વર્ષ 2023ના પહેલાં છ મહિના હીરા ઉદ્યોગ માટે સારું રહ્યું નથી. વૈશ્વિક સ્તરે ડાયમંડની ડિમાન્ડમાં ઘટાડાના પગલે ભારતીય હીરા ઉદ્યોગ પર માઠી અસર પડી છે. જાન્યુઆરીથી પોલિશ્ડ હીરાની નિકાસમાં ઘટાડો થયો છે, તે જુનમાં પણ ચાલુ રહ્યો હતો.
ભારતની પોલિશ્ડ ડાયમંડની નિકાસ વાર્ષિક ધોરણે 32% ઘટીને જૂનમાં $1.38 બિલિયન થઈ છે, જે 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વૈશ્વિક માંગ ધીમી થવાને કારણે છે. દેશની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના તાજેતરના આંકડા દર્શાવે છે કે રફ આયાતમાં પણ ઘટાડો થયો છે, જૂન મહિનામાં રફની આયાત 33% ઘટીને $1.26 બિલિયન રહી છે.
વર્ષ 2023ના પ્રથમ છ મહિનાના આંકડા પર નજર કરીએ તો પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં વાર્ષિક ધોરણે 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. 22 ટકા ઘટીને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 9.84 બિલિયન ડોલર થઈ છે. જ્યારે રફ ડાયમંડની આયાતમાં પણ 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. રફની આયાત 18 ટકા ઘટીને 8.14 બિલિયન ડોલર પર પહોંચી છે.
ભારતના હીરાના નિકાસકારો મુશ્કેલ વર્ષનો સામનો કરી રહ્યા છે. કારણ કે મુખ્ય બજારો યુએસ અને ચીનમાં આર્થિક મંદીને કારણે કન્ઝ્યુમર માર્કેટમાં ડિમાન્ડ નથી. યુ.એસ.માં મોંઘવારીનું દબાણ, રોગચાળાના નિયંત્રણો હટાવ્યા પછી ચીનની અપેક્ષા કરતાં ધીમી રિકવરી અને સોનાના અસ્થિર ભાવ ભારતીય હીરાના વેપારીઓ માટે પડકારજનક સ્થિતિ ઉભી કરી રહ્યાં છે.
સ્ત્રોતો : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, રેપાપોર્ટ આર્કાઈવ્સ
સુરતના હીરા ઉદ્યોગકારો માટે હાલ ઈન્વેન્ટરીનું અસંતુલન પણ ખૂબ મોટી સમસ્યા બની ગયું છે. બજારમાં પોલિશ્ડની ડિમાન્ડ નહીં હોવાના લીધે સુરતના હીરાવાળા પાસે પોલિશ્ડનો ભરાવો થઈ રહ્યો છે, તેથી તેઓ રફની ખરીદી ટાળી રહ્યાં છે.
2024માં ભારતીય પોલિશ્ડ ડાયમંડની નિકાસ વધુ ઘટશે
છેલ્લાં છ મહિનાથી ભારતીય હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. હીરા ઉદ્યોગ હાલ સંક્રમણનો સમય ચાલી રહ્યો છે. રેટિંગ એજન્સી ICRAના જણાવ્યા અનુસાર, વૈશ્વિક મંદીના કારણે અગાઉના વર્ષમાં 8-10 ટકાના સંકોચન પછી FY24માં ભારતીય કટ અને પોલિશ્ડ ડાયમંડ શિપમેન્ટ 10-15% થી $19-20 બિલિયન સુધી ઘટી શકે છે.
રેટિંગ એજન્સીએ એપ્રિલ 2023માં જાહેર કરેલા રિપોર્ટ અનુસાર બજાર નબળી માંગનો સામનો કરી રહ્યું છે. રફની ઊંચી કિંમત અને પોલિશ્ડમાં માંગ નહીં હોવાના લીધે હીરાના વેપારીઓની ક્ષમતા મર્યાદિત બની છે. તેમના નફાના માર્જિન પર નકારાત્મક અસર પડી છે. રેટિંગ એજન્સી નાણાકીય વર્ષ 2024માં સ્થિર રહેવા માટે રફ પ્રાઇસીંગની ધારણા રાખે છે કારણ કે પછીના બે વર્ષમાં કાચા હીરાના માઇનિંગ ઉત્પાદનમાં કોઈ મોટા રેમ્પ-અપની આગાહી કરવામાં આવી નથી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM