સુરતનું હીરા બજાર હંમેશાથી ઉદ્યોગ અને શહેર બહારના લોકો માટે આશ્ચર્યનું કેન્દ્ર રહ્યું છે. મહીધરપુરાની નાની નાની શેરીઓ અને વરાછાના મીનીબજાર, ચોક્સીબજારમાં હીરા બજાર ધમધમે છે. અહીં ઓટલાઓ અને વાહનો પર બેસીને લાખો-કરોડોના હીરાના સોદા થાય છે.
આ હકીકત જ ઉદ્યોગ બહારના લોકોને ચોંકાવી મુકે છે. તેમાંય જ્યારે કોઈ એમ કહે કે અહીં રસ્તા પર જ લાખો-કરોડોના હીરાના પડીકાં લઈને દલાલો ફરતા હોય છે અને ક્યારેક તો રસ્તા પર જ હીરાના સોદા થઈ જાય છે તો તે વાત હીરા ઉદ્યોગના વ્યવહારોથી અપરિચિત લોકો સમજી શકતા નથી.
વળી, સોદા પણ માત્ર એક નાનકડી ચિઠ્ઠી પર થાય છે. કોઈ એગ્રીમેન્ટ નહીં. વિશ્વાસ નહીં થાય તેવી વાત છે કે કરોડોના હીરાના સોદા માટે કોઈ એગ્રીમેન્ટ થતા નથી. એક વેપારી પાસેથી દલાલ હીરા લે બીજાને બતાવે. સોદાચિઠ્ઠી લખાય ને બસ દલાલના ભરોસે એક વેપારી બીજા વેપારીને પેમેન્ટ કરી દે.
આપણે તો કોઈને કાર આપી હોય તો જ્યાં સુધી તે પાછા નહીં આવે ત્યાં સુધી મન ઉચાટમાં રહે, જ્યારે અહીં તો કરોડોના હીરા વિશ્વાસે એકબીજાને આપી દેવાય છે.
હા, ક્યારેક ચિટીંગના કિસ્સા બને છે. તે ના નહીં. પરંતુ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. વર્ષે દસ-બાર ચિટીંગના કિસ્સા બને તો તેની સામે એવા પણ બનાવ જોવા મળે જેમાં કોઈ પણ લાલચ વિના હીરા પરત કરાયા હોય.
તાજેતરમાં જ એક હીરા દલાલને બજારમાં અવાવરું પડેલું હીરાનું પડીકું મળ્યું હતું. તે હીરાની કિંમત આશરે 21 લાખ હતી. બીજું કોઈ હોય તો હીરાનું પડીકું ગજવામાં ઘાલી દે. બારોબાર વેચી દે. 21 લાખ કંઈ નાની રકમ ના કહેવાય.
પણ આ તો હીરા બજારમાં કામ કરતો દલાલ હતો. જે સારી પેઠે જાણતો હતો કે કરોડોના હીરાની હેરફેર કરતા હીરા બજારની અસલ મૂડી તો વિશ્વાસ અને પ્રામાણિકતા છે. જે પ્રામાણિકતા ચૂક્યો તેને વિશ્વાસ ગુમાવ્યો અને જેણે એકવાર વિશ્વાસ ગુમાવ્યો તે ક્યારેય હીરા બજારમાં વેપાર કરી નહીં શકે.
તેથી રોહિત તરસરિયા નામના આ હીરા દલાલે તે હીરાનું પડીકું તેના મૂળ માલિક સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો. રોહિત તરસરિયાએ સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશનનો સંપર્ક કર્યો. એસોસિએશને વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મોકલ્યો અને થોડી જ વારમાં પુરાવા સાથે હીરાના પડીકાનો મૂળ માલિક જઈ પહોંચ્યો. હીરાનું પડીકું હિમ્મત ઠુમ્મર નામના હીરા દલાલનું હતું. પુરાવા જોઈ તેમને પડીકું સુપરત કરાયું.
અહીં જુઓ સુરતના હીરા ઉદ્યોગમાં કેવી સરસ સિસ્ટમ ડેવલપ થઈ છે. હીરા ખોવાય જાય તો તેના મૂળ માલિકને ગણતરીના કલાકોમાં પહોંચી જાય તે માટે પણ વ્યવસ્થા છે. નહીં કોઈ ફરિયાદ, નહીં પોલીસ સ્ટેશનના ધક્કા. નહીં કોર્ટ-કચેરીના ચક્કર. થોડા જ કલાકોમાં મૂળ માલિકને હીરા પરત મળી ગયા.
છ-સાત દાયકા પહેલાં સુરતના મહિધરપુરાની શેરીઓમાં હીરાબજારની શરૂઆત થઈ હતી. તે સમયે સુરત કોટ વિસ્તાર પૂરતું સિમીત હતું. મહિધરપુરાના મકાનોમાં ઘંટીઓ ચાલતી. ઓટલા પર બજાર ભરાતું હતું. આ વેપારમાં સૌરાષ્ટ્રવાસીઓ પ્રવેશ્યા ત્યાર બાદ સુરતમાં બીજું હીરા બજાર વરાછામાં વિકસ્યું. મિનીબજાર-ચોક્સીબજારમાં હીરાની ઓફિસો ભરાતી થઈ. કતારગામ, વરાછામાં ડાયમંડ ફેક્ટરીઓ શરૂ થઈ. હવે સમય ફરી કરવટ બદલી રહ્યો છે.
આવું સુરતના હીરા બજારમાં જ શક્ય છે. દુનિયામાં બીજે ક્યાંય આવું થતું નહીં હોય. કદાચ એટલે જ સુરતના હીરા ઉદ્યોગ પર લક્ષ્મીની કૃપા રહે છે.
મુંબઈ, દિલ્હી, બેંગ્લોર જેવા દેશના મોટા શહેરો કે વિદેશમાં દુબઈ, એન્ટવર્પના હીરા ઉદ્યોગકારો પણ સુરતના હીરા બજારમાં વિશ્વાસના વહાણ પર થતા કરોડોના સોદાથી આશ્ચર્યચક્તિ રહે છે. તેઓ એ વાતનું આશ્ચર્ય અનુભવે છે કે રસ્તા પર કેવી રીતે હીરા વેચાય? પરંતુ તેઓ એ વાત ક્યારેય નહીં સમજી શકે કે સુરતમાં રસ્તા પર નહીં પરંતુ વિશ્વાસના વહાણ પર હીરાના સોદા થાય છે. અહીંના લોકોની પ્રામાણિકતાના લીધે જ સુરતનો હીરા ઉદ્યોગ ગમે તેવી આફતમાં પણ ટકી શક્યો છે.
સુરત ડાયમંડ બુર્સમાં આવતા વર્ષે બજાર શિફ્ટ થશે
છ-સાત દાયકા પહેલાં સુરતના મહિધરપુરાની શેરીઓમાં હીરાબજારની શરૂઆત થઈ હતી. તે સમયે સુરત કોટ વિસ્તાર પૂરતું સિમીત હતું. મહિધરપુરાના મકાનોમાં ઘંટીઓ ચાલતી. ઓટલા પર બજાર ભરાતું હતું. આ વેપારમાં સૌરાષ્ટ્રવાસીઓ પ્રવેશ્યા ત્યાર બાદ સુરતમાં બીજું હીરા બજાર વરાછામાં વિકસ્યું.
મિનીબજાર-ચોક્સીબજારમાં હીરાની ઓફિસો ભરાતી થઈ. કતારગામ, વરાછામાં ડાયમંડ ફેક્ટરીઓ શરૂ થઈ. હવે સમય ફરી કરવટ બદલી રહ્યો છે.
આવતા વર્ષથી સુરતનું હીરા બજાર સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થશે. માર્ચ મહિનામાં બુર્સ કાર્યરત થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. એરકન્ડીશન લક્ઝુરીયસ ઓફિસોમાં હીરાના સોદા થવા માંડશે. મહીધરપુરાની શેરીઓ અને વરાછા મિનીબજારમાં રસ્તા પર હીરા લઈ ફરતા દેખાતા દલાલો પણ કદાચ સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ થશે. વરાછા અને મહિધરપુરાથી મેટ્રોમાં બેસીને દલાલો સરસાણા જશે. ત્યાં સોદા કરશે.
એવું કહેવાય છે કે એસડીબી શરૂ થયા બાદ પણ કેટલાંક દલાલો મહીધરપુરા અને મિનીબજારમાં વેપાર કરતા રહેશે. કે પછી આ બંને બજારો બંધ થશે? ભવિષ્યના ગર્ભમાં શું છુપાયું છે તે આપણે જાણતા નથી. પરંતુ એ વાત નક્કી છે કે પ્રામાણિકતાનું ઘરેણું જાળવી રાખનાર આ ઉદ્યોગમાં પ્રગતિ કરતા રહેશે.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM