DIAMOND CITY NEWS, SURAT
જો ઉગેલો સૂર્ય પણ ઢળી જ જાય છે તો તારા નકામા દિવસો નહી ઢળી જાય? ઢળી જ જશે ને આશા ઉમ્મીદનો નવો સૂરજ તારા જીવનમાં પ્રકાશિત થશે…
આ માણસ એ માણસ છે જેને લોકો ભૂલી ગયા છે, જે પોતાની જાતથી જ પરાયો થઈ ગયો છે. એણે ગ્રહો-નક્ષત્રો વિશેની બાતમીઓ મેળવી લીધી છે પણ પાડોશી વિશેની જાણકારીથી હજુ વંચિત છે ! આ માણસ સૂર્યની જેમ સળગ્યો છે છતાં હજુ તેના નસીબમાં આગિયા પણ નથી! જેમ જંગલો કપાયા છે, તેમ એ પણ છડે ચોક કપાયો છે! રણની જેમ એ તપ્યો છે, કાટ એને ચડ્યો છે પણ ભીતર પડેલા હીર અને હીરાપણાંથી ક્યાં કોઈને તેને ઓળખ્યો છે?!
આ માણસ એ સામાન્ય માનવી છે જે જગ્યા-જગ્યાએથી નંદવાયો છે, પીસાયો છે જે સતત ભીંસમાં છે, ને ભીંસાયો છે!
આવા માણસને જોઈએ છે કોઈકની થોડી હૂંફ, ચપટીક ઉષ્મા, ઝાઝેરું વહાલ અને ઢગલો એક સાંત્વના…કારણ કે આ માણસ પોતાના જ પીંજરામાં કેદ થઈ ગયો છે અને લોકો જ નથી ભૂલી ગયા, એ પોતે પણ એ સચ્ચાઈ ભૂલી ગયો છે કે તે ઉડી પણ શકે છે!
ઘાયલે લખ્યું છે-
મીડું સરવાળે છું છતાં ‘ઘાયલ’
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
આ સામાન્ય માણસ એટલે ઘણાં બધા શૂન્યો! તેને કોઈ મેન્ટોર મળી જાય, કોઈ ગોડ ફાધર મળી જાય, કોઈ તેના રથને હાંકનારો મળી જાય ને જો તે એકડો બની જાય તો આ ઝાઝેરા શૂન્ય વાળો માણસ અંદરથી અબજોપતિ છે! પણ જ્યાં તેને જ પોતાની ઓળખ ભૂલાઈ ગઈ છે ત્યાં કોઈ વિરલો જ ધારે તો તેને તેની પોતાની સાચી પિછાણ કરાવી શકે! આ માણસ જેને ચાલવું છે સરચાઈના રસ્તા પર ને છતાં સાચી-ખોટી કેઈકકેટલીયે વાતોની ભેળસેળથી તે દોરવાઈ જાય છે. તે વખાણ યોગ્ય હોય ને વખોડાઈ જાય છે. માન પામવાને બદલે વગોવાઈ જાય છે.
બહુ ઓછા ફિલ્મી ગીતો કવિતાની કક્ષા અને દિક્ષા પામ્યા છે. એમાંય એવા ગીતો જેમાં માણસને બેઠો કરવાની ખુમારી અને ચેતના હોય તેવા ગીતો તો જૂજ છે. કવિ યોગેશે લખેલું અને કિશોરકુમારે ગાયેલું ‘બાંતો બાંતો મેં’ ફિલ્મનું એક ગીત છે.
કહાં તક યે મન કો અંધેરે છલેંગે
ઉદાસ ભરે દિન, કભી તો ઢલેંગે
કભી સુખ, કભી દુ:ખ, યહી જિંદગી હૈ
યે પતઝડ કા મોસમ, ઘડી દો ઘડી હૈ
નયે ફૂલ કલ ફિર ડગર મેં ખીલેંગે
ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે
ભલે તેજ કિતના હવા કા હો ઝૌંકા
મગર અપને મન મેં તૂ રખ યે ભરોસા
જો બિછડે સફર મેં તુઝે ફિર મિલેંગે
ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે
કહે કોઈ કુછ ભી, મગર યહી સચ હૈ
લહર પ્યાર કી જો, કહીં ઉઠ રહી હૈ
ઉસે એક દિન તો કિનારે મિલેંગે
ઉદાસી ભરે દિન કભી તો ઢલેંગે
ઉદાસી ભર્યા, હતાશા ભર્યા, મૂંઝાયેલા અને મુરઝાયેલા દિવાસોના દિવસો માણસને છતી જિંદગીએ અંદરથી મારી નાખે છે. તેના આંતરિક પ્રકાશને એવી રીતે હણી નાખે છે, જે તેને બાહરથી ચળકાવી રાખતુ હોય એવુ નૂર ખલાસ કરી નાખે છે ત્યારે આવા ગીતો પણ તેને ઝાઝી મદદ કરતા નથી પણ ઘોર અંધારી ઓરડીમાં એક નાનકડો દીપક જરૂર પેટાવી જાય છે. આ અંધારુ એ તેના મનની દશાનું પ્રતીક છે, ઓરડી બંધિયારપણાનું અને દીવો ઝળહળાટ કરતી ચૈતન્ય ઉર્જાનું…માણસે ભગવાનને પ્રકાશરૂપે કલપ્યો છે એ ભગવાન સૌના હ્રદયમાં વસવાટ કરતો બેઠો છે, તેની ઝળહળાટ ક્યાં સુધી છૂપી રહે, ક્યારે તો તે પ્રગટે ને…
ગીતનો ગાનાર કહે છે કે,
સુખ-દુ:ખની તડકી-છાંયડી તો જિંદગી છે એ બંને કદિ, કોઈ જગ્યાએ, ક્યાંયે ટક્યા નથી- ને ટકવાના પણ નથી સુખ અને દુ:ખના સ્વભાવમાં જ અનિત્યતા રહેલી છે. બંનેને પગ છે, જે સતત ચાલતા ને દોડતા, ભાગતા ને કૂદતા રહે છે. કવિનો આશય છે કે દુ:ખ ભાંગવાનું જ છે તેથી તેનાથી ડરી જવાનું કોઈ કારણ નથી તો સુખ પણ નાસી છૂટવાનું છે તેનાથીયે ફૂલાવા જવા જેવું નથી!
આગળ જતા ગીત કહે છે કે આ પાનખર એ તો ઘડી-બે ઘડીની બાબત છે. જો પાનખર આવી જ છે તો નવી કૂપળોને લઈને વસંત આવતી જ હશે પાનખરમાં જે ધીરજ ધરી શકે છે, આશ્વસ્ત રહી શકે છે, તે જ વસંતના મધમીઠા ફળ ચાખી શકે છે બસ હવે ફૂલોનો નવો ફાલ આવવાનો જ છે એમ કહીને વળી, પાછું કહે છે કે ઉદાસીના દિવસો ઢળી જવામાં છે.
કવિ કહે છે ગમે તેટલા આંધી-તૂફાન પજવવા આવતા હોય, ગમે તેની થપાટ વાગવાની હોય કે વાગી હોય પણ તુ તારા મનને એ ભરોસો અપાવજે. શક્ય છે કે તારો કપરો કાળ જોઈને કે તારો ખરાબ સમય ને સંજોગોને જોઈને તારા સ્વજનો તારાથી વિખૂટા પડી ગયા હોય પણ તારો સમય બદલાશે એટલે તેઓ તમે ફરી પાછા આવી મળવાના છે, તે વાત પરતું યકીન રાખજે! આ ઉદાસીના દિવસો તો જતા રહેવાના છે, એ ધ્રુવ પંક્તિ ફરી હ્રદયને નવા આશા-ઉમંગથી ભરી દે છે…
તારી ક્ષમતા વિશે કે તારી પ્રતિભા વિશે લોકોએ ગમે તેવી નેગેટીવ કમેન્ટ કરી હશે, તારી કાર્ય-કુશળતાને ઓછી કરીને આંકી હશે. તારી સફળતા ને સિદ્ધીના બારામાં લોકોએ જાત-જાતની શંકા-કુશંકા કરી તારા મનને દુભાવ્યું હશે, ટૂંકમાં તું કદિ ટોચ પર નહીં આવે તેવું તારી ખીણ જોઈ કહ્યું હશે પણ તું એ સચ્ચાઈ વિસરી ન જઈશ! એ હકીકત કે જે તને શિખર પર બિરાજમાન કરશે!
તારા મનમાં જે પ્રેમની, આસ્થાની, ભક્તિની લહેરો ઉઠી છે તે આજે ભલે મજધારે હોય પણ તેને જરૂર કિનારો મળશે તે વાસ્તવિકતાને તું સ્મરણમાં રાખીશ તો ઉદાસી ભર્યા દિવસો ઢળી જવામાં છે.
આખુય ગીત જાણે નવી ચેતનાને વિકાસિત કરતું હોય, જોમ અને ખુમારી ભરી દેવું હોય ને નવા થનગનાટ માટે માણસને તૈયાર કરતું હોય તે રીતે આસમાનથી ઉતરી આવ્યું છે, ધરતી પરનો માણસ તેને સૂપેરે ઝીલી લે તો જીવી જાણે…
માણસના જીવનમાં ગમે તેવી સમસ્યાઓનો દેકારો હોય, તેના પ્રયત્નો સાચી દિશામાં ગતિ કરનારા હોય તો જીવન જ્યોત એવી ઝળહળે છે કે તે ન કેવળ તેનું પોતાનું અંધારું બલ્કે પરિવાર, સમાજ અને દેશ-દુનિયાના ભાગે આવેલા અંધકારને પણ મીટાવી દઈ શકે છે!
બસ એવા ટૂટેલા-ભાંગેલા હૈયાને જે ખપે છે તે એ વિશ્વાસ જે બીજો તેનામાં પૂરે છે કે ‘થઈ જશે’. હિમ્મત આપીને કહી શકે છે કે ફિકર કરીશ મા. ધાંધળો થઈશ મા. રડીને આંખો સૂઝાવીશ મા. શોક કરીશ મા. વલોપાત કરીને જાતને દુબળી કરીશ મા. બધુ થઈ જ રહેશે અને ઉદાસીના આ સઘળા દિવસો સામટા ઢળી જશે.
જો ઉગેલો સૂર્ય પણ ઢળી જ જાય છે તો તારા નકામા દિવસો નહી ઢળી જાય? ઢળી જ જશે ને આશા ઉમ્મીદનો નવો સૂરજ તારા જીવનમાં પ્રકાશિત થશે…
આ સામાન્ય માણસ પાસે કોઈને આંજી નાખવાના તેજ-તીખારા ભલે ન હોય પણ વિષમ સ્થિતિમાં ટકી રહેવાની હામ હોય તો તેનો બેડો (નાવ) પાર ઉતરી જ જાય છે. ધીરજ રાખવાની કુશળતા, સહનશીલતા, મક્કમતા, પુરૂષાર્થ કરવાની ક્ષમતા બધુ મળીને સામાન્ય જીવને અસામાન્ય જીવનની રેખા પર લાવી મૂકે છે. છતાં યાદ રાખવાનું રહ્યું કે માણસ અંતે માણસ છે તેની તમામ મર્યાદા સાથે પણ અને મહત્વાકાંક્ષા સાથે પણ તેની બધી જ ખામીઓ સાથે પણ અને તેની તમામ ખૂબીઓ સાથે પણ… એ માણસ સાવ નાંખી દેવા જેવો નથી પણ ગમે તેવી તેની કપરી પરિસ્થિતિ હોય એ ચાહવા જેવો છે!
જો તે સુગંઠિત પ્રયત્નો કરવામાં પ્રામાણિક છે અને પોતાના ધ્યેય પ્રત્યે વફાદાર છે તો તે ધુત્કારવા જેવો નથી, આવકારવા અને સ્વીકારવા જેવો છે…
વિસામો
રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે!
હસતાં હસતા રડી પડે ભૈ, માણસ છે!
પહાડથી એ મક્કમ માણસ છે!
દડ દડ દડ દડી પડે ભૈ, માણસ છે!
ચંદર ઉપર ચાલે ચપચપ માણસ છે!
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે!
સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે!
ભરબપોરે ઢળી પડે ભૈ, માણસ છે!
પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે!
ટાણે ખોટ્યું પડી ભૈ, માણસ છે.
(પંક્તિઓ – જયન્ત પાઠક)
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM