DIAMOND CITY NEWS, SURAT
મુંબઈની સાડા ચાર દાયકા જૂની જાણીતી ડાયમંડ કંપની 100 કરોડમાં કાચી પડ્યા પછી લવાદ દ્વારા કરાવવામાં આવેલું સમાધાન પડી ભાંગ્યું હોવાનું જાણવા મળ્યું છે. પેઢી સુરત અને મુંબઈના વેપારીએ 60 થી 65% પેમેન્ટ ચૂકવવાનું સમાધાન કરી ફરી જતાં લવાદ મુશ્કેલીમાં મુકાયા છે.
100 કરોડથી વધુમાં ઉઠમણું કરનાર મુંબઈ ડાયમંડ કંપનીએ સમાધાન મુજબ 60/65 ટકા પેમેન્ટ ચૂકવવા ઇન્કાર કરી દીધો છે. આ પેઢીએ 60ને બદલે હવે 40 ટકા પેમેન્ટ ચૂકવણા લવાદને મેસેજ મોકલ્યા વિવાદ સર્જાયો છે અને લેણદારો ફરી દોડતા થયા છે.
ગઈ તા. 28 જુને મુંબઈના બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં સુરતના 10 અને મુંબઈના 20 લેણદાર હીરા વેપારીઓએ ક્રેડિટ પર આપેલા પોતાના હીરા અને એના નાણાંની સલામતી માટે બેઠક યોજી હતી.
કાચી પડેલી પેઢીના કાકા – ભત્રીજાએ આ સમાધાન બેઠકમાં વાત મૂકી હતી કે, હોંગકોંગની પેઢીમાં મોટી રકમ ફસાયા પછી રાજકીય વગ ધરાવતા સુરતના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગકારે દબાણપૂર્વક પોતાની મૂડી કઢાવી જતાં મની રોટેશન અટકી જતાં આ સ્થિતિ ઊભી થઈ છે.
પાલનપુરની કંપનીએ લેણદારોને વધેલો માલ અને પ્રોપર્ટી અવેજમાં સેટલમેન્ટ પેટે 60 ટકાનો ફૉર્મ્યુલા રજૂ કરી હતી. જોકે લેણદારોનું માનવું છે કે, પેઢી કાચી પડી હોવાની વાત સ્ટંટ છે, નેચરલ ડાયમંડનો ભાવ ઊંચકાયો છે ત્યારે વ્યાજ ન આપવા અને 40 રકમ મુદ્દલમાં કાપી લઈ આ કંપની ઠગાઇનો વેપલો કરવા માંગે છે.
તેમ છતાં તેઓ 35 થી 40 ટકા નુકસાન વેઠવા તૈયાર થયા હતા પણ હવે ઉઠમણું કરનાર પેઢી એ દરેક લેણદારોને 40 ટકા લેખે પેમેન્ટ આપવા જણાવ્યા વિવાદ ઊભો થયો છે.
મુંબઈથી દુબઈ, હોંગકોંગ અને એન્ટવર્પ સુધી વેપાર ધરાવનાર પેઢી આર્થિક સંકડામણમાં સપડાતા બેન્કોએ પણ ધિરાણની સલામતી માટે માલિકોને તેડાવ્યા હતાં. બેન્કોએ અહેવાલોને પગલે 45 વર્ષ જૂની આ પેઢીની CC અને ODની સુવિધા બ્લૉક કરી દીધી છે.
45 વર્ષથી હીરાનો વેપાર કરતી જાણીતી હીરાની પેઢી દ્વારા ઊંચી કિંમતના પ્યોર ઈલેવન પોલીશ્ડ ડાયમંડ ખરીદાતાં હતાં, હવે ચૂકવણા પેટે લેણદારોને હલકી કિંમતના એલબી બ્રાઉન ડાયમંડ પધરાવવામાં આવતા હોવાના અહેવાલને કારણે લેણદારોમાં રોષ ફેલાયો છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp