સુરતની એક જાણીતી ડાયમંડ ટેક કંપનીએ ‘નેચરલ ડાયમંડ જડિત બેટ તૈયાર’ કર્યું છે અને આ બેટ ટીમ ઇન્ડિયાના એક એવા ખેલાડીને ભેટમાં આપવા માટે તૈયાર કરવમાં આવ્યું છે જેનું નામ સાંભળીને ક્રિક્રેટના ચાહકો ખુશીના માર્યા ઉછળી પડશે. ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ખેલાડીના ગરિમાને શોભે તેવું આ ડાયમંડ જડિત બેટ અત્યારે હીરાઉદ્યોગમાં ચર્ચાનો વિષય છે. આ બેટમાં બધા નેચરલ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એવી ટેકનિક વાપરવમાં આવી છે કે જોનારને તરત જ ખબર પડી જાય કે આ નેચરલ ડાયમંડ છે. સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ આ ડાયમંડ જડિત બેટ અંદાજે 10,000 ડોલર (અંદાજે 8 લાખ રૂપિયા)મા તૈયાર થયું છે. બીજી મહત્ત્વની વાત એ છે કે દુનિયમાં પહેલીવાર કોઇ ક્રિકેટર માટે ડાયમંડ જડિત બેટ તૈયાર થયું છે.
સુરત દુનિયાભરમાં ડાયમંડ કટિંગ એન્ડ પોલીશીંગનું સેન્ટર છે અને ડાયમંડના વૅલ્યુએડિશન પણ થતા રહે છે. મૂળ સુરતના અને વર્ષોથી ડાયમંડ ઉદ્યોગની ટેક્નોલૉજી સાથે સંકળાયેલા એક ટેક્નોક્રેટે તેમના એક ગ્રાહક માટે નેચરલ ડાયમંડ જડિત બેટ તૈયાર કર્યું છે. બેટ તૈયાર કરનાર ટેક્નોક્રેટે કહ્યું કે, સુરતના ડાયમંડ ઉદ્યોગો અમને ઘણું આપ્યું છે એટલે નવા ઇનોવેશન લાવીને અમે ઉદ્યોગને કઇંક ને કઇંક પાછું આપવાનો પ્રયાસ કરીએ છીએ.
આ ઇનોવેટિવ ક્રિએશન રૂપે તૈયાર થયેલા ડાયમંડ જડિત બેટમાં 1.04 કેરેટના નેચરલ ડાયમંડ લગાવવામાં આવ્યા છે. બેટના હેન્ડલ અને ચેસ્ટમાં તૈયાર હીરા જડવામાં આવ્યા છે. આ અદભુત ટેકનિક એક નવો માપદંડ સ્થાપિત કરશે કારણ કે હીરાના જાણકાર ન હોય એવા લોકોને પણ નેચરલ ડાયમંડ તરીકેની ઓળખ સરળતાથી મળી જાય એવી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
‘નેચરલ ડાયમંડ ક્રિકેટ બેટ’એ સર્જનાત્મકતા, એડવાન્સ ડાયમંડ ટેક્નોલૉજી અને ક્રિકેટની દુનિયાના સંગમનુ પ્રતીક છે સુરતના એક ક્રિકેટ ચાહકે ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ભેટમાં આપવા માટે ખાસ નેચરલ ડાયમંડ જડિત બેટ તૈયાર કરાવ્યું છે. જાણવા મળેલી માહિતી મુજબ વિરાટ કોહલી માટે ડાયમંડનું બેટ તૈયાર કરાવનાર ડાયમંડ વેપારી સુરતના મોટા વેપારીઓમાં સામેલ નથી, પરંતુ તેમના સપના ઘણા ઊંચા છે. તેઓ વિરાટ કોહલીના ડાઇહાર્ડ ફેન છે. તેમનું એક સપનું છે કે ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર વિરાટને રૂબરૂ મળીને બેટ ભેટમાં આપવું છે.
આ નેચરલ ડાયમંડ બેટ તૈયાર કર્યું છે Lexus-Technomist Groupના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ. તેમણે કહ્યું કે, આ હીરા તૈયાર કરવામાં નેચરલ ડાયમંડને લેબગ્રોન ડાયમંડથી અલગ તારવવા માટે નેચરલ સ્કીન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. કંપનીએ એવી ટેકનિકનો ઉપયોગ કર્યો છે જેના કારણે સાવ સામાન્ય લોકોને નેચરલ અને લેબગ્રોન ડાયમંડ વચ્ચેનો તફાવત ખબર પડી જાય.
ઉત્પલ મિસ્ત્રીએ કહ્યું કે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલીના એક જબરા પ્રસંશકે આ બેટ તૈયાર કરાવ્યું છે અને તેમની ઇચ્છા છે કે વિરાટ કોહલીને રૂબરૂમાં મળીને આ અદભુત ક્રિએશનવાળું ભેટ આપવામાં આવે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM