ડાયમંડ સિટી. સુરત
ગુજરાતના માજી મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે ખજોદમાં બની રહેલા વિશ્વકક્ષાના સુરત ડાયમંડ બૂર્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે બૂર્સ હવે બનીને તૈયાર થઇ ગયું છે ત્યારે તેને કારણે હીરાઉદ્યોગને તો વેગ મળવાનો જ છે પણ સાથો સાથ રોજગારી પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થશે. સુરત ડાયમંડ બૂર્સના અગ્રણી મથુર સવાણી સહિત અનેક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. આનંદીબેન પટેલ એક એક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે સુરત આવ્યા હતા ત્યારે તેમણે સુરત ડાયમંડ બૂર્સની મુલાકાત કરી હતી. હીરા નગરી સુરતના સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હવે સુરત ડાયમંડ બૂર્સ બનવા જઈ રહ્યું છે. ઘણા લાંબા વર્ષો બાદ આખરે સુરત ડાયમંડ બૂર્સ નું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. ક્રાફટરૂટના એક્ઝિબિશનમાં ઉદ્ઘાટન કરવા આવેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ડાયમંડ બુર્સ ની મુલાકાત લીધી હતી તેવો સર્કિટ હાઉસ થી સાંજે ડાયમંડ બૂર્સ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ડાયમંડ બૂર્સના નિર્માણની મુલાકાત લીધી હતી અને પ્રેઝન્ટેશન જોયું હતું. ડાયમંડ બૂર્સ ની ભવ્યતા જોતા તેઓ પણ ખુશખુશાલ થઈ ગયા હતા.
આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના હસ્તે ડાયમંડ બૂર્સનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ડાયમંડ બૂર્સની અંદર 42 જેટલી ઓફિસો તૈયાર કરવામાં આવી છે. પ્રેઝન્ટેશન દરમિયાન આનંદીબેન પટેલે તમામ માહિતીઓ એકત્રિત કરી હતી અને તેમણે ડાયમંડ બૂર્સના નિર્માણ કરનારાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. પ્રેઝન્ટેશન દરમિયાન પણ તેમને સફળતા પૂર્વક નાની-નાની વાતોનું ધ્યાન રાખીને ડાયમંડ બુર્સના સભ્યો સાથે ચર્ચા પણ કરી હતી.
આનંદીબેન પટેલે કહ્યું કે એકતા અને સંપથી જો કામ કરો તો ડાયમંડ જેવો ભવ્ય પ્રોજેક્ટ પણ પૂર્ણ થઈ જાય છે. ડાયમંડ બૂર્સના નિર્માણ થયા બાદ ડાયમંડ ઉદ્યોગને વધુ વેગ મળશે અને રોજીરોટી પણ ખૂબ મોટા પ્રમાણમાં ઊભી થવાની છે જેથી સુરતના લોકો માટે રોજગારી મેળવવાની મોટી તક પણ ઉપલબ્ધ થશે. તેમણે ડાયમંડ બૂર્સ સાથે સંકળાયેલા તમામ લોકોને અપીલ પણ કરી હતી કે તમે સૌ કોઈ દાનવીરો છો. આપણો સંકલ્પ છે કે 2027 સુધીમાં ભારત દેશ ટીબી મુક્ત થઈ જાય. 4200 ઓફિસ ધારકોને 1- 1 દર્દીઓની તમામ પ્રકારની સહાયતા માટેની જવાબદારી ઉપાડી લો તો આ દેશનું જે લક્ષ્ય છે તે પૂર્ણ થવામાં ખૂબ મોટી રાહત થઇ શકે છે.