હવે એ દિવસો દૂર નથી જ્યારે વિશ્વ સુરતને જ્વેલરી સિટી તરીકે પણ ઓળખતું થાય. અહીં 450 જેટલી ફેક્ટરીઓમાં રોજ લાખો ટન સોનું પિગાળીને ચમકતા ઝવેરાત બનાવવામાં આવે છે, સુખદ આશ્ચર્યની વાત એ છે કે એક સમયે સોનાના ઝવેરાત માટે જાણીતા દક્ષિણ ભારતના શહેરોમાં પણ સુરતમાં ઘડાયેલા ઝવેરાતની માંગ વધી છે.
સુરત શહેરના અનેક ઉપનામ છે. 60-70ના દાયકામાં હીરા અને કાપડનો ધંધો ફૂલ્યો ફાલ્યો તો વિશ્વ સુરતને ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે ઓળખવા લાગ્યું. આફ્રિકા કે રશિયા વિશ્વની કોઈ પણ ખાણમાંથી હીરો નીકળ્યો હોય સુરતમાં જ તે પોલિશ્ડ થાય.
હીરાને ચમકાવવાનું સુરતના રત્નકલાકારો જેવું કૌશલ્ય વિશ્વમાં બીજે ક્યાંય નહીં મળે. તેથી જ ભલે આફ્રિકાની ખાણમાંથી હીરો નીકળ્યો હોય, મુંબઈના વેપારીઓએ તેને ખરીદ્યો હોય પણ તેને ઘાટ તો સુરતના કારખાનામાં જ મળતો. આથી જ સુરત વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાયું.
એ જ રીતે કાપડ ઉદ્યોગ પણ સુરતમાં ખૂબ વિકસ્યો. તો સુરત ટેક્સટાઈલ સિટી તરીકે પણ જાણીતું થયું. 90ના દાયકામાં શહેરના વરાછા અને રિંગરોડ પર ફ્લાયઓવર બ્રિજ તો તાપી પર સરદાર બ્રિજ બન્યો. પછી તો જાણે શહેરમાં બ્રિજનો રાફડો ફાટ્યો. તો લોકો સુરતને બ્રિજ સિટી તરીકે સંબોધવા લાગ્યા.
કહેવાનો તાત્પર્ય એટલો કે સુરત જે કરે તે દિલથી કરે. તેથી જ તે સુરતની ઓળખ બની જાય. 21મી સદીના બીજા દાયકામાં સુરતે જ્વેલરી ક્ષેત્રે ઝંપલાવ્યું છે. તેથી હવે એ દિવસો દૂર નથી જ્યારે વિશ્વમાં સુરત જ્વેલરી સિટી તરીકે પણ જાણીતું બને.
હા, આ એવું સપનું છે જે સાકાર કરવા માટે કેટલાંક ઉદ્યોગ સાહસિકો મંડી પડ્યા છે.
આ ઉદ્યમીઓ એવી જીદ લઈને બેઠાં છે કે સુરતમાં હીરા પોલિશ્ડ થાય તો ઝવેરાત કેમ નહીં બને?
આમ તો માઈન્સ ટુ માર્કેટની ધીમી પણ મક્કમ શરૂઆત 21મી સદીના પહેલાં દાયકા એટલે કે 2005-06માં જ થઈ ગઈ હતી. ત્યારે હીરા ઉદ્યોગની કેટલીક માનીતી કંપનીઓએ પોતાની જ્વેલરી બ્રાન્ડ માર્કેટમાં લોન્ચ કરી હતી.
ચાર-પાંચ મોટી ડાયમંડ કંપનીઓએ પોતાના આઉટલેટ સુરત, મુંબઈ સહિત દેશના મોટા શહેરોમાં શરૂ કર્યા હતા. કેટલાક સમયાંતરે બંધ થયા તો કેટલાક આજે પણ ચાલી રહ્યાં છે. આ જ્વેલર્સ ડાયમંડ જ્વેલરી વેચતા.
ભારતમાં ડાયમંડ જ્વેલરીનું ચલણ થોડું ઓછું એટલે તેઓ ગાજ્યા એટલા છવાયા નહીં. સમય જતાં તેઓનો વિકાસ થોડો ધીમો પડ્યો. સ્થિર રહ્યાં પરંતુ ધાર્યા પ્રમાણે વિકસ્યા નહીં. તેનું કારણ એક જ કે ભારતમાં ડાયમંડ જ્વેલરીનું ઓછુ અને સોનાના ઝવેરાતનું ચલણ વધુ. ભારતીય સ્ત્રીઓ સોનાથી વધુ આકર્ષાય.
ધીમે ધીમે આ બાબત ઉદ્યોગ સાહસિકોના ધ્યાન પર આવી, તો તેઓ હવે સોનામાં હીરાને જડી ઝવેરાત બનાવવા લાગ્યા. ધીમે ધીમે તેમાં સફળતા મળતી ગઈ તો સુરતમાં જ જ્વેલરી મેન્યુફેક્ચરીંગનો એક અલગ ઉદ્યોગ વિકસવા લાગ્યો.
એક-બે ફેક્ટરીઓ પહેલાં નાના પાયે શરૂ થઈ પરંતુ ધંધામાં કસ દેખાતા ધીમે ધીમે તેમાં ઉદ્યોગસાહસિકો જોડાતા ગયા અને આજે પરિસ્થિતિ એ છે કે સુરતમાં કુલ 450 જેટલી ફેક્ટરીઓ ધમધમી રહી છે.
આ ફેક્ટરીઓમાં રોજ હજારો-લાખો ટન સોનું પીગળી ઝવેરાતનો ઘાટ પામે છે. સોનામાં હીરા પણ જડાય છે અને પ્લેટનિમ પણ જડાય છે. એક સમય હતો જ્યારે સોનાના ઝવેરાત માટે દક્ષિણ ભારત વખણાતું હતું, પરંતુ હવે તો સુરતમાં બનતા ઝવેરાત દક્ષિણ ભારતના શહેરોમાં વેચાવા લાગ્યા છે.
જે સુરતના ઝવેરાત ઉત્પાદકો માટે એક મોટી ઉપલબ્ધિ સમાન છે. આ સિદ્ધિ કંઈ રાતોરાત મળી નથી. ઝવેરાત બનાવવા માટે જેમ સોનાને ભઠ્ઠીમાં તપાવું પડે તે જ રીતે પરિશ્રમના તાપમાં ઉદ્યોગ સાહસિકો શેકાયા છે, ત્યારે સુરતમાં જ્વેલરી ઈન્ડસ્ટ્રી મજબૂત બની છે.
આજે સ્થિતિ એવી છે કે સુરત સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વર્ષ પ્રતિ વર્ષ બુલેટ ટ્રેનની સ્પીડમાં વિકાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા એક રિપોર્ટ જાહેર કરાયો હતો, તે વાંચીને તો આંખો ચાર થઈ ગઈ.
એક જ વર્ષના ટૂંકા ગાળામાં સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 93.30 ટકાનો વધારો થયો છે. જેમાં સિંહફાળો સુરતના ઝવેરાત ઉત્પાદકોનો રહ્યો છે.
2020-21માં જ્યાં 20,383 કરોડની જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી તેની સામે 2021-22માં 39,903 કરોડની જ્વેલરી નિકાસ થાય છે. આ એ જ વર્ષો છે જ્યારે સુરત સહિત સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી ગ્રસ્ત હતું. લોકડાઉનનો સામનો કરી રહ્યાં હતાં. યુરોપીયન દેશોની હાલત છૂપી નથી.
લાંબા સમય સુધી યુરોપીયન દેશોમાં લોકડાઉન રહ્યું હતું, તેમ છતાં ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ઝવેરાત વેચાયા અને સુખદ બાબત એ છે કે યુરોપીયન બજારમાં સૌથી વધુ સુરતમાં ઘડાયેલા દાગીના વેચાયા છે.
જીજેઈપીસીના રિપોર્ટ અનુસાર જેમ્સ એન્ડ જ્વેલરીનું કુલ એક્સપોર્ટ 2020-21 માં 2768.97 મિલીયન રહ્યું હતું. જે 2021-22 માં વધીને 5332.52 બીલીયન યુએસ ડોલર નોંધાયું છે. ઉદ્યોગે 39.15 મિલીયન યુએસ ડોલરના ભારત સરકારના ટાર્ગેટને પૂરો કર્યો છે.
સરકારનો સાથ મળે તો જ્વેલરી ઈન્ડસ્ટ્રીનો વિકાસ કોઈ રોકી શકે નહીં
સુરતની બંને મોટી ઈન્ડસ્ટ્રી હીરા અને કાપડની જેમ જ જ્વેલરી ઈન્ડસ્ટ્રી પણ કોઈ મદદ વિના આપબળે ઉભી થઈ છે. ઝવેરાત ઉત્પાદકો સરકાર તરફથી કોઈ સહાયની આશા વિના જ પોતાના સાહસ અને પરિશ્રમથી ઉભા થયા છે. આજે સુરતમાં 450 જેટલી જ્વેલરી મેન્યુફેક્ચરીંગ ફેક્ટરી છે.
અહીં 100 જેટલાં જ્વેલરી મેન્યુફેક્ચરર્સ 10 ટકા એક્સપોર્ટનું લાયસન્સ ધરાવે છે. ત્યારે સરકાર તરફથી સહાય ભલે નહીં મળે પરંતુ સરકારની નીતિઓ ઉદ્યોગના વિકાસમાં બાધારૂપ નહીં બને તેવી અપેક્ષા જરૂર ઉદ્યોગકારો રાખી રહ્યાં છે.
એક જ્વેલરી ઉત્પાદકે કહ્યું કે, છેલ્લાં કેટલાંય સમયથી સુરતના ઝવેરાત ઉત્પાદકોને ડ્યૂટી ફ્રી ગોલ્ડ મળી રહ્યું નથી, જેના લીધે બજારમાંથી ઊંચા ભાવનું સોનું ખરીદવું પડે છે. તેથી પડતર કિંમતમાં સીધો જ 7.50 ટકાનો ભાર ઉત્પાદક પર પડે છે.
સરકારે સુરતના જ્વેલરી ઉત્પાદકોને ડ્યૂટી ફ્રી ગોલ્ડ નિયમિત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવી માંગ ઝવેરાત ઉત્પાદકોની છે.
સુરતના ઝવેરાત ઉત્પાદકોની માંગણીઓ
- સુરતમાં ગોલ્ડ વોલ્ટ સર્વિસ શરૂ થાય
- ડ્યૂટી ફ્રી ગોલ્ડનું વેચાણ કરતી ગર્વમેન્ટ એપ્રુવ્ડ એજન્સીઓ સુરતમાં શરૂ થાય
આજે સ્થિતિ એવી છે કે સુરત સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વર્ષ પ્રતિ વર્ષ બુલેટ ટ્રેનની સ્પીડમાં વિકાસ કરી રહ્યું છે
રશિયા અને યુક્રેન યુદ્ધની અસર ઝવેરાત ઉત્પાદકો પર પડી
રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી છે. ક્રુડ અને ગેસ મોંઘા થયા છે, જેના લીધે લોકોના રસોડા સુધી મોંઘવારી પહોંચી છે, તો આ તરફ જ્વેલરી ઈન્ડસ્ટ્રી પણ યુદ્ધથી અસરગ્રસ્ત થયું છે.
રશિયા-યુક્રેન યુદ્ધના પગલે અમેરિકા દ્વારા રશિયાની ખાણોમાંથી નીકળેવા રફ ડાયમંડમાંથી બનેલા ઝવેરાતની ખરીદી પર અમેરિકામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જેના લીધે સુરતના હીરા ઉદ્યોગમાં રફ ડાયમંડની શોર્ટેજ સર્જાઈ છે.
જેના પગલે હીરા ઉદ્યોગકારોએ કામકાજ ઘટાડ્યા છે. પરિણામે બજારમાં પોલિશ્ડ હીરા ઓછા આવતા થયા તેની અસર ઝવેરાતના ઉત્પાદન પર પડી છે. બીજી તરફ સુરતના ઝવેરાત ઉત્પાદકોને ડ્યૂટી ફ્રી સોનું પણ મળી રહ્યું નથી.
એક ઝવેરાત ઉત્પાદક કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવા માટે એક્સપોર્ટનું લાયસન્સ ધરાવતા ઝવેરાત ઉત્પાદકોને ડ્યૂટી ફ્રી સોનું મળવું જોઈએ. ડ્યૂટી ફ્રી સોનું ગર્વમેન્ટ એપ્રુવડ એજન્સીઓ પાસે જ ખરીદવાનો એક નિયમ છે.
અહીં એમએમપીસી, ગોલ્ડ ડાયમંડ ઈન્ડિયા લિમિટેડ ડ્યૂટી ફ્રી ગોલ્ડનું વેચાણ કરે છે. આ બંને સંસ્થાઓ મુંબઈમાં છે. આ સંસ્થાઓ પાસેથી ગોલ્ડ ખરીદ્યું હોય તો જ એક્સપોર્ટના સંજોગોમાં સરકાર 7.50 ટકા ડ્યૂટી રિબેટ આપે.
છેલ્લાં કેટલાંક સમયથી આ સંસ્થાઓ દ્વારા ડ્યૂટી ફ્રી ગોલ્ડ સુરતના ઉત્પાદકોને આપવામાં આવી રહ્યું નથી. આ સંસ્થાઓ મુંબઈમાં હોય તેઓ પહેલાં મુંબઈના ઝવેરાત ઉત્પાદકોને સોનું આપે ત્યારબાદ બચે ત્યારે સુરતના ઉત્પાદકોને મોકલે છે.
છેલ્લાં એક મહિનાથી મુંબઈમાંથી પૂરતી માત્રામાં સોનું આવી રહ્યું નથી. સોનાના શોર્ટ સપ્લાયના લીધે એક્સપોર્ટના ઓર્ડર અટકી પડ્યા છે. ઝવેરાત ઉત્પાદકો સમયસર ઓર્ડર પૂરા કરી શકતા નથી. એક અંદાજ અનુસાર 500 કરોડના ઓર્ડર સ્થગિત થયા છે.
છેલ્લાં 15 દિવસથી બધા કામકાજ અટકી ગયા છે. એક્સપોર્ટના ઓર્ડર રદ થવાની નોબત આવી છે. એક ઝવેરાત ઉત્પાદકે કહ્યું કે, સુરતમાં ઝવેરાત ઉત્પાદકોની ઈન્ડસ્ટ્રીનું કદ હવે વધ્યું છે ત્યારે કેટલીક સગવડો સરકારે સુરતમાં જ ઉભી કરવી જોઈએ.
સોનું ખરીદવા માટે મુંબઈની એજન્સીઓ પર આધારિત રહેવું યોગ્ય જણાતું નથી. ટૂંકાગાળા માટેના ગોલ્ડના શોર્ટ સપ્લાયનો ઉકેલ ઝવેરાત ઉત્પાદકો આપમેળે શોધી લેશે. યશ બેન્ક જેવી ખાનગી બેન્કો કે જે સોનું વેચે છે તેઓ પાસે ખરીદવાનું આયોજન ચાલી રહ્યું છે.
પરંતું જો આવી સ્થિતિનું નિર્માણ વારંવાર થતું હોય તો સરકારે સુરતમાં જ એવી ગર્વમેન્ટ એપ્રુવ્ડ એજન્સીઓ શરૂ કરવી જોઈએ જેથી સુરતના ઝવેરાત ઉત્પાદકો ડ્યૂટી ફ્રી સોનું સુરતમાં જ ખરીદી શકે.