આવ, આંધી! તું પુરજોર આવ અમને મૂળેથી ઉખેડી બતાવ

કોઈપણ આકરા સંજોગોમાંથી સફળતા તરફ આગળ વધવામાં બે મુખ્ય તરીકા છે. એક, નિરંતર અભ્યાસ અથવા નિરંતર પ્રયાસ અને બીજું ધ્યેય પ્રત્યેનું વલણ.

Diamond-City-News-Adhi-Akshar-377-Kalpna-Gandhi
(શીર્ષક પંક્તિઓ : વિવેક મનહર ટેલર)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

“મોટા ભાગના જીવન-સંગ્રામ પરભોમકા પર લડવા પડતા હોય છે. કોઈપણ જાતનો ભોગ આપ્યા વિના જીત મેળવવી તેમાં કોઈ ગૌરવ નથી. જો કોઈ મુશ્કેલીઓ ન હોય તો ખરી સફળતા મળતી નથી. જેને હાંસલ કરવા કોઈ રીતે ઝઝૂમવું ન પડે તો તેમાં કશી સિદ્ધિ હોતી નથી. મુશ્કેલીઓ આવી ચડે ત્યારે નબળાઓને તે ઢીલા પાડી દે પણ વીરલાઓ પોતાના પૂરા ખમીર અને દૃઢ સંકલ્પ-શક્તિથી તેને પહોંચી વળે છે. જીવનના અનુભવોમાંથી કંઈ શીખવા મળતું હોય તો તે છે – તમારી સામે આપત્તિ ખડી હોય ત્યારે પૂરા જુસ્સાથી, પ્રવૃત્તિથી, લક્ષ્ય-દૃઢતાથી તથા બધી તકલીફોની ઉપરવટ જવાની નિશ્ચયશક્તિથી તેની સામે ઊભા રહો”

– એડમંડ બર્ક (આઈરિશ-બ્રીટીશર ઈકોનોમિસ્ટ, ફિલોસોફર, રાજનીતિજ્ઞ. ઈ.સ. 1729 થી 1797)

વિપદાઓ, મુશ્કેલીઓ, આપત્તિઓ, તકલીફો, સમસ્યાઓ આવે એ જીવતાં માણસની નિશાની છે. માણસ જીવતો ન હોય તેણે કંઈ નડતું-કનડતું નથી. જાતજાતના નિયમો, કાયદાઓ, રીતિ-નીતિઓ, વિધિ-વિધાનો, પરંપરાઓ , રૂઢિઓ એ બધામાંથી પસાર થનારો જણ જીવંત વ્યક્તિ હોય છે. 

એક એવા માણસના જીવનની કલ્પના કરો જેને માથે કોઈપણ પ્રકારની આફત ક્યારેય ન આવી હોય! જેનું બાળપણ સિલ્વર સ્પૂનથી શરૂ થયું હોય! રમકડાંના ઢગલા હોય! એક ન માંગે ત્યાં બીજા ચાર હાજર થઈ જતાં હોય! તેને ગમતી પ્રવૃત્તિ કરવા માટે માણસો મુકાયેલા હોય! ભણવા-ગણવા માટે એકથી એક કુશળ શિક્ષકોની ફોજ તૈનાત હોય! જેમ જેમ ઉંમર વધે તેમ તેમ તેની જરૂરિયાતોને અનુરૂપ તમામે તમામ સગવડો સચવાતી હોય! તેની કોઈ ખ્વાઇશ કે હસરત બાકી રહી જતી ન હોય! તેના દરેક સપના અને અરમાન પૂરા કરવામાં આવતા હોય! તેની મહત્વકાંક્ષાઓને લાડ લડાવવામાં આવતા હોય! તે ઉંમર લાયક થાય ત્યાં યોગ્યતમ, શ્રેષ્ઠતમ જીવનસાથી સાથે તેને પરણાવી દેવામાં આવે! ન કમાવા માટે તેણે સંઘર્ષ કરવો પડતો હોય, ન આસપાસના લોકો સાથે કદી ઘર્ષણમાં ઉતરવાનું હોય! આવી વ્યક્તિનું જીવન કેટલું બોરીંગ હશે, જેની સામે કોઈ પડકાર જ ન હોય…

માણસની ખીલવણી પણ નેચરના ફૂલો જેવી જ હોય છે.સરખા ટાઢ, તાપ, વરસાદનો પ્રહાર ન થાય ત્યાં સુધી પ્રકૃતિમાં પણ કશું ખીલે નહીં, ત્યારે માણસ તો કુદરતની સૌથી જટિલ સંરચના છે સૌથી વિશિષ્ટ રચના છે, તે જિંદગીની તડકી-છાંયડી વગર કઈ રીતે ખીલી શકે ?એ વાતનો સહજતાથી સ્વીકાર કરવો અને સાથે કુદરતનો આભાર પણ માનવો કે આપણને તેણે એક કઠિન રમત રમવા મોકલ્યા છે, નાનું બાળક પોતાની ઉંમર અને સમજ પ્રમાણેની રમત રમે છે પણ વયસ્ક માણસોની રમતો જુદી હોય છે. જેમ-જેમ આપણે પુખ્ત થતાં જઈએ, પરિપક્વ થતાં જઈએ આપણે વધુ આકરી રમત રમવી પડે!

સામે મુસીબતોના પહાડ હોય ત્યાં દરેકે પોતાના કદ પ્રમાણે દશરથ માંઝી બનવું પડે તો જ પહાડની છાતી ચીરીને રસ્તો કંડારી શકાય. જિંદગી અઘરા કોયડા જેવી થઈ ગઈ હોય ને ક્યાંયથી તેનો તંતુ શોધ્યો ન જડતો હોય ત્યારે અવસાદ-વિષાદની લાગણીઓ જોર પકડે છે. માનવ જીવનમાં તે પણ સ્વાભાવિક છે, અર્જુન જેવા અર્જુનને પણ મહાભારતના યુદ્ધ પહેલાં વિષાદ પકડે છે. તેના પણ ગાત્રો ઢીલા થાય છે, તેને પણ પરસેવો છૂટી જાય છે અને તે પણ ધનુષ-બાણ રથના પાછલા ભાગમાં મૂકી નિરાશ થઈ બેસી જાય છે. પરંતુ ત્યાં જ અર્જુનની જિંદગીનો અંત નથી આવી જતો…

અર્જુન શ્રીકૃષ્ણ જેવા સખા, સાથી, મિત્ર અને માર્ગદર્શક મેળવે છે જે તેને આ અસહનીય દુવિધા અને અજંપામાં રાહ બતાવે છે. મુશ્કેલીમાં ઘેરાયેલ માણસના મનમાં પણ અર્જુન જેવાં પારાવાર પ્રશ્નો હોય છે અને તે પણ પોતાના જીવન સંગ્રામના સાધન-સરંજામને કોરાણે મૂકી હતાશ થઈ બેસી જઈ શકે છે પરંતુ બેસી જ રહેતો નથી, ઉઠે છે, તૈયારી કરે છે, તત્પર બને છે, જંગે ચઢે છે, હાંફે છે છતાં હારતો નથી ને જીતી ન જાય ત્યાં સુધી જંપતો નથી!

કોઈપણ આકરા સંજોગોમાંથી સફળતા તરફ આગળ વધવામાં બે મુખ્ય તરીકા છે. એક, નિરંતર અભ્યાસ અથવા નિરંતર પ્રયાસ અને બીજું ધ્યેય પ્રત્યેનું વલણ.સંજોગો તો લપડાક મારશે જ પરંતુ તે વખતે જો આપણે ઝૂકી જઈએ તો બીજી, ત્રીજી, ચોથી, દસમી લપડાક સહી શકતા નથી. ધ્યેય પ્રયત્નોમાં સકારાત્મક બળ પૂરું પાડે છે.દરેક માણસ માટે સફળતા જુદી-જુદી વસ્તુ કે વિચારનું નામ હોઈ શકે પણ એક વાત સુનિશ્ચિત છે, જેને પોતાને માટે જે માપદંડ બનાવી રાખ્યો છે, તે તેને માટે સફળતાનો પર્યાય હોય છે.

વિષાદથી આનંદ સુધીનો રસ્તો બહુ લાંબો હોય છે કારણ કે જિંદગીમાં કોઈ શોર્ટકટ નથી. એટલે જ્યારે લાંબા રસ્તાઓ પસાર કરવાના આવે ત્યારે એકની એક રીત કંટાળાજનક સાબિત થાય, એવામાં નવી રીતો, પદ્ધતિ અને કાર્યશૈલીઓ દ્વારા શીખતા રહેવાનું માનસ કેળવવું એ ઉપકારક બની શકે.

સમયે ન શીખાયું હોય તે સમય શીખવી દે છે માટે આજીવન વિદ્યાર્થી બની રહેવું ફાયદાકારક સૌદો છે. જીવન થપાટ મારવા સજ્જ હોય ત્યારે સામનો કરવાની રીતો શીખી લીધી હોય તો ઢાલ પણ સરસ કામ આપી શકે છે પણ એ ઢાલ વાપરતા શીખવું પડે ઢાલ માત્ર બચાવ માટે નથી, આગળ વધવા માટે પણ છે. જેમ જેમ અજાણી કે અવનવી સ્થિતિ ઉપસ્થિતિ થાય, આપણે શીખતા જવું પડે છે જે શીખવાનું બંધ કરી દે તે વીસ વર્ષનો જણ હોય કે એંસી વરસનો કંઈ ફર્ક પડતો નથી.બની શકે કે સમય બિહામણા ચહેરા સાથે સામે ઊભો રહે, નીતનવા અલટા-પલટા કરે, ડરાવે, ધમકાવે પણ ડર સાથે પાર પાડવા ડરનો જ સામનો કરવો પડે છે. જેનાથી ડર લાગે એ જ કરવું પડે છે.

સફળતા તો ભવિષ્યના કોઈ ગર્ભમાં પડી હશે. એ તો ક્યારેક ને ક્યારેક મળી જ રહેવાની પણ વિપત્તિઓ વખતે જરૂર હોય છે અડગપણે, મક્કમતાથી ઊભા રહેવાની, ભીષણ સંજોગો હોય તોય તેની સામે આંખ મિલાવવાની, પડકાર સમક્ષ પડકાર ફેંકવાની અને સજ્જ થઈ મુકાબલો કરવાની. આ જ રસ્તો છે કુશળતાપૂર્વક ખીલવાનો, જીવવાનો અને પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો.

-: વિસામો :-

અમે આકાશ-પાતાળ એક કરી દઇશું

પણ નિશ્ચય છે સફળ થઈને રહીશું..

(પંક્તિ : કલ્પના ગાંધી)

____________________________________________________________

ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સંબંધિત સમાચાર જુઓ :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS