યુદ્ધ કોઈ પણ સંજોગોમાં સારું હોતું નથી. તે વિનાશ જ નોંતરે છે. દૂરોગામી ભયંકર અસરો છોડે છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બથી હુમલો થયો હતો, તેના લીધે ઉદ્દભવેલી તકલીફોમાંથી જાપાન હજુ પણ ઉભરી શક્યું નથી.
વળી, યુદ્ધ બાદ આર્થિક મુશ્કેલીઓ પણ વધતી હોય છે. કોઈ બે દેશ બાખડે કે વિશ્વ યુદ્ધ થાય તે તબાહી, તારાજી જ સર્જે છે. પહેલાં વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં આવેલી આર્થિક મંદીથી સૌ કોઈ વાકેફ છે. જોકે, આપણે આટલી જૂની વાત કરવાની નથી.
અત્યારે આપણે રશિયા અને યુક્રેનના યુદ્ધના લીધે ભારત પર અને ખાસ કરીને સુરત-મુંબઈના હીરા ઉદ્યોગ પર કેવી અને કેટલી ગંભીર અસર પડશે તેની ચર્ચા કરવી છે.
આમ જોવા જઈએ તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધના મામલામાં મુત્ત્સદીભર્યું વલણ અપનાવ્યું. ભારત રશિયાના પક્ષમાં રહ્યું પરંતુ યુદ્ધમાં સામેલ ન થયું.
મોદીએ સતત યુદ્ધ ટાળવા વિનંતી કરી. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતના વલણને જોતાં જગત જમાદાર અમેરિકા પણ નરમ પડ્યું છે. તે આપણે જર્મનીમાં જોયું.
અમેરિકાના રાષ્ટ્રપતિ જાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવ્યા. જાણે કોઈ જૂનો ગોઠિયો મળી ગયો હોય તેમ જો બાઈડેને નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું.
ભારતના વિશ્વમાં વધતા પ્રભુત્વ તરીકે તે સમગ્ર ઘટનાને વૈશ્વિક મીડિયાએ ગણાવી. તેમ છતાં અમેરિકા અને બીજા દેશો ભારતને હેરાન કરવાના નાના મોટા ગતકડાં શોધતા જ રહે છે.
ભારત પર દબાણ લાવવા થોડા મહિનાઓ પહેલાં અમેરિકાએ ભારતને આર્થિક ફટકો મારવાનો પ્રયાસ કર્યો. અમેરિકા જાણે છે કે વિશ્વમાં 10 પોલિશ્ડ હીરા વપરાતા હોય તેમાંથી 9 હીરાને ભારતીયોએ ચમકાવ્યા હોય છે.
એટલે અમેરિકાએ રશિયાની રફમાંથી બનેલી પોલિશ્ડ અમેરિકામાં ખરીદવામાં આવશે નહીં તેવું એલાન કર્યું. પણ જોકે, તેનાથી કોઈ ખાસ ફરક પડ્યો નહીં. એટલે હવે યુક્રેને અમેરિકા અને યુરોપીય દેશોને વિનંતી કરી કે તેઓ રશિયાની રફમાંથી બનેલી પોલિશ્ડ નહીં ખરીદે.
ભારત 19 દેશોમાંથી રફ આયાત કરે છે, રશિયા પાંચમા ક્રમે
આ એક રીતે યુદ્ધ માટે રશિયાને ફંડ પૂરું પાડવા જેવી ઘટના છે. આ એક રીતે ભારતના હીરા ઉદ્યોગકારો પર નિશાન સાધવામાં આવ્યું છે. તેના લીધે ધંધા પર અસર પડશે તેવી ચિંતા હીરા ઉદ્યોગકારોને સતાવી રહી છે.
આ ચિંતા વ્યાજબી પણ છે. કારણ કે ભારતમાં જેટલી રફ ઈમ્પોર્ટ થાય છે તે પૈકી 30 ટકા રફ રશિયાની ખાણોની હોય છે. સ્વાભાવિક પણે ભારતથી એક્સપોર્ટ થતી પોલિશ્ડમાં પણ રશિયાનો હિસ્સો 30 ટકા માની લેવો પડે.
આ 30 ટકા હિસ્સાને રકમમાં જોઈએ તો 2019-20 એટલે કે કોરોના અગાઉના વર્ષમાં ભારતમાં રશિયાથી 1275.96 મિલિયન યુએસ ડોલરની રફ આયાત થઈ હતી. કોરોનાના લીધે 2020-21માં તેમાં ઘટાડો નોંધાયો હતો.
710.11 મિલિયન યુએસ ડોલરની રફ આયાત થઈ હતી. જ્યારે વર્ષ 2021-22માં કે 818.04 કરોડની રફ રશિયાની ખાણોમાંથી આવી હતી. એટલે કે 6400 કરોડથી વધુની રફ એકલા રશિયામાંથી ભારતમાં આવી છે.
ભારતમાં સૌથી વધુ રફની આયાત યુએઈમાંથી થાય છે. રશિયા પાંચમાં ક્રમે છે. આ ઉપરાંત રશિયામાંથી 2021-22માં 830.76 મિલિયન યુએસ ડોલરની જેમ એન્ડ જ્વેલરી આઈટમ્સ પણ આયાત થઈ છે.
આ આંકડા દર્શાવે છે કે ભારતીય હીરા ઉદ્યોગમાં રશિયાનો મોટો હિસ્સો છે, પરંતુ ભારતીય હીરા ઉદ્યોગકારો રશિયા પર જ નિર્ભર છે એવું નથી.
યુએઈ, બેલ્જિયમ સાઉથ આફ્રિકા, ઈઝરાયેલ જેવા અન્ય દેશોમાંથી 70 ટકા રફ આયાત થતી હોય છે. તેથી રશિયાની રફ પર પ્રતિબંધ મુકવામાં આવશે તો સુરતનો હીરા ઉદ્યોગ પડી ભાંગશે તેવો ડર રાખવાની જરૂર નથી.
વળી, બીજી મોટી વાત એ છે કે શું રશિયાની રફ પર પ્રતિબંધ મુકવાથી તે માર્કેટમાંથી બહાર નીકળી જશે?
સૌથી મોટો સવાલ એ છે કે અમેરિકા કે યુરોપીયન દેશોના બજારોમાં વેચાતો પોલિશ્ડ હીરો કઈ ખાણની રફમાંથી બન્યો છે તે શોધવાનું કોઈ મિકેનીઝમ છે?
તો જવાબ છે હાલ તો એવું કંઈ નથી. વર્ષો પહેલાં બ્લડ ડાયમંડની બૂમો ઉઠી હતી ત્યારે ઝીમ્બાબ્વેની ચોક્કસ ખાણોના રફ હીરાને પ્રતિબંધિત કરવા માટે કે.પી. સર્ટીફિકેટનું એક મિકેનીઝમ ઉભું કરાયું હતું, જે દર્શાવે કે રફ હીરો કઈ ખાણમાંથી કાઢવામાં આવ્યો છે.
પરંતુ તે પણ પ્રોડક્શન લેવલ પર જ કારગત છે. સુરતના વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિબંધ મુકવાથી હીરાના વેપારીઓને તકલીફ થાય છે, પરંતુ સમય જતા તેનો રસ્તો પણ નીકળી જાય છે.
કારણ કે રફ કઈ ખાણમાંથી આવી તેની જાણકારી માત્ર મેન્યુફેક્ચરરને હોય છે. મેન્યુફેક્ચરર પાસે કે.પી. સર્ટીફિકેટ હોય છે. તે સર્ટીફિકેટ આગળ પાસઓન થતું નથી. વળી, કારખાનામાં હીરા ઘસાય ત્યાર બાદ તે અનેક હાથોમાંથી પસાર થાય છે.
સુરતના કારખાનામાં રફ પોલિશ્ડ થાય ત્યાર બાદ સુરત અથવા મુંબઈના દલાલ, વેપારી પાસે થઈ હોંગકોંગ, બેલ્જિયમ, યુએઈ પહોંચતા હોય છે. આ દરમિયાન અનેક વેપારીઓએ તેની ખરીદ-વેચાણ કરી હોય છે.
આવા સંજોગોમાં કોઈ વેપારી એવું લખી નહીં આપે કે આ હીરો કઈ ખાણનો છે. વળી, કોઈ વેપારી એવું સર્ટી જાતે બનાવી પણ આપે તો તેનો વિશ્વાસ કેટલો કરી શકાય?
તેથી અમેરિકા અને યુરોપીયન દેશોમાં રાતોરાત રશિયાની ખાણમાંથી નીકળેલી રફમાંથી બનેલા પોલિશ્ડ ડાયમંડની જ્વેલરી નહીં વેચાય તે માની લેવાય તેમ નથી. હા, એ વાત ચોક્કસ છે કે આંશિક અસર પડશે, પરંતુ દોઢ લાખ કરોડના એક્સપોર્ટના બિઝનેસને તેનાથી એવી કોઈ ગંભીર અસર નહીં થાય.
વળી,ઈતિહાસ સાક્ષી પૂરે છે કે જ્યારે જ્યારે સુરતના હીરા ઉદ્યોગ પર આવી નાની મોટી તકલીફો આવી છે ત્યારે સુરતના હીરાવાળા બમણા વેગથી પ્રગતિની દિશામાં આગળ વધ્યા છે.
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat