DIAMOND CITY NEWS, SURAT
જ્યારે બ્રાન્ડ બિલ્ડીંગની વાત આવે ત્યારે આપણી સમક્ષ કન્ઝ્યુમર બ્રાન્ડ આવે જેમ કે; પેપ્સી, કોકાકોલા, પેરાશૂટ, મેગી, કેડબરી વગેરે. હવે આ નામો વિષે વિચારો, ભારતમાં જયારે મોટા બિઝનેસ હાઉસની વાતો આવે તો ત્રણ નામ અચૂક સામે આવે, ટાટા, બિરલા અને રિલાયન્સ. આ ત્રણે આજે કન્ઝ્યુમર બિઝનેસમાં પણ છે પરંતુ એક સમયે અથવા તેઓની શરૂઆત એક મેનુફેકચરર તરીકે થઇ હતી અને આજે તેઓ એક નામી બ્રાન્ડ છે.
આનું કારણ, તેઓએ પહેલેથી બ્રાન્ડને મહત્વ આપ્યું અને સમજી ગયા કે મોટી રમત રમવી હશે તો તેના વગર છૂટકો નથી. આવા અને આના જેવા ઘણા સફળ નામો આપણી સામે હોવા છતા એક માનસિકતા મેન્યૂફેચરિંગ ઇન્ડસ્ટ્રીએ ઊભી કરી છે કે અમને બ્રાન્ડિગ અને માર્કેટિંગની જરૂર નથી. અમારો ધંધો સંબંધ, સર્વિસ અને કોસ્ટના સહારે થાય છે.
ઘણી મેન્યુફેક્ચરિંગ અને ઔદ્યોગિક કંપનીઓને નથી લાગતું કે તેમને બ્રાન્ડિંગ વિશે ચિંતા કરવાની જરૂર છે. કેટલાક હજુ પણ નવા વ્યવસાયને આકર્ષવા માટે વર્ડ ઓફ માઉથ માર્કેટિંગ અને રેફરલ્સ પર આધાર રાખવાનું પસંદ કરે છે, અને આથી તેઓને લાગે છે કે તેમના વ્યવસાયમાં બ્રાન્ડિંગ મહત્વપૂર્ણ નથી.
આની જરૂરત હંમેશા હતી પરંતુ આજની તારીખે જો તમારા વ્યવસાયને વધારવો હશે તો બ્રાન્ડની જરૂર પડશે. આનું કારણ એ છે કે મેન્યૂફેચરિંગ અને ઔદ્યોગિક બજાર અત્યંત ગીચ હોય છે, જેમાં વિવિધ કંપનીઓ ઘણી સમાન ઉત્પાદનો, સેવાઓ અને ક્ષમતાઓ ઓફર કરે છે. એક નક્કર, ઓળખી શકાય તેવી અને યાદગાર બ્રાન્ડ તમને આવી ભીડમાંથી અલગ રહેવામાં અને વધુ ગ્રાહકો મેળવવામાં મદદ કરી શકે છે.
બીજા કારણો જોઈએ કે શા માટે બ્રાન્ડિગની જરૂર છે; બ્રાન્ડિગથી લોકો જાણશે કે તમે કોણ છો અને તમે શું કરો છો. અસરકારક બ્રાન્ડિગ તમને તમારા નામની ઓળખની સાથે તમારી ક્ષમતાઓની ઓળખ પણ આપશે. તમારી બ્રાન્ડ બનાવવાથી તમારી કંપનીનું નામ તમારા ઉત્પાદન અથવા સેવાનો પર્યાય બની શકે છે.
ઉદાહરણ તરીકે મેન્યૂફેચરિંગ ઉદ્યોગની વાત કરીયે તો, કમ્પ્યુટર પ્રોસેસીંગ માટે ઇન્ટેલ ચિપ અને કન્ઝ્યુમર બિઝનેસમાં ટૂથપેસ્ટ એટલે કોલગેટ. સફળ બ્રાન્ડિગ તમારી કંપની સાથે તમારા ગ્રાહકોને ભાવનાત્મક રીતે જોડશે અને તેના કારણે તમારી બ્રાન્ડ માટે વિશ્વસનીયતા પણ સ્થાપિત કરશે.
લોકો સ્થિર અને લાંબા ગાળાની બ્રાન્ડ સાથે કામ કરવા માંગે છે અને બ્રાન્ડિગ દ્વારા તમે કામચલાઉ કે પછી નાની અસ્થિર કંપની નથી તેની બાંહેધરી આપો છો. આકર્ષક અને અત્યાધુનિક બ્રાન્ડિગ તમે સુસંગત ઉત્પાદન અથવા સેવા ઓફરિંગ સાથે કાયદેસર કંપની છો તેવી છાપ ઊભી કરે છે.
સ્પર્ધકોથી પોતાને અલગ પાડવામાં બ્રાન્ડિગ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. મેનુફેક્ચરર તરીકે શક્ય છે કે તમે પ્રતિસ્પર્ધી તરીકે સમાન પ્રકારના ઉત્પાદન અથવા સેવા ઓફર કરતા હો. આવા સમયે તે જરૂરી છે કે તમે તમારી જાતને પ્રતિસ્પર્ધી જેવા દેખાવા ન દો. તમારી બ્રાન્ડના રંગો, લોગો, મિશન સ્ટેટમેન્ટ અને સૌથી મહત્વનું તમારી બ્રાન્ડની વાર્તા અથવા પોઝિશનિંગ સારી રીતે વિચારેલુ હોય જે તમને પ્રતિસ્પર્ધીથી અલગ પાડે.
આપણને લાગશે કે આ બધી વાતો કન્ઝ્યુમર બ્રાન્ડ માટે મહત્વની છે તો અલગ શું છે. બ્રાન્ડ માટેના પાયાના સિદ્ધાંતો હંમેશા સમાન રહેશે પણ તમે તેને તમારા માટે કેવી રીતે ઉપયોગમાં લો છો તે જરૂરી છે. ઉપર જોયુ તેમ, આ ઇન્ડસ્ટ્રીમાં કોસ્ટ કે પ્રાઈઝિંગ મોટો ભાગ ભજવે છે આવા સમયે વ્યવસાયના ગ્રોથ માટે નવા ગ્રાહકોની સાથે નવા સેગ્મેન્ટ શોધવા અને ઉભા કરવા બ્રાન્ડ મદદ કરે છે.
કારણ તમે બ્રાન્ડ ઉભી કરી આ વાત તમને નવા સેગમેન્ટમાં સહેલાઈથી એન્ટ્રી આપશે અને પ્રાઈઝની પરે તમને વેપાર કરવાની તક આપશે. તમે વધુ માર્જિન સાથે વેપાર કરી શકશો. બીજી વાત આ ઇન્ડસ્ટ્રીમાં સેલ્સની સાઇકલ અર્થાત ડીલ કલોઝ કરવામાં વાર લગતી હોય છે તદુપરાંત ઘણા લોકો નિર્ણય લેવામાં શામિલ હોય છે, આવા સમયે બ્રાન્ડ બની હોય તો તેમના નિર્ણયમાં મદદ કરે છે કારણ બ્રાન્ડ વિશ્વાસ નિર્માણ કરે છે.
હવે પ્રશ્ન થશે કે કઈ રીતે બ્રાન્ડ અને માર્કેટિંગ કરવુ. ઉપર જોયુ તેમ સૌ પ્રથમ પોઝિશનિંગ બનાવો. તમારુ ટાર્ગેટ ઓડીએન્સ નક્કી કરો. તમે માલ જેને જોઈએ તેને વેચી શકો છો પણ બ્રાન્ડ બનાવતી વખતે તમારે વ્યૂહાત્મક રીતે સેગ્મેન્ટ અને ગ્રાહકો નક્કી કરવા આવશ્યક છે જે તમને બિઝનેસ માટે કલેરીટી આપશે. આના થકી તમે તમારા પ્રતિસ્પર્ધીઓની દોડમાં અને ભીડમાં સપડાવાથી બચી શકો છો કારણ તમને ખબર છે કે તમારે ક્યાં, કોને અને કઈ રીતે માલ વેચવો છે.
પ્રમોશન માટેનું સૌથી અગત્યનું પાસુ એટલે તમારી વેબસાઈટ. મહત્વના કમ્યુનિકેશન ટૂલ તરીકે આ કામ કરશે કારણ તમારો ગ્રાહક તમારા વિષે જાણકારી તમારી વેબસાઈટ દ્વારા મેળવશે. આથી વેબસાઈટને બનાવવા પાછળ સમય વિતાવો, જરૂરી વિગતો અર્થાત તમારા ગ્રાહકની અપેક્ષા શું હશે જયારે તે તમારી વેબસાઈટ જોશે, તે વિગતો હોમ પેજ પર સામે રાખો.
SEOનો અભ્યાસ કરી તેને આધારિત વેબસાઈટ બનાવો. સરળતાથી ખુલી શકે તેવી બનાવો અને સૌથી મહત્વનું તે જોઈને લાગવું જોઈએ કે તમે ના ફક્ત મોટી બ્રાન્ડ છો પણ ખરા અર્થમાં સફળ બ્રાન્ડ છો. બીજુ, સોશિયલ મીડિયા પર તમારી ઉપસ્થિતિ વધારો. ત્રીસ દિવસમાં ત્રીસ પોસ્ટ બનાવવી કે શુ-પ્રભાત અને તહેવારોની પોસ્ટ ના કરતા તમારી બ્રાન્ડ અને પ્રોડક્ટ વિષે જોઈતી માહિતીઓ આપો. વિડિયો બનાવો, ડેમો વિડિયો બનાવો, ગ્રાહકોના અનુભવો શેર કરો, તમારી ફેક્ટરી અને સર્ટિફિકેશનની વાતો કરો.
સૌથી અગત્યનું તે છે કે તમે લીડરશિપ પોઝિશન લો. તમારી ઇન્ડસ્ટ્રી એક્સપેરિટીઝ/કુશળતા પ્રદાન કરે છે આથી તે જરૂરી છે કે તમે તે રીતે વર્તો. આના માટે કઈ રીતે તમે તમારા ગ્રાહકોના પ્રોબ્લેમ હલ કર્યા તે લોકોને જણાવો. તમારી કેસ સ્ટડી લોકો સાથે શેર કરો, તમારી જો કોઈ પેટન્ટ હોય કે સ્પેશ્યલ સર્ટિફિકેશન હોય તેની વાત કરો, આર્ટિકલ તમારી ઇન્ડસ્ટ્રીની મેગેઝીનમાં અને તમારી વેબસાઈટ પર બ્લોગ તરીકે લખો.
રિસર્ચ પેપર ઇન્ડસ્ટ્રી ફોરમમાં પ્રેઝન્ટ કરો. આમ એક લીડરને છાજે તે રીતે પોતાને પેશ અને પ્રસ્થાપિત કરો. આનાથી તમારી બ્રાન્ડને લોકો અલગ નજરથી જોશે. જેમ આપણે જાણીયે છીએ કે, આ ઉદ્યોગમાં ઉત્પાદનોની માહિતી આપવી જરૂરી છે તો તમારા બ્રોશર અને વિવિધ લિટરેચર કોઈ સારા ડિઝાઈનર પાસે બનાવો જે એક મોટી બ્રાન્ડની છાપ ઉભી કરે. સમયાંતરે ઈ-મેલર મોકલો જે તમારા ગ્રાહકને તમારા અને માર્કેટ વિષે અવગત કરે, તેને પણ નવુ શું ચાલી રહ્યુ છે તે જાણવાની જરૂર છે અને તમે જો તેમાં મદદરૂપ થાવ તો તે તમને યાદ રાખશે.
આ ઉદ્યોગમાં વ્યક્તિગત સંબંધો અગત્યના છે, પ્રાઈઝના આધારે ધંધો થશે તે વાસ્તવિકતા છે પણ જો તેને બ્રાન્ડનો સહારો મળશે તો તમારા સંબંધો પ્રોફેશનલી મજબૂત થશે અને તમારી ડીલ પ્રાઈઝની મોહતાજ નહિ રહે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM