ગ્લોબલ વોર્મિંગનાં પરિણામે ઋતુચક્રમાં અનિયમિતતાં, વાવાઝોડું, પૂર, બુશ ફાયર, લાવા, ભૂકંપ, સામાજિક અને રાજનીતિક સ્તરે પણ પૃથ્વીનાં રક્ષણ માટેનો ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે.
અત્યારે ઉનાળાની સિઝનમાં જ જુઓ કેવી કાળઝાળ ગરમી પડી રહી છે. આ બધામાં મારાં તમારાં જેવાં સામાન્ય લોકો શું કરી શકે?
કોઇ એક દિવસ પુરતી ઉજવણી પૂરતું જ નહિ પણ હંમેશા પ્રત્યેક માણસે ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેનાં સંપૂર્ણ ઉછેરની જવાબદારી લેવી જોઈએ. આ સલાહ અમારી નથી, પરંતુ વરાછાના 66 વર્ષના યુવાન તુલસીભાઇ માંગુકીયાની છે.
તુલસીભાઇએ ડાયમંડ સિટી સાથે વાત કરતા કહ્યું હતું કે
જયારે હું રસ્તા પરથી નિકળતો ત્યારે વૃક્ષોની અવદશા જોઇને બહુ દુખી થતો. આમ તો નાનપણથી જ ઝાડ પાન સાથે પ્રેમ હતો. 6 ધોરણમાં ભણતો ત્યારે સ્કુલમાં પર્યાવરણ મિનિસ્ટર કહેવાતો. ખેતરમાં બાપુજી સાથે જતો ત્યારે પણ વૃક્ષો વિશે જાણકારી મેળવતો.
તુલસીભાઇ જેવા વ્યકિતઓનો પર્યાવરણ પ્રેમ જોઇએ ત્યારે એટલુ આશ્વાસન રહે કે આવા માણસો જયાં સુધી પૃથ્વી પર છે ત્યાં સુધી પૃથ્વી પર જીવન જીવવા જેવું લાગે છે.
કોઇ સેવામાં સંપૂર્ણ સમર્પણ કોને કહેવાય એ તુલસીભાઇ પાસે શીખવું પડે. વરાછા વિસ્તારમાં વૃક્ષનું વાવેતર અને તેની બાળક જેવી માવજત આ ભાઇ કરે છે અને તે પણ એક દિવસ બે દિવસ કે મહિનામાં એકવાર નહી, પણ પુરા 365 દિવસ એમની સેવાની ધુણી ધખતી રહે છે.
જયારે-જયારે પૃથ્વી પરનું સંતુલન ખોરવાયું છે ત્યારે-ત્યારે એનું મૂલ્ય મૃત્યુનાં વિનાશકારી તાંડવથી ચુકવાયું છે. હજી પણ માનવજાતની આંખ ન ઉઘડી હોય તો કદાચ આપણે માણસોએ આ બધી આફતો અને મહામારીઓનો સામનો કરવાં માનસિક રીતે સજ્જ થઇ જવું પડશે એ વાત તો નક્કી જ છે.
કાર્બન ડોયકસાઈડમાં થતાં વધારાને લીધે ગરમ વાયુઓ વાતાવરણમાં જ રહેતા ગ્રીન હાઉસ ઈફેકટ સર્જાઈ રહી છે જેથી ઓઝોનનું પડ તૂટી રહ્યું છે પરિણામે ઋતુચક્ર ખોરવાઈ રહ્યું છે.
આપણે પ્રદૂષણ ઘટાડી, વૃક્ષો વાવશું તો જ પૃથ્વીને બચાવી શકશું. સરસ મજાનો આગ્રહ જેણે આપણને સુંદર રહેવાનું સ્થાન આપ્યું છે આજે તે પોતે પોતાનાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે.
તેનાં મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલાં જંગલ, વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ માનવસર્જિત આફતોને લીધે આપણી માતા સમી ધરતીનું અસ્તિત્વ જોખમાયું છે.
માનવ, પ્રાણી-પક્ષી, વનસ્પતિ સહિતની તમામ જીવસૃષ્ટિનું પોષણ પૃથ્વી કરે છે. ધરતી માતાનાં આ અમુલ્ય ઋણ બદલ આપણે પ્રદુષણ સિવાય કંઈ જ આપ્યું નથી.
ઉલ્લેખનીય છે કે ભલે અત્યાર સુધીમાં ધરતીને આપણે પ્રદુષણ સિવાય કંઇ જ ન આપ્યું હોય પરંતુ હવે તો જાગૃત થઇને તેનું ઋણ અદા કરવું જ રહ્યું. પૃથ્વી પર પ્રદુષણ ફેલાવતાં કાર્યોને પણ અટકાવીએ અને એ સંકલ્પ સાથે કે વધુમાં વધુ વૃક્ષ વાવીને પુષ્પો અને હરિયાળી રૂપી આભુષણ થકી મા ધરતીને શણગારીએ તો જ પૃથ્વીને પ્રદુષિત થતાં અટકાવી શકાશે
તુલસીભાઈએ કહ્યું હતું.
મુલ બ્રહ્મા ત્વચા, વિષ્ણુ શાખેરૂદ્ર.
મહેશશ્ર્વરમ્પત્ર પત્ર તુ દેવસ્યભ્યમ્, વૃક્ષરાજ નમસ્તુભ્યમ્
અર્થાત જેના મુળમાં જગતપિતા બ્રહ્માજીનો વાસ છે. શરીરમા વિષ્ણુ ભગવાન નોવાસ છે અને પર્ણમા દેવતા ઓને ધારણકર્યા છે. તે વૃક્ષ રાજને હુ નમન કરું છું.
સુરતમાં ગ્રીન આર્મી ગ્રુપ જાણીતું છે અને તેના સ્થાપક છે તુલસીભાઇ માંગુકીયા. એવું કહેવાય છે કે જો દિલથી અને સાચા મનથી તમે કોઇ કામની શરૂઆત કરો તો આખી કાયનાત, આખું બ્રભ્રાંડ તમારી મદદે આવે છે. તુલસીભાઇ વૃક્ષને ભગવાનનું સ્વરૂપ માનીને જ કામ કરે છે. તુલસીભાઇ કહે છે, દરેક છોડમાં રણછોડ છે.
તુલસીભાઇએ કહ્યું કે વૃક્ષો માટે કઇંક કરવું છે પણ શરૂઆત કયાંથી કરવી તે ખબર નહોતી. વર્ષ 2016માં એક દિવસ વોકીંગ માટે નિકળ્યો ત્યારે કેટલાંક વૃક્ષોને નમેલા જોયા ત્યારથી નિયમ બનાવ્યો અને સવારે 5 વાગ્યે તૈયાર થઇને નિકળી પડતો અને વૃક્ષોને સીધા કરવાનું કામ કરવા માંડ્યો.
45 દિવસ સુધી એકલાં હાથે કામ કર્યુ અને પછી મનમાં નક્કી કર્યું કે હવે નથી કરવું, થાકી ગયો. પણ કદાચ ઇશ્વરની પ્રેરણા હશે કે શું ખબર નહી, પણ બીજા દિવસે ફરી નિયમત ઉભો થઇ ગયો અને ત્યાં તો ગયો તો થોડીવારમાં એક ભંગારવાળો આવ્યો. તેણે પુછપરછ કરી અને મારી મદદ કરવા માંડી એ પછી લોકો ભેગા થતા ગયા અને એમ અમારી ગ્રીન આર્મીની સંસ્થા બની ગઇ. આજે 165 જેટલા સ્વંય સેવકો કામ કરે છે.
2 વર્ષમાં આખા વરાછાને હરિયાળું બનાવવાનું સપનું છે…..
તુલસીભાઇએ કહ્યું કે જીવતો રહીશ ત્યાં સુધીવૃક્ષો માટે કામ કરતો રહીશ. મારું સપનું છે કે આગામી 2 વર્ષમાં આખા વરાછા વિસ્તારને હરિયાળો બનાવી દઇશ. એક પણ વિસ્તાર એવો નહીં બચે જયાંવૃક્ષો નહીં હોય.
વૃક્ષની બાજુમાં પાણી ભરી રાખીને મુકી રાખો તો પણ કામ આવે….
તુલસીભાઇએ કહ્યું કે વરાછામાં ડોકટરોની ટીમ છે SRD નામથી. એક વખત તેમની પાસેથી જાણવા મળ્યું કે ઇઝરાયલમાં એવું સંશોધન થયું છે કે વૃક્ષની બાજુમાં પાણી ભરીને મુકી રાખો તો વૃક્ષ પાણી ખેંચી લે છે. જો એક પાણીની બોટલ વૃક્ષની બાજુમાં મુકી હોય તો વૃક્ષને મહિના સુધી પાણીની જરૂરિયાત ન રહે.
જેટલાં વૃક્ષો ઉછેરીએ તે તાજા માજા રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે.
માગુંકીયાએ કહ્યું કે મેં અગાઉ ઘણી વખત જોયું છે લોકો વૃક્ષો તો વાવે પણ બે દિવસમાં કયાં તો પ્રાણી ચરી જાય અથવા તો પુરતી માવજતના અભાવે ઢળી પડે. અમે આ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કે વૃક્ષ ઉછેરીએ એટલે તે બાળકની જેમ જ મોટું થવું જોઇએ. નિયમિત પાણી અને સુરક્ષાની અમારી ટીમ કાળજી રાખે છે.
આ છે ગ્રીન આર્મીના અડીખમ જવાનો..
તુલશીભાઈ માંગુકીયા, હીરાકાકા કાકડીયા, અરવીદભાઈ ગોયાણી, કે કે કથીરીયા, રમેશભાઈ સવાણી, ગોપાલ ગજેરા, નાગજીભાઈ કોરાટ, હીતેશ નારોલા, રમેશભાઈ પાલડીયા. તુલસીભાઇએ કહ્યું કે આમ તો અમારી ફોજ મોટી છે પણ આ લોકો અડીખમ કામ કરે છે.
તુલસીભાઇ જેવા પર્યાવરણ પ્રેમી આખા શહેરમાં હોવા જોઇએ.
66વર્ષની ઉંમર હોવા છતા તુલસીભાઇનો તરવરાટ જુઓ તો યુવાનોને પણ શરમ આવે. કઇ પણ થાય સવારે 5વાગ્યે વૃક્ષોની સેવા કરવા નિકળી જવાનું એ તેમનો નિયમ છે. સવારે 5થી 8નો સમય વૃક્ષો માટે ફિક્સ છે.
તુલસીભાઇએ એક વ્હોટસ ગ્રુપ બનાવ્યું છે એમાં આગલે દિવસે વૃક્ષો વાવવાનું લોકેશન મુકી દે. કોઇને ફોન કરવાનો નહી. સવારે 5 વાગ્યે એ સ્થળ પર બધા સ્વંય સેવકો ભેગા થઇ જાય. આજે 6 વર્ષમાં તુલસીભાઇ અને તેમની ટીમ 50,000 કરતા વધારે વૃક્ષો વાવેલા છે અને તેનું જતન પણ કરે છે.
તુલસીભાઇએ કહ્યું કે ગોકુળની અંદર રૂષીમુનીઓ આશ્રમમાંવૃક્ષો સાથે વાત કરતા. તમે વૃક્ષો પાસે જાવ તો તમને તેમની વેદનાની ખબર પડે. માંગુકીયાએ કહ્યુ કે મોરારીબાપુએ એક વખત કથામાં કહેલું કે એક વૃક્ષનો ઉછેર એક બાળકના ઉછેર કરવા બરાબર હોય છે.
તુલસીભાઇનું ડેડીકેશન એ વાત પરથી ખબર પડે છે કે તેમણે અત્યાર સુધીમાં તેમણે વૃક્ષ ઉછેરની કામગીરીના 10,000 ફોટા અને 2500 વીડિયો લીધા છે. કયા દિવસે કયાં વૃક્ષ વાવેલું એ બધા રેકર્ડ તેમની પાસે છે.
તુલસીભાઇ અને તેમની ટીમે અત્યાર સુધીમાં પાલક પાટીયા વિસ્તારથી રચના સ્કુલ, વરાછા મેઇન રોડ,નટવરનગરથી સીમાડા ચોક,પુણા ગામ, પરમ હોસ્પિટલનો પાછળનો ભાગ, કતારગામ, મોટાવરાછા અને અડાજણ વિસ્તારાં વૃક્ષોનું વાવેતર કર્યું છે.
તુલસીભાઇએ કહ્યું કે, આપણાં 5 દેશી વૃક્ષો જાણીતા છે પીપળો, વડલો, કણજી, લીમડો અને ઉમરો. આ વૃક્ષો છાયા તો આપે જ પણ ઓક્સીજન માટે પણ એટલાં જ ઉપયોગી. એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ કણજીની ડાળનું દાતણ કરતા હતા. તેવી જ રીતે ઉમરાના વૃક્ષો વરસાદી સીઝનમાં પક્ષીઓને આશરો અને ખાવાનું પુરુ પાડે છે.