હીરાઉદ્યોગની મંદી જીવલેણ બની : સુરતની ડાયમંડ કંપનીએ નોકરીમાંથી છુટા કર્યા બાદ રત્નકલાકારે પરિવાર સાથે ઝેર પી આપઘાત કર્યો

કોઈને નોકરીમાંથી છૂટા કરતી વખતે તેના પરિવારનું શું થશે? હીરા ઉદ્યોગકારોએ થોડા સંવેદનશીલ બનવાની જરૂર છે.

Diamond industry recession turns deadly-Jeweller commits suicide with family after being fired by Surat diamond company-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હીરા ઉદ્યોગની મંદી જીવલેણ બની છે. છેલ્લાં કેટલાંય સમયથી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન ઘાંટા પાડી પાડીને બેરોજગાર રત્નકલાકારોના મામલે સરકારના બહેરા કાનોને રજૂઆત કરી રહ્યું છે પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. પરિણામે એક એવી ઘટના બની જે ઘટનાએ આખાય હીરા ઉદ્યોગને હચમચાવી દીધું. સુરતના સરથાણા વિસ્તારમાં એક રત્નકલાકારે સહપરિવાર મોત વહાલું કરી દીધું.

સરથાણા વિસ્તારમાં આઘેડ રત્ન કલાકારે પત્ની, 25 વર્ષિય દીકરી અને દીકરાએ સાથે મળીને ઝેર પીને સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. ભલભલાને હચમચાવી દેનારી આ ઘટનામાં આત્મહત્યા પાછળ આર્થિક સંકળામણ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિવારના ચારેચાર સભ્યોએ સામટું  ઝેર ઘોળી લીધું હતું. સારવાર દરમિયાન 7 જૂનની રાત્રે સૌથી પહેલા પત્નીનું મોત થયું હતું અને ત્યારપછી દીકરી મોતને ભેટી હતી. છેવટે મોત સામે ઝઝૂમી રહેલા પિતા-પુત્રનું મોત નિપજતા આખો પરિવાર સાફ થઈ ગયો હતો. મરનાર રત્નકલાકાર પિતાનો ફોન પોલીસને મળી આવ્યો છે. તેમાં આત્મહત્યા પહેલા પિતાએ વિડિયો બનાવ્યો છે. તેઓ આ વિડીયોમાં કહી રહ્યાં છે કે તે સારા પિતા નથી બની શક્યા. તેઓનો એક દીકરો અને એક દીકરી માસીના ઘરે ગયા હોવાથી બંને બચી ગયા છે. 

સરથાણામાં યોગી ચોક પાસે વિજયનગર સોસાયટીમાં રહેતા વિનુભાઈ ખોળાભાઈ મોરડિયા (50 વર્ષ) મૂળ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની હતા. વિનુભાઈ મોરડીયા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ભરણ-પોષણ કરતા હતા. તેઓને ચાર સંતાનો હતા. પરિવારમાં પત્ની શારદાબેન (47 વર્ષ) પુત્રી સેનિતા ઉર્ફ ટીના (25 વર્ષ) પુત્ર ક્રિશ, પુત્ર પાર્થ અને પુત્રી રૂચિતા છે. પત્ની શારદાબેન અને સેનિતા ઘરમાં જ લેસપટ્ટીનું કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતા હતા. જ્યારે હાલમાં જ ધો. 12ની પરીક્ષામાં પાસ થયેલો 17 વર્ષીય ક્રિશ મોરડીયાએ કોલેજમાં અભ્યાસ માટેની તૈયારી હાથ ધરી હતી.

7 જૂને સાંજે આઠ વાગ્યાના સુમારે મોરડીયા પરિવારના ચારેય સભ્યોએ સરથાણા બીઆરટીએસ કેનાલ રોડ પર આવેલી દાતાર હોટલ પાસે પહોંચ્યા હતા. જ્યાં વિનુભાઈ, શારદાબેન, સેનિતા અને ક્રિશે ઝેર પી લીધું હતું. ઝેર પીધા બાદ વિનુભાઈએ પોતાના પિતરાઈ ભાઈ પ્રવીણભાઈને ફોન કરીને કેનાલ રોડ પર મળવા માટે બોલાવ્યા હતા. જેને પગલે થોડી જ વારમાં પ્રવીણભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં ચારેય જમીન પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા.

તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને કોલ કરીને સમગ્ર પરિવારને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ સેનિતાનું મોત નિપજ્યું હતું. આજ રોજ ગુરુવારે સવારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પુત્ર ક્રિશનું અને બાદમાં સાંજે પિતા વિનુ મોરડીયાનું પણ મોત થયું હતું  સામુહિક આપઘાતની ઘટનાને કારણે તેમના વતન સિહોરમાં પણ ચકચાર મચી ગઈ હતી.

આ સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે જોતાં પરિવારે આર્થિક સંકળામણના કારણે સામુહિક આત્મહત્યા કરી હોય તેવું લાગે છે.  ઘટના સ્થળ પરથી વિનુભાઈ મોરડિયાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેમાં વિનુભાઈ જણાવે છે કે પોતે જાતે પગલું ભરે છે, તેના માટે કોઈ જવાબદાર નથી, પોતે સારો પુત્ર નથી બની શક્યો, સારા પિતા નહીં બની શક્યા, પિતા તરીકેની જવાબદારી નહીં નિભાવી શક્યા, તેવું કહીને વિડીયોમાં સારા બાપ નહીં બની શક્યાનો અફસોસ વ્યક્ત કર્યો છે. તેઓએ પરિવારની અંતિમવિધી કરવાની પણ અનિચ્છા દર્શાવી છે. પોલીસે ઘટના સ્થળની બારીકાઈથી તપાસ કરતા ત્યાંથી પાણીની બાટલી અને એક ઝેરની બાટલી મળી આવી હતી.

આ ઘટનાની ચિંતાજનક બાબત એ છે કે વિનુભાઈ મોરડિયા રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. ઉનાળા વેકેશન સમયે જ તેઓ જે કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા તે કંપનીએ તેમને તેમજ અન્ય કર્મચારીઓને છૂટા કર્યા હતા. ત્યારબાદ તેઓને કામ મળતું ન હતું. જેના કારણે તેમના માટે પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું હતું અને ભારે આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યાં હતા.

Diamond industry recession turns deadly-Jeweller commits suicide with family after being fired by Surat diamond company-2

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન છેલ્લાં કેટલાંય મહિનાઓથી હીરા ઉદ્યોગની મંદી અને રત્નકલાકારો બેરોજગાર બની રહ્યાં હોવા અંગે તંત્રને ફરિયાદ કરી રહ્યું છે. રત્નકલાકારોને તેમના હક્ક થી વંચિત રાખીને ડાયમંડની કંપનીઓ રત્નકલાકારોને નોકરીમાંથી છૂટા કરી રહ્યાં હોવાની ફરિયાદ પણ કરાઈ હતી. ટૂંકા ગાળામાં 10,000 રત્નકલાકારોએ આપઘાત કર્યા હોવાના આંકડા પણ યુનિયન દ્વારા સરકારમાં રજૂ કરાયા હોવા છતાં કોઈએ આ ફરિયાદો પર ધ્યાન આપ્યું નહીં. પરિણામ સ્વરૂપ એક આખોય પરિવારે સામુહિક આપઘાત કરવાનો રસ્તો અપનાવ્યો. ડાયમંડ કંપનીએ નોકરીમાંથી છૂટા કર્યા બાદ રત્નકલાકારને પરિવારનું ભરણપોષણ કરવાનું કેટલું મુશ્કેલ બન્યું હશે કે તેને સહપરિવાર મોત વ્હાલું કરવા મજબૂર બનવું પડ્યું. આ એક ઘટના નથી. આવી અનેક ઘટનાઓ બની રહી છે, જેની પર કોઈ ધ્યાન આપતું નથી. ખરેખર તો લાખો કરોડો રૂપિયા કમાતા હીરા ઉદ્યોગકારોએ આ મામલે જવાબદાર બનવું જોઈએ. ઉદ્યોગમાં તેજી મંદી આવતી રહે. મંદીમાં હીરા ઉદ્યોગકારોએ રત્નકલાકારોને સાચવી લેવા જોઈએ. કોઈને નોકરી પરથી છૂટા કરતી વખતે એટલું વિચારવું જોઈએ કે તેના પરિવારનું શું થશે? ઉદ્યોગકારો, કારખાનેદારો થોડા સંવેદનશીલ બને તો આવી ઘટનાઓ ટાળી શકાશે.

રત્નકલાકારને ચાર બાળકો હતા, બેના મોત બે અનાથ બન્યા

વિનુભાઈ મોરડીયા અને તેમની પત્ની શારદાને ચાર બાળકો હતો. જૈમાં સૌથી મોટી પુત્રી સૈનીતા અને ત્યારબાદ પુત્રી રૂચિતા, પુત્ર કૃશ અને પાર્થનો સમાવેશ થાય છે. જો કે, આ ચારેય બાળકો પૈકી પુત્રી રૂચિતા અને પુત્ર પાર્થ ઘરની પાસે જ રહેતા માસીને ત્યાં ગયા હોવાને કારણે તેમનો બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વિનુભાઈએ પત્ની અને બે સંતાન સાથે ઝેર પીધા બાદ પિતરાઈ ભાઈ પ્રવીણભાઈને ફોન કર્યો હતો. તેમાં પિતરાઈ ભાઈને જણાવ્યું હતું કે તેમના અન્ય બે બાળકોની સાર-સંભાળ રાખજો. પછી વિનુભાઈએ કહ્યું કે બીઆરટીએસ કેનાલ રોડ પર મળવા આવ એટલું કહ્યા બાદ ફોન કાપી નાખ્યો હતો. પ્રવીણભાઈએ સામેથી ફોન કર્યા પરંતુ વિનુભાઈએ ફોન ઉપાડ્યો નહતો. તેથી ગભરાયેલા પ્રવિણભાઈ વિનુભાઈને મળવા માટે કેનાલ રોડ પર પહોંચ્યા હતા. જ્યાં પહોંચતાની સાથે પ્રવિણભાઈના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઈ હતી. ભાઈ-ભાભી સહિત ભત્રીજો અને ભત્રીજી જમીન પર પડેલા હતા.

ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને તપાસની માંગ કરી

સરથાણામાં રત્નકલાકાર પરિવારના સામૂહિક આપઘાત કેસમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જિલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે સુરતનાં જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલી આ કેસની તટસ્થ અને ન્યાયી તપાસની માંગ કરી છે. યુનિયને રત્નકલાકારનાં પરિવારે આપઘાત કઈ સ્થિતિમાં, કયા કારણોસર કર્યો છે એના સાચા કારણો બહાર આવવા જોઈએ તેવું ભારપૂર્વક કહ્યું છે. ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે,હીરા ઉદ્યોગની સ્થિતિ સારી નથી. બેરોજગારી વધી રહી છે. મુખ્યમંત્રીને પત્રો લખી વારંવાર રત્નકલાકારો માટે 2008નાં મંદીના વર્ષની જેમ રત્નદીપ યોજના ફરી શરૂ કરવા અને બેરોજગાર રત્નકલાકારોને બેકારી ભથ્થું આપવા અથવા અન્ય કોઈ રીતે સહાય કરવા માંગ કરી છે, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ સોલંકીની ગત સપ્તાહે જ ગાંધીનગરમાં મુલાકાત લઈ હીરા ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અંગે ચેતવ્યા હતાં. જો સ્થાનિક તંત્ર જાગૃત રહ્યું હોત તો આવી ઘટના ટાળી શકાય હોત.

સામુહિક આપઘાતના દુઃખદ બનાવમાં વિનુભાઈ મોરડીયા તેમના પત્ની શારદા બેન ઉ,50 પુત્ર ક્રિસ ઉ, 20 તથા પુત્રી સેનિતા ઉ, 15 નાં મોત થયા છે, વિનુભાઈની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી અને હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આર્થિક સંકટમાં આવી ગયા હોવાથી આ પગલું ભર્યું હોય શકે છે, એવું પ્રાથમિક તપાસમાં પોલીસ જણાવી રહી છે. વિનુભાઈના બીજા બંને બાળકો નોંધારા બની ગયા છે ત્યારે ઉદ્યોગ અને સરકારે આ બંને બાળકોને આર્થિક સહાય આપવી જોઈએ. જેથી વતનમાં રહેતા વિનુભાઇનાં પરિવારના વડીલોને પણ રાહત મળી શકે. યુનિયને મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી પણ ભોગ બનનાર પરિવારને આર્થિક મદદ કરવામાં આવે એવી માંગણી કરી છે તથા સામૂહિક આપઘાતથી સમગ્ર હીરાઉધોગ અને સુરતમાં ગમગીની છવાઈ છે ત્યારે સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય, નિષ્પક્ષ, ન્યાયિક તપાસ કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS