છેલ્લાં કેટલાંય સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિદેશના બજારોમાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ નહીં હોવાના લીધે સુરતના નાના મોટા હીરાના કારખાનેદારો દ્વારા ઉત્પાદન કાપનું વલણ અપનાવવામાં આવ્યું છે.
કારખાનેદારો દ્વારા વૅકેશન, બે દિવસ રજા, કામકાજના સમયમાં ઘટાડા જેવા ઉપાયો કરીને પ્રોડ્ક્શન અને સેલ્સના સંતુલનને જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ કેટલાંક કારખાનેદારો દ્વારા પોતાના વેપાર-ધંધાને બચાવી લેવા માટે કપરા સમયમાં રત્નકલાકારોને નોકરી પરથી છૂટા કરી દેવા જેવા અણીના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, તેના પરિણામે સુરતના હીરાઉદ્યોગમાં અંદાજે 10 હજાર જેટલાં રત્નકલાકારો બેરોજગાર થયા હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
આ વિકટ સમયમાં રત્નકલાકારોને પરિવાર માટે રોજિંદા જીવનનિર્વાહનો ખર્ચ કાઢવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આથી રત્નકલાકારોના હિત માટે કાર્ય કરતા ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા તંત્ર સમક્ષ ન્યાયની ગુહાર લગાવવામાં આવી છે.
રત્ન કલાકારોને વૅકેશનનો પગાર આપવા અને બેરોજગાર કારીગરો માટે આર્થિક પૅકેજ જાહેર કરવા તેમજ રત્નદીપ યોજના પુન:શરૂ કરવા સહિતની ચાર માંગણી પૂર્ણ કરવા માટે સુરત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.
આત્મહત્યા કરતા રત્નકલાકારના પરિવારને આર્થિક સહાય ચુકવવાની માંગ સાથે સાથે રત્નકલાકાર માટે રાહત પૅકેજ તેમજ રત્નદીપ યોજના પુન:શરૂ કરવા સહિતની ચાર માંગણી પૂર્ણ કરવા માટે સુરત ડાયમંડ વર્કર યુનિયને કલેકટરને આવેદન પત્ર આપ્યું છે.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના આવેદન પત્રમાં રજૂઆત કરાઈ છે કે હાલ સુરતમાં વૅકેશનનો માહોલ છે. શહેરમાં 20 ટકા કારખાનાઓ હાલ બંધ છે, જેના પગલે કારખાનામાં કામ કરતા રત્નકલાકારોને વૅકેશનનો પણ પગાર ચૂકવવામાં આવે.
અગાઉ શરૂ કરવામાં આવેલ રત્નદીપ યોજના પુનઃ શરૂ કરવામાં આવે. લઠ્ઠાકાંડ થાય ત્યારે સરકાર તરફથી મૃતકના પરિવારને ચાર લાખ રૂપિયા આર્થિક સહાય ચુકવવામાં આવે છે, પરંતુ રત્નકલાકાર જો આપઘાત કરે તો તેના પરિવારને આવી કોઈ આર્થિક સહાય સરકાર તરફથી આપવામાં આવતી નથી.
રત્નકલાકાર હીરા ઉદ્યોગમાં મહત્વનો ભાગ ભજવે છે, જેથી રત્નકલાકાર આપઘાત કરે તો તેના પરિવારને પણ આવી આર્થિક સહાય ચુકવવામાં આવે તેવી માંગ છે. ઉપરાંત રત્નકલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM