એક ક્ષણ માટે આંખો બંધ કરી વિચારો તમારા પસંદગીના શેંપૂ, શૂઝ, મોબાઇલ ફોન વિષે. ચોક્કસ પણે iPhoneનો “I” અને Nike નું “સ્વૂષ” તમારી નજર સમક્ષ આવ્યા હશે. એક ફોન ખરીદવા રાતભર લાંબી લાઇનમાં ઊભું રહેવું, જો અમુક બ્રાન્ડ ન મળે તો આઈસક્રીમ ન ખાવી, જો શર્ટ પર અમુક નિશાની ન હોય તો શર્ટ ન ખરીદવું કાંતો અમુક નિશાની / ચિહ્નવાળા જ ઉત્પાદનો ખરીદવા.
આવુ શા માટે? શું આ બધી કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સ પોતાના પ્રતિસ્પર્ધી કરતા બેસ્ટ મટેરીયલમાંથી બનાવે છે? શું તેઓના પ્રોડક્ટ્સ પોતાના પ્રતિસ્પર્ધી કરતા બીજા બધા જ પરિબળોમાં શ્રેષ્ઠ છે? જ્યારે ગ્રાહક એક ચોક્કસ બ્રાન્ડ ચાહતો હોય છે ત્યારે તે બ્રાન્ડ પાછળનો આઇડિયા, ફિલોસોફી ખરીદતો હોય છે અને તે આઇડિયા કે ફિલોસોફીને ઉજાગર કરે છે તે બ્રાન્ડની આઇડેંટિટી.
બ્રાન્ડ આઇડેંટિટીને સરળ ભાષામાં સમજવું હોય તો કંપની કે બ્રાન્ડનો લોગો કહી શકાય. જ્યારે બ્રાન્ડ આઇડેંટિટીનો વિચાર થાય ત્યારે તેમાં બીજા ઘણા પરિબળો જેવા કે કલર, શેપ, નામ, કંપનીની ફિલોસોફી, પર્સનાલિટી વગેરેનો સમાવેશ થાય છે. આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી એક આઇડેંટિટીનું નિર્માણ થાય છે.
ઘણીવાર જોવામાં આવે છે કે કંપનીઓ વેપારના બધા જ પાસાઓ તરફ બરોબર ધ્યાન આપે છે પરંતુ તેમની આઇડેંટિટી તરફ હંમેશા તેઓ દુર્લક્ષતા સેવે છે.
આપણે સાંભળ્યું છે કે “ફર્સ્ટ ઇંપ્રેશન ઇસ ધ લાસ્ટ ઇંપ્રેશન”. જ્યારે આપણી બ્રાન્ડ કન્ઝ્યુમરને, સપ્લાયરને કે કોઈપણ બીજી કંપનીને અપ્રોચ કરે છે ત્યારે સૌપ્રથમ આપણી કંપનીનું ઇંટ્રોડક્શન આપણા લોગો / આઇડેંટિટી થકી થાય છે. તમે જ્યારે સામેવાળી વ્યક્તિને તમારું વિઝીટિંગ કાર્ડ આપો છો ત્યારે તમારો લોગો / આઇડેંટિટી જોઈ તમારી કંપની વિષે પહેલો મત તે બાંધી લે છે.
ટુંકમાં જાણે-અજાણે નાની-મોટી ઘણી કંપનીઓ કે બ્રાન્ડ્સ આ વાતને પૂરતો ન્યાય નથી આપતી. સ્ટ્રૉંગ બ્રાન્ડ આઇડેંટિટીનું નિર્માણ કોઈપણ બિઝનેસની સફળતા માટે મહત્વનું પાસું છે. ઈફેક્ટિવ આઇડેંટિટી તમારી માર્કેટમાં રેપ્યુટેશન વધારશે, તમારા પ્રતિસ્પર્ધીથી તમને અલગ તારવશે અને બ્રાન્ડના મૂલ્યો થકી તમારા ગ્રાહકોને તમારા તરફ આકર્ષશે.
બ્રાન્ડ આઇડેંટિટી એ તમારી બિઝનેસ આઇડેંટિટી છે. તમે તમારી કંપનીની / બ્રાન્ડની કેવી છબી લોકો સમક્ષ મૂકવા માંગો છો તેનું ચિત્રણ છે અને તે તમારી કંપનીની અતિ મૂલ્યવાન અસેટ છે.
જેમ ઉપર જોયુ કે બ્રાન્ડ આઇડેંટિટી એ ફક્ત લોગો નથી પણ તેનાથી પરે છે. તમારા ગ્રાહકના મનમાં તમારી આઇડેંટિટી તમારા બિઝનેસનું પર્સેપ્શન બિલ્ડ કરે છે. તમારી બ્રાન્ડ પ્રત્યે લોકોના મનમાં વિશ્વાસ ઊભો કરે છે. જ્યારે જ્યારે લોકોને બ્રાન્ડ આઇડેંટિટીનું મહત્વ સમજાવવામાં આવે છે ત્યારે ઘણીવાર તેઓને કહેતા સાંભળ્યા છે કે; અમને બ્રાન્ડ આઇડેંટિટીની જરૂર નથી, લોગો તો અમે પણ બનાવી / ડિઝાઈન કરી શકીએ છીએ, તેના માટે પ્રોફેશનલ્સની અને વ્યર્થ ખર્ચો કરવાની જરૂર નથી.
પણ આ વિચારધારા લાંબાગાળે તેઓને અસર કરે છે જ્યારે સ્પર્ધા વધતી જાય અને ગ્રાહક પ્રસ્થાપિત બ્રાન્ડને જ મહત્વ આપે છે. ઉદાહરણ તરીકે જો તમારી પ્રોડક્ટ કે સર્વિસ પર્ફેક્શન રિલેટેડ છે ત્યારે જો તમારી આઇડેંટિટીમાં લોકો પર્ફેક્શન નહી જોવે તો તમારી બ્રાન્ડ ને કન્સિડર સેટમાં લાવવી પણ મુશ્કેલ થશે.
જેવી રીતે બ્રાન્ડ આઇડેંટિટી તે બ્રાન્ડની ફિલોસોફી અને પર્સનાલિટીથી લોકોને વાકેફ કરે છે. તેવી જ રીતે ગ્રાહક પણ તે બ્રાન્ડ આઇડેંટિટી દ્વારા પોતાની પર્સનાલિટી શું છે તેનાથી તેના વર્તુળમાં લોકોને માહિતગાર કરે છે. ગ્રાહકની પર્સનાલિટીનું માપદંડ તે કઈ બ્રાન્ડ વાપરે છે તેના થકી થાય છે અને બ્રાન્ડ પરના સિમ્બોલ (symbol) તેને આ પ્રસ્થાપિત કરવામાં મદદ કરે છે.
બીજું, મનુષ્યનું મગજ, શબ્દો કરતા ઇમેજીસ / પ્રતીકોને વધુ ઝડપથી પ્રોસેસ કરે છે. તેથી જો મારી બ્રાન્ડ આઇડેંટિટી આકર્ષક હશે તો ગ્રાહકને તમે તમારી બ્રાન્ડ ઝડપથી અને અસરકારક રીતે વેંચી શકશો. વ્યવસ્થિત રીતે ડિઝાઈન થયેલી આઇડેંટિટી તમારા અપેક્ષિત ગ્રાહકને પણ વિશ્વાસ આપશે કે તમારી કંપની કે બ્રાન્ડ એક પ્રતિષ્ઠિત કંપની છે.
ઘણીવાર એવું પણ બનતું હોય છે કે એક કંપની કે બ્રાન્ડ એક વ્યક્તિથી ઓળખાતી હોય છે. જ્યારે તે વ્યક્તિ હયાત ન હોય ત્યારે વર્ષોની મહેનતે બનેલી કંપની પડી ભાંગે છે. આવા સમયે વ્યક્તિ વિશેષથી પરે પ્રસ્થાપિત બ્રાન્ડ આઇડેંટિટી કંપની અને બ્રાન્ડને વર્ષો સુધી ટકાવી રાખે છે.
જ્યારે તમે બ્રાન્ડ આઇડેંટિટી પ્રસ્થાપિત કરો છો ત્યારે તમે તમારા ગ્રાહક સાથે ભાવપૂર્ણ સંબંધ બાંધો છો, તેઓનો વિશ્વાસ જીતો છો અને તમારી તેના તરફની ફરજોથી તેને વાકેફ કરો છો. પ્રસ્થાપિત બ્રાન્ડ આઇડેંટિટી માર્કેટમાં તમારી આબરૂ તો વધારે જ છે પણ સાથે સાથે તમારી બ્રાન્ડ લાંબા ગાળાની છે તેની લોકોને સમજ આપે છે અને લોકોના દિલોદિમાગમાં તમારી બ્રાન્ડને સ્થિર કરે છે.
બ્રાન્ડ આઇડેંટિટી બનાવતી વખતે મારે તકેદારી રાખવાની છે કે તે મારા મૂલ્યોને અને વિચારધારાને ઉજાગર કરે તથા મારા ટાર્ગેટ ઓડિયેન્સને ધ્યાનમાં રાખી તેનું નિર્માણ થાય. સફળ આઇડેંટિટી તે છે જે તમારો બિઝનેસ શું છે તે સરળતાથી લોકોને સમજાવી શકે. તમારી વિચારધારા લોકો સમક્ષ મૂકી શકે અને તમારા ગ્રાહકને વિચારતો કરે કે તમારી બ્રાન્ડ બીજી બ્રાન્ડ કરતા અલગ છે અને કશુંક નવું આપવા માંગે છે.
એક આકર્ષક અને સચોટ બ્રાન્ડ આઇડેંટિટી એક સફળ બિઝનેસ અને બ્રાન્ડ પ્રસ્થાપિત કરવા તથા બ્રાન્ડની બ્રાન્ડ વૅલ્યુ વધારવામાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM