છે કે; જ્યારે ઈલેક્ટ્રોનિક માધ્યમે વેગ પકડ્યો ત્યારે લોકો પ્રિન્ટ માધ્યમ જશે તેમ કહેવા લાગ્યા, ડિજિટલ આવતા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા માટે પણ એવી જ આગાહી કરવાનું શરૂ કર્યું.

પરંતુ વાસ્તવિકતા એ છે કે, તમામ માધ્યમો હજુ પણ જીવંત છે. બસ આજ રીતે માર્કેટિંગ ટીમ કે વ્યૂરચનાની જરૂર નહિ પડે AIના આવવાથી જેવી વાતો થઇ રહી છે. 

આના વિશે વધુ વાત કરીએ તે પહેલા થોડા ઉદાહરણો જોઈએ :

  1. મારા એક મિત્ર જેઓ દેશની નામાંકિત બિસ્કિટ અને મિનરલ વોટર બનાવતી કંપનીમાં એક સમયે કામ કરતા હતા. તેઓએ તે કંપનીના માલિકની વાત કરી કે તેઓ પોતાનો વધુ સમય માર્કેટિંગ ટીમ સાથે વિતાવતા. તેઓ માર્કેટિંગમાં અંગત રસ લેતા અને માર્કેટિંગમાં તેઓનો દ્રઢ વિશ્વાસ હતો.
  2. મેં ઘણા લોકો પાસેથી આ સાંભળ્યું છે કે જ્યારે સ્ટીવ જોબ્સ એપલનું નેતૃત્વ કરવા પાછા આવ્યા હતા; તેમણે શરત દર્શાવી કે તે વ્યક્તિગત રીતે પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને માર્કેટિંગમાં સામેલ થશે. આપણે બધા તેમને એક મહાન માર્કેટર તરીકે ઓળખીએ છીએ.
  3. ભારતના વર્તમાન પ્રધાનમંત્રી જેઓના સર્વાંગીણ વ્યક્તિત્વથી આપણે અજાણ નથી. તેઓની વિવિધ નીતિઓ, તેમનું નેતૃત્વ, સૂજબૂજ, દીર્ઘ દૃષ્ટિ જેવા ગુણોની સાથે આજે વૈશ્વિક મંચ પર ભારતનું જે સ્થાન છે તેમાં તેમની માર્કેટિંગના ગુણના પણ દર્શન થાય છે.

આ ત્રણે પ્રતિભાઓમાં કઈ વાત સમાન છે? ત્રણે પ્રતિભાઓએ માર્કેટિંગને મહત્વનું સ્થાન આપ્યું. તેઓએ સારા ઉત્પાદનો તો આપ્યા પણ તેઓ તે જાણતા હતા કે ફક્ત સારા ઉત્પાદનોથી કામ નહિ ચાલે અને માર્કેટિંગનો સહારો આપવો પડશે.   

મુદ્દો એ છે કે, જો માર્કેટિંગને માત્ર એક ગિમિક અથવા ડીપાર્ટમેન્ટ તરીકે જોવામાં આવશે, તો તેની મહત્તા નહિ સમજાય અને જરૂરિયાત નહિ લાગે. માર્કેટિંગને માઇન્ડસેટ તરીકે જોવામાં આવે, તો તે ક્યારેય અપ્રસ્તુત રહેશે નહીં.

ઉપરના ત્રણ ઉદાહરણોમાં આપણે એ જ જોઈ શકીએ છીએ કે આજે તે બધી બ્રાન્ડ પોતપોતાની કેટેગરીમાં માર્કેટ લીડર છે, કારણ તેઓનું માઈન્ડસેટ માર્કેટિંગનું છે.

માર્કેટિંગને હંમેશા કોસ્ટ સેંટર તરીકે જોવામાં આવ્યું છે. માર્કેટિંગ એટલે ખર્ચો અને આથી ઘણા વેપારીઓ તેને જોઈતું મહત્વ નથી આપતા.

આનું એક કારણ તે પણ છે કે માર્કેટિંગ એટલે કેમ્પેઇન બનાવવા, મીડિયામાં પૈસા નાખવા વગેરે પણ તેની અસર સેલ પર કેટલી થઇ તે વિચારવામાં નહોતું આવતું. અમુક લોકો તેમ માનતા કે માર્કેટિંગ ફક્ત બ્રાન્ડ બિલ્ડીંગ માટે છે, લોકોને આપણા વિષે ખબર પડે તેના માટે છે.

આજે D2C બ્રાન્ડ્સ અને ઓનલાઈન વેચાણે બિઝનેસ કરવાની ગતિશીલતા બદલી છે. ડિજિટલના સહારે વેચાણથી હરેક પ્રવૃત્તિને ROI (રીટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ) સાથે જોડવામાં આવે છે, જે વ્યવસાય કરવાની સાચી રીત હોવી જોઈએ.

એક અભ્યાસના સહારે ઓનલાઇન વેચાણ દર વર્ષે ડબલ ડિજિટમાં વધી રહ્યું છે. આવા સમયે માર્કેટિંગ માટે ઓનરશિપ લેવી જરૂરી છે, ફક્ત કેમ્પેઇન બનાવી નહિ ચાલે પણ તેને વેપાર સાથે જોડવું પડશે.

આ ઉપરાંત ચોક્કસપણે આપણે સમય સાથે બદલવાની જરૂર છે. ડિજિટલના વિચારો સાથે બ્રાન્ડિંગ અને માર્કેટિંગના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરવાની જરૂર છે.

માર્કેટિંગ માઈન્ડસેટ ત્યારે બનશે જ્યારે ઉદ્યોગસાહસિકની માનસિકતા વિકસશે. માર્કેટિંગની પ્રવૃત્તિઓ દ્વારા આવક પેદા થાય તેવી વ્યૂહરચનાઓ ઘડવી પડશે.

આ ઉપરાંત; આજની તારીખે જે મહાન શસ્ત્ર છે તે ડેટા છે. આનો ઉપયોગ જે વ્યવસ્થિત રીતે કરશે  જંગલ પર રાજ કરશે. ડેટાનો અભ્યાસ વ્યૂહરચના માટે ઇન્સાઇટ પ્રદાન કરશે જેના સહારે કેમ્પેઇન બનશે તો પ્રભાવશાળી પરિણામો પ્રાપ્ત કરવા આસાન થશે.

જ્યારે માર્કેટિંગ સેલ્સ સંદર્ભિત થતું જાય ત્યારે બ્રાન્ડ બિલ્ડીંગ સાઈડ પર ના રહી જાય તેનું ધ્યાન રાખવું. આપણે જાણીયે છીએ કે ડિજિટલ આજે ગામેગામ પહોંચી ગયું છે આથી કેમ્પેઇન જે બને તેનું સીધેસીધું ભાષાંતર ના કરતા સ્થાનિક લોકોને કનેક્ટ કરે તેવા તેઓની ભાષામાં કેમ્પેઇન નિર્માણ કરવા.

આજે પ્રકાશની ગતિએ બદલાવ આવે છે ત્યારે સમયના પરિવર્તન સાથે વસ્તુઓ વિકસિત થશે અને જરૂરી નથી કે આપણે બધું જાણી શકીએ. તેથી જિજ્ઞાસુ બનો અને પોતાને અપગ્રેડ કરો.

અંતમાં, વેપારી વર્ગે તે સમજવાની જરૂર છે કે, આજનો અને આવનારો સમય નવી વાતો, વિચારો અને આયામો લાવશે, સ્પર્ધા પણ વધશે, લોકો વધુ જાગૃત અને માહિતગાર થશે. આવા સમયે ફક્ત નવા ઉત્પાદનો લાવી નહિ ચાલે, માર્કેટિંગના નામે ફક્ત કેમ્પેઇન બનાવવા નહિ ચાલે.

પહેલે દિવસથી માર્કેટિંગનું માઈન્ડસેટ તૈયાર કરવું પડશે જે તમને પ્રોડક્ટ ડેવલપમેન્ટથી લઈને વેચાણ સુધી અને ત્યારબાદ જે તમારો ઘરાક બન્યો છે તેની સાથે સતત સંબંધ કેવી રીતે જાળવવો તેના માટે તૈયાર કરશે. 2025માં તમને તમારી માર્કેટિંગ માનસિકતા ખીલે તેવી શુભેચ્છાઓ.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS