કોઇ પણ એક શહેર હોય, સમાજ હોય કે સમાજના લોકો હોય તેમાં બદલાવ કરવો હોય, પરિવર્તન લાવવું હોય તો તે રાતોરાત થતું નથી. એના માટે વર્ષોની લાગલગાટ મહેનત, સેવાભાવી અને બુદ્ધિજીવીઓના માર્ગદર્શન અને સામાજિક કાર્યક્રમોમાં સ્ટેજ પરથી કરવામાં આવતી નુકતેચીની મોટી અસર થતી હોય છે.
આજે સુરતની લગભગ 50 લાખની વસ્તી છે, તેમાં અંદાજે 15 લાખની વસ્તી સૌરાષ્ટ્રવાસીઓની છે. તમે જુઓ કે સૌરાષ્ટ્રવાસીઓએ જયારે સુરતમાં પગલાં પાડયા ત્યારે કેવા હતા અને આજે કયાંને કયાં પહોંચી ગયા છે. તેમને મળેલી અપાર સમૃદ્રિ, સંસ્કારો, પ્રેરણા, સાહસ એમને એમ મળ્યા નથી.
સમાજના એવા ઘણા ભામાશાઓ,સમજદાર અને ઠરેલ માણસોનો પણ મોટો ફાળો છે. આજે તમારી સાથે એક એવા જ સમાજ સેવકની વાત કરવી છે જેમને કારણે સૌરાષ્ટ્ર સમાજના લોકોમાં ખાસ્સો અને મોટો કહી શકાય તેવો બદલાવ આવ્યો. અમે એમ નથી કહેતા કે આખા સૌરાષ્ટ્ર સમાજને માત્ર આ વ્યકિતએ જ બદલ્યો છે, પણ તેમનો ફાળો પણ નોંધપાત્ર છે.
તો તમારી સાથે એવા વ્યકિત્ત્વની વાત માંડી રહ્યા છે જે સમાજ જીવનમાં તો મોરપીંછ સમાન ગણાય છે, પરંતુ તેમણે જિંદગીમાં નિભાવેલી મહત્ત્વની ભૂમિકા પણ અનેક લોકોને પ્રેરણા પુરી પાડી શકે છે. ડાયમંડ સિટી ન્યૂઝ પેપરે ધી વરાછા કો. ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાનજીભાઇ ભાલાળા સાથે વાત કરી હતી.
ઘણા ઓછા લોકોને ખબર હશે કે કાનજીભાઇ, આજે સફળતાની જે ટોચ પર પહોંચ્યા છે તેની પાછળ તેમનો અથાગ સંઘર્ષ, દિવસ રાતની મહેનત અને વિઝન રહેલાં છે. કાનજીભાઇ, આજે 62 વર્ષની વયે પહોંચ્યા છે, પરંતુ તમે એમના ચહેરા પરની સ્ફૂર્તિ જુઓ, તેમના ચહેરા પર હમેંશા તરવરતું સ્માઇલ જુઓ, તેમની ફિટનેસ જુઓ તો એમ જ લાગે કે આ ભાઇ, હજુ 40-45 વર્ષના હોવા જોઇએ.
મારી જિંદગી પર ગોવિંદભાઇ ધોળકીયાનો મોટો પ્રભાવ છે…
કાનજીભાઇએ કહ્યુ કે મારી જિંદગી પર ડાયમંડ અગ્રણી અને SRK EXPORTSના ચેરમેન ગોવિંદભાઇ ધોળકીયાનો મોટો પ્રભાવ છે. એક વખત ગોવિંદભાઇ મને લાયબ્રેરીમાં મળ્યા હતા ત્યારે હજુ યુવાન હતો તેમણે તે વખતે કહ્યું હતું કે, જિંદગી સુખેથી જીવવી હોય, તો કોઇને નડવું નહી અને કોઇને દુખ પહોંચાડવું નહીં. આ વાત મને અસર કરી ગઇ હતી અને તેમના આ વિચારો સાથે જ જિંદગી જીવી રહ્યો છું. એ પછી તો અનેક મુલાકાતો થઇ અને તેમની સરળતા, સહજતા, નિખાલસતા અને સાદગી મને ર્સ્પશી ગઇ છે.
કાનજીભાઇ ભાલાળાએ જિંદગીની શરૂઆત એક રત્નકલાકાર તરીકે કરી હતી. એ પછી તેઓ ભણ્યા, શિક્ષક બન્યા, અનેક મોટી મોટી સામાજિક સસ્થાઓનો ભાર સંભાળ્યો, દેશના જવાનો માટે મોટા પાયે કામગીરી કરી અને આજે કો. ઓ. બેંકિંગ સેક્ટરમાં સુરતમાં બીજા નંબરની સહકારી બેંક ગણાતી વરાછા કો. ઓ. બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન છે.
કાનજીભાઇની ઓળખ એ રીતે પણ આપી શકાય કે સાવ સહજ અને સરળ માણસ, બેસ્ટ મેનેજમેન્ટની જાણકારી ધરાવનાર માણસ, બઘાને સાથે લઇને ચાલનારો માણસ અને સમાજની કોઇ પણ સમસ્યાના ઉકેલ માટે સૌથી આગળ રહેતો માણસ, કાનજીભાઇ સમાજ સેવક, બેંકર તો છે જ પરંતુ સાથો સાથ લેખક, મોટીવેશનલ સ્પીકર, સ્ટેજ એન્કર અને હા, સૌથી મોટી વાત કે એમણે 59 વર્ષની ઉંમરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી M.A ઇન પોલિટિકલ સાયન્સની ડિગ્રી હાંસલ કરી છે. મતલબ કે હજુ પણ તેઓ વિદ્યાર્થી જ છે અને હજુ ઘણું ઘણું શીખવાની તેમને ધગશ છે.
કાનજીભાઇને આજે માત્ર વરાછા, સૌરાષ્ટ્રના લોકો જ નથી ઓળખતા, પરંતુ આખા સુરત શહેર અને ગુજરાતના લોકો તેમને જાણે છે, ઓળખે છે તેમની વગદાર પ્રતિભાના પ્રસંશક છે. તો આવા પ્રતિભાશાળી છતા વિનમ્ર કાનજીભાઇની જિંદગીની સફર વિશે તમને જણાવીશું.
કાનજીભાઇનો જન્મ 1, જુલાઇ 1961ના દિવસે બળેલ- પિપરિયા ગામ, તા, બાબરા, જિલ્લો અમરેલીમાં થયો હતો. 1થી 7 ધોરણનો અભ્યાસ તો તેમણે ગામમાં જ કર્યો, તે વખતે પરિવાર ખેડુત અને આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી. એ પછી કાનજીભાઇએ 8થી 10 ધોરણ સુધીનો અભ્યાસ ગામની બહાર કર્યો અને તેના માટે તેમણે અપડાઉન કરવું પડતું હતું. 10મા ધોરણની પરીક્ષા પછી કાનજીભાઇ વેકેશનમાં સુરત આવવાનું થયું એ અરસામાં તેમના મોટાભાઇ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા હતા. વેકેશનનો સમયગાળો મોટો હતો એટલે તેમણે મોટાભાઇ સાથે હીરા ઘસવાનું કામ ચાલું કર્યું. 3 મહિના કામ કર્યું એમાં કાનજીભાઇ હીરાના કટિંગમાં મથાળાના કામના એક્સપર્ટ બની ગયા હતા.
સૌરાષ્ટ્રથી સુરત આવેલા મોટાભાગના લોકો ડાયમંડના ધંધામા જ સેટલ થયા હતા, પરંતુ કાનજીભાઇનું મન માન્યું નહીં, તેમના મનમાં આગળ ભણવા માટે ઉત્પાત ચાલતો હતો.આખરે હીરા ઘસવાનું કામ છોડીને તેમણે સુરતમાં એંગ્લો ઉર્દૂ શાળામાં 11માં ધોરણમાં પ્રવેશ લીધો. કાનજીભાઇએ કહ્યું કે, એંગ્લો ઉર્દુ સ્કુલના એ દિવસો મારી જિંદગીનો ટર્નિગ પોઇન્ટ હતો.
વાત એમ હતી કે શાળામાં વકતૃત્વ ર્સ્પધાનું આયોજન થયું હતું. કાનજીભાઇએ શિક્ષક પાસે જઇને કહ્યું મારે નામ નોંધાવવું છે. શિક્ષકે કહ્યું, તુ રહ્યો ગામડિયો, પાછો કાઠીયાવાડી ભાષા બોલે એટલે બધા હસશે, તું રહેવા દે.કાનજીભાઇએ મનમાં નક્કી કરેલું કે ગમે તે થાય વકતૃત્વ ર્સ્પધામાં ભાગ લેવો જ છે કારણ કે માઇકમાં બોલવાનું તેમના મનમાં એક સપનું હતું. તેમણે શાળાના આચાર્યને વાત કરી કે મારે ભાગ લેવો છે. આચાર્યએ સંમતિ આપી અને શિક્ષકે નામ નોંધવું પડ્યું. વકૃતત્વ ર્સ્પધાનો વિષય હતો ટી.વી. ટી.વી તે વખતે નવું નવું આવ્યું હતું.
કાનજીભાઇએ કહ્યું કે એ ર્સ્પધામાં મારો પહેલો નંબર આવ્યો, બસ એ પછી બોલવાની એવી હિંમત ખુલી ગઇ કે આજે સામે 1000 પ્રેક્ષકો પણ બેઠો હોય તો ગભરામણ નથી થતી. બીજો પ્રસંગ એવો બન્યો કે આ શાળામાં અમે બે જ સૌરાષ્ટ્રવાસી વિદ્યાર્થી હતા, બાકી બધા સુરતી હતા. એટલે અમે શરમના માર્યા છેલ્લી પાટલી પર બેસતા હતા. જયારે ટીચર પરીક્ષાનું રીઝલ્ટ લઇને આવ્યા અને કલાસમાં બોલ્યા કે, રોલ નં 3, કાનજી ભાલાળા કોણ છે? એનો પહેલો નંબર આવ્યો છે. આગળ બેઠેલા બધા વિદ્યાર્થીઓએ પાછળ ફરીને મારી સામે આશ્ચર્યની નજરથી જોયું. પણ એ પછી મારો આત્મવિશ્વાસ ખુબ વધી ગયો.
કાનજીભાઇની જિદગીના એ સંઘર્ષના દિવસો પણ જાણવા જેવા છે. તેમણે કહ્યું કે નવયુગ કોલેજ કોમર્સમાં ભણવાનું શરૂ કર્યું હતું. પરંતુ જીવન નિર્વાહ અને જરૂરી ખર્ચ માટે ગજવામાં પૈસા નહોતા રહેતા. તે વખતે 1981માં અપના બજારમાં નોકરી શરૂ કરી. શરૂઆતમાં મહિનાનો પગાર હતો 100 રૂપિયા. નવયુગ કોલેજ મોર્નિંગ હતી એટલે કોલેજથી સવારે 10 વાગ્યે છુટીને નોકરીએ જતો. 5 વાગ્યા સુધીની નોકરી અને એ પછી ટયુશન કરાવવાનું શરૂ કર્યું હતું એટલે સવારે 7 વાગ્યાનો નિકળ્યો હોઉં તે રાત્રે 9 વાગ્યે ઘરે પહોંચતો.
એ પછી તો કાનજીભાઇ એમ. કોમ થયા. C.A.નું ભણ્યા એ પછી ટેક્સ કન્સલટન્ટની ભાલાળા-નવાપરા એન્ડ કંપનીના નામે ઓફીસ પણ શરૂ કરી હતી. તે વખતે વરાછા વિસ્તારમાં એક પણ ટયુશન કલાસ નહોતા એટલે તેમણે ઇગલ ટયુશન કલાસની શરૂઆત કરી હતી.
કાનજીભાઇએ કહ્યું કે જયારે ભણતો હતો ત્યારે, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળમાંથી પુસ્તકો લઇને ભણ્યો હતો, એટલે મનમાં નક્કી કર્યુ કે જયાંથી મદદ મળી છે ત્યાં જ સેવા આપવી છે. એટલે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળમાં કામ શરૂ કર્યું અને વાંચનાલયને પુસ્તકાલયમાં ફેરવી દીધું.
કાનજીભાઇને નજીકથી ઓળખનારા લોકો કહે છે કે તેમનામાં વિદ્યાર્થીકાળથી જ સેવા ભાવ અને લોકોને મદદ કરવાની ભાવના રહેતી હતી. કાનજીભાઇએ કહ્યું કે, અમે વરાછામાં કારકીર્દી – માર્ગદર્શન વોકેશનલ બ્યૂરો શરૂ કર્યો હતો. તે વખતે મેડીકલ કે એન્જી.ના વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ લેવામાં ભારે મુશ્કેલી અનુભવવી પડતી હતી. તે વખતે અત્યારની જેમ કોઇ ઓનલાઇન સીસ્ટમ નહોતી. એટલે અમે આવા વિદ્યાર્થીઓની મદદ માટે અમારો જ એક માણસ બધી કોલેજોમાંથી જઇને ફોર્મ લઇ આવે, વિદ્યાર્થી ભરીને આપે પછી અમારો માણસ આપી આવે. એટલે વિદ્યાર્થીઓની રઝળપાટ બચી જતી. આવું અમે 10 વર્ષ સુધી કામ કર્યું. આ કામ કરવામાં મને મેનેજમેન્ટના જબરદસ્ત પાઠ શીખવા મળ્યા. તે સમયમાં કળથિયા સાહેબનું ઉમદા માર્ગદર્શન મળ્યું.
પરંતુ પરફેકટ મેનેજમેન્ટ, સમાજસેવાનો સાચો બોધપાઠ મને 1983માં કડોદરા વિસ્તારમાં આવેલી વકીલ વાડીમાં યોજાયેલા પહેલા સમૂહ લગ્નના આયોજનમાંથી મળ્યો. તે વખતે હું સ્વંય સેવક તરીકે જોડાયો હતો. એ પછી 1987માં દુકાળનો સમય હતો અને 51 કપલના સમૂહ લગ્નના આયોજન કર્યા હતા. આજે એ જ સંસ્થા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો હું પ્રમુખ છું.
કાનજીભાઇને અમે પુછ્યું કે, જયારે તમે મોટા પાયે સમાજમાં કામ કરતા હો, તો ટીકા થાય, હરિફો ટાંટિયા ખેંચતા હોય તેવા સંજોગોમાં તમે કેવી રીતે મન મક્કમ રાખી શકો?
કાનજીભાઇએ કહ્યું કે, હા, સાચી વાત સમાજમાં કામ કરો એટલે આલોચના તો થવાની, મતભેદો પણ થવાના, પણ ટીકાને ગણકારતો નથી, પણ તેમાંથી બોધપાઠ જરૂર લઉ છું. તેમણે કહ્યુ કે કોઇ પણ પ્રશ્ન ઉભો થાય તો તેને સોલ્વ કરવાનો પુરેપુરો પ્રયાસ કરુ છુ, જો કોઇ સંજોગોમાં ન થાય તો તેને છોડીને આગળ વધું છું. જો સમાજસેવામાં લાંબો સમય ટકવું હોય તો મગજમાંથી હું જ કરું છું એવી ભાવના મગજમાંથી કાઢી નાંખવાની. કોઇ પણ કામ બધાના સહિયારા. પ્રયાસ થી જ થતા હોય છે.
સમાજમાં કામ કરશો તો ટીકા તો થશે, મતભેદો
પણ થશે, પરંતુ એનાથી ઉપર ઉઠીને આગળ વધો….
કાનજીભાઇને અમે પુછ્યું કે સમાજસેવાથી સમાજમાં બદલાવ કેવી રીતે આવી શકે? તો કાનજીભાઇએ જવાબ આપ્યો કે સમૂહ લગ્નોનું જે પ્લેટફોર્મ હોય છે તે જ સમાજમાં બદલાવનું મોટું પરિબળ બને છે. કારણ કે તે વખતે પ્લેટફોર્મ પરથી સમાજના આગેવાનો જે જે આઇડિયા શેર કરે છે તે પ્રેરણારૂપ અને લોકોના મગજમાં ઉતરી જાય તેવા હોય છે. જેમની સ્થિતિ સારી ન હોય, તેવા લોકો માટે સમૂહ લગ્નો આર્શીવાદરૂપ સમાન હોય છે.
કાનજીભાઇએ કહ્યું કે, સમૂહ લગ્નના માધ્યમથી અમે સમાજને દિશા આપવાનું કામ કરીએ છીએ. અમે લોકોને એ ડોનેશન કયાં આપવું તેની સાચી વાત સમજાવી, જેને કારણે આજે સુરતમાંથી સૌથી વધારે ડોનેશન જાય છે. સમૂહ લગ્નમાં જે વિચાર મંથન થાય તે સારા માટે જ થાય. દા.ત. સૌરાષ્ટ્રના ગામડાઓમાં મહિલાઓને લાજ કાઢવાની પ્રથા હતી જે ધીમે ધીમે બંધ કરાવવામાં આવી. સૌરાષ્ટ્ર સમાજમાં પાથરણાંની પ્રથા પહેલાં બપોરના સમયે રખાતી હતી તે બધા લોકોને તકલીફ ન પડે તે માટે બેસણું રાત્રે રાખવાનું નક્કી થયું. આવા તો અનેક ઉદાહરણો છે.
જાહેરક્ષેત્રની બેંકમાં 5 કલાક બેસાડી રાખ્યા તેમાં વરાછા બેંક ઉભી થઇ ગઇ….
કાનજીભાઇને અમે પુછ્યું કે વરાછા કો, ઓ. બેંકની શરૂઆત કેવી રીતે થઇ? તો તેમણે રસપ્રદ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે 1992માં વરાછામાં હીરાના ધંધા માટે સેફ ડિપોઝીટ વોલ્ટ શરૂ કર્યું હતું. તેના માટે બેંકમાં ખાતું ખોલાવવાની જરૂરિયાત ઉભી થઇ હતી. તે વખતે વરાછામાં માત્ર બે જ બેંકો હતી, સ્ટેટ બેંક અને દેના બેંક. આ બેંકો નવા ખાતા ખોલવા માટે ના કહેતી હતી.
એક ડાયમંડના વેપારીની ભલામણથી બેંક ખાતું ખોલવા તૈયાર થઇ અને એક દિવસ સવારે 11 વાગ્યે હું બેંક પર પહોંચી ગયો. પણ 4-30 વાગ્યા સુધી મારું ખાતું ન ખુલ્યું. 5 કલાક બેઠો ત્યારે મનોમંથન કર્યું કે એક પોતાની જ બેંક ખોલવી જોઇએ જેથી બીજા લોકોને આ રીતે મુશ્કેલીનો સામનો ન કરવો પડે. બધા મિત્રો સાથે ચર્ચા વિચારણા પછી 16 ઓકટોબર, 1995માં વરાછા કો. ઓ. બેંકની શરૂઆત થઇ અને લંબે હનુમાન રોડ પર આવેલા એફીલ ટાવરમાં કામકાજ શરૂ થયા.
કાનજીભાઇએ કહ્યુ કે, આજે 27 વર્ષમાં બેંકની 24 શાખા છે અને 5 લાખ ખાતેદારો છે. બેંક શરૂ થઇ ત્યારે જ પોલિસી બનાવી કે કોઇ પણ બેંકમાં ખાતું ખોલાવવા આવે તો તેમને ના નહીં કહેવાની.તેમણે કહ્યું કે ગુજરાતમાં કુલ 218 સહકારી બેંકો છે તેમાં વરાછા બેંક ટોપ-10માં 8મા ક્રમે છે અને સુરતમાં કુલ 19 સહકારી બેંકો છે તેમાં અમારી બેંક બીજા નંબર પર છે. બેંકે અનેક સિધ્ધીઓના શિખરો સર કર્યા છે. ગ્રાહકોને ટેકનોલોજી સેવા પુરી પાડવામાં પણ બેંક અગ્રેસર રહી છે.
કાનજીભાઇએ કહ્યુ કે અમારી બેંકમાં વડાપ્રધાન વીમા યોજના ચાલે છે જેમાં 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે અને 330 રૂપિયામાં 2 લાખના કવરનો જીવન વીમો મળે છે. આ યોજનામાં અકસ્માત વીમાના 1.50 લાખ ખાતેદારો છે અને જીવન વીમાના 1 લાખ. વેસ્ટર્ન ગ્રીડમાં સૌથી હાઇએસ્ટ વીમા કવચ પુરુ પાડવામાં વરાછા બેંક પહેલા નંબર પર છે.
માત્ર પૈસાથી સુખ નથી મળતું, આત્મ ગૌરવનો મુદ્દો વધારે મહત્ત્વનો છે… કાનજીભાઇને અમે પુછ્યુ કે સાચું જીવન કોને કહેવાય,સાચો આનંદ શેમાં આવે?
તેમણે જવાબ આપતા કહ્યું કે, જે કામમાં ખુબ સંતોષ થાય એ કામ કરી શકીએ એ મારી દ્રષ્ટ્રિએ સાચું સુખ છે. માત્ર પૈસાથી સુખ નથી મળતુ, પરંતુ આત્મગૌરવનો મુદ્દો મહત્ત્વનો છે. માણસ જન્મે છે અને મૃત્ય પામે છે એ સનાતન સત્ય છે અને તે નક્કી જ છે, પરંતુ આ બે વચ્ચે એક માણસ તરીકે ગૌરવ લઇ શકો તે ખરું જીવન. સમાજના લોકોની જીવનમાં ઉપયોગી થઇ શકીએ એ સારું જીવન.
એકલા રહેવાનો જમાનો નથી
ભેળા થાવ એકબીજીને મોટા કરો
અને આગળ વધો…
એક કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ કેટલીક સરળ અને સ્પર્શી જાય તેવી વાતો કરી હતી. તેમનું કહેવું હતું કે હવે એકલા રહેવાનો જમાનો નથી. ગમે તેટલા અદના વ્યકિતહશો પણ જો એકલા ફરશો તો મુંઝાઈને મુરઝાઈ જશો. ભેળા થાવ. એકબીજાને મોટા કરો અને આગળ વધો તો તમે સમાજમાં ઓળખાતા થશો. તમારું કામ ઓળખાતું થશે અને તમને પાંખો મળશે. સૌરાષ્ટ્રના આ ’પટેલ’ની સામાન્ય લાગતી વાતમાં હીરા જેવી નક્કરતા અને ઊંડાણ હતા.
યુવાનો પ્રગતિશીલ બને, પ્રગતિશીલ યુવાનો જ દેશની મૂડી છે………
કાનજીભાઇને યુવાનો માટે સંદેશ આપવાનું કહ્યું તો તેમણે કહ્યું કે યુવાનોને હું એટલું જ કહીશ કે તમે પ્રગતિશીલ બનો, પ્રગતિશીલ યુવાનો દેશની મૂડી છે. પરિવારો પણ સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરે.
કાનજીભાઇએ તેમની જિંદગીમાં અનેક લોકોની લડખડાતી જિંદગીને ટેકો આપ્યો છે. કેટલાંયે હતાશ લોકોને જિદંગી જીવવાનું બળ પુરુ પાડ્યું છે.તેમની સમજણ, તેમના શબ્દોએ ઘણા લોકોનું જીવન સંવાર્યુ છે. કાનજીભાઇની એક ખાસિયત તમારે જાણવા જેવી છે. શહેરના એક પાટીદારની મોટી કંપનીમાં એક CEOએ ગરબડ કરી હતી. કંપનીના માલિકને ખબર પડી તો તેમણે હોહા કરવાને બદલે સમાજના મોભીઓને બોલાવ્યા, તેમાં કાનજીભાઇ પણ સામેલ હતા. બનેં બાજુની વાત સાંભળીને સમાજના મોભીએ નિર્ણય લીધો અને CEOને તો કાઢી મુકવામાં આવ્યા, પણ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું અને હોહા વગર આખી વાતનો ઉકેલ આવી ગયો. સમાજની આવી અનેક સમસ્યામાં કાનજીભાઇ સમાધાન માટે હાજર હોય છે.
જય જવાન નાગરિક સમિતિના માધ્યમથી શહીદ પરિવારના સભ્યોને 7 કરોડની મદદ કરવામાં આવી…
1999માં જયારે કારગીલ યુદ્ધ થયું હતું ત્યારે રાષ્ટ્રીય ભાવનાનો જબરદસ્ત જુવાળ હતો. કાનજીભાઇએ કહ્યું કે તે વખતે અમે વિચાર્યું કે આપણે સરહદ પર જઇને યુદ્ધ તો લડવાના નથી, પરંતુ યુદ્ધમાં શહીદ થયેલા પરિવારોને જો મદદ કરીએ તો લેખે લાગશે. શહેરની ઘણી બધી સંસ્થાઓ ભેગી થઇ અને આખરે જય જવાન નાગરિક સમિતિની રચના કરવામાં આવી હતી.
માત્ર 15 જ દિવસમાં 1 કરોડ 64 લાખ રૂપિયાનું ફંડ ભેગું થઇ ગયું હતું. 1999માં ગુજરાતના જે સૈનિકો શહીદ થયા હતા તેમના દરેક પરિવારને 4-4 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. તે પછી ગુજરાત સિવાયના જે શહીદ સૈનિકો હતા તેમને 2-2 લાખ રૂપિયા આપવાનું શરૂ કર્યું હતું. એક કાર્યક્રમમાં સ્વામી સચ્ચિદાનંદ આવેલાં તેમણે કહ્યું હતું કે આ પ્રવૃતિ આજીવન ચાલવી જોઇએ. તેમને આપવામાં આવેલા મોમેન્ટોનો વેચાણ દ્વારા 5 લાખ રૂપિયા ભેગા થયા હતા જે તેમણે જય જવાન નાગરિક સમિતિને જમા કરાવી દીધા હતા. અત્યાર સુધીમાં શહીદ વીર જવાનોના પરિવારોને 7 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.