DIAMOND CITY NEWS, SURAT
વર્ષે દિવસે 2 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતા હીરાઉદ્યોગમાં એક ‘રતન’ એવું પણ છે જે દુનિયાના ઉદ્યોગોમાં એક ડાયમંડ ઉદ્યોગપતિ છે જેઓ પોતે દિવ્યાંગ હોવા છતા 200થી વધારે લોકોને રોજગારી આપે છે. વર્ષે દિવસે 2 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતા હીરાઉદ્યોગમાં એક ‘રતન’ સમાન છે. તેમનું સપનું છે કે તેઓ વધારેમાં વધારે દિવ્યાંગજનોને રોજગારી આપે. પાકિસ્તાની સરહદે આવેલા બનાસકાંઠાના વાવ જિલ્લાના એક નાનકડા ગામ ભરડવામાં જન્મેલો એક બાળક 10 મહિનાની વયે જ પોલિયોનો શિકાર બની ગયો હતો. પરંતુ માતા-પિતાના મજબુત પ્રયાસો અને બાળકના મજબુત ઇરાદાને કારણે આ બાળક આજે હીરાઉદ્યોગની એક ઝળહળતી પ્રતિભા છે. દિવ્યાંગપણું તેમને સફળતાની શિખરો પર પહોંચતા અટકાવી શક્યું નથી. જિંદગીના અનેક ઝંઝાવાતો સામે એ બાળક લડ્યો, અનેક વખત ઠોકરો પણ ખાધી, પરંતુ ફરી ઉભા થયા અને આજે હજારો લોકોને પ્રેરણાના પથ પુરો પાડી રહ્યા છે. સુરત, ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત એ છે કે તાજેતરમાં જ સુરેશ લાલણને તેમની વર્ષગાંઠના દિવસે જ વર્લ્ડ રેકોડર્સ ઇન્ડિયા દ્રારા દુનિયામાં એક દિવ્યાંગ તરીકે સૌથી વધારે રોજગારી આપવા માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.
કહેવાય છે કે કદમ ડગમગતા હોય તેને રસ્તો કદી જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી આ ઉક્તિને વાવના ભરડવા ગામમાં જન્મેલા સુરેશ લાલણે સાર્થક કરી છે. ‘ડાયમંડ સિટીની વ્યકિત વિશેષ’ કોલમમાં તેમની લાઇફ સ્ટોરી વિશે વાત કરીશું.
દિવ્યાંગજનોને પહેલાં લોકો વિકલાંગ કે અપંગ તરીકે સંબોધન કરતા, પરંતુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘દિવ્યાંગ’ શબ્દની ભેટ 27 ડિસેમ્બર, 2015ના દિવસે આપી હતી. તે વખતે તેમણે કહેલું કે દિવ્યાંગ વ્યકિતઓ પાસે સ્પેશિયલ પાવર હોય છે. દિવ્યાંગ એક સન્માનીય શબ્દ છે. પાકિસ્તાનની આર્યન લેડી તરીકે ઓળખાતી મુનિબા મજારી કહે છે કે ડિસેબલ નહીં પરંતુ ડિફરન્ટલી એબલ કહેવું વધારે યોગ્ય છે.
સુરેશ લાલણની કતારગામ વિસ્તારમાં ર્સ્પાકલ ડાયમંડ ફેકટરી આવેલી છે. અમે જ્યારે તેમને મળવા ગયા ત્યારે મગજમાં એક એવી ઇમેજ હતી કે દિવ્યાંગ છે કદાચ નિરાશ વ્યકિતત્વ હશે, પરંતુ અમારી ધારણાં સાવ ખોટી પડી. સુરેશ લાલણ તો આત્મવિશ્વાસથી ભરપુર અને પ્રસન્ન ચહેરો ધરાવતા વ્યક્તિ નિકળ્યા. તેમને જોઇને અને તેમની સાથે વાત કરતા તેમનાથી અભિભૂત થઇ જવાયું. તેમની એક એક વાતમાં જિંદગી પ્રત્યેનો હકારાત્મક અભિગમ, છલોછલ આત્મવિશ્વાસ અને એક સાવ સરળ વ્યકિત નજરે પડ્યા.
અમે સુરેશભાઇ સાથે વાત શરૂ કરી તો ખબર પડી કે તેઓ માત્ર ડાયમંડ ઉદ્યોગકાર જ નથી, પરંતુ કવિ, લેખક અને બ્લોગર પણ છે. એક સંપૂર્ણ મલ્ટીટેલેન્ટેડ વ્યક્તિ. તેમણે અમને એક કવિતા કહી કે જે લાખો કરોડો દિવ્યાંગોને જોશ ભરનારી હતી. તેમણે કહ્યું કે, ‘પગ મારા નબળા હો તો શું થયું. હાથ કોઇના મજબુત કરી શકું છું.’
____________________________________________________________
વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ સૌથી વધારે રોજગારી માટે એવોર્ડ અપાયો
સુરેશભાઇનો 27 નવેમ્બરે જન્મ દિવસ છે અને આ જ દિવસે તેમને વર્લ્ડ રેકોડર્સ ઇન્ડિયા દ્રારા એક દિવ્યાંગ તરીકે દુનિયામાં સૌથી વધારે રોજગારી પુરી પાડનાર ઉદ્યોગકાર તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની ડાયમંડ ફેકટરી પર વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયાના પ્રતિનિધિઓએ જાતે આવીને એવોર્ડની નવાજેશ કરી હતી.
વધુને વધુ દિવ્યાંગને રોજગારી આપવાનું સપનું છે, પ્રયાસ ચાલું છે…
સુરેશભાઇએ કહ્યું કે પહેલાં કરતા તો લોકોની વિચારધારામાં ખાસ્સો ફરક આવ્યો છે. હવે દિવ્યાંગજનોને લોકો દયા કે લાચારીથી જોતા નથી. મેં દર્દ અનુભવ્યું છે એટલુ મારું સપનું છે કે હું ભવિષ્યમાં વધારે ને વધારે દિવ્યાંગ વ્યકિતઓને રોજગારી આપી શકું, એના માટેના મારા પ્રયાસો ચાલું જ છે અને મને પુરો વિશ્વાસ પણ છે કે એક દિવસ હું એમાં સફળ થઇશ.
____________________________________________________________
એક દિવ્યાંગ વ્યક્તિ 200 કરતા વધારે લોકોને રોજગારી આપે અને કરોડો રૂપિયાનો ડાયમંડનો બિઝનેસ કરે છે એ વાતની કુતુહલતાએ અમે તેમની પાસે જાણકારી મેળવી. સાચે જ, તમે સુરેશભાઇની કથની સાંભળશો તો એ વ્યક્તિ વિશે તમને ગૌરવની લાગણી થશે.
સુરેશભાઇનો જન્મ જૈન પરિવારના શાંતિલાલ લાલણ અને ગોમતીબેનના ઘરે થયો હતો. પિતા શાંતિલાલ કરિયાણાના વેપારી અને માતા ગોમતીબેન હાઉસ વાઇફ હતા. સુરેશ લાલનનો જન્મ થયો ત્યારે માતા-પિતાને ખુશીની કોઇ સીમા નહોતી. પરંતુ એ ખુશી ક્ષણિક નીવડી. માત્ર 10 મહિનામાં જ સુરેશભાઇ પોલિયોનો શિકાર બની ગયા. એ એવો સમય હતો જ્યારે પોલિયો વિરોધી રસી વિશે કોઇ અવેરનેસ નહોતી. તેમના બંને પગ ચાલી શકે તેવી સ્થિતિમાં નહોતા.
સુરેશ લાલણે કહ્યું કે, હું ચાલી શકું એવી સ્થિતમાં નહોતો, બાળપણના સમયે જ્યારે બાળકો દોડતા આખડતા હોય તેવા સમયે મારે પગ ઢસડીને ચાલવું પડતું, પરંતુ, હું મારી જાતને ધન્ય સમજું છું કે મારા માતા-પિતા હિંમત હાર્યા નહી અને મને નસીબના ભરોસે ન છોડી દીધો. બલ્કે તેમણે મને પણ હિંમતનો પટારો આપ્યો.
સુરેશભાઇએ કહ્યું કે, મારા માતા-પિતાએ મને બહાર ભણાવા મોકલવાનું નક્કી કર્યું. 1 થી 5 ધોરણ તો ગામમાં જ ભણ્યો, પણ દિવ્યાંગ હોવાને કારણે શાળાએ જવાની જરૂર નહોતી પડતી, ઘરેથી જ પરીક્ષા આપતો. પરંતુ મારું ગામ એવું હતું કે તે સમયે ગામમાં બસ આવતી નહોતી એટલે મને ડોકટરને બતાવવા માટે કે અન્ય કોઇ કામ માટે 9 કિ.મી. દુર બીજા ગામમાં બસ પકડવા માટે મારા સ્વજનો તેડીને લઇ જતા હતા. એમાં પણ જો થોડા મોડા પડ્યા તો બસ નિકળી જતી. એવું કહેવાય છે કે જ્યારે કુદરત એક શક્તિ છીનવી લે છે તો અપાર શક્તિનો બીજો દરવાજો ખોલી નાંખે છે. સુરેશભાઇએ કહ્યું કે, મારી સાથે પણ એવું જ બન્યું. કુદરતે મારી ચાલવાની શક્તિ છીનવી લીધી તો તેની સામે મને શરીર સામે લડવાની તાકાત પણ આપી અને સર્જનાત્મકતા પણ ભરપૂર આપી.
પરંતુ સુરેશભાઇની વાત સાંભળીને તમે કલ્પના કરો કે, તેમને કેટલી વેદના સહન કરી હશે.
સુરેશભાઇએ કહ્યુ કે, શાળાની દિવાલો મને પેઇન્ટ કરવાની ઇચ્છા હતી એક દિવસ મને શાળાએ ટેબલ-ખુરશીની વ્યવસ્થા કરી આપી અને મેં શાળાની દિવાલોને રંગોથી આલિશાન બનાવી દીધી. મારી અંદર એક આર્ટિસ્ટ છુપાયેલો છે તેની મને ખબર પડી. સુરેશભાઇએ કહ્યું કે, જ્યારે તમે તમારી જાતને સ્વીકારો છો કે તમે કોણ છો, ત્યારે તમે દુનિયામાં ઓળખ ઉભી કરો છે અને તે બધું અંદરથી તમારા આત્માથી શરૂ થાય છે.
____________________________________________________________
મારી જિંદગીમાં પહેલું સ્થાન માતા-પિતા અને પરિવાર બીજું સ્થાન ભગવાનનું…
સુરેશભાઇનો સંઘર્ષ જાણ્યા પછી તેમણે અમને કહ્યું કે મારા જીવનમાં આજે પણ પહેલું સ્થાન મારા માતા-પિતા અને પરિવારનું છે પછી બીજા સ્થાને ભગવાન આવે. મારા-માતા પિતાએ મને ભણવા બહાર ન મોકલ્યો હોત તો આજે જે સુરેશ લાલનને તમે જોઇ રહ્યા છો તે સુરેશ લાલન ગુમનામ જિંદગી જીવતા હોત. મારા માતા પિતાનું રૂણ હું જિંદગીભર નહીં ચુકવી શકું. તેમણે પોતાની જિંદગીની મહામુલી મૂડી બચાવીને મારા પગની સર્જરી કરાવી. આજે એક સ્વસ્થ વ્યક્તિ તરીકે હું મારી જિંદગી જીવી શકું છું તો તે મારા માતા-પિતાને કારણે. મારી પત્ની સોનાલી, પુત્ર સ્મિત અને પરિવારનો પુરતો સહયોગ મળ્યો. બીજા સ્થાન પર હું ભગવાનને રાખું છું. મને એવું લાગતું કે સારી કાયનાત મને મદદ કરી રહી છે. મારી જિંદગીના ત્રીજા સૌથી મહત્ત્વના વ્યક્તિ છે વિશાખાપટ્ટનમના તબીબ આદિનારાયણ રાવ. જેમણે મારા પગની માત્ર સર્જરી ન કરી, પરંતુ મને એક નવજીવન પણ આપ્યું.
____________________________________________________________
સુરેશભાઇએ 10માં ધોરણમાં સૌથી વધારે માર્કસ મેળવ્યા હતા ત્યારે તેમનું સપનું હતું કે મારે ડોકટર બનવું છે. 10મું ધોરણ સારા માર્ક્સ સાથે પાસ કર્યા પછી તેમણે ધોરણ 11 સાયન્સમાં એડમિશન લેવા માટે શાળાએ શાળાએ ફર્યા પરંતુ દિવ્યાંગ હોવાને કારણે તેમને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળતો નહોતો. ઘણી શાળાઓમાં પ્રયાસ કર્યા પછી પાલનપુરની પ્રતિષ્ઠીત શાળા વિવિધલક્ષી વિદ્યામંદિરમાં પ્રવેશ મળ્યો. જે શાળાઓ દિવ્યાંગ હોવાને કારણે પ્રેકટીકલ નહીં કરી શકે એવું માનીને પ્રવેશ નહોતી આપતી તે જ પ્રેકટીકલ્સમાં સુરેશભાઇએ અવ્વલ નંબર મેળવ્યો હતો. 12માં ધોરણમાં પણ ઉત્તમ માર્ક્સ મેળવ્યા. પરંતુ દિવ્યાંગજનો માટેના નિયમો મુજબ તે મેડિકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શક્યા નહોતા. એવો નિયમ છે કે 60 ટકા કરતા વધારે દિવ્યાંગ હોય તેમને મેડિકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે નહી અને સુરેશભાઇના તો 80 ટકા પગ દિવ્યાંગ હતા. સુરેશભાઇએ કહ્યું કે તે વખતે તો IPS, IAS વિશે કોઇ જાણકારી પણ નહોતી કે કોઇ માર્ગદર્શન પણ નહોતું મળ્યું.
____________________________________________________________
આજે સુરેશભાઇ કાર પણ ચલાવી શકે છે…
સુરેશભાઇના પગની સર્જરી કરાવ્યા પછી હવે તેમણે પગ ઢસડીને ચાલવું પડતું નથી, પરંતુ ઘોડીના સહારે તેઓ જિદગીના અને બિઝનેસના કામ સરળતાથી કરે છે. એટલું જ નહીં પોતે કાર પણ ડ્રાઇવ કરે છે. તેમણે પોતાની કારને એવી રીતે મોડિફાઈ કરી છે અને મોટે ભાગે પોતાના હાથથી ચલાવી શકે છે. ક્લચ તેમના પગ પર રહે છે પરંતુ એક્સિલરેટર અને બ્રેક તેના હાથમાં રહે છે. તે માત્ર શહેરમાં જ ડ્રાઇવિંગ કરતા નથી પરંતુ માઉન્ટ આબુ અને સાપુતારાની પર્વતમાળામાં પણ કાર ડ્રાઇવ કરી આવ્યા છે. દિવ્યાંગ હોવા છતા સુરેશભાઇ બેલ્જીયમ સહિત અનેક દેશોમાં ફર્યા છે.
સુરેશભાઇએ કહ્યું કે,
મારી સાથે પણ એવું જ બન્યું. કુદરતે મારી ચાલવાની શક્તિ છીનવી લીધી તો તેની સામે મને શરીર સામે લડવાની તાકાત પણ આપી અને સર્જનાત્મકતા પણ ભરપૂર આપી.
____________________________________________________________
આ તો તેમનો સંઘર્ષનો સમયગાળો ગાળો હતો, પરંતુ તેમની કિસ્મતનું પાનું હવે પલટાવાનું હતું. પાલનપુર એવો વિસ્તાર છે જે સુરતમાં ડાયમંડનો બિઝનેસ કરતા મોટાભાગના જૈન વેપારીઓનું વતન છે. સુરેશભાઇ 1990માં સુરત આવ્યા અને એક પ્રતિષ્ઠીત ડાયમંડ કંપનીમાં ડાયમંડ એસોર્ટિંગની જોબ શરૂ કરી. એ પછી 1992માં સુરતના હીરાબજારમાં ટ્રેડીંગનું કામ શરૂ કર્યું. 1994માં પગની સર્જરી કરાવી હતી. એ સમયે તેમના મગજમાં વિચારોનું યુદ્ધ ચાલતું હતું કે ડાયમંડ બિઝનેસને બદલીને કોઇ બીજા બિઝનેસમાં પગલાં પાડું. તે વખતે તેમણે અમદાવાદમાં ફિઝિયોની કસકત માટે જવાનું થયું હતું અને એ દરમિયાન એક પંક્તિ તેમણે વાંચી હતી. એ પંક્તિ હતી, ‘સફર અટકતી નથી કઇં તોફાનો ટકરાતા, હું દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું’ સુરેશભાઇએ કહ્યું કે આ પંક્તિએ મારા મગજ પર વ્યાપક અસર પાડી અને મેં નક્કી કર્યું કે આપણે દિશા બદલવી નથી, પરંતુ જહાજ બદલવું છે. આ શબ્દોને પકડીને ફરી ડાયમંડ ઉદ્યોગમાં આત્મવિશ્વાસ સાથે ઝંપલાવ્યું.
______________________________________________________
સુરેશ લાલણને અનેક એવોર્ડની નવાજીશ થયેલી છે…
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુના હસ્તે 2018ના તેમના કામની સરાહના માટે શ્રેષ્ઠ ડિસેબલ સેલ્ફ એમ્પલોયીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વર્ષ 2007માં ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાના હસ્તે ‘શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારી’નો એવોર્ડ મળ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ અને સુરત-નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે પણ તેમને શ્રેષ્ઠ સ્વરોજગારી માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
______________________________________________________
એક પ્રતિષ્ઠીત ડાયમંડ કંપનીમાં પ્રોડકશન હેડ તરીકે પણ વર્ષો સુધી જોબ કરી અને વર્ષ 2009માં સ્પાર્કલ ડાયમંડના નામથી એક ઘંટી સાથે મહીધરપુરા વિસ્તારમાં કામ શરૂ કર્યું. એ પછી સફળતાના રસ્તાઓ મળતા ગયા અને 2011માં ર્સ્પાકલ ડાયમંડથી મોટી ફેકટરી બનાવી છે જ્યાં આજે 200થી વધારે લોકો રોજગારી મેળવે છે.
______________________________________________________
હજું પણ મોટાં સપનાં જોઇ શકું છું, જિંદગી મસ્તીથી જીવું છું…
કોઇ પણ વ્યકિતના ઉત્સાહમાં અને વધારો થાય તેવી વાત કરતા સુરેશભાઇએ કહ્યું કે, આપણે બધા મેળવવા માટે ઉત્સુક છીએ પણ આપણામાંથી કેટલા ગુમાવવા તૈયાર છે? હંમેશા યાદ રાખો કે મોટા નુકસાન વિના કોઈ મોટો ફાયદો નથી “હું નિઃશંકપણે સ્વીકારી શકું છું કે હું મને શારિરિક મુશ્કેલી છે, પરંતુ મારું મન મુક્ત છે, મારી ભાવના અને આત્મા પણ મુક્ત છે. હું હજુ પણ મોટા સપના જોઈ શકું છું.” તેમણે કહ્યું કે હમેંશા પ્રતિકુળ સંજોગોમાં જ માણસ ઘડાય છે, નિખરે છે અને અંદરની પ્રભાવી શક્તિ બહાર આવે છે.
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM