કૃત્રિમ હીરા ઉગાડવાની નવી રીત એ કેમિકલ વરાળ ડિપોઝિશન(CVD) તકનીક છે. એક ચેમ્બર કાર્બન સમૃદ્ધ વરાળથી ભરેલો હોય છે. કાર્બન અણુ બાકીના ગેસનો ઉપયોગ કરીને હીરા ક્રિસ્ટલના વેફર પર જમા થાય છે.
જે સ્ફટિકીય માળખાને સ્થાપિત કરે છે. કારણ કે રત્ન એક સ્તર દ્વારા સ્તર વધે છે. લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા બનાવવામાં આવે છે. આ બંને પ્રક્રિયાઓ એ ખૂબ જ અદ્યતન તકનીકીઓ છે. જે ચોક્કસ હીરાની જેમ જ રાસાયણિક બંધારણ અને ગુણધર્મો સાથેના સ્ફટિકોનું નિર્માણ કરે છે.
સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મુકાતા પોલીશ્ડ ડાયમંડ પૈકી 9 ડાયમંડ સુરતમાં પોલીશ્ડ થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર સૌથી વધુ ડાયમંડ જ્વેલરી માટે વપરાતા ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે.
લાખો કરોડના ડાયમંડ એક્સપોર્ટ સુરતથી થાય છે. ડાયમંડ ઉદ્યોગના કારણે સુરતમાં આર્થિક વેગ ખૂબ મોટા પ્રમાણમાં મળ્યો છે. પારંપરિક રીતે હીરા ઘસતા હતા. પરંતુ સમયના પ્રવાહની સાથે તેમાં ધરખમ ફેરફાર થયા છે. નાની-નાની ઘંટીઓ ઉપર ડાયમંડ ઘસાતા હતા હવે તે કોમ્પ્યુટર સુધી પહોંચી ગયા છે.
વર્ષોથી સુરત શહેર ડાયમંડ પોલીશ્ડ કરતું રહ્યું છે. જેને કારણે વિશ્વભરમાં તેનો વ્યાપ ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યો છે. વિશ્વભરમાંથી આવતા રફ ડાયમંડને ચમક આપવામાં આવે છે. પરંતુ હવે ડાયમંડ ઉદ્યોગ નવી ક્રાંતિ તરફ અગ્રેસર થઈ રહ્યું છે.
ડાયમંડ ઉદ્યોગ વૈશ્વિક ફલક ઉપર ઇતિહાસ સર્જવા માટે તૈયારી કરી રહ્યું છે. હવે સુરત શહેર પ્રોડક્શન કરવા માટે પણ તૈયાર થઈ ગયું છે. લેબગ્રોન ડાયમંડને કારણે શહેર હવે નવા શિખરો સર કરવા જઈ રહ્યું છે.
છેલ્લા 5 વર્ષમાં લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રમાં 600% જેટલો ગ્રોથ થયો છે. જે ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ગ્રોથ માની શકાય છે.
વર્ષ | એક્સપોર્ટ |
2017-18 | 1404 કરોડ |
2018-19 | 1459 કરોડ |
2019-20 | 2399 કરોડ |
2020-21 | 4136 કરોડ |
2021-22 | 8503 કરોડ |
લેબગ્રોન ડાયમંડનું પ્રોડ્કશન ખુબ ઝડપથી વધી રહ્યું છે. લેબગ્રોન ડાયમંડ આવનાર 1 વર્ષમાં 900% વધારો થશે. અત્યારે શહેરમાં કુલ 2500 મશીનો શરૂ છે. 5000 કરતા વધારે મશીનો મુકાશે.
મોટા યુનિટો કાર્યરત થઈ રહ્યાં છે. લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન કરતી મોટી 10 ફેક્ટરી છે. નાના યુનિટો 300 કરતા વધારે છે. હાલ 2 લાખ કેરેટ દર મહિને સુરતમાં આવે છે.
ઇન્ડિયન લેબગ્રોન જાડા હોય છે. જયારે ચાઈનાના HPHT ડાયમંડ જાડા અને પાતળા હોય છે. વૈશ્વિક સ્તરે પાછળ ડાયમંડની પણ ખૂબ માંગ જોવા મળે છે. પરંતુ ભારતમાં પાતળા લેબગ્રોન ડાયમંડ તૈયાર કરવા વીજળીની ખુબ જરૂરિયાત હોય છે.
ચાઈનામાં પાતળા હીરાનું પ્રોડ્કશન સસ્તા દરે થઈ જાય છે. ભારત લેબગ્રોન પાતળા હીરા બનાવવા પોસાય તેમ નથી.
સુરતની નામાંકિત હીરા કંપનીઓ પહેલા માત્ર નેચરલ ડાયમંડ કટીંગ કરતી હતી. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય બજારોમાં લેબગ્રોન ડાયમંડની માગ વધતા 40% ફેકટરીઓ હવે ધીરે ધીરે લેબગ્રોન ડાયમંડ કટીંગ કરવાનું શરૂ કરી દીધું છે.
જે સૂચવે છે કે હવે રિયલ ડાયમંડ ની સાથે લેબગ્રોન ડાયમંડનું કામ કરવું પણ લાભકારક છે. ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી ફેક્ટરીઓમાં પણ હવે લેબગ્રોન તરફ આકર્ષાય રહી છે. આવનારા ત્રણ વર્ષમાં નેચરલ અને લેબગ્રોન બન્ને ડાયમંડમાં 70% ફેક્ટરી કામ કરતી થઈ જશે.
હીરા ઉદ્યોગમાં સમયાંતરે રફ ડાયમંડની ખૂબ અછતની સ્થિતિ ઉભી થતી હતી. હવે સુરતમાં રફ ડાયમંડની અછત ઊભી થશે નહિ. કારણ કે સુરતમાં જ મહિને લાખો કેરેટ ડાયમંડ પ્રોડક્શન થશે. જેથી ચાઇના કે રશિયામાં ઉપર વધુ પડતું અવલંબન રહેશે નહીં.
હવે લેબગ્રોન ડાયમંડ સુરતમાં જ તૈયાર થશે અને સુરતમાં જ કટિંગ થશે. રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે અલરોઝા જેવી કંપની ઉપર વૈશ્વિક સ્તરે પ્રતિબંધો લાગતા રફ ડાયમંડની અછત ઉભી થઇ હતી. લેબગ્રોન ડાયમંડ વૈશ્વિક સ્તરે જનરેશન “ઝેડ’ ખુબ પસંદ કરે છે.
નેચરલ ડાયમંડ પૈકી ઘણા બ્લડ ડાયમંડ કે કોન્ફલીકટ (સંઘર્ષ) ડાયમંડ તરીકે ઓળખાય છે. અમેરિકા જેવા યુવાવર્ગ પ્રકૃતિના દોહન કરીને કે લોકોનું શોષણ કરી મેળવવામાં આવતા હીરા કરતા લેબમાં તૈયાર થયેલા ઇકો ફ્રેન્ડલી ડાયમંડ વધુ પસંદ કરે છે.
નેચરલ ડાયમંડ કરતા લેબગ્રોન ડાયમંડ 70 થી 80% ઓછા ભાવે મળી જાય છે. લેબગ્રોન ડાયમંડ સુરતમાં પોડક્શન થતા અહીં જવેલરી ઉદ્યોગ માટે સુવર્ણ તકો ઉભી થઈ છે. સુરત શહેર પોતે ડાયમંડનું પ્રોડક્શન કરશે, કટીંગ પણ કરશે અને જવેલરી પણ બનાવશે.
સુરત શહેરમાં જ્વેલરી બનાવનારા કારીગરો પણ ખૂબ ઓછા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે જ્વેલરીની ખૂબ માગ વધી છે. સુરતમાં જ્વેલરી પ્રોડક્શન શરૂ કરવા માટે માગની સામે માત્ર 10% જ ફેકટરીઓ છે. જો સુરતમાં જવેલરી ફેકટરીઓ હજી નવી ઉભી થઈ તો મહિને હજારો કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપે તેવી શક્યતા છે.
લેબગ્રોન ડાયમંડ પ્રોડક્શનને કારણે ડાયમંડ કટિંગ કરવામાં અને જવેલરી બનાવવા માટે લાખો કારીગરોની જરૂરિયાત ઉભી થશે. હાલ સુરત શહેરમાં 4 લાખ જેટલા રત્નકલાકારો છે અને રાજ્યભરમાં 15 થી 20 લાખ જેટલા છે.
જે રીતે લેબગ્રોન ડાયમંડનું પ્રોડક્શન થઈ રહ્યું છે, તેના કારણે ડાયમંડ વર્કરોની માંગ સર્જાશે. ડાયમંડ ઉદ્યોગ હજી પણ લાખો લોકોને રોજગારી આપી શકે તેવી સ્થિતિમાં દેખાશે. લેબગ્રોન ડાયમંડની જ્વેલરી ખુબ સસ્તા ભાવે બજારમાં આવવાથી તેની માગ વધશે. જો કે હાલ સુરતમાં માત્ર 150 જેટલી જ જ્વેલરી ફેકટરીઓ રજીસ્ટર થયેલી છે.
જાણો આ વિશે
જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે લેબગ્રોન ડાયમંડનો વ્યાપ ખુબ વધી રહ્યો છે. સુરતમાં પણ તેના યુનિટો ખૂબ મોટા પ્રમાણમાં શરૂ થઈ રહ્યાં છે.
યુરોપિયન કન્ટ્રી, ઓમાન, અમેરિકા સહિતના દેશોમાં જ્વેલરી ક્ષેત્રે લેબગ્રોન ડાયમંડની માંગ ખુબ વધી છે. સુરતની અંદર હવે આ ડાયમંડ તૈયાર કરવામાં આવી રહ્યાંં છે. જેના કારણે મોટી રોજગારી ઊભી થશે અને મોદી સરકારનું જે મેક ઇન ઇન્ડિયાનું અને આત્મનિર્ભર ભારત બનાવવાનું સપનું છે તે દિશામાં આગળ વધી શકાશે.
લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણીએ જણાવ્યું કે હજારો કરોડનો બિઝનેસ ઊભો થઈ રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં અકલ્પનીય રીતે લેબ ગ્રોન ડાયમંડનો વેપાર સુરતમાં થશે. હાલ જે કંપનીઓ ડાયમંડ બનાવી રહી છે તેના કરતાં પણ વધુ યુનિટો આગામી પાંચ વર્ષમાં જ શરૂ થઈ જશે.
મારા અંદાજ મુજબ માત્ર એક વર્ષમાં આ ઉદ્યોગ 900% જેટલો ગ્રોથ કરી શકે છે. તો આગામી પાંચ વર્ષની અંદર સ્થિતિ શું હશે તે કલ્પના બહાર છે. લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન આ ઉદ્યોગને વધુમાં વધુ વધારવા માટે સતત કેન્દ્ર સરકાર સાથે અને રાજ્ય સરકારને રજૂઆત કરી રહી છે. મહત્વની બાબત એ છે કે સરકાર પણ ખૂબ જ સારી રીતે આ ઉદ્યોગને આગળ લાવવા માટે વિચારી રહી છે.